You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનાલ્ડ ટ્રમ્પે કર્યાં હતાં ત્રણ લગ્ન, તેમના પરિવારમાં કોણ કોણ છે?
- લેેખક, એના ફાગાય
- પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિની ઐતિહાસિક ચૂંટણીમાં બહુમતી મેળવીને ફરીથી રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે.
પણ રાજકારણમાં પ્રવેશ કરતા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પને અબજો ડૉલરનો વારસા મળ્યો હતો. તેમની પાસે એક બ્રાન્ડ હતી અને મોટા પ્રમાણમાં જમીન અને મિલ્કત.
અમેરિકાની ચૂંટણીમાં સત્તામાં આવનાર રિપબ્લિકન પાર્ટીમાં હવે આ નામ અને બ્રાન્ડ વધુને વધુ પ્રભાવશાળી બની ગયાં છે. ટ્રમ્પ પરિવારના કેટલાક સભ્યો હવે પાર્ટીમાં પ્રભુત્વ ધરાવે છે.
ટ્રમ્પ પરિવારના કેટલાક અગ્રણી સભ્યો આ પ્રમાણે છેઃ
ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર
ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર એ ટ્રમ્પનાં સંતાનોમાં સૌથી મોટા છે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ જુનિયર ટ્રમ્પે પાર્ટીમાં મોટી ભૂમિકા ભજવી છે.
જ્યારે ઉપરાષ્ટ્રપતિ માટેના ઉમેદવાર તરીકે જેડી વેન્સની પસંદગી કરવામાં આવી હતી ત્યારે જુનિયર ટ્રમ્પે આ નિર્ણયનાં મીડિયામાં ભરપેટ વખાણ કર્યાં હતાં. તે વખતે જુનિયર ટ્રમ્પે કહ્યું હતું, 'જેડી વેન્સ મારા મિત્ર છે'.
રિપબ્લિકન નૅશનલ કન્વેન્શન (આરએનસી)માં જેડી વેન્સની પસંદગીને એકદમ જબરદસ્ત ગણાવીને કહ્યું હતું કે, 'ખરેખર એક સારી વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે'.
જુનિયર ટ્રમ્પે ક્યારેય એ વાત છુપાવી નથી કે જેડી વેન્સ, તેમની પ્રથમ પસંદ હતા અને પાર્ટીએ તેમની ઇચ્છા પૂર્ણ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનાં લગ્ન વેનેસા ટ્રમ્પ સાથે થયાં હતાં. દંપતીને પાંચ બાળકો છે. બંનેના છૂટાછેડા થઈ ગયા છે. જુનિયર ટ્રમ્પ હાલ કિમ્બર્લી ગિલફોઇલ સાથે છે અને બંનેની સગાઈ પણ થઈ ગઈ છે.
ઍરિક ટ્રમ્પ
ઍરિક ટ્રમ્પ એ ડોનાલ્ડ ટ્રમ્પના ત્રીજી સંતાન છે. મોટા ભાઈની જેમ ઍરિકે પણ પિતા માટે પ્રચાર કર્યો હતો. અહેવાલ અનુસાર ઍરિકે ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ વિશે માહિતગાર કર્યા હતા.
જુનિયર ટ્રમ્પની સરખામણીમાં ઍરિક જાહેર જીવનમાં એટલા ઍક્ટિવ નથી. તેઓ ટ્રમ્પ પરિવારના બિઝનેસમાં મહત્ત્વની જવાબદારી સંભાળે છે.
ઇવાન્કા ટ્રમ્પ અને જૅરેડ કુશનર
વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન સમગ્ર ટ્રમ્પ પરિવારમાંથી દીકરી ઇવાન્કા ટ્રમ્પ અને તેમના પતિ જૅરેડ કુશ્નર સૌથી વધુ પ્રભાવ ધરાવતાં હતા.
ઇવાન્કા અને જૅરેડનાં લગ્ન 2009માં થયાં હતા. દંપતીને ત્રણ બાળકો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા ત્યારે ઇવાન્કાએ તેમના વતી ઘણી જગ્યાએ હાજરી આપી હતી.
ઇવાન્કા ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનમાં સલાહકાર હતાં. તેમના પતિ જૅરેડ કુશ્નર સાલ 2017થી 2021 સુધી વ્હાઇટ હાઉસમાં સલાહકાર હતાં.
ટિફેની ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના બીજાં પત્ની માર્લા મેપલ્સનાં સંતાન છે. ટિફેની એ ડોનાલ્ડ અને માર્લાનાં એકમાત્ર સંતાન છે.
ટિફેનીએ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી કૅમ્પેઇનમાં કોઈ રાજકીય ભૂમિકા ભજવી નથી. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે વ્હાઇટ હાઉસમાં હતા ત્યારે પણ ટિફેની એકદમ અલિપ્ત રહ્યાં હતાં.
સાલ 2022માં ટિફેનીએ માઇકલ બુલોસ સાથે લગ્ન કર્યાં છે.
કિમ્બર્લી ગિલફોઇલ
કિંબર્લી ગુલિફૉઇલ અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર છ વર્ષથી સાથે છે. બંનેએ વર્ષ 2020માં સગાઈ કરી હતી.
કિંબર્લી વર્ષ 2006થી 2018 સુધી ફૉક્સ ન્યૂઝમાં પ્રૅઝન્ટર હતાં. એ પછી તેઓ ટ્રમ્પતરફી સુપર પીએસીનાં (પૉલિટિકલ ઍક્શન કમિટી) સભ્ય બન્યાં હતાં.
તેઓ ટ્રમ્પના વાચાળ સમર્થક છે, વિશેષ કરીને ટેલિવિઝન પર ચર્ચાઓ દરમિયાન.
આ પહેલાં તેઓ કૅલિફૉર્નિયાના ગવર્નર ગૅવિન ન્યૂસૉમ સાથે લગ્નસંબંધમાં હતાં.
લારા ટ્રમ્પ
ઍરિક ટ્રમ્પનાં પત્ની લારા ટ્રમ્પ પરિવારમાં અગત્યનું સ્થાન ધરાવે છે. પાર્ટીમાં અને પરિવારમાં તેમનું મહત્ત્વ સતત વધી રહ્યું છે. સાલ 2024માં લારા રિપબ્લિકન નૅશનલ કમિટીનાં ઉપ પ્રમુખ બન્યાં હતાં. લારા અને ઍરિકને બે બાળકો છે.
જુલાઈ 2024માં એક કન્વેન્શનમાં ભાષણ આપતી વખતે લારાએ તેમના સસરાંનાં વખાણ કર્યાં હતાં.
"અમારા પરિવારને ઘણી વખત મૃત્યુની ધમકીઓ મળી છે. પરંતુ એક પુત્રવધુ તરીકે ક્યારેય વિચાર નહોતું કે જે વ્યક્તિને વ્હાલ કરું છું તેનો એક દિવસ હત્યાનો પ્રયાસ કરવામાં આવશે."
મેલાનિયા ટ્રમ્પ
મેલાનિયા તથા ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2005માં લગ્ન કર્યા હતા. ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેઓ લૉ-પ્રૉફાઇલ રહ્યાં હતાં અને એ પછી પણ ચર્ચાથી દૂર જ રહેતાં.
ટ્રમ્પની હત્યાનો પ્રયાસ થયો એ પછી જુલાઈ મહિનામાં રિપબ્લિકન પાર્ટીનું કન્વૅન્શન યોજાયું હતું, જેમાં મેલાનિયાએ અનપેક્ષિત હાજરી પુરાવી હતી.
મેલાનિયાએ ઑક્ટોબર મહિનામાં તેમની આત્મકથા રજૂ કરી હતી, જેમાં તેમણે ગર્ભપાતની હિમાયત કરી હતી. તેમનું વલણ પતિ કરતાં વિપરીત છે, જેમાં ગર્ભપાતના અધિકારને ઊથલાવવાનો શ્રેય લીધો હતો.
18 વર્ષીય બૅરોન ટ્રમ્પ તેમનું એકમાત્ર સંતાન છે.
બેરોન ટ્રમ્પ
બેરોન ટ્રમ્પ પ્રચાર દરમિયાન મોટા ભાગે સ્પૉટ લાઇટથી દૂર રહ્યા હતા.
સાલ 2024ના મે મહિનામાં દાવો કરવામાં આવ્યો હતો કે બેરોન જુલાઈ મહિનામાં યોજાઈ રહેલા સંમેલનમાં હાજરી આપશે જ્યાં તે ફ્લોરિડા રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. પરંતુ એક દિવસ પછી મેલાનિયાએ જણાવ્યું કે બેરોને ઑફર નકારી કાઢી છે.
બેરોન ટ્રમ્પે ફ્લોરિડાની ઑક્સબ્રિજ એકૅડેમીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. હાલમાં તે ન્યૂ યૉર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસમાં અભ્યાસ કરી રહ્યો છે.
કાઈ ટ્રમ્પ
કાય ટ્રમ્પ પદનામિત રાષ્ટ્રપતિના પૌત્ર પૌત્રાદિમાંથી સૌથી મોટાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તથા વૅનેસા ટ્રમ્પ તેમનાં માતા-પિતા છે.
17 વર્ષીય કાય ગૉલ્ફની રમતમાં રસ ધરાવે છે. કન્વૅન્શન દરમિયાન તેમણે દાદા તરીકે ટ્રમ્પ વિશેની વાતો વાગોળી તી.
તેમણે કહ્યું, "મારાં માટે તેઓ કોઈ સામાન્ય દાદા જેવા જ છે. જ્યારે અમારાં માતા-પિતાનું ધ્યાન ન હોય, ત્યારે તેઓ અમને કૅન્ડી અને સોડા આપે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન