દક્ષિણ આફ્રિકાનો એ નવોદિત બૅટ્સમૅન જેણે એકલે હાથે ભારત પાસેથી મૅચ છીનવી લીધી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી એકદિવસીય શ્રેણીની બીજી મૅચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને એકતરફી પરાજય આપ્યો છે.
ગૅબર્હામાં રમાયેલી બીજી મૅચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને આઠ વિકેટે હરાવી દીધું છે.
આ સાથે જ ત્રણ મૅચની શ્રેણીમાં બંને ટીમો 1-1 ની બરાબરીએ છે. આ પહેલા શ્રેણીની પહેલી મૅચમાં ભારતે આસાન વિજય મેળવ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે વન-ડે શ્રેણીની કપ્તાની વિકેટકીપર બૅટ્સમૅન કેએલ રાહુલ કરી રહ્યા છે અને આ શ્રેણીમાં ભારતે તેના યુવા ખેલાડીઓને મોકો આપ્યો છે.
ભારતની નબળી બેટિંગ

ઇમેજ સ્રોત, Getty Images
બીજી વન-ડેમાં ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ ફિલ્ડીંગ પસંદ કરી હતી.
ભારતીય ઓપનર ઋતુરાજ ગાયકવાડ તરત જ 4 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. જોકે, પોતાની વન-ડે કારકિર્દીની માત્ર બીજી મૅચ રમી રહેલા સાઈ સુદર્શને પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેમણે 83 બૉલમાં 62 રન ફટકાર્યા હતા અને ભારતીય ઇનિંગને સ્થિરતા આપી હતી.
આ સાથે જ ડૅબ્યૂ પછી સતત બે મૅચમાં અડધી સદી ફટકારનાર સાઈ સુદર્શન બીજા ભારતીય બની ગયા છે. તો સામે છેડે કૅપ્ટન કેએલ રાહુલે 56 રન બનાવ્યા હતા.
એ સિવાય કોઈપણ ભારતીય બૅટ્સમૅન પોતાનો પ્રભાવ પાડી શક્યો ન હતો. તિલક વર્માએ 10, સૅમસને 12 અને રિંકુ સિંઘે 17 રન બનાવ્યા હતા. રિંકુ સિંઘે આ મૅચમાં ભારત તરફથી ડૅબ્યૂ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ટીમ માત્ર 46.2 ઓવરમાં 211 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
દક્ષિણ આફ્રિકા તરફથી બર્ગરે 10 ઓવરમાં 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
ટૉની દ ઝૉર્ઝીની ઝંઝાવાતી સદી

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ આફ્રિકાના ઓપનરો રેઝા હૅનરિક્સ અને ટૉની દ ઝૉર્ઝીએ દક્ષિણ આફ્રિકાને જોરદાર શરૂઆત અપાવી હતી.
બંનેએ 130 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી અને દક્ષિણ આફ્રિકાની જીતનો પાયો નાખ્યો હતો.
ટૉની દ ઝૉર્ઝીએ 122 બૉલમાં 119 રન ફટકાર્યા હતા જેમાં નવ ચોગ્ગા અને છ છગ્ગા સામેલ હતા. તેમણે ભારતના તમામ બૉલરોને ખર્ચાળ પુરવાર કર્યા હતા.
ભારત તરફથી કુલ આઠ ખેલાડીઓએ આ મૅચમાં બૉલિંગ કરી હતી પરંતુ તેમને સફળતા મળી ન હતી. ભારત તરફથી અર્શદીપ સિંહ અને રિંકુ સિંહે 1-1 વિકેટ ઝડપી હતી.
ટૉની દ ઝૉર્ઝી છેક સુધી અણનમ રહ્યા હતા અને ટીમને જીત અપાવી હતી. રેઝા હૅનરિક્સે 52 અને વાન ડર ડસને 36 રન ફટકાર્યા હતા.
2013 પછી ભારત સામે સદી ફટકારનાર ક્વિન્ટન ડી કૉક અને હાશિમ અમલા પછી ટૉની દ ઝૉર્ઝી દક્ષિણ આફ્રિકાના એકમાત્ર બૅટ્સમૅન બન્યા છે.
સદી ફટકાર્યા બાદ ઝૉર્ઝીએ શું કહ્યું?
પોતાની કારકિર્દીની માત્ર ચોથી મૅચ રમી રહેલા ટોની દ ઝૉર્ઝીએ પહેલી સદી ફટકારી હતી અને ટીમને જીત અપાવી હતી.
મૅચ બાદ તેમણે કહ્યું હતું કે, “પ્રમાણિકપણે કહું તો જાણે કે લાગણીઓનું પૂર આવી ગયું હતું. મેં મારા માતાને સૌથી પહેલા યાદ કર્યા હતા. એ સિવાય ઘણા લોકો હોય છે જે તમારા પર શંકા કરતા હોય છે, તેઓ ખોટા પડ્યા છે, હું ખૂબ ખુશ છું. બધા લોકો તાળીઓ પાડી રહ્યા હતા. હું આ પળ ક્યારેય ભૂલી શકીશ નહીં.”
તેમને પ્લૅયર ઑફ ધી મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.
શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મૅચ હવે પાર્લમાં 21 ડિસેમ્બરે રમાશે.












