લાલો : 100 કરોડની કમાણી કરનારી ગુજરાતી ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર જ નહોતું તો ઉમેરાયું કઈ રીતે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

'લાલો – શ્રીકૃષ્ણ સદાય સહાયતે' ફિલ્મ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સો કરોડની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની છે. ફિલ્મના કસબીઓની વાત કરીએ તો, ડિરેક્ટર અંકિત સખિયા ગોંડલ પાસેના મેતા ખંભાળિયા ગામના છે. તેમણે વલ્લભ વિદ્યાનગરમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

નાનપણથી જ ફિલ્મો પ્રત્યેના અનહદ લગાવને કારણે તેઓ ફિલ્મનિર્માણ તરફ વળ્યા હતા. રાઇટર-ડિરેક્ટર તરીકેની તેમની આ પ્રથમ જ ફિલ્મ છે.

અંકિત સખિયાએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે, "મને લાગે છે કે હું ગયા જન્મમાં ફિલ્મ નહીં બનાવી શક્યો હોઉં, તેનું લેણું ચૂકવવા આ ભવમાં ફિલ્મમેકર બન્યો હોઈશ. હું નાનો હતો ત્યારે પણ મને રમકડાંનો શોખ નહોતો. હું પેન લઈને લખતો કે ચિતરામણ કર્યા કરતો. તેથી ત્યારથી જ મારા ભાગ્યમાં લખાયેલું હશે કે હું ફિલ્મ બનાવીશ."

ફિલ્મમેકિંગ એક કપરી કળા છે. તે શીખવી પડે છે. તે શીખવા લોકો દેશ-વિદેશ જાય છે. તમે ફિલ્મમેકિંગનો કોઈ કોર્સ વગેરે કર્યો છે?

તેના જવાબમાં અંકિતે કહ્યું હતું કે, "મેં ફિલ્મનો કોઈ કોર્સ નથી કર્યો. જાતે જ બધું શીખ્યા છીએ. અનુભવની એરણ પર ઘડાઈ-ટીપાઈને બધું શીખ્યો છું. મેં પ્રી-વેડિંગ શૂટિંગ કર્યાં, તેના વીડિયોના એડિટિંગ કર્યાં. મરણ પછીના બેસણાનાં પણ શૂટિંગ કર્યાં. તે પછી શોર્ટ ફિલ્મો બનાવી. આ રીતે ઘડાઈ-ટીપાઈને આગળ વધ્યા છીએ. ખરેખર તો ફિલ્મ બનાવવાનું જુસ્સો જ કામ કરી ગયો."

ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર હતું જ નહીં, પછી ઉમેરાયું હતું

'લાલો'માં કાઠિયાવાડી લાલાનું પાત્ર ભજવનાર કરણ જોષી અમદાવાદના છે. પોતાના પાત્રમાં તેમણે કાઠિયાવાડી બોલી આબાદ ઝીલી છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કરણ જોષીએ કહ્યું હતું કે, "મને નાનપણથી જ અભિનય અને નાટક પ્રત્યે લગાવ. મેં હાર્ડવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, પણ મારું ખેંચાણ અભિનયની દુનિયામાં રહ્યું."

"અમદાવાદની એચ.કે. કૉલેજ નાટક વગેરે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જાણીતી છે. તેથી મેં ત્યાં ઍડમિશન લીધું હતું. તે પછી મેં ઓરોબોરોસ નામની નાટ્યમંડળીમાં ચિરાગ મોદી સાથે નાટકો કર્યાં હતાં. રાઇટર-ડિરેક્ટર મૌલિકરાજ શ્રીમાળીએ તૈયાર કરેલું 'ઘોડિયાનો વેશ' મારું પ્રથમ નાટક હતું. તે પછી મેં સૌમ્ય જોષી, મહેશ ઘોડેસવાર વગેરે નાટ્યકારો સાથે કામ કરીને ઍક્ટર તરીકે મારી જાતને વધારે કેળવી હતી."

ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર પહેલાં સ્ક્રીપ્ટમાં નહોતું. સ્ક્રીપ્ટ લખાતી ગઈ તેમ-તેમ જે ચર્ચાઓ થઈ, તેના પરિણામે તે પાત્ર ફિલ્મમાં ઉમેરાયું હતું.

અંકિત સખિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, " ફિલ્મમાંમાં રિક્ષા ચલાવતા લાલાની ભૂમિકામાં કરણનું પાત્ર પહેલેથી જ નક્કી હતું. ફિલ્મમાં ભગવાન તરીકે કૃષ્ણનું પાત્ર નક્કી નહોતું. ફિલ્મની કહાણી એવી હતી કે રિક્ષા ચલાવતો લાલો એક ઘરમાં ફસાઈ જાય છે અને ત્યાં તેને ભગવદ્ ગીતાનું પુસ્તક હાથ લાગે છે અને આત્મજ્ઞાન થાય છે. સ્ક્રીપ્ટની આ ચર્ચા થતી હતી, તે દરમિયાન એક વાત એવી થઈ કે ભગવદ્ ગીતા કહેવા ખુદ ભગવાન જ આવે તો? એ પછી ફિલ્મમાં કૃષ્ણના પાત્રની પધરામણી થઈ."

સખિયાએ અગાઉ 'પહેલા ગુલઝાર' નામની એક સિરીઝ બનાવી હતી, જે સોશિયલ મીડિયા પર છે. ફિલ્મમાં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવનાર સૃહદ ગોસ્વામીએ એ સિરીઝમાં કામ કર્યું હતું. અંકિત સખિયાને તેમના કામનો પરિચય હતો, તેથી કૃષ્ણના રોલમાં તેમને લેવામાં આવ્યા હતા.

સૃહદ ગોસ્વામી મૂળ રાજકોટના છે. તેમણે પણ અમદાવાદ આવીને નાટકોમાં કામ કર્યું છે. તેમણે 'કાશી રાઘવ' ફિલ્મમાં પણ સહાયક ભૂમિકા ભજવી છે.

તુલસીનું પાત્ર ભજવનાર રીવા રાચ્છે ભારતનાટ્યમ્ શીખેલું છે

ફિલ્મમાં લાલાની પત્ની બનતાં તુલસીનું પાત્ર રીવા રાચ્છે ભજવ્યું છે. રીવા જામનગરનાં છે. તેમણે શાળાકીય અભ્યાસ જામનગરમાં જ કર્યો છે. તે ઉપરાંત મુંબઈની મિઠીબાઈ કૉલેજમાં તેમણે અંગ્રેજી વિષય સાથે બી.એ. (બેચલર ઑફ આર્ટ્સ) કર્યું છે.

રીવાના પપ્પા વીરલ રાચ્છ વકાલતના વ્યવસાયમાં છે, તેમજ નાટ્યકર્મી છે. રીવાના ઘરમાં જ સાહિત્ય અને નાટકનો માહોલ છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વીરલ રાચ્છે કહ્યું હતું કે, "રીવાને નૃત્ય પ્રત્યે ખૂબ લગાવ છે. તેને ખરેખર તો નૃત્ય ક્ષેત્રે આગળ વધવું હતું. રીવા ભારતનાટ્યમની તાલીમબદ્ધ નૃત્યાંગના છે. ઘરમાં માહોલ હતો, તેથી તેનો નાટક પ્રત્યે પણ ઝુકાવ હતો. રીવા દસ વર્ષની હતી ત્યારે રાજ્યની બાલ પ્રતિભા શોધ સ્પર્ધામાં રાજ્ય સ્તરે મોનો ઍક્ટિંગમાં પ્રથમ આવી હતી."

"ચૌદ વર્ષની વયે મારા જ એક નાટક 'અંતિમ અપરાધ'માં તેણે એક નાનો રોલ કર્યો અને પછી તેને નાટકનો નાદ લાગ્યો હતો. તે પછી તે અભિનયની સફરમાં વિધિવત્ આગળ વધવા લાગી હતી અને 'ભૂમિકા', 'દૃષ્ટિ' વગેરે નાટકો કર્યાં હતાં. રાજ્ય સરકારના કલા મહાકુંભમાં તેણે ભાગ લીધો હતો અને તેમાં તે રાજ્યમાં પ્રથમ આવી હતી. "

"તે પછી મુંબઈ ભણવા ગઈ હતી અને મિઠીબાઈ કૉલેજમાં પ્રથમ વર્ષે જ મોનો ઍક્ટિંગમાં મુંબઈ યુનિવર્સિટીમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મુંબઈમાં તેણે નાટ્યકર્મી વિપુલ મહેતા સાથે 'તમે ઘણું જીવો' નાટક કર્યું હતું. શરમન જોષી સાથે તેણે 'અમે લઈ ગયા તમે રહી ગયા'માં કામ કર્યું હતું. અભિનેતા પ્રતિક ગાંધીના ડિરેક્શનમાં તેણે 'સાત તરી એકવીસ' નાટકમાં એક ખંડ ભજવ્યો હતો, જે રાઇટર-ડિરેક્ટર સંજય છેલે લખ્યો હતો."

રીવા નાટકો અને ફિલ્મો બંનેમાં સમાંતરે કામ કરતાં રહે છે. તેણે 'રામ ભરોસે', 'સમંદર', 'મીરાં', 'તારો થયો' જેવી ફિલ્મો કરી છે.

વીરલ રાચ્છ વધારે વિગતો આપતાં જણાવે છે કે, "ગુજરાતી વેબ સિરીઝ 'કાચો પાપડ, પાકો પાપડ'માં તેણે કામ કર્યું હતું. તે વખતે તે જામનગરમાં અભ્યાસ કરતી હતી. 'કેરી ઑન કેસર' ફિલ્મમાં તેણે એક કેમિયો, એટલે કે ખૂબ જ નાની ભૂમિકા ભજવી હતી. "

"તે પછી ફિલ્મ 'ઑક્સિજન'માં પણ નાની ભૂમિકા ભજવી હતી. તે પછી 'કચ્છ એક્સપ્રેસ'માં તેણે માનસી પાર્થિવ ગોહિલ સાથે ભૂમિકા ભજવી હતી. તે પછી 'બુશર્ટ ટીશર્ટ'માં કામ કર્યું હતું. 'રામભરોસે' તેની મુખ્ય હિરોઇન તરીકેની પ્રથમ ફિલ્મ હતી. તે પછી 'સમંદર' ફિલ્મમાં તેણે ભૂમિકા ભજવી હતી."