ભારત-ઑસ્ટ્રેલિયા ટી20 : 5 બૉલ 24 રનની એ ઓવર જેણે મૅચની બાજી પલટી નાખી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે ઑસ્ટ્રેલિયા સામેની ટીટ્વેન્ટી મૅચ 44 રનોથી જીતી લીધી હતી. બીજી ટીટ્વેન્ટીમાં યશસ્વી જયસ્વાલની ધુઆંધાર બેટિંગ સાથે ભારતે વિજય મેળવ્યો. હવે ભારત 5 મૅચની સિરીઝમાં 2-0થી આગળ થઈ ગયું છે.
આમ જો ભારત આગામી મૅચ જીતી જાય છે તો, સિરીઝ તે પોતાના નામે કરી લેશે.
આ વખતે ફરી રિંકુ સિંહએ પણ ધુઆંધાર બેટિંગ કરીને 9 બોલમાં 31 રન કર્યાં. જેમાં 2 સિક્સર પણ ફટકારી.
ઑપનર યશસ્વી જયસ્વાલે 25 બોલમાં 2 સિક્સર અને 9 ચોગ્ગા સાથે 53 રન ફટકાર્યાં. વળી ઑપનર ઋતુરાજ ગાયકવાડે 43 બોલમાં 58 રન કર્યાં હતાં.
ભારતના બૅટ્સમૅન ઝળક્યા હતા. ભારતે 20 ઑવર્સમાં 4 વિકેટના નુકસાને કુલ 235 રન ફટકાર્યાં હતા.
ઇશાન કિશને 32 બોલમાં 52 રન જ્યારે કપ્તાન સૂર્યાકુમાર યાદવે 10 બોલમાં 19 રન કર્યાં સૂર્યાકુમારે 2 સિક્સર ફટકારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારત ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ હારી ગયું હતું. અને એ વર્લ્ડકપ રમેલી ટીમમાંથી માત્ર સૂર્યાકુમાર યાદવ અને ઇશાન કિશન જ આ ટીટ્વેન્ટી સિરીઝમાં રમી રહ્યા છે. સૂર્યાકુમાર યાદવને કપ્તાની આપેલી છે.
બીજી તરફ ઑસ્ટ્રેલિયામાંએ બેટિંગમાં 20 ઑવર પૂરી રમી હતી અને 9 વિકેટે 191 રન કર્યાં હતાં. ઑસ્ટ્રેલિયાનું મિડલ ઑર્ડર અને ઑપનિંગ જોડી બંને સારો મોટો સ્કૉર નહોતા કરી શક્યા. પરંતુ 5મા ક્રમે આવેલા માર્કસ સ્ટોનિસ અને ટીમ ડેવિડ તથા મૅથ્યૂ વેડની બેટિંગ ધુઆંધાર રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માર્કસે 25 બોલમાં 45 રન ફટકાર્યાં જેમાં 4 સિક્સર ફટકારી અને ટીમ ડેવિડ 22 બોલમાં 37 રન કર્યાં અને મૅથ્યૂ વેડ 23 બોલમાં 42 રન ફટકાર્યાં. તેઓ અણનમ રહ્યા હતા.
ભારત તરફથી બોલિંગમાં પ્રસિધ ક્રિષ્નાએ 3 વિકેટ લીધી હતી અને રવિ બિશ્નોઈએ પણ 3 વિકેટો લીધી હતી.
જ્યારે અર્શદીપ સિંઘ, અક્ષર પટેલ અને મુકેશ કુમારને 1-1 વિકેટો મળી હતી.
આ વખતે ઑસ્ટ્રેલિયાની ટીમમાં ગ્લેન મૅક્સવેલ અને એડમ ઝામ્પા ટીમમાં આવી ગયા હતા. તેઓ પહેલી મૅચમાં નહોતા રમ્યા.

યશસ્વી જયસ્વાલ – 5 બોલમાં 24 રન

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે ખૂબ ઝડપી શરૂઆત કરી હતી. બેટિંગમાં ઑપનર જયસ્વાલે 4થી ઑવરમાં સીન એબોટની ઑવરમાં 5 બોલમાં 3 ચોગ્ગા અને 2 સિક્સર ફટાકરી 24 રન કર્યાં હતાં.
એ ઑવરમાં પહેલા ત્રણ બોલમાં જયસ્વાલે 3 ચોગ્ગા ફટકાર્યાં જ્યારે ચોથા બોલે ડીપ મિડ-વિકેટ પર સિક્સર ફટકારી. ફરી 5મા બોલે પણ તેમણે સિક્સર ફટકારી હતી. જ્યારે ઑવરના અંતિમ બોલમાં કોઈ રન નહોતો આવ્યો.
જયસ્વાલની બેટિંગની ઘણી પ્રશંશા થઈ રહી છે. સાથે સાથે ભારતીય યુવા ટીમ જે રીતે રમી રહી છે તેનાથી ક્રિકેટ ચાહકોમાં પણ ખુશી છે.
ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. થિરુવનંતપૂરમમાં રમાયેલી આ મૅચમાં જેસોન બેહરેન્ડોર્ફ અને એરોન હાર્ડીની જગ્યાએ મૅક્સવેલ તથા ઝામ્પાને લેવાયા હતા.
ભારતે ધુઆંધાર બેટિંગ કરીને ઑસ્ટ્રેલિયાનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય ખોટો પુરવાર કર્યો હતો.
પહેલી મૅચમાં રિંકુસિંહે ધુઆંધાર બેટિંગ કરી હતી અને આ મૅચમાં પણ તેમણે સારું પરફૉર્મ કરતા તેમના પર પણ આ સિરિઝમાં સૌની નજર રહેશે.
આ મૅચમાં યશસ્વી જયસ્વાલને પ્લેયર 'ઑફ ધ મૅચ જાહેર' કરવામાં આવ્યા હતા.
પાણીપુરી વેચવાથી સદી ફટકારવા સુધીની 'યશસ્વી' કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"યશસ્વી જ્યારે 11 વર્ષના હતા, ત્યારે મેં પહેલી વખત તેને રમતા જોયા હતો. તેની સાથે વાત કરીને જાણ થઈ કે તે મૂળભૂત વસ્તુઓ માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેની પાસે જમવા માટે પૈસા નહોતા અને રહેવા માટે જગ્યા પણ નહોતી. તે મુંબઈના એક ક્લબમાં ગાર્ડ સાથે ટેન્ટમાં રહેતો. તે દિવસ દરમિયાન ક્રિકેટ રમતો અને રાત્રે પાણીપુરી વેચતો."
"સૌથી મોટી વાત હતી કે તે ઉત્તર પ્રદેશના ભદોહીસ્થિત પોતાના ઘરથી દૂર મુંબઈમાં હતો." આ શબ્દો છે યશસ્વી જયસ્વાલના કોચ જ્વાલા સિંહના.
વર્ષ 2020માં અન્ડર-19 ક્રિકેટ વિશ્વકપમાં પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારી યશસ્વી જયસ્વાલે ભારતની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. તેમણે એ મૅચમાં 105 રન કર્યા હતા.
કોચ જ્વાલાસિંહ આગળ કહ્યું હતું કે, "એ યશસ્વી માટે મુશ્કેલ સમય હતો કારણકે બાળકોને પોતાનું ઘર પણ યાદ આવે છે. એક રીતે તો તેણે પોતાનું બાળપણ ગુમાવી દીધું હતું. પરંતુ યશસ્વી પોતાના જીવનમાં કંઈક કરવા માગતો હતો. મારી કહાણી પણ આવી જ હતી."
"હું પણ નાની વયે ગોરખપુરથી કંઈક કરવા માટે મુંબઈ આવી ગયો હતો. મેં એ બધું સહન કર્યું હતું જે યશસ્વી કરી રહ્યો હતો."
"તેની મુશ્કેલીને હું સમજી શકતો હતો. ઘરથી થોડા પૈસા મળતા હતા. પોતાના પરિવારને કંઈ કહી ન શકાય કારણ કે એવો ડર લાગતો કે જો પરિવારજનોને આ વિશે ખબર પડે તો તેઓ પરત ન બોલાવી લે. ત્યારે મેં નક્કી કર્યું કે હું આ છોકરાની મદદ કરીશ, તેને ટ્રેનિંગ આપીશ, તેની જરૂરિયાત પૂરી કરીશ, ત્યારથી એ છોકરો મારી સાથે છે."
આઈપીએલ 2023માં પણ 'ધૂંઆધાર' બેટિંગ

ઇમેજ સ્રોત, Getty Images
આઈપીએલ 2023માં પણ કોલકતા નાઇટરાઇટર્સ સામેની એક મૅચમાં 150 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી રાજસ્થાન રૉયલ્સના ઑપનિંગ બૅટ્સમૅન તરીકે યશસ્વી જયસ્વાલે મેદાન પર આવતાં જ ધૂંઆધાર બેટિંગ કરી હતી અને પ્રથમ ઓવરમાં 26 રન ફટકારી દીધા હતા. જયસ્વાલે એવી તોફાની ઇનિંગ રમી કે માત્ર 13 રનમાં જ અડધી સદી ફટકારી દીધી હતી.
આ આઇપીએલની સૌથી ઝડપી અર્ધ સદી હતી, અત્યાર સુધી આ રેકૉર્ડ કે. એલ. રાહુલના નામે હતો તેમણે 14 બૉલમાં અડધી સદી ફટકારી છે. ત્રણ છગ્ગા સાત ફોર અને માત્ર 13 બૉલમાં જયસ્વાલે આઇપીએલના ઇતિહાસની સૌથી ઝડપી અર્ધ સદી નોંધાવી દીધી હતી.
આ પહેલાં આઈપીએલની 1000મી મૅચમાં પણ જયસ્વાલની 'ઝંઝાવાતી બેટિંગે' ધૂમ મચાવી દીધી. એ વખતે યશસ્વીએ 62 બૉલમાં 124 રન કર્યા હતા અને મુંબઈ ઇન્ડિયન્સ સામે પોતાની આક્રમક બેટિંગથી પ્લાનિંગ, પ્લેસમૅન્ટ અને ટાઇમિંગનો ઉત્તમ નૂમનો રજૂ કર્યો હતો.
ચેન્નઈ સુપરકિંગ્સ સામેની મૅચ દરમિયાન પણ યશસ્વી જયસ્વાલે પહેલાં જ બૉલથી આક્રમક બેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું અને પહેલી જ ઓવરમાં તેમણે સળંગ બે ચોગ્ગા મારી પોતાના ફૉર્મના સંકેત આપી દીધા હતા. એટલું જ નહીં એ મૅચમાં ચાલુ કૉમેન્ટરીએ કેવિન પીટરસને પણ યશસ્વી જયસ્વાલનાં વખાણ કરતાં કહ્યું હતું કે, “વિશ્વ ક્રિકેટમાં એવા કોઈ બૅટ્સમૅનની કલ્પના ન કરી શકાય જે જૉસ બટલરની સાથે ઓપનિંગ કરતો હોય અને તેનાથી પણ વધારે આક્રમક હોય! પણ આ વખતે જયસ્વાલ એવું કરી દેખાડ્યું.”
મહેન્દ્રસિંહ ધોનીએ પણ મૅચ બાદ કહ્યું હતું કે યશસ્વીએ આક્રમક બેટિંગ કરીને મૅચનો પ્રવાહ રાજસ્થાન તરફ વાળી દીધો હતો.














