'યુદ્ધમાં બાળકનો ઉછેર કરવો સામાન્ય વાત નથી', સાત ઑક્ટોબરના હુમલા પછી હજારો ઇઝરાયલીઓએ વતન છોડ્યું

    • લેેખક, રેડા અલ મેવી અને માઇકલ શુવાલ
    • પદ, બીબીસી ન્યૂઝ અરેબિક સર્વિસ

હમાસના નેતૃત્વ હેઠળ 2023ની સાતમી ઑક્ટોબરે કરવામાં આવેલા હુમલાઓ અને એ પછીનું ગાઝા યુદ્ધ એક ઇઝરાયલી પરિવાર માટે તેમના દેશ છોડવાના નિર્ણયમાં અત્યંત મહત્ત્વનો વળાંક સાબિત થયા હતા.

એ ઘટનાઓને લીધે અને યહૂદી વિરોધમાં વધારો થવાથી ઇઝરાયલ જવાની, વિદેશમાં રહેતા બીજા એક યહૂદી પરિવારની ઇચ્છા પ્રબળ બની હતી. ઇઝરાયલી સેન્ટ્રલ બ્યૂરો ઑફ સ્ટેટેસ્ટિક્સના જણાવ્યા અનુસાર, તેમની યાત્રા વિપરીત દિશામાં છે, કારણ કે દેશ છોડનારાની સંખ્યા દેશમાં આવનારા લોકો કરતાં વધારે છે.

મધ્ય ઇઝરાયલના રામલામાંના નોફર અને ઈયાલ અવિદાનના 15મા માળના એપાર્ટમેન્ટમાં રિમૂવલ કંપની દંપતીના સામાનને કાર્ડબોર્ડના મોટા બૉક્સમાં પેક કરી રહ્યું છે. શિપિંગ લેબલ પર 'ઓટાવા, કૅનેડા' લખેલું છે.

નોફર તેમની સાત વર્ષની પુત્રીને સ્તનપાન કરાવતાં કહે છે, "કોઈ અફસોસ નથી." નોફર "સ્થળાંતરણ" શબ્દનો ઉપયોગ કરે છે. ઇઝરાયલ છોડી જતા ઘણા યહૂદીઓ આ શબ્દનો ઉપયોગ કરે છે, જે પાછા ફરવાની શક્યતા સૂચવે છે. "છોડી જવું" શબ્દમાં ઘણું વજન હોય છે અને એ લોકો વતન તરફ પીઠ ફેરવતા હોવાનું સૂચવે છે.

અંગ્રેજીનાં 39 વર્ષીય શિક્ષિકાના કહેવા મુજબ, 2023માં હમાસના નેતૃત્વ હેઠળ હુમલા કરવામાં આવ્યા તે પહેલાંથી તેઓ અને તેમના પતિ વિદેશ જવા વિચારી રહ્યા હતા. એ હુમલાએ તેમના મન પર નિર્ણય લેવાનું દબાણ કર્યું હતું અને તેમને ખાતરી થઈ ગઈ હતી કે દેશમાંથી રવાના થવા માટે આ યોગ્ય સમય છે.

તેઓ કહે છે, "અમે અમારા પરિવાર માટે, શિના માટે કશુંક અલગ ઇચ્છીએ છીએ." છેલ્લાં ઘરેણાંનું પૅકિંગ થઈ ગયાં પછી બેરિસ્ટર એયાલ કહે છે, "અમે અમારા ઘરની અનુકૂળતાથી આગળનો વિચાર કરી રહ્યાં છીએ. અમને શાંતિપૂર્ણ જીવનની ઝંખના છે."

ઇઝરાયલના રાજકારણીઓ સામે નારાજગી

સ્થળાંતર કરતાં પહેલાં તેમણે કૅનેડાની મુલાકાત લીધી હતી. તેમના ઘણા દોસ્તો પહેલાંથી જ કૅનેડા સ્થાયી થયેલા છે અને ત્યાં તેમણે નવી ભાષા શીખવી નહીં પડે.

નોફર કહે છે, "હું એક ગર્વિષ્ઠ યહૂદી અને ગર્વિષ્ઠ ઝાયોનિસ્ટ છું, પણ મારી પુત્રીને એક વ્યક્તિને બદલે એક યહૂદી તરીકે ઓળખાવવા માગતી નથી. મને લાગે છે કે કૅનેડામાં તેને જીવનમાં સમાન તક મળશે. ઇઝરાયલ કરતાં વધુ તક મળશે, કારણ કે આજના ઇઝરાયલમાં અતિ-રૂઢિચુસ્ત લોકોનું જ (સરકાર) ધ્યાન રાખે છે."

નોફર ઉમેરે છે, "ઇઝરાયલમાં રાજકારણીઓને અર્થતંત્રમાં ફાળો આપતા હોય એવા મહેનતુ લોકોની તરફેણમાં નથી. અમે બહુમતીમાં છીએ અને અમારી અવગણના, ઉપેક્ષા કરવામાં આવતી હોય તેવું અનુભવીએ છીએ."

નોફર વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગઠબંધન સરકાર તરફ ઇશારો કરે છે. નેતન્યાહૂ સરકારને ઇઝરાયલના ઇતિહાસમાંની સૌથી વધારે ધાર્મિક અને કટ્ટરપંથી સરકાર માનવામાં આવે છે. તેમાં મહત્ત્વની નીતિઓ પર જમણેરી અને અતિ-રૂઢિચુસ્ત પક્ષોનો જોરદાર પ્રભાવ હોય છે.

કેટલાક ઇઝરાયલીઓ માને છે કે ઇઝરાયલમાં રહેવું કાયમ પડકારજનક બની રહ્યું છે. ગાઝામાં યુદ્ધ ફાટી નીકળ્યું એ પછી જિંદગી વધારે મુશ્કેલ બની ગઈ હોવાનું જણાવતાં નોફર કહે છે, "સાતમી ઑક્ટોબર પહેલાં પણ અમને અમારા ભવિષ્યની કોઈ સંભાવના દેખાતી ન હતી."

નોફરના કહેવા મુજબ, દર વખતે રૉકેટ હુમલાની ચેતવણી આપતી સાયરનનો અવાજ સાંભળ્યા પછી કોઈ આશ્રયસ્થાન કે સલામત ઓરડામાં ભાગવું "ભલે સપ્તાહમાં એક વખત હોય તો પણ" સામાન્ય લાગતું નથી.

"સતત ચાલતા યુદ્ધમાં બાળકનો ઉછેર કરવો એ સામાન્ય વાત નથી. અહીંથી થોડા અંતરે જ આવેલા અશદોદમાં એક કલાક પહેલાં રૉકેટ ફાયર કરવામાં આવ્યાં હતાં. અમારી ચારેય તરફ બહુ પીડા અને દુઃખ છે."

તેઓ યુદ્ધ શરૂ થયા પછી હમાસ અને ગાઝાના અન્ય ઉગ્રવાદીઓ જૂથો દ્વારા ઇઝરાયલી શહેરો પર કરવામાં આવેલા રૉકેટ હુમલાની વધતી સંખ્યાની વાત કરી રહ્યાં હતાં.

ઈયાલને ડર છે કે ઇઝરાયલી સમાજ યુદ્ધ પહેલાંથી "વધુને વધુ હિંસક" બની રહ્યો છે. તેઓ કહે છે કે તેમણે "રસ્તાઓ પર, જાહેર સ્થળોએ, એપાર્ટમેન્ટ બ્લૉક્સમાં આક્રમક વર્તન જોયું છે... યુદ્ધને કારણે એ વધુ ખરાબ થયું છે." ઇઝરાયલ બ્યૂરો ઑફ સ્ટેટેસ્ટિક્સના જણાવ્યા અનુસાર, માર્ગ મૃત્યુમાં 2023ની સરખામણીએ 2024માં 22 ટકા વધારો થયો હતો.

વધતી જતી હિંસા અને મોંઘવારીનો ડર

જેરુસલેમ સેન્ટર ફૉર સિક્યૉરિટી ઍન્ડ ફૉરેન અફેર્સ (જેસીએસએફએ) થિંક ટેન્કના જણાવ્યા અનુસાર, સાતમી ઑક્ટોબરના હુમલાની ઇઝરાયલી સમાજ પર ઊંડી ભાવનાત્મક અસર થઈ છે. સમાજની વર્તણૂક પર પણ તેની ગાઢ અસર થઈ છે.

મહિલાઓ અને લિંગ સમાનતા વિશેની નેસેટની સમિતિને જૂન 2024માં જાણવા મળ્યું હતું કે યુદ્ધની શરૂઆતથી ઘરેલુ હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. મધર્સ ઑન ધ ફ્રન્ટ સંગઠને નેસેટની સમિતિને કહ્યું હતું, "આઘાત લઈને ઘરે પાછા આવતા પુરુષો સમગ્ર ઇઝરાયલમાં પરિવારોને અસર કરી રહ્યા છે. હિંસક પ્રતિક્રિયાઓ ક્યારેક દબાવવામાં આવે છે. તેનો ઇલાજ કરવામાં આવતો નથી અને સ્ત્રીઓ ફરિયાદ કરવામાં શરમ અનુભવે છે."

એ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષામંત્રી ઈટામાર બેન ગ્વિરે ઑક્ટોબર 2023 પછી ગન કાયદાઓને હળવા બનાવતા સુધારાઓને વેગ આપ્યો છે. તેના લીધે હથિયારોનાં લાઇસન્સ માટેની અરજીઓમાં વધારો થયો છે. ઇઝરાયલી મીડિયાના અહેવાલ અનુસાર, એ પછીથી ચાર લાખથી વધુ અરજીઓ આવી છે, જેમાંથી અડધીથી વધુને શરતી મંજૂરી આપવામાં આવી છે.

શેરીઓમાં વધતાં શસ્ત્રોના પ્રમાણથી હિંસાને વેગ મળી શકે છે, એ વાતે ચિંતિત લોકોમાં જેસીએસએફએનો સમાવેશ થાય છે.

નોફર અને ઈયાલના જણાવ્યા મુજબ, અન્ય પરિબળોનો પણ તેમના નિર્ણય પર પ્રભાવ પડ્યો છે. "ગુજરાન ચલાવવું મોંઘું બન્યું છે અને યુદ્ધ શરૂ થયા પછી અમારે વધુ કર ચૂકવવા પડે છે."

મુખ્ય ખાદ્યસામગ્રી ઉત્પાદકોએ 2025ની શરૂઆતમાં વધુ એક ભાવવધારાની જાહેરાત કરી હતી. ગુજરાન ચલાવવાનો ખર્ચ સમગ્ર વિશ્વમાં એક મોટો મુદ્દો બની રહ્યો છે ત્યારે આ વર્ષે એપ્રિલમાં ઔદ્યોગિક રાષ્ટ્રોની ઓઇસીડી ક્લબના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે "ઓઇસીડીમાં ઇઝરાયલનું તુલનાત્મક ભાવ સ્તર સૌથી વધારે છે."

ચાલુ યુદ્ધના ખર્ચને પહોંચી વળવા માટે ઇઝરાયલમાં કર વધારો પણ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં VAT 17 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો હતો. જાહેર ક્ષેત્રના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તેમના પગારમાંનો ઘટાડો કામચલાઉ છે. (ખાનગી ક્ષેત્રમાં કામ કરતા નોફર અને એયાલને આ બાબત અસર કરતી નથી)

હજારો લોકોએ દેશ છોડ્યો

અવિદાન્સના ફ્લૅટની સફાઈનું નિરીક્ષણ કરી રહેલા ડેની શેરરના કહેવા મુજબ, સાતમી ઑક્ટોબરના હુમલા પછી ઇઝરાયલ છોડતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. તેમના અંદાજ મુજબ, તેમની કંપની 2022માં 400 કેસ હૅન્ડલ કરતી હતી. તે પ્રમાણ 2023ના મધ્ય સુધીમાં 700થી વધુનું થઈ ગયું હતું.

તેઓ માને છે કે આ અગાઉનો ઉછાળો 2023ના ન્યાયિક સુધારા સંકટને આભારી હતો અને તેને કારણે ઉનાળામાં મોટા પાયે વિરોધપ્રદર્શન થયાં હતાં. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકાર કેટલાક સુધારા લાગુ કરવામાં સફળ રહી છે. તેનો હેતુ સુપ્રીમ કોર્ટની સત્તા મર્યાદિત કરવાનો, કાયદાઓને રદ કરવાની તેની ક્ષમતાને મર્યાદિત કરવાનો તેમજ અદાલતી નિમણૂકોમાં સરકારને વધુ નિયંત્રણ અપાવવાનો હતો.

સમર્થકો એવી દલીલ કરી હતી કે રાજકીય અને નીતિગત નિર્ણયોમાં ન્યાયાધીશો વધુ પડતો હસ્તક્ષેપ કરે છે. ટીકાકારોએ સુધારાઓને લોકશાહી માટે ખતરો ગણાવ્યા હતા.

ડેની શેરરના કહેવા મુજબ, તેઓ જે લોકોને અન્યત્ર જવામાં મદદ કરે છે એમાંથી મોટા ભાગના પ્રોફેશનલ્સ છે અને તેઓ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને કૅનેડા જવાનું પસંદ કરે છે.

સંશોધન, વિકાસ અને ટૅક્નૉલૉજિકલ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતી ઇઝરાયલ ઈનોવેશન ઑથૉરિટીના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા એક દાયકા પછી 2024માં ઇઝરાયલમાં હાઈ-ટેક કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. ઑક્ટોબર 2023થી જુલાઈ 2024ની વચ્ચે આશરે 8,300 હાઈ-ટેક કામદારો એક વર્ષ કે તેથી વધુ સમય માટે ઇઝરાયલ છોડી ગયા હતા.

એવા લોકોનું પ્રમાણ ક્ષેત્રના કુલ કાર્યબળના લગભગ 2.1 ટકા છે. સત્તાવાર ડેટાનું પ્રોસેસિંગ તથા પ્રકાશન કરતા ઇઝરાયલી સેન્ટ્રલ બ્યૂરો ઑફ સ્ટેટેસ્ટિક્સના જણાવ્યા અનુસાર, 2023થી 2024 દરમિયાન દેશ છોડી જનારા ઇઝરાયલી નાગરિકોની સંખ્યા ત્યાં સ્થળાંતર કરનારા લોકોની સંખ્યા કરતાં વધારે હતી. એ સમયગાળામાં 82,700 લોકો ત્યાંથી ગયા હતા, જ્યારે માત્ર 60,000 લોકો ત્યાં આવ્યા હતા.

"77 વર્ષ પહેલાં ઇઝરાયલની સ્થાપના થયા પછી આવું ફક્ત ત્રીજી વખત બન્યું છે," એવું ઇન્સ્ટિટ્યૂટ ફૉર યહૂદી પૉલિસી રિસર્ચ ખાતેના યુરોપિયન જ્યુઈશ ડેમોગ્રાફી યુનિટના અધ્યક્ષ સર્જિયો ડેલા પેર્ગોલા કહે છે.

તેઓ ઉમેરે છે, "અગાઉ બે વખત 1950ના દાયકામાં અને 1980ના દાયકામાં આવું થયું હતું. તેનાં કારણો મુખ્યત્વે આર્થિક હતાં, પરંતુ આ વખતે સુરક્ષા, યુદ્ધ અને અર્થતંત્ર એવાં અનેક કારણોનું સંયોજન છે. અન્ય સંચિત કારણો પણ છે."

તેઓ માને છે કે આ ટ્રેન્ડ 2025માં પણ જળવાઈ રહેશે, પરંતુ ઓછો તીવ્ર હશે.

પ્રોફેસર ડેલા પેર્ગોલાના કહેવા મુજબ, 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે શરૂઆતમાં ત્યાંથી આવતા લોકોની સંખ્યામાં વધારો થયો હતો, કારણ કે કેટલાક યુદ્ધમાંથી અને કેટલાક સૈન્યમાં ભરતી ન થવું પડે એટલા માટે ભાગી ગયા હતા. પછી ત્યાંથી સ્થળાંતર ધીમું પડ્યું છે.

યહૂદી વિરોધના કારણે ઘણા લોકો પાછા આવ્યા

ઇઝરાયલમાં યહૂદી સ્થળાંતરને આલિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં આધ્યાત્મિક તથા આર્થિક કારણસર લોકો સ્થળાંતર કરવા પ્રેરિત થાય છે.

કેટલાક લોકોના મતાનુસાર, ઇઝરાયલ યહૂદી લોકો માટે સલામત આશ્રયસ્થાન હોવાના વિચારને સાતમી ઑક્ટોબરના હુમલાએ પડકાર્યો હતો. અન્ય લોકો કહે છે કે ગાઝામાં થયેલા હુમલાઓ અને યુદ્ધ પછી તેમને જે યહૂદી વિરોધનો અનુભવ થયો તેનાથી તેઓ ઇઝરાયલ પાછા ફરવા પ્રેરિત થયા હતા.

ગાઝાથી 12 માઈલ ઉત્તરના એશ્કેલોનમાંના પોતાના નાના ફ્લૅટમાં સિમ્હા દહાન યહૂદી નવવર્ષ રોશ હશનાહ માટે પરંપરાગત પારિવારિક ભોજન રાંધી રહ્યાં છે.

બકરાનું માંસ વાસણમાં ઊકળી રહ્યું છે. તેને હાથમાં પકડીને સિમ્હા દહાન કહે છે, "હું માન્ચેસ્ટરમાં માછલીનાં માથાં વડે તે રાંધતી હતી. અહીં બકરાના મસ્તકનો ઉપયોગ કરું છું. માછલીનાં માથાં કરતાં એ મને વધારે પસંદ છે. તેની જીભ વધારે સ્વાદિષ્ટ હોય છે."

બકરાનાં માથાંના ઘણા પ્રતીકાત્મક સંદર્ભો છે. એ પૈકીનો એક સંદર્ભ આગામી વર્ષ "બહેતર હોવાની" આશાનો છે.

ભૂતકાળમાં સિમ્હા દહાનની આઠેઆઠ દીકરીઓ ઉજવણી માટે બ્રિટનના માન્ચેસ્ટરમાં તેમના ઘરે એકઠી થતી હતી, પરંતુ સિમ્હા અને તેમના પતિ મીર 2024માં ઇઝરાયલ પાછા ફર્યા ત્યારે ચાર દીકરીઓ ત્યાં જ રહી ગઈ.

અતિ-રૂઢિચુસ્ત દંપતી કેફાર્ડિક યહૂદી છે. આ શબ્દ સ્પેન, પોર્ટુગલ અને ઉત્તર આફ્રિકા સહિત ભૂમધ્ય સમુદ્રની આસપાસનાં સ્થળોના યહૂદીઓના વંશજો માટે વાપરવામાં આવતો હતો.

સિમ્હાનો જન્મ ફ્રાન્સમાં થયો હતો અને 1992માં તેઓ બ્રિટન ગયાં હતાં. પછી તેમણે મીર સાથે લગ્ન કર્યાં હતાં. મીરે 14 વર્ષની વયે માન્ચેસ્ટરની એક યહૂદી ધાર્મિક સ્કૂલ યેશિવામાં જોડાવા માટે પોતાનું વતન મોરોક્કો છોડ્યું હતું.

તેઓ 'શોયેટ' એટલે કે કોશેર કસાઈ છે અને ઇઝરાયલમાં કામ કરવાના લાઇસન્સની પ્રતિક્ષા કરતા હોય ત્યારે કામ કરવા માટે નિયમિત રીતે બ્રિટન જાય છે.

સિમ્હાએ અગાઉ માન્ચેસ્ટરમાં "ડૌલા" સ્વયંસેવક તરીકે સેવા આપી હતી. ડૌલા યહૂદી જન્મ સહાયક હોય છે. તેઓ ઇઝરાયલમાં પણ આ કામ પ્રોફેશનલી કરવા ઇચ્છે છે.

મીર કહે છે, "અમે આ પગલું કાયમ ભરવા ઇચ્છતા હતા, પરંતુ અમારી મોટી દીકરીઓનું શિક્ષણ પૂર્ણ થવાની રાહ જોતા હતા."

'રાત્રે બહાર નીકળવામાં ડર લાગે છે'

સિમ્હા કહે છે, "સાતમી ઑક્ટોબર પહેલાંથી યહૂદી વિરોધવાદ વધવા લાગ્યો હતો, પરંતુ એ પછી તેમાં વધારો થયો છે."

તેઓ ઉમેરે છે કે તેમના સમુદાયના પુરુષોએ "બહાર જતી વખતે યહૂદી ટોપી (કિપ્પા) પહેરવાનું બંધ કરી દીધું હતું " અને તેમને તથા તેમની દીકરીઓને મોડી રાતે બહાર જવું સલામત લાગતું ન હતું.

"મેં લોકોને 'ફ્રી પેલેસ્ટાઈન' લખેલા બોર્ડ સાથે જોયા ત્યારે મને ડર લાગ્યો હતો, કારણ કે તેમના માટે તેનો અર્થ શું છે તેની, તેઓ એ બાબતે કેવી રીતે કામ કરશે તેની મને ખબર ન હતી," એમ કહેતાં તેઓ ઉમેરે છે કે તેમના સમુદાયની કોઈ અન્ય વ્યક્તિએ યહૂદીઓને ધમકાવતી આક્રમક ભાષા સાંભળી હતી.

તેમના કહેવા મુજબ, તેમની દીકરી રડતી-રડતી ઘરે પાછી ફરી ત્યારે છેલ્લો આંચકો લાગ્યો હતો. ફ્રી પેલેસ્ટાઇન લખેલું ટી-શર્ટ પહેરેલી કોઈ વ્યક્તિએ તેમની દીકરીને "ગંદી નજરે" નિહાળી હતી. જોકે, તેમની દીકરી યહૂદી હોવાનું એ વ્યક્તિ જાણતી હતી કે કેમ તે સ્પષ્ટ નથી.

માન્ચેસ્ટરમાં થોડા સમય પહેલાં યહૂદી ધર્મસ્થળ પર હુમલાની ઘટના તેમના જૂના ઘરથી નજીકના અંતરે બની હતી. સિમ્હા જણાવે છે કે માર્યા ગયેલા પુરુષો પૈકીનો એક, તેઓ જે સુપરમાર્કેટમાં કામ કરતા હતાં ત્યાંનો નિયમિત ગ્રાહક હતો.

સિમ્હા માને છે કે યહૂદીઓને વિશ્વમાં સર્વોત્તમ સલામતી અને સુરક્ષા ઇઝરાયલમાં જ મળે છે. તેઓ કહે છે, "હું રાતે ગમે ત્યારે ડર્યા વિના બહાર નીકળી શકું છું. ત્યાં કાયમ સશસ્ત્ર સૈનિકો અને નાગરિકો હોય છે. કંઈ પણ થાય તો તેઓ તમારું રક્ષણ કરી શકે છે."

પરંતુ જ્યાં 2023ની સાતમી ઑક્ટોબરે હમાસના લડવૈયા તથા અન્ય સશસ્ત્ર જૂથોએ લગભગ 1,200 ઇઝરાયલીઓને મારી નાખ્યા તથા 251 લોકોને બંધક બનાવ્યા એ યુદ્ધગ્રસ્ત દેશમાં રહેવું કેવી રીતે? સિમ્હાનું નવું ઘર ગાઝાથી થોડાક માઈલ જ દૂર છે.

હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના આંકડા જણાવે છે કે સાતમી ઑક્ટોબર પછીના ઇઝરાયલી હુમલાઓમાં ગાઝામાં 66,000થી વધુ લોકો માર્યા ગયા છે.

તેઓ જરાય ખચકાટ વિના જવાબ આપે છે, "મને કોઈ વાંધો નથી. મને કોઈ ડર નથી. હું અહીં સલામતી અનુભવું છું."

યહૂદી ઓળખ માટે લડત

યુદ્ધને કારણે દેશ છોડી ગયેલા ઇઝરાયલીઓ વિશે તમે શું માનો છો, એવા સવાલના જવાબમાં તેઓ કહે છે, "હું કેટલાકને જાણું છું. તેઓ વધુ પૈસા કમાવવા માગતા હતા અથવા કહેતા હતા કે અસલામતી અનુભવે છે, પરંતુ હું તેમની સાથે સહમત નથી."

"રૉકેટ હુમલાની ચેતવણી આપતી સાયરન વાગે છે ત્યારે અમે પાણી લઈને શેલ્ટરમાં ચાલ્યા જઈએ છીએ. ફોન પર અપડેટ્સ ફોલો કરીએ છીએ અને અલાર્મ બંધ થાય પછી શેલ્ટરમાંથી બહાર નીકળીએ છીએ."

તેઓ જણાવે છે કે તેઓ ઇઝરાયલની ઋણી હોય એવું લાગે છે. તેમને તેમની દીકરીઓને ગાઝામાં કે અન્યત્ર ફ્રન્ટલાઇન પર મોકલવામાં આવે તો પણ વાંધો નથી. તેમના બે ભાઈઓએ ગાઝામાં મહિનાઓ સુધી સેવા આપી છે. "એ ઇઝરાયલમાં અમારી યહૂદી ઓળખ સાથે જોડાવાનો એક હિસ્સો છે," તેઓ સમજાવે છે.

તેઓ સ્વીકારે છે કે તેમને માન્ચેસ્ટરમાંના તેમના જીવનના કેટલાક પ્રસંગો, દોસ્તો, પુત્રીઓ, પૌત્ર-પૌત્રીઓ અને મોટું ઘર યાદ આવે છે. સિમ્હાએ ઇઝરાયલને પોતાનું ઘર બનાવવાનું નક્કી કર્યું હોવા છતાં તેઓ ખુદને હજુ પણ માન્કુનિયન અને તેમના પતિ ખુદને મોરોક્કન માને છે. તેઓ કહે છે, "પરંતુ મને કોઈ અફસોસ નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન