પોર્નસ્ટાર સાથેનો એ મામલો જેણે ડોનાલ્ડ ટ્રમ્પને મુશ્કેલીમાં મૂકી દીધા

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચર્ચાસ્પદ જીવનમાં વધુ એક વિવાદ અને ચર્ચાસ્પદ ઘટના આકાર લઈ રહી છે. આ ઘટના માત્ર ટ્રમ્પના જીવનની જ નહીં, પરંતુ અમેરિકાના ઇતિહાસની મોટી ઘટના ગણાઈ રહી છે કારણકે 76 વર્ષીય ટ્રમ્પ અમેરિકાના એવા પ્રથમ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે, જેમની સામે ફોજદારી ગુનો નોંધાયો છે.

તેમની સામે વર્ષ 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીઓ પૂર્વે એક સ્ટૉર્મી ડૅનિયલ્સ નામનાં પૉર્ન સ્ટારને નાણાં ચૂકવવાનો આરોપ છે. ડૅનિયલ્સે દાવો કર્યો હતો કે ટ્રમ્પે તેમની સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો અને તેની વિગતો જાહેર ન કરવા માટે તેમના વકીલ મારફતે નાણાં ચૂકવ્યાં હતાં. જોકે ટ્રમ્પે કશું ખોટું કર્યું હોવાનો ઇનકાર કર્યો છે.

મંગળવારે ન્યૂયૉર્કમાં શું થયું?

ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે મોડી સાંજે તેમના ખાસ વિમાનમાં ન્યૂયૉર્ક પહોંચ્યા હતા. રાત્રે તેઓ ટ્રમ્પ ટાવરમાં રોકાયા અને તેઓ તેમના વકીલો સાથે આ કેસ સંદર્ભની તૈયારીઓ કરી.

મૅનહૅટન કોર્ટની બહાર વિરોધપ્રદર્શનની સંભાવનાને જોતા સ્થાનિક વહીવટી તંત્રે વધારાનાં સુરક્ષા પગલાં લીધાં છે.

મંગળવારે સવારે, ડઝનેક પોલીસ અને કોર્ટ અધિકારીઓ તેમજ સિક્રેટ સર્વિસ એજન્ટો ટ્રમ્પને ન્યૂયૉર્કની ગલીઓમાંથી લોઅર મૅનહૅટન કોર્ટ સંકુલમાં લઈ ગયા.

કેવી રીતે થશે કેસની સુનાવણી?

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર જે આરોપો છે તેની સુનાવણી કોર્ટમાં સંપૂર્ણ રીતે જાહેરમાં કરવામાં આવશે. જે અમેરિકાના સ્થાનિક સમય અનુસાર બપોરે બે વાગ્યે (ભારતીય સમય અનુસાર સમય રાત્રે 11:45 વાગ્યે) નિર્ધારિત છે.

તેમના વકીલોએ પહેલેથી જ કહ્યું છે કે ટ્રમ્પ તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢશે અને તેઓ દોષિત નહીં હોવાની દલીલ કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પ મૅનહૅટન ડિસ્ટ્રિક્ટ ઍટર્ની એલ્વિન બ્રૅગની ઑફિસમાં શરણાગતિ સ્વીકારે તે પહેલાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.

ટ્રમ્પ પર કયો આરોપ છે?

ટ્રમ્પ તેમના ભૂતપૂર્વ ઍટર્ની, માઈકલ કોહેન દ્વારા 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં પૉર્ન સ્ટાર સ્ટૉર્મી ડૅનિયલ્સને 1 લાખ 30 હજાર ડૉલર્સની ટ્રાન્સફરની ચુકવણી કરી હતી.

નોંધપાત્ર બાબત એ છે કે, સંબંધ કે કોઈ બાબત ખાનગી રાખવા માટે નાણાંની ચૂકવણી કરવી અને તેનો કરાર કરવો (હશ મની એગ્રીમૅન્ટ) અમેરિકાના કાયદા હેઠળ ગેરકાયદેસર નથી.

જોકે, ટ્રમ્પ જેને કારણે મુશ્કેલીમાં મુકાયા છે તે એ છે કે તેમના વકીલ કોહેને સ્ટૉર્મી ડૅનિયલ્સને ચુકવેલા નાણાંને તેમણે પોતાના ખાતામાંથી કાનૂની ફી તરીકે કોહેનને ભરપાઈ કરી આપ્યા હતા. ટ્રમ્પ પર આરોપ છે કે આ નાણાકીય વ્યવહારથી તેમણે પોતાના બિઝનેસ રેકર્ડને ખોટા ઠરાવ્યા છે.

આ નાણાકીય વ્યવહાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકનો મતદાન કરવાના હતા તે પહેલાં જ થયો હોવાથી તે ચૂંટણી ઝુંબેશમાં મદદ કરતી ચુકવણીઓ માટેના કાયદાનું પણ ઉલ્લંઘન કરી શકે છે.

રાષ્ટ્રપતિપદની ઉમેદવારી પર સંકટ?

એક મહત્ત્વનો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું આ મામલાથી ટ્રમ્પની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી પર અસર પડશે કે કેમ?

ટ્રમ્પ હાલ એ નેતાઓ કરતાં વધારે આગળ છે જેમને રિપલ્બિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી મળવાની સંભાવના છે.

અમેરિકી કાયદા અનુસાર જો ટ્રમ્પને આ મામલે સજા અથવા દંડ થાય છે, તો પણ તેમના રાજકીય ભવિષ્ય પર એની અસર નહીં પડશે.

અમેરિકાના કાયદામાં એ જોગવાઈ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બનનારી વ્યક્તિ જેલમાં રહીને પણ રાષ્ટ્રપતિપદની જવાબદારીઓનું વહન કરી શકે છે.

શું છે મામલો?

આ મામલાની શરૂઆત જુલાઈ 2006માં થઈ હતી ત્યારે ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્પતિ બનવાની દિશામાં ગંભીર પ્રયાસ શરૂ નહોતા કર્યા.

પોર્નસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સ (અસલી નામ સ્ટેફની ક્લિફૉર્ડ)ના દાવા મુજબ ટ્રમ્પ સાથે તેમની મુલાકાત કૅલિફૉર્નિયા અને નેવાડા વચ્ચે સ્થિત તોહે તળાવમાં થતી ચૅરિટી ગૉલ્ફ ટુર્નામેન્ટ સમયે થઈ હતી.

વર્ષ 2011માં ‘ઇન ટચ વીકલી’ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે ટ્રમ્પે તેમને ડિનર માટે આમંત્રિત કર્યાં અને તેઓ તેમના હૉટૅલરૂમમાં મળવાં ગયાં.

આ ઇન્ટરવ્યૂ વર્ષ 2011માં આપ્યો હતો, પરંતુ તેને 2018માં પ્રકાશિત કરાયો.

આ ઇન્ટરવ્યૂમાં ડેનિયલ્સે કહ્યું, “તેઓ સોફા પર સૂતેલા હતા. ટીવી જોઈ રહ્યા હતા અથવા કંઈક કરી રહ્યા હતા. તેમણે પાયજામો પહેર્યો હતો.”

ડેનિયલ્સે દાવો કર્યો કે એ રાત્રે હોટલમાં બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો.

જોકે, ટ્રમ્પના વકીલે કહ્યું કે તેમના અસીલે આનો ઇન્કાર કર્યો છે.

સ્ટૉર્મી ડેનિયલ્સનો દાવો

જો ડેનિયલ્સની વાતમાં સત્ય છે તો, આ ઘટના ટ્રમ્પના સૌથી નાના પુત્ર બૅરનના જન્મના 4 મહિના પછી થઈ હતી.

માર્ચ 2018માં એક ટીવી ઇન્ટરવ્યૂમાં ડેનિયલ્સે દાવો કર્યો હતો કે આ સંબંધો પર મૌન પાળવાની ધમકી આપવામાં આવી હતી.

તેમણે આરોપ લાગાવ્યો કે ‘2011માં જ્યારે મેં ‘ઇન ટચ વીકલી’ને ઇન્ટરવ્યૂ આપવા હા કહી દીધું હતું તો એના કેટલાક દિવસો પછી લાગ વેગાસના કાર પાર્કિંગમાં એક વ્યક્તિએ મારી પાસે આવીને કહ્યું કે ‘ટ્રમ્પને એકલા છોડી દો’.”

જાન્યુઆરી 2018માં અમેરિકી અખબાર વૉલસ્ટ્રીસ જનરલે એક લેખ પ્રકાશિત કર્યો હતો.

તેમાં દાવો કરાયો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પા તત્કાલિન વકીલ માઇકલ કોહેને અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના એક મહિના પહેલા ઑક્ટોબર 2016માં ડેનિયલ્સને 1,30,000 ડૉલરની ચૂકવણી કરી હતી.

આ ચૂંટણીમાં ટ્રમ્પનો વિજય થયો હતો.

ડેનિયલ્સે કથિતરીતે પોતાના અફૅરની કહાણી વેચવા માટે અમેરિકી અખબાર ‘નેશનલ ઇન્ક્વાયરર’નો સંપર્ક કર્યો હતો.

જનરલ પ્રમાણે, આ નાણા ક્લિફોર્ડને એ સમજૂતી હેઠળ અપાયાં હતાં જેમાં તેમણે ટ્રમ્પ સાથેના સંબંધોની વાત જાહેર નહોતી કરવાની.

શું એ ગેરકાનૂની છે?

કાનૂની રીતે આ ચૂકવણી ગેરકાનૂની નહોતી. પરંતુ જ્યારે ટ્રમ્પે કોહેનને ચૂકવણી કરી તો એને લીગલ ફી તરીકે નોંધ કરાવી હતી.

ન્યૂયૉર્ક પ્રશાસનના વકીલો અનુસાર ટ્રમ્પે દસ્તાવેજો સાથે કરેલી એ હેરફેર હતી જે ન્યૂયૉર્કમાં એક ગુનો છે.

સરકારી વકીલ આ મામલામાં ટ્રમ્પ પર ચૂંટણી લડવા વિશેના નિયમોનું ઉલ્લંઘનના આરોપો પણ લગાવી શકે છે.કેમ કે ટ્રમ્પ તરફથી સ્ટૉર્મી ડેનિયલ્સને થએલી ચૂકવણીને છુપાવવાની કોશિશ એટલે કરવામાં આવી હતી કે જેથી તેઓ મતદાતા તેમના અને ડેનિયલ્સના સંબંધો જાણી ન શકે.