વિમૅન પ્રીમિયર લીગમાં હરાજી: સૌથી વધારે ફી મેળવનારાં ક્રિકેટર કાશવી ગૌતમ કોણ છે?

ઇમેજ સ્રોત, X/@JAYSHAH
- લેેખક, મનોજ ચતુર્વેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી માટે
9 ડિસેમ્બરે ભારતીય મહિલા ક્રિકેટરો માટે મહત્ત્વપૂર્ણ દિવસ હતો. એક તરફ ઇંગ્લૅન્ડ સામે રમાઈ રહેલી સિરીઝ જીતવાની તક ગુમાવવી અને બીજી તરફ વિમૅન્સ પ્રીમિયર લીગમાં ખેલાડીઓની હરાજી.
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર લખ્યું, “મહિલા પ્રીમિયર લીગ માટે ઐતિહાસિક દિવસ.”
30 ખેલાડીઓની હરાજીમાં 12.75 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. પાંચ ખેલાડીઓને આ ટુર્નામેન્ટ રમવા માટે 1 કરોડથી વધુની ફી મળશે.
સૌથી પહેલા જાણીએ શનિવારે રમાયેલી મૅચમાં ભારતીય ખેલાડીઓનાં પ્રદર્શન વિશે અને ત્યારબાદ વિમૅન્સ પ્રીમિયર લીગમાં કયાં ખેલાડીઓને કેટલામાં વેચાયા?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય બૅટરોએ શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-20 મૅચમાં ખરાબ પ્રદર્શન કરીને ઇંગ્લૅન્ડને શ્રેણીમાં 2-0થી લીડ મેળવીને જીતવાની તક આપી હતી.
ઇંગ્લૅન્ડે બીજી T20 મૅચ ચાર વિકેટે જીતી લીધી હતી.
પહેલી મૅચ હાર્યા બાદ આ બીજી મૅચમાં ભારતીય ટીમ સિરીઝને જીવંત બનાવી રાખવા જોરદાર રમત રમશે તેવી આશા હતી. પરંતુ બૅટરોએ ઇંગ્લિશ બૉલર્સ સામે શરણાગતિ સ્વીકારીને શ્રેણીમાં પુનરાગમનની આશાઓને સંપૂર્ણપણે નબળી બનાવી દીધી હતી.
ભારતીય ટીમનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
સ્કોર 34 રન પર પહોંચ્યો ત્યારે ભારતે ઓપનર શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, કૅપ્ટન હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા અને રિચા ઘોષની વિકેટ ગુમાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમિમા રોડ્રિગ્ઝનો આભાર માનવો જોઈએ કે ભારતીય ટીમ 80 રનના સ્કોર સુધી પહોંચી અને ભારતીય બૉલર્સને થોડો સંઘર્ષ કરવાની તક આપી.
જેમિમાએ 33 બૉલમાં બે ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા. જેમિમા સિવાય માત્ર મંધાનાએ બે આંકડામાં રન બનાવ્યા. મંધાનાએ 10 રન બનાવ્યા.
ભારતીય ઇનિંગ્સના પતનમાં ઇંગ્લૅન્ડના સમગ્ર ઍટેકનો ફાળો રહ્યો હતો. તેના બૉલર્સમાં ચાર્લી ડીન, લોરેન બેલ, એક્લેસ્ટન અને સારા ગ્લેને બે-બે વિકેટ લીધી હતી. તમામ બૉલર્સે ચુસ્ત બૉલિંગ કરી તેનું પરિણામ એ આવ્યું કે ભારતીય બૅટરો ક્યારેય દબાણમાંથી બહાર ન આવી શક્યા.
ભારતીય ઝડપી બૉલર રેણુકા સિંહે જે રીતે શરૂઆતમાં બંને ઓપનર સોફિયા ડંકલી અને ડેની વ્યાટને આઉટ કર્યા અને દીપ્તિ શર્માએ એમી જોન્સ અને ફ્રેયા કેમ્પની વિકેટ સતત બે બૉલમાં લીધી, તેનાથી થોડી આશા ચોક્કસપણે સર્જાઈ હતી. પરંતુ લડવા માટે લક્ષ્યાંક ખૂબ જ નબળું હોવાને કારણે ભારતીય બૉલર્સ રમતને પોતાના પક્ષમાં ન લાવી શક્યાં અને ભારતે મૅચ હારવા સાથે શ્રેણી પણ ગુમાવી.

ઇમેજ સ્રોત, WPLT20
વિમૅન પ્રીમિયર લીગની હરાજીમાં કોણ કોણ ચમક્યાં?

ઇમેજ સ્રોત, WOMEN'S PREMIER LEAGUE X
આઈપીએલની જેમ વિમૅન પ્રીમિયર લીગે પણ તેની હરાજીની પ્રક્રિયામાં નવા આશ્ચર્યો સર્જ્યાં છે. 2024ની સીઝન માટે મુંબઈમાં યોજાયેલી હરાજીમાં ચંદીગઢનાં ફાસ્ટ બૉલર કાશવી ગૌતમે બધાને ચોંકાવી દીધા હતા. ગુજરાત જાયન્ટ્સે તેમને 2 કરોડ રૂપિયાની ફી સાથે પોતાની ટીમમાં સામેલ કર્યાં છે.
વિમૅન પ્રીમિયર લીગની આ હરાજીમાં માત્ર 30 ખેલાડીઓની પસંદગી કરવાની હતી. તેથી કોઈ મોટાં ફેરફારો કે નવા ચહેરા આવવાની શક્યતા ઓછી હતી.
તેનું એક કારણ એ હતું કે અગાઉની વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ અને બીજા ક્રમે રહેલી દિલ્હી કેપિટલ્સ તથા યુપી વોરિયર્સે તેમનાં તમામ મુખ્ય ખેલાડીઓને જાળવી રાખ્યાં હતાં.
આ સ્થિતિમાં માત્ર બે ટીમો આરસીબી અને ગુજરાત જાયન્ટ્સે જ મોટા ભાગે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવવાનો હતો. એક અર્થમાં કહીએ તો ખેલાડીઓની પસંદગી તેમણે જ કરવાની હતી.
કાશવી બન્યાં કરોડપતિ ખેલાડી

ઇમેજ સ્રોત, X/@JAYSHAH
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચંડીગઢનાં આ ખેલાડી છેલ્લી કેટલીક સીઝનથી સતત સારું પ્રદર્શન કરી રહ્યાં છે. ખાસ વાત એ છે કે આ ટી-20 લીગની છેલ્લી હરાજીમાં તેમની પસંદગી નહોતી થઈ. પરંતુ તેનાથી નિરાશ થયા વિના તેમણે સારું પ્રદર્શન ચાલુ રાખ્યું અને હવે તેમને મહેનતનું વળતર મેળવવામાં સફળતા મળી છે. તેમને 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝથી 20 ગણી વધારે ફી એટલે કે 2 કરોડ રૂપિયા ફી ચૂકવાશે.
કાશવી ગૌતમ હકીકતમાં તો 2020માં એ સમયે સમાચારોમાં છવાયેલાં રહ્યાં, જ્યારે અરુણાચલ પ્રદેશ સામે અંડર-19 મુકાબલામાં ચંડીગઢ માટે બધી જ 10 વિકેટો લેવામાં તેઓ સફળ રહ્યાં. તેમાં તેમની હૅટ્રિક પણ સામેલ હતી.
પુરુષ વર્ગમાં આવો કરિશ્મા કરવાનું ગૌરવ માત્ર અનિલ કુંબલેને મળેલું છે.
આ પ્રકારનાં પ્રદર્શનના દમ પર તેમણે ચંડીગઢમાં ટી-20 ટ્રૉફી માટે રમાયેલી સાત મૅચમાં 12 વિકેટ ઝડપીને પસંદગીકર્તાઓનું ધ્યાન ખેંચ્યું હતું.
આ પ્રદર્શનની ખૂબી એ હતી કે તેમણે આ વિકેટો 4.12ના ઇકૉનોમી રેટથી લીધી હતી.
આના કારણે તેઓ એસીસી ઇમર્જિંગ ટીમ કપમાં રમ્યાં અને અંડર-23 ભારતીય ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યાં. આમાં ભારતને વિજેતા બનાવવામાં તેમનો ફાળો રહ્યો. હાલમાં જ ઇન્ડિયા-A સીરિઝમાં તેમણે બે મૅચમાં ત્રણ વિકેટ લઈને તેમની છાપ છોડી હતી.
વૃંદા દિનેશ પણ છવાઈ ગયાં

ઇમેજ સ્રોત, X/@JAYSHAH
પાવર હિટિંગ માટે કર્ણાટકનાં બૅટર વૃંદા દિનેશ બીજા અનકૅપ્ડ ભારતીય ખેલાડી છે જે કરોડપતિ બનવામાં સફળ રહ્યાં છે.
તેઓ ડૉમેસ્ટિક સિઝનમાં કર્ણાટક માટે છેલ્લાં બે વર્ષોથી લગાતાર રન બનાવી રહ્યાં હતાં. તેઓ ઇંગ્લૅન્ડ-A સામે સિરીઝમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યાં હતાં. તેના ઈનામરૂપે યૂપી વૉરિયર્સે તેમની ટીમમાં પસંદગી કરી અને તેમને 1.3 કરોડ રૂપિયાની ફી ચૂકવાશે.
આ વર્ષે જૂનમાં હૉંગકૉંગમાં થયેલા એસીસી ઇમર્જિંગ ટીમ ચૅમ્પિયનશીપ મુકાબલાઓમાં તેમને નિયમિત રીતે રમવાની તક નહોતી મળી, પણ જ્યારે પણ તેમને મેદાન પર ઉતરવાની તક મળી તેમણે પ્રભાવશાળી રમતનું પ્રદર્શન કર્યું છે.
ખરા અર્થમાં બાંગ્લાદેશ સામે ફાઇનલમાં જ્યારે તેમને રમવાની તક મળી તો તેમણે ભારતની જીત નિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ખેલાડી બન્યાં હતાં.
વૃંદાએ બાંગ્લાદેશ સામે ફાઇનલમાં ભારતે સાત વિકેટ ગુમાવીને બનાવેલા 127 રનોમાં 27 રનનું યોગદાન આપ્યું હતું. આ રન તેમણે 29 બૉલમાં બનાવ્યા હતા. ગત વર્ષની સ્થાનિક ક્રિકેટમાં સિનિયર મહિલાઓની વનડે ટુર્નામેન્ટમાં કર્ણાટકને ફાઇનલમાં પહોંચાડવામાં તેમની ભૂમિકા મહત્ત્વની રહી હતી.
તેમણે આ ટુર્નામેન્ટમાં 11 દાવમાં 47.70ના દરે 471 રન બનાવ્યા હતા. વૃંદાએ સેમીફાઇનલમાં 81 રન બનાવ્યાં હતાં એ કેવી રીતે ભૂલી શકાય?
વૃંદાની પસંદગી પર અંજુમ હેરાન

ઇમેજ સ્રોત, Getty Images
એવું કહેવાય છે કે ટી-20માં ખેલાડીઓની પસંદગીમાં કોઈ તર્ક નથી હોતો. કેટલીક વાર મોટું નામ ધરાવતા ખેલાડીઓની પસંદગી નથી થતી તો કેટલીક વાર ગુમનામ ખેલાડી માટે કરોડોની ફી ચૂકવવવા ટીમ તૈયાર થઈ જાય, આવી વાતો ચોંકાવનારી રહે છે.
ભારતનાં સ્ટાર ખેલાડી રહેલાં અંજુમ ચોપડાએ એક ટીવી ચૅનલ પર ચર્ચા દરમ્યાન વૃંદા દિનેશને પસંદ કરી યૂપી વૉરિયર્સે 1.3 કરોડની ફી ચૂકવવાનું નક્કી કર્યું તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
તેમનું કહેવું હતું કે ટીમે એક યુવા વ્યક્તિની પસંદગી કરી એ સારી વાત છે પણ તેઓ કહે છે કે મને સમજાતું નથી કે તેમનું ટીમમાં સ્થાન ક્યાં બને છે કારણ કે ટીમમાં પહેલાંથી જ શ્વેતા સેહરાવત અને પાર્શ્વી ચોપડા છે.
તેઓ કહે છે કે ટીમમાં નવિનતા લાવવા માટે વૃંદા પાસે એલિસા હીલી સાથે ઇનિંગની શરૂઆત કરાવી શકાય છે. પણ આનાથી કિરણ નવગીરે પર દબાણ વધી જશે. જે ટીમ માટે સારું નથી.
મન્નત કશ્યપનું ભાગ્ય

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય યંગ બ્રિગેડના સભ્ય મન્નત કશ્યપનું ભાગ્ય કાશવી અને વૃંદા જેટલું સારું નહોતું. તે આ બે ખેલાડીઓની જેમ કરોડપતિ ના બની શક્યાં. તેમને ગુજરાત જાયન્ટ્સે 10 લાખની મૂળ ફી ચૂકવવાનું નક્કી કર્યું.
જોકે આ પ્રતિભાશાળી ખેલાડીની સફરની આ માત્ર શરૂઆત માનવામાં આવે છે. તે લીગની આ સિઝનમાં એક છાપ છોડી શકે છે અને આગળ સફળ થવાનો માર્ગ મોકળો કરી શકે છે.
ગયા વર્ષે દક્ષિણઆફ્રિકા સામેની ટી-20 મૅચમાં તેમણે શાનદાર ફિલ્ડિંગથી દક્ષિણઆફ્રિકાનાં બૅટરને રનઆઉટ કર્યાં હતાં. તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં અંડર-19 મહિલા વિશ્વકપમાં ખરા અર્થમાં પોતાની ઓળખ બનાવી હતી. આ વિશ્વકપમાં તેમને પહેલીવાર સ્કૉટલૅન્ડ સામે રમવાનું મળ્યું. તે ચાર બૅટરોને પોતાની સ્પિનમાં ફસાવવામાં સફળ રહ્યાં હતાં.
પાર્શ્વી ચોપરા પછી મન્નત આ વિશ્વકપમાં બીજા નંબરનાં સૌથી સફળ બૉલર હતાં. તેમણે છ મૅચમાં નવ વિકેટ લઈ ભારતને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ જ રીતે એસીસી ઇમર્જિંગની ફાઇનલમાં તેમણે 20 રનમાં ત્રણ વિકેટ લઈને 127 રન બનાવી ભારતને ચૅમ્પિયન બનાવ્યું હતું.
પાંચ ખેલાડી જ કરોડપતિ બની શક્યા
મોટાભાગની ટીમો પહેલેથી જ તૈયાર છે. તેમણે ફક્ત તેમની ખામીઓની પૂર્તિ કરવાની હતી. તેથી વધુ ધામધૂમની અપેક્ષા ન હતી. આ હરાજીમાં માત્ર પાંચ ખેલાડીઓને જ કરોડપતિ બનવાનું સન્માન મળ્યું.
ભારતીય વૃંદા દિનેશ અને કાશવી ગૌતમ ઉપરાંત કરોડપતિ બનેલાં બે ખેલાડીઓ ઑસ્ટ્રેલિયાના છે. ઍનાબૅલ સધરલૅન્ડ અને ફોબી લિચફિલ્ડ.
સધરલૅન્ડને દિલ્હી કેપિટલ્સ બે કરોડ રૂપિયાની ફી ચૂકવશે. આ રીતે તે આ લીગના સૌથી વધુ ફી મેળવનારાં વિદેશી ખેલાડી બન્યાં છે.
લિચફિલ્ડને ગુજરાત જાયન્ટ્સ એક કરોડ રૂપિયા ફી ચૂકવશે. અન્ય એક કરોડપતિ ખેલાડી દક્ષિણ આફ્રિકાનાં શબનમ ઇસ્માઈલ છે. જેમને મુંબઈ ઇન્ડિયન્સ 1.20 કરોડ રૂપિયા ફી ચૂકવશે.
રસપ્રદ વાત એ છે કે ડીઆન્ડ્રા ડોટિન, ચમારી અટાપટ્ટુ, એમી જોન્સ અને કિમ ગાર્થ જેવા અનુભવી ખેલાડીઓની પસંદગી નહોતી થઈ.














