You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનાલ્ડ ટ્રમ્પ : આરોપ સાબિત થયા પછી પણ ચૂંટણી લડી શકશે?
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચર્ચાસ્પદ જીવનમાં વધુ એક વિવાદ અને ચર્ચાસ્પદ ઘટનાએ મંગળવારે આકાર લીધો.
આ ઘટના માત્ર ટ્રમ્પના જીવનની જ નહીં, પરંતુ અમેરિકાના ઇતિહાસની મોટી ઘટના ગણાઈ રહી છે કારણકે 76 વર્ષીય ટ્રમ્પ અમેરિકાના એવા પ્રથમ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે, જેમની સામે ફોજદારી ગુનો નોંધાયો છે, અને તેમની ઔપચારિક ધરપકડ થઈ છે.
તેમની સામે વર્ષ 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીઓ પૂર્વે એક સ્ટૉર્મી ડૅનિયલ્સ નામનાં પૉર્ન સ્ટારને નાણાં ચૂકવવાનો આરોપ છે.
ડૅનિયલ્સે દાવો કર્યો હતો કે ટ્રમ્પે તેમની સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો અને તેની વિગતો જાહેર ન કરવા માટે તેમના વકીલ મારફતે નાણાં ચૂકવ્યાં હતાં.
જોકે ટ્રમ્પે કશું ખોટું કર્યું હોવાનો ઇનકાર કર્યો છે.
મંગળવારે ન્યૂયૉર્કમાં શું થયું?
ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે મોડી સાંજે તેમના ખાસ વિમાનમાં ન્યૂયૉર્ક પહોંચ્યા હતા. રાત્રે તેઓ ટ્રમ્પ ટાવરમાં રોકાયા અને તેઓ તેમના વકીલો સાથે આ કેસ સંદર્ભની તૈયારીઓ કરી હતી.
મૅનહૅટન કોર્ટની બહાર વિરોધ પ્રદર્શનની સંભાવનાને જોતા સ્થાનિક વહીવટી તંત્રે વધારાનાં સુરક્ષા પગલાં લીધાં હતાં.
મંગળવારે સવારે, ડઝનેક પોલીસ અને કોર્ટ અધિકારીઓ તેમજ સિક્રેટ સર્વિસ એજન્ટો ટ્રમ્પને ન્યૂયોર્કની ગલીઓમાંથી લોઅર મૅનહૅટન કોર્ટ સંકુલમાં લઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેસની સુનાવણીમાં શું થયું?
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર જે આરોપો છે તેની સુનાવણી કોર્ટમાં કરવામાં આવી. અમેરિકાના સ્થાનિક સમય અનુસાર બપોરે બે વાગ્યે (ભારતીય સમય અનુસાર સમય રાત્રે 11:45 વાગ્યે) નિર્ધારિત હતી.
ટ્રમ્પ કોર્ટ પહોંચ્યા ત્યારે તેમની ઔપચારિક રીતે ધરપકડ કરી લેવામાં આવી અને સુનાવણી શરૂ થાય તે પહેલાં પોલીસ જાપ્તામાં રાખવામાં આવ્યા હતા.
સુનાવણીની શરૂઆત થઈ ત્યારે તેમને સામે ફેલની (ગુનાહિત કૃત્ય) ના 34 મામલામાં આરોપી હોવાનું જણાવવામાં આવ્યું. જોકે ટ્રમ્પે કહ્યું કે તેમણે કોઈ અપરાધ નથી કર્યો.
તેમના વકીલોએ પહેલેથી જ કહ્યું હતું કે ટ્રમ્પ તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢશે અને તેઓ દોષિત નહીં હોવાની દલીલ કરશે.
ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે પોતાના બિઝનેસ રેકર્ડમાં કોઈ ગડબડ નથી કરી.
મૅનહૅટન કોર્ટમાં જજ જુઆન મર્ચનની સામે તેમણે કહ્યું કે, તેમણે કોઈ અપરાધ નથી કર્યો.
ટ્રમ્પ પર કયા આરોપ છે?
ટ્રમ્પ તેમના ભૂતપૂર્વ એટર્ની, માઈકલ કોહેન દ્વારા 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં પૉર્ન સ્ટાર સ્ટૉર્મી ડૅનિયલ્સને 1 લાખ 30 હજાર ડૉલર્સની ટ્રાન્સફરની ચુકવણી કરી હતી.
નોંધપાત્ર બાબત એ છે કે, સંબંધ કે કોઈ બાબત ખાનગી રાખવા માટે નાણાંની ચૂકવણી કરવી અને તેનો કરાર કરવો (હશ મની એગ્રીમૅન્ટ) અમેરિકાના કાયદા હેઠળ ગેરકાયદેસર નથી.
પરંતુ ટ્રમ્પ જેને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે તે એ છે કે તેમના વકીલ કોહેને સ્ટૉર્મી ડૅનિયલ્સને ચુકવેલા નાણાંને તેમણે પોતાના ખાતામાંથી કાનૂની ફી તરીકે કોહેનને ભરપાઈ કરી આપ્યા હતા.
ટ્રમ્પ પર આરોપ છે કે આ નાણાકીય વ્યવહારથી તેમણે પોતાના બિઝનેસ રેકર્ડને ખોટા ઠરાવ્યા છે.
આ નાણાકીય વ્યવહાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકનો મતદાન કરવાના હતા તે પહેલાં જ થયો હોવાથી તે ચૂંટણી ઝુંબેશમાં મદદ કરતી ચુકવણીઓ માટેના કાયદાનું પણ ઉલ્લંઘન કરી શકે છે.
શું ટ્રમ્પ દોષી સાબિત થશે તો જેલમાં જશે?
આ કાયદાકીય પ્રક્રિયાના અંતે સૌથી વધુ સંભવિત પરિણામ દંડ છે પરંતુ ટ્રમ્પને જેલમાં મોકલવામાં આવે તેવી શક્યતા પણ છે.
જો કોઈપણ આરોપો ગંભીર હોય - જેને યુ.એસ.માં ગુનાહિત કૃત્ય (ફેલોની) કહેવાય છે - તો ટ્રમ્પને વધુમાં વધુ ચાર વર્ષની જેલની સજા ભોગવવી પડશે.
પરંતુ કાનૂની નિષ્ણાતો બીબીસીને કહે છે કે ટ્રમ્પ જેલમાં જાય તેવી શક્યતા અસંભવિત છે.
ટ્રમ્પ હજુ પણ રાષ્ટ્રપતિ માટે ચૂંટણી લડી શકે?
હા, યુ.એસ.ના બંધારણમાં ટ્રમ્પને તેમની ચૂંટણી ઝુંબેશ ચાલુ રાખવાથી રોકવા માટે કોઈ જોગવાઈ નથી.
જો તેમને જેલ પણ થાય તો પણ તેઓ સૈદ્ધાંતિક રીતે રાષ્ટ્રપતિ માટે લડી શકે છે અને ચૂંટણી જીતી શકે છે.
પરંતુ વ્યવહારુ રીતે જોઈએ તો લાંબી કાનૂની લડાઈ અને સુનાવણીની પ્રક્રિયાઓથી એ પ્રમુખપદ માટેની ચૂંટણી ઝુંબેશમાંથી ટ્રમ્પના સમય અને શક્તિને અસર થઈ શકે છે અને ચૂંટણી રેલીઓના આયોજનમાં પણ તે એક મોટું વિક્ષેપકારક પરિબળ હશે.