ક્રિકેટ માટે અમેરિકાનું સપનું છોડનાર એ ગુજરાતી જે IPL-2024 માં સૌથી મોંઘા ભારતીય ક્રિકેટર બન્યા

ઇમેજ સ્રોત, Getty Images
દુબઈમાં યોજાયેલી આઈપીએલ 2024ની હરાજીમાં ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓનો દબદબો રહ્યો.
ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઇટ રાઇડર્સે 24 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યા. જ્યારે વર્લ્ડકપ વિજેતા કૅપ્ટન પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદ્યા.
જ્યારે ભારતીય ખેલાડીઓમાં ગુજરાતી મૂળનાં હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે 11 કરોડ 75 લાખમાં ખરીદ્યા. જે 2022ના મેગા ઑક્શનમાં તેમને મળેલી કિંમત 10 કરોડ 75 લાખથી પણ વધારે છે.
હર્ષલ પટેલને પાછલી સીઝનમાં ખરાબ પ્રદર્શન પછી રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લોરમાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો.
આઈપીએલની આ વખતની હરાજી માટે હર્ષલ પટેલની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. આ હરાજીમાં હર્ષલ માટે ઘણી ટીમોએ બોલી લગાવી હતી જેમાં ગુજરાત ટાઇટન્સ, લખનૌ સુપરજાયન્ટસ અને પંજાબ કિંગ્સ સામેલ હતી. અંતે પંજાબ કિંગ્સે બાજી મારી હતી.
હર્ષલ પટેલ ભૂતકાળમાં મુંબઈ ઇન્ડિયન્સ, દેલ્હી કેપિટલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લોર જેવી ટીમો તરફથી આઈપીએલમાં રમી ચૂક્યા છે.
હર્ષલ પટેલે આઈપીએલમાં અત્યાર સુધીમાં 92 મૅચમાં 11 વિકેટો ઝડપી છે. આઈપીએલ 2021ની સીઝનમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લોર તરફથી તેમને 15 મૅચમાં 31 વિકેટ ઝડપવા બદલ પર્પલ કૅપ મળી હતી.
ક્રિકેટનું સપનું પૂરું કરવા અમેરિકન ડ્રીમ છોડ્યું

ઇમેજ સ્રોત, X/@PUNJABKINGSIPL
અમદાવાદમાં દરિયાપુર વિસ્તાર એટલે એક જમાનામાં તોફાની વિસ્તારની છાપ ધરાવે. એવો પણ સમય હતો જ્યારે શહેરમાં કંઈક પણ નાનું-મોટું છમકલું થાય એટલે સૌપ્રથમ કર્ફ્યુ જાહેર થાય, તો તેમાં ખાડિયા અને દરિયાપુરનાં નામ હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે આ જ વિસ્તારોમાંથી અમદાવાદને, ગુજરાતને અને ભારતને ઘણી પ્રતિભાઓ મળી છે. આવી જ એક પ્રતિભા એટલે હર્ષલ પટેલ.
અમદાવાદમાં રહેતા હર્ષલે તેમનું ક્રિકેટનું સપનું પૂર્ણ કરવા માટે, 'અમેરિકન ડ્રીમ્સ'ને તિલાંજલિ આપી દીધી હતી.
ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી આ નામ ચર્ચામાં આવ્યું છે. ચાહે તે આઈપીએલ (ઇન્ડિયન પ્રિમિયર લીગ) હોય કે ઇન્ટરનેશનલ ક્રિકેટ હોય.
તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ પણ થયા અને નવેમ્બર 2021 માં ન્યૂઝીલૅન્ડ સામે ટી-20 મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યા હતા.
ન્યૂઝીલૅન્ડ સામે ભારતીય ટીમ માટે રમેલી બે ટી-20 મૅચમાં તેમણે 7.28ની સરેરાશ પર ચાર વિકેટ લીધી હતી.
સ્ટાર સ્પોર્ટ્સ મુજબ 2018માં હર્ષલ પટેલને દિલ્હી કૅપિટલ્સ દ્વારા 20 લાખ રૂપિયાના બેઝ પ્રાઇઝ પર ખરીદવામાં આવ્યા હતા. આઈપીએલ 2021 સીઝનમાં તેમને રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુને ટ્રેડ કરવામાં આવ્યા હતા.
1990માં જન્મેલા હર્ષલ પટેલ બાળપણથી જ અમદાવાદમાં સ્થાનિક ક્રિકેટ રમ્યા અને ત્યાર બાદ ગુજરાતની ટીમ માટે અંડર-15થી અંડર-19માં રમ્યા. તેઓ ભારતની અંડર-19 ટીમ સાથે સાઉથ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ અને કેન્યાનો પ્રવાસ ખેડી ચૂક્યા હતા.
લગભગ 2009-10ની આસપાસની વાત છે. એ વખતે હર્ષલનો પરિવાર અમેરિકા ગયો અને સાથે હર્ષલને પણ લઈ ગયા, પરંતુ એ જ ગાળામાં હર્ષલ એક ઊભરતા ક્રિકેટર હતા અને તેને તો આ જ રમતમાં પોતાની કારકિર્દી ઘડવી હતી.
લગભગ દોઢેક દાયકા અગાઉ હર્ષલ પટેલના પિતા વિક્રમભાઈ અમેરિકા ગયા. શરૂઆતમાં તો તેઓ દીકરાને પણ સાથે લઈ જવા માગતા હતા, પરંતુ જેને ક્રિકેટ સિવાય કોઈ બાબતમાં રસ ન હતો તેવા હર્ષલ પટેલ અમદાવાદમાં જ રોકાઈ ગયા.
ભારતની ટી20 ક્રિકેટ ટીમમાં હર્ષલની પસંદગી થઈ, ત્યારે એક વાતચીતમાં તેમણે સ્વીકાર્યું હતું, "હા, સાચી વાત છે. માત્ર ક્રિકેટ માટે જ અમેરિકાની ચમકદમક જતી કરી હતી અને મારા પરિવારે આ નિર્ણયમાં મને સાથ આપ્યો હતો. હું અમદાવાદમાં એકલો જ રહેતો હતો અને ક્રિકેટ પર ફોકસ કરતો હતો."
ગુજરાત, હરિયાણા અને કર્ણાટક

ઇમેજ સ્રોત, PANKAJ NANGIA
હવે વાત ક્રિકેટ કારકિર્દીની. તો 2011 સુધી ગુજરાત માટે જુનિયર ક્રિકેટમાં રમ્યા બાદ હર્ષલનું ભાવિ પલટાયું.
જેમણે પરિવાર સાથે અમેરિકા જવાનું ટાળ્યું હતું, તેમણે અચાનક જ નિર્ણય લીધો અને વતન ગુજરાત છોડીને હરિયાણા માટે રમવાનું પસંદ કર્યું. 2011માં તેઓ હરિયાણા માટે રમવા ચાલ્યા ગયા.
આ અંગે હર્ષલ કહ્યું હતું કે એ વખતે સંજોગો એવા હતા કે મને લાગ્યું કે ટીમ બદલવાથી કદાચ સિનિયર ક્રિકેટમાં ઝડપથી સ્થાન મળી જશે. અને, એમ જ બન્યું.
નવેમ્બર 2011માં તે હરિયાણા વતી દિલ્હી સામે રણજી ટ્રૉફી રમ્યા. એ જ સીઝનમાં કર્ણાટક સામેની બેંગલુરુ ખાતેની મૅચ હર્ષલની કારકિર્દીની ટર્નિંગ પૉઇન્ટ બની ગઈ, કેમ કે પહેલા જ દિવસે તેણે આઠ વિકેટ ખેરવીને કર્ણાટકને માત્ર 151 રનમાં આઉટ કરી દીધું.
હરિયાણાની ટીમ કર્ણાટકને તેના જ ગઢ એવા એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 151 રનમાં આઉટ કરે અને એક નવોદિત ગુજરાતી બૉલર આઠ વિકેટ ખેરવી જાય તેની કદાચ એ દિવસે પેવેલિયનમાં બેસીને મૅચ નિહાળનારા રાહુલ દ્રવિડ કે અનીલ કુંબલેને કલ્પના નહીં હોય. હરિયાણાએ એ મૅચ જીતી લીધી.
કર્ણાટક અને હર્ષલને કંઈક અલગ જ સંબંધ હોય તેમ લાગે છે. આઈપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલોર માટે રમનારા હર્ષલે જાન્યુઆરી 2012માં આઠ વિકેટ ખેરવ્યા બાદ એ જ વર્ષે ડિસેમ્બરમાં કર્ણાટક સામે મૅચમાં પાંચ વિકેટ ખેરવી.
આ વખતે તો કર્ણાટકની ટીમમાં લોકેશ રાહુલ અને રૉબિન ઉથપ્પા જેવા ખેલાડી પણ રમતા હતા. અને ફરીથી 2013ના ડિસેમ્બરમાં કર્ણાટક સામે મૅચમાં 11 વિકેટ ખેરવીને ઝંઝાવાત સર્જી દીધો.
હર્ષલને 31 વર્ષની વયે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું.












