પાકિસ્તાનના હિંદુ બહુમતીવાળા વિસ્તારોમાં પણ હિંદુ રાજકીય બળ કેમ બની શકતા નથી?

- લેેખક, શુમાઈલા જાફરી
- પદ, બીબીસી સમાચાર, ઉમરકોટ-સિંધ
તીર્થસિંહ મેઘવાર તેમના સમર્થકોના નાના જૂથ સાથે સિંધના ઉમરકોટમાં ડેપ્યુટી કમિશ્નરની ઑફિસે પહોંચે છે. તેમના સમર્થકો તેમની તરફેણમાં નારા લગાવી રહ્યા છે.
આ લોકો ફૉર્મ ભરે છે અને પછી તેમની ચૂંટણીનું ચિહ્ન લેવા માટે અંદર જતા રહે છે. નોટિસ બોર્ડ પર ચૂંટણી ચિહ્નો મૂકવામાં આવ્યા છે. તીર્થ સિંહ પોતાની ઇચ્છાનું ચૂંટણી ચિહ્ન, સ્લેટ, લે છે.
તીર્થસિંહ હિંદુ છે અને 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણીમાં ઉમરકોટથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઊભા છે.
ઉમરકોટ એ પૂર્વ સિંધનું એક નાનું શહેર છે, જે ભારતની સરહદથી લગભગ 60 કિલોમીટર દૂર છે.
સિંધ, પાકિસ્તાનનો દક્ષિણનો પ્રાંત છે અને ત્યાંના મોટાભાગનાં હિંદુઓનું ઘર પણ છે. મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા પાકિસ્તાનમાં ઇસ્લામિક ઉગ્રવાદનો ઉદય થયો હોવા છતાં, સિંધે તેની ઐતિહાસિક હિંદુ વિશેષતાઓ અને પરંપરાઓ જાળવી રાખી છે.
ઉમરકોટનું નામ પહેલાં અમરકોટ હતું. તે નામ એક સ્થાનિક હિંદુ રાજા પર રાખવામાં આવ્યું હતું.
11મી સદીમાં બનેલા અમરકોટ કિલ્લામાં જ 1542માં મુગલ રાજા અકબરનો જન્મ થયો હતો.
આ શહેરનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ રહ્યો છે. પરંતુ પાકિસ્તાનમાં આ શહેરએ એક અલગ ઓળખ બનાવી છે કારણ કે ઉમરકોટમાં આજે પણ હિંદુ બહુમતીમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિક લોકોનો દાવો છે કે વિભાજન સમયે અહીંની 80 ટકા વસ્તી હિંદુ હતી. જો કે, હિંદુઓમાં સૌથી ધનિક ઠાકુર સમુદાયના લોકો ધીમે ધીમે ભારતમાં સ્થળાંતર કરી ગયા.
પરંતુ અનુસૂચિત જાતિના લોકો પાસે અહીંથી ક્યાંય જવા માટે પૂરતાં સાધનો નહોતાં. તેથી તે અહીં જ રહી ગયા. અહીં રહેતા 90 ટકા હિંદુઓ અનુસૂચિત જાતિના છે.
ઉમરકોટમાં મોટી સંખ્યામાં હિંદુ વસ્તી છે પરંતુ રાજકીય સત્તા નથી

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તીર્થ મેઘવાર પણ તેમાંથી એક છે. તીર્થસિંહ કહે છે કે અહીં અનુસૂચિત જાતિના હિંદુઓની મોટી વસ્તી છે પરંતુ દેશના રાજકારણમાં તેમને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી. આ માટે તેઓ ઉચ્ચ જ્ઞાતિના ધનિક લોકોને જવાબદાર માને છે.
તીર્થસિંહ કહે છે, "અમે સત્તા મેળવીને જ આ વ્યવસ્થામાં પરિવર્તન લાવી શકીએ છીએ." તેથી જ અમે ચૂંટણી લડી રહ્યા છીએ. અમે આ અસંતુલનને ખતમ કરવા અને અમારા સમુદાયને પ્રતિનિધિત્વ આપવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છીએ."
તેઓ કહે છે, "છેલ્લાં કેટલાંય વર્ષોથી મુખ્ય રાજકીય પક્ષો અમારી અનામત બેઠકો મોટા જમીનદારો, ઉદ્યોગપતિઓ અને અમીર ઉચ્ચ જ્ઞાતિઓને વહેંચી રહ્યા છે. આ કારણે અમારી રાજકીય શક્તિ ઘટી રહી છે. અમારે તેનો પ્રતિકાર કરવો પડશે. તો જ અમે અમારી જ્ઞાતિને સામાજિક રીતે ઉપર ઉઠાવી શકીશું."
અગાઉ, પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે અલગ ચૂંટણી મંડળો હતા, પરંતુ વર્ષ 2000માં ભૂતપૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફે લઘુમતીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ વ્યવસ્થાનો અંત લાવ્યો હતો.
રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભામાં લઘુમતીઓ માટે હજુ પણ બેઠકો અનામત છે, પરંતુ તેઓ અન્ય નાગરિકોની જેમ દેશના કોઈ પણ ભાગમાંથી ચૂંટણી લડી શકે છે.
જો કે, ઉમરકોટના હિંદુ સમુદાયના લોકોને લાગે છે કે સંયુક્ત ચૂંટણી મંડળે તેમની રાજકીય શક્તિ ઓછી કરી છે.
આ પહેલી વાર નથી જ્યારે અનુસૂચિત જાતિનો હિંદુ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છે.
2013થી, ઘણા અનુસૂચિત જાતિના ઉમેદવારોએ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. તેમ છતાં તે વિજયથી દૂર રહ્યા.
ઉચ્ચ જાતિના હિંદુઓનું વર્ચસ્વ

ઊંચી સમુદાયના એક કાર્યકર્તા શિવરામ સુથાર કહે છે, "આનું કારણ પૈસા છે પરંતુ તે વિશ્વાસની વાત પણ છે."
શિવરામ કહે છે કે અનુસૂચિત જાતિના ઉમેદવારો સામાન્ય રીતે ચૂંટણીના થોડા દિવસો પહેલાં મેદાન છોડી દે છે. જેના કારણે તેમના સમર્થકો નિરાશ થઈ જાય છે.
શિવરામ કહે છે, "એટલે જ સ્થાનિક હિંદુ વસ્તી પણ તેમના પર વિશ્વાસ કરવા તૈયાર નથી. તેના બદલે, તેઓ એવા મુસ્લિમ ઉમેદવારોને મત આપે છે કે જેમને તેઓ મોટા ભાગે શક્તિશાળી માને છે અને જે તેમનું કામ તેમની પાસેથી જોડે કઢાવી શકે છે."
જો કે, ઉમરકોટની સમસ્યાઓની યાદી આપતા શિવરામ કહે છે કે અહીં હિંદુ અને મુસ્લિમ બંનેની સમસ્યાઓ એક સમાન છે.
તે કહે છે, "એવું નથી કે અલગ ધર્મના કારણે અમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખરેખર, તમારી નાણાકીય પરિસ્થિતિ કેવી છે તેના પર ઘણું બધું નિર્ભર કરે છે. ગરીબોની સમસ્યા એ જ છે."
"તેમની પાસે આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધાઓ ખૂબ ઓછી છે. તેમની પાસે મર્યાદિત સામાજિક સુવિધાઓ અને આગળ વધવાની તકો છે. ગરીબ હિંદુ હોય કે મુસ્લિમ તેનાથી કોઈ ફરક પડતો નથી. દરેક વ્યક્તિ સમાન સમસ્યાઓનો સામનો કરી રહી છે."
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને હિંદુ ઉમેદવારો

લાલચંદ વકીલ છે. તેઓ એમક્યુએમ પાકિસ્તાનની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પાર્ટી દ્વારા અહીં ઉતારવામાં આવેલા ત્રણ અનુસૂચિત જાતિના ઉમેદવારોમાંથી એક છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ ક્યારેય ઉમરકોટની સામાન્ય બેઠક પર કોઈ હિંદુ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી. જ્યારે શહેરની 52 ટકા વસ્તી હિંદુ છે.
લાલચંદ કહે છે, "મુખ્ય પ્રવાહના પક્ષોએ અમને અમારા અધિકારોથી વંચિત રાખ્યા છે. તેઓ માત્ર મૂડીવાદીઓ અને જમીનદારોને પ્રોત્સાહન આપે છે. હું ખૂબ જ આભારી છું કે એમક્યુએમ પાકિસ્તાને અમારા સમુદાયમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે."
તે કહે છે, "અહીં ભીલ, કોળી, મેઘવાર માલ્હી અને યોગી જેવી જાતિના લોકો મોટા જમીનદારોનાં ખેતરોમાં કામ કરે છે." તેથી, તેઓએ તે ઉમેદવારને મત આપવો પડે છે જેને મકાનમાલિક તેમને મત આપવા કહે છે.
તેઓ વધુમાં કહે છે,"ઉચ્ચ જાતિના હિંદુઓ અમારી પીડાને સમજી શકતા નથી. તે સત્તામાં રહેલા લોકોની સાથે છે. જ્યારે અમારા જેવા બહુમતી હિંદુઓ અન્યાયનો ભોગ બની રહ્યા છે."
લાલચંદે બીબીસીને કહ્યું કે મોટા ભાગના રાજકીય પક્ષો જાણે છે કે રાજકારણ એક મોંઘો ધંધો છે. તેથી તેઓ એવા ઉમેદવારો પર દાવ લગાવવા નથી માગતા જેમની જીતની શક્યતા ઓછી હોય. જો કે, હવે કામદારોમાં વધુને વધુ લોકો આગળ આવી રહ્યા છે. પરંતુ હજુ પણ તેમની વિધાનસભા (સંસદ)માં પહોંચવાની શક્યતાઓ ઘણી ઓછી છે.
રાજકીય પક્ષો સામે હિંદુઓની ફરિયાદો

ઇમરાન ખાનની તહરીક-એ-ઇન્સાફ પાર્ટીએ ઉમરકોટમાં મલ્હી સમુદાયના બે શ્રીમંત ભાઈઓને રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાન સભા માટે મેદાનમાં ઉતાર્યા છે.
કારણ કે પાર્ટીને સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવી છે. તેથી તેઓ હવે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
પાર્ટીના ઉમેદવાર લેખરાજ મલ્હીએ બીબીસીને જણાવ્યું કે જે રીતે સરકાર પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતૃત્વ અને ઉમેદવારોને નિશાન બનાવી રહી છે તે જ રીતે તેમના પરિવારને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે.
તેઓ કહે છે, "અમારા ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે. આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ અમારી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. મારા મોટા ભાઈની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તમામ ધમકીઓ અને બદલો લેવાની કાર્યવાહી છતાં અમે ઈમરાન ખાનની વિચારધારા સાથે ઊભા છીએ. માત્ર તે જ ઉમરકોટને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની પકડમાંથી બહાર કાઢી શકે છે.
પરંતુ નજીકના ભવિષ્યમાં આવું થાય તેવું નિષ્ણાતોને લાગતું નથી.
તેમનું માનવું છે કે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પંજાબ અને ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વા સુધી મર્યાદિત છે. તે હજુ સુધી સિંધમાં ખાડો પાડી શક્યા નથી.
આમ છતાં ચૂંટણીમાં અનુસૂચિત જાતિના હિંદુઓની ભાગીદારી ચોક્કસપણે પરિવર્તનનું પ્રતીક છે.












