You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શૅરબજારમાં ટ્રેડિંગ માટે ટિપ્સ આપતાં અસ્મિતા પટેલ પર સેબીએ પ્રતિબંધ કેમ મૂક્યો?
- લેેખક, અર્ચના શુક્લા
- પદ, ઇન્ડિયા બિઝનેસ કૉરસપૉન્ડન્ટ
યૂટ્યૂબર અસ્મિતા પટેલનું મિશન "ભારતને વેપાર માટે પ્રેરિત" કરવાનું હતું. ભારતના આ લોકપ્રિય ફાયનાન્સિયલ ઇન્ફ્લુએન્સર અસ્મિતા પટેલ પોતાને "શી-વુલ્ફ ઑફ ધ શૅરમાર્કેટ" તરીકે ઓળખાવે છે – હોલીવૂડની વિખ્યાત ફિલ્મ ધ વુલ્ફ ઑફ વૉલ સ્ટ્રીટ પર આ તેમનો દૃષ્ટિકોણ છે.
છેલ્લી ગણતરી મુજબ તેમણે યૂટ્યૂબ પર અડધા મિલિયન અને ઇન્સ્ટાગ્રામ પર લાખો સબ્સ્ક્રાઇબર્સ બનાવ્યા હતા. તેના સ્ટૉક ટ્રેડિંગના અભ્યાસક્રમોની ફી હજારો રૂપિયા છે.
ગયા મહિને બજાર નિયમનકાર સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ આ કામમાં અવરોધ ઊભો કર્યો. અસ્મિતા અને અન્ય છ લોકોને સેબીએ ટ્રેડિંગ કરવાથી અટકાવ્યાં છે.
તેમના પર આરોપ છે તે રોકાણકારોને શિક્ષણના નામે ગેરકાયદેસર સ્ટૉક ટિપ્સ આપી રહ્યાં હતાં અને સોદાબાજીમાં લાખો રૂપિયા કમાતાં હતાં.
પટેલ પર નિયમનકારનો કડક પગલાં એ શિક્ષણના નામે ત્વરિત રૂપિયા કમાવાની યોજનાઓ અને ટ્રેડિંગ સબંધી સલાહ આપવાવાળા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો પર સિકંજો કસવાનો એક પ્રયાસ છે.
નવા રોકાણકારોની સંખ્યામાં અસામાન્ય ઉછાળો
ભારતમાં કોરોના મહામારી પછીના બજારમાં તેજીએ નવા રોકાણકારોની એક લહેર ઊભી કરી હતી.
બ્રોકરેજ કંપની ઝેરોધાના ડેટા દર્શાવે છે કે, 2019માં ઑનલાઇન ટ્રેડિંગ એકાઉન્ટ્સ 36 મિલિયનથી વધીને ગયા વર્ષે 150 મિલિયન જેટલાં થઈ ગયાં છે.
પ્રથમ વખત બજારમાં ઊતરનારાઓએ ટ્રેડિંગ ટિપ્સ માટે સોશિયલ મીડિયા પર જ આધાર રાખ્યો હતો. જેના પરિણામે પટેલ જેવા આપમેળે જાહેર બની બેઠેલાં "ટ્રેડગુરુઓ" અથવા "ફાયનાન્સિયલ ઇન્ફ્લુઅન્સર"ના એક નવા સમુદાયનો જન્મ થયો. આ લોકો ઝડપી પૈસા કમાવાની ખાતરી આપતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશમાં નોંધાયેલા 950 રોકાણ સલાહકારો અને 1,400 નાણાકીય સલાહકારો છે. અને આ ઇનફ્લુએન્સરોએ ઝડપથી આ ક્ષેત્રમાં ખાલી પડેલી જગ્યા ભરીને લાખો સબ્સ્ક્રાઇબર્સ અને ફૉલોઅર્સ એકઠા કર્યા.
આમાના મોટા ભાગના નિયમનકારો પાસે નોંધણી કર્યા વિના જ કાર્યરત્ હતા. આમણે રોકાણ અંગેની સલાહ અને શૅરબજાર શિક્ષણ વચ્ચેની રેખાને ઝાંખી કરી દીધી.
આથી સેબીને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી. બોલીવૂડ અભિનેતા સહિત ઓછામાં ઓછા એક ડઝન ઇન્ફ્લુએન્સરો પર ટ્રેડિંગ સલાહ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે.
નિયમન સંસ્થા સેબીએ નિયામકે બ્રોકરેજ અને બજારમાં રમતા લોકોને પણ આ ઇન્ફ્લુએન્સરો સાથે ભાગીદારી પર પ્રતિબંધ મૂક્યો છે. આ લોકો ગેરકાયદેસર સ્ટૉક ટિપ્સ અને મોટા રિટર્નની ગેરમાર્ગે દોરતી સલાહો આપતા હતા.
અસ્મિતા પટેલ પર આરોપ
સેબી નિયામકે શોધી કાઢ્યું કે અસ્મિતા પટેલ અને તેમના પતિ જિતેશ તેમના વિદ્યાર્થીઓ અને રોકાણકારોને તેમની સલાહકાર પેઢી દ્વારા ચોક્કસ શૅરોમાં વેપાર કરવા માટે નિર્દેશિત કરી રહ્યાં છે. તેમના પર આરોપ છે કે ફરજિયાત નોંધણી વગર જ ટિપ્સ આપવા માટે તેમણે ખાનગી ટેલિગ્રામ ચૅનલો, ઝૂમ કોલ્સ અને અભ્યાસક્રમોનો ઉપયોગ કર્યો હતો.
42 લોકોએ ટ્રેડિંગમાં નુકસાનની ફરિયાદ કરી અને વળતરની માગણી કર્યા પછી સેબીએ પટેલના કેસમાં કાર્યવાહી કરી છે. હવે તે 2021 અને 2024 વચ્ચે પટેલ અને તેમના સહયોગીઓએ કોર્સ ફીમાંથી કમાયેલા લાખો રૂપિયા જપ્ત કરવાની કાર્યવાહી પણ કરી રહી છે.
બજારો સુધરતાં જાય છે અને અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે. ત્યારે નિયમનકારોનું કડક વલણ ઇન્ફ્લુએન્સરોની વિશ્વસનીયતાની કસોટી સમાન છે.
હજારો ગુસ્સે ભરાયેલા રોકાણકારોએ હાલમાં જ હાઈ-પ્રોફાઇલ ઇન્ફ્લુએન્સરો પર ટ્રેડિંગ કોર્સ વેચવા અને બ્રોકરેજ સલાહ દ્વારા લાખો રૂપિયા કમાવવાનો આરોપ લગાવ્યો છે.
અસ્મિતા પટેલના કેસમાં સેબીના આદેશમાં પણ ખુલાસો થયો છે કે તેમણે છેલ્લાં પાંચ વર્ષમાં ટ્રેડિંગ નફા તરીકે લગભગ રૂ. 12 લાખની વધુ કમાણી કરી હતી પરંતુ અભ્યાસક્રમો વેચીને લગભગ રૂ. 10 કરોડની કમાણી કરી હતી.
અસ્મિતા પટેલે આ અંગે ટિપ્પણી માટે બીબીસીની વિનંતીનો જવાબ આપ્યો ન હતો.
નાના રોકાણકારોને સુરક્ષિત રાખવા માટે સેબીનું અભિયાન સારા હેતુથી ચાલી રહ્યું છે. પરંતુ તેની હાલની નિયમનકારી કાર્યવાહીમાં વિલંબ અને સ્પષ્ટતાનો અભાવ હોવા બદલ ટીકા પણ થઈ રહી છે.
સોશિયલ ઇન્ફ્લુએન્સર સામે સેબીની કાર્યવાહી અંગે નિષ્ણાતોનો મત
અનુભવી નાણાકીય પત્રકાર અને લેખિકા સુચેતા દલાલે બીબીસીને જણાવ્યું હતું કે નિયમનકાર "પસંદગીયુક્ત" અને "અનિચ્છુક નિયમનકાર" બની રહ્યો છે.
"થોડાં વર્ષો પહેલાં જ્યારે ટ્રેડિંગ સાઇટ્સે તેનાં ઉત્પાદનોને પ્રમોટ કરવા માટે ઇન્ફ્લુએન્સરોને ચુકવણી કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે કાર્યવાહી કરવી જોઈતી હતી. હવે આ બાબત ખૂબ મોટી બની ગઈ છે."
સેબીના ભૂતપૂર્વ અધિકારી સુમિત અગ્રવાલ કહે છે કે નિયમનકારે સ્પષ્ટ, વ્યાપક નીતિ લાગુ કરવાને બદલે ઉદાહરણ તરીકે રજૂ કરવા માટે તરીકે થોડાકને જ પસંદ કર્યા છે.
સુમિત અગ્રવાલ કહે છે, "અનિયમિત સ્ટૉક ટિપ્સ પર અંકુશ મૂકવો જરૂરી છે. પરંતુ ટ્રેડિંગ સ્કૂલોને શૈક્ષણિક હેતુઓ માટે ત્રણ મહિના જૂના ડેટાનો ઉપયોગ કરવાનો અને લાઇવ માર્કેટ પર ટ્રેડિંગ વ્યૂહરચનાઓનો વ્યવહારુ અનુભવ ન શીખવવાની વાત વધુ પડતું નિયમન દર્શાવે છે."
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને યૂટ્યૂબર મનીષસિંહ અડધા મિલિયન ફૉલોઅર્સ ધરાવતા બજાર વિશ્લેષણ વીડિયો બનાવે છે. તેઓ કહે છે કે સેબીના નવા નિયમો શેની મંજૂરી આપે છે તે અંગે મૂંઝવણ ઊભી કરી છે.
મનીષસિંહે બીબીસીને જણાવ્યું, "લોકોને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરી રહેલા ગંભીર (કન્ટેન્ટ) ક્રિયેટર્સ પણ તેમના સબ્સ્ક્રાઇબર્સ ગુમાવશે. આ ઉપરાંત બ્રાન્ડ ડીલ્સના નાણાકીય પ્રોત્સાહન પણ ખતમ થઈ જશે, કારણ કે ક્રિયેટર્સ સાથે કામ કરવાનો વિશ્વાસ ડગમગવા લાગશે."
સુમિત અગ્રવાલ કહે છે કે નિયમનકાર માટે આને સંતુલિત કરવું મુશ્કેલ બનશે. ટેકનોલૉજી સ્વાભાવિક રીતે જ વિક્ષેપકારક હોય છે અને કાયદો હંમેશાં તેને "કૅચ-અપ" કરતો રહે છે.
સુમિત અગ્રવાલ ઉમેરે છે કે સેબીનો વાસ્તવિક પડકાર એ છે કે વધુ પડતા નિયમન વિના ઑનલાઇન સામગ્રીનું અસરકારક રીતે નિરીક્ષણ કરવું. નોંધપાત્ર રીતે ભારતીય નિયમનકાર યુએસ જેવાં વિકસિત બજારોમાં તેનાં સમકક્ષો કરતાં વધુ વ્યાપક સત્તાઓ ધરાવે છે.
અગ્રવાલ કહે છે કે, "નિયમનકાર પાસે વ્યાપક સત્તા છે. જેમાં શોધ અને જપ્તીની સત્તાઓ અને કોર્ટના આદેશ વગર વેપાર પર પ્રતિબંધ મૂકવા અને બૅન્ક ખાતાઓ ફ્રીઝ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે."
રૉઇટર્સના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નિયમનકારે ફરીથી વધુ સત્તાઓ માગી છે. છેલ્લાં બે વર્ષમાં આ તેની બીજી વિનંતી છે.
બજારમાં પ્રભાવ પાડતા આવા ઇન્ફ્લુએન્સરોની તપાસમાં કોલ રેકૉર્ડ્સ અને સોશિયલ મીડિયા ચૅટને પ્રાપ્ત કરવા આ વિનંતી કરાઈ છે.
નિષ્ણાતો કહે છે કે પડકાર એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે આખી પ્રક્રિયામાં જરૂરી મુદ્દા ખોવાય ના જાય અને સાચા લોકોને નુકસાન ના જાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન