શિમલામાં મસ્જિદના ગેરકાયદે ભાગને હઠાવવા ખુદ વકફ બોર્ડ તૈયાર, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, સૌરભ ચૌહાણ
- પદ, બીબીસી હિંદી માટે, શિમલાથી
શિમલાના સંજૌલી વિસ્તારમાં એક મસ્જિદના ગેરકાયદેસર ભાગને લઈને તણાવની સ્થિતિ છે.
હિમાચલ પ્રદેશના પંચાયતી રાજ મંત્રી અનિરૂદ્ધસિંહ અને લોકનિર્માણ મંત્રી વિક્રમાદિત્યસિંહે ગુરુવારે જણાવ્યું કે મસ્જિદ સમિતિના પ્રતિનિધિ મસ્જિદના સંબંધિત ભાગને સીલ કરવા માટે અને તોડવા માટે પણ સહમત છે.
બંને મંત્રીઓએ ગુરુવારે એક પ્રેસવાર્તામાં જણાવ્યું કે મસ્જિદ પ્રબંધન સમિતિના અધ્યક્ષ મહમદ લતીફ અને વકફ બોર્ડના સભ્ય મૌલવી શેઝાદે મસ્જિદ અને સમિતિના બાકીના સભ્યોએ સાથે મળીને શિમલા નગર નિગમના કમિશનરને પત્ર આપ્યો હતો. તેમણે પત્રમાં જણાવ્યું કે તેઓ મસ્જિદના વધારાના ભાગને તોડવા માટે તૈયાર છે.
અંગ્રેજી સમાચારપત્ર 'ધી હિંદુ'એ આપેલી માહિતી પ્રમાણે, વેલફેર સમિતિના સભ્ય મુફ્તી મહમદ શાફીએ જણાવ્યું, “અમે મસ્જિદના ગેરકાયદેસર ભાગને તોડવા માટે નગર નિગમની મંજૂરી માગી છે.” આ સમિતિમાં મસ્જિદના ઇમામ, વકફ બોર્ડના સભ્ય અને મસ્જિદ પ્રબંધન સમિતિ સામેલ છે.
મંત્રીઓએ આરોપ લગાવ્યો કે કેટલાક લોકો આ આખી ઘટનાને પોતાના સ્વાર્થ માટે સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “તેઓ ભૂલી રહ્યા છે કે આ વિવાદાસ્પદ ઢાંચાનું નિર્માણ કોવિડકાળ દરમિયાન થયું હતું જ્યારે રાજ્યમાં ભાજપની સરકાર હતી.”
શિમલા પોલીસે ગુરુવારે આ મામલે શહેરના પૂર્વ મેયર અને ભાજપનાં મહિલા નેતા સત્યા કૌંડલ સહિત 50થી વધારે લોકો પર કેસ દાખલ કર્યો છે.
શિમલા પોલીસના અધિક્ષક સંજીવ ગાંધીએ કહ્યું, “શહેરમાં ભારતીય નાગરિક સુરક્ષા ધારા 163 લાગુ હતી અને કોઈ પણ પ્રકારના પ્રદર્શનને પરવાનગી આપવામાં આવી ન હતી. આ કારણે આ કલમના ઉલ્લંઘનનો મામલો છે.”
તેમણે ઉમેર્યું, “શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે બધા જ પ્રયાસો કરવામાં આવ્યા. શિમલા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 196 (સમુદાયો વચ્ચે નફરત ફેલાવવી), 189 (પરવાનગી વગર એકઠી થયેલી ભીડમાં જોખમી હથિયાર લઈને જવું), 126 (2) (ગેરવાજબી અવરોધ ઊભો કરવો) અને 61(2) (ગુનાનું ષડ્યંત્ર રચવું) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપનાં મહિલા નેતા સત્યા કૌંડલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “આ એક શાંતિપૂર્વક જનઆંદોલન હતું. જોકે, સરકાર ખોટું કરનાર લોકોનો સાથ આપી રહી છે. બધા લોકો એ જ ઇચ્છે છે કે જે લોકોએ ખોટું કર્યું તેમને સજા મળે અને ભૂલ સુધરે. આ કોઈ ધર્મનો મુદ્દો નથી. જોકે, કૉંગ્રેસ સરકાર તેને એક ધાર્મિક મુદ્દા તરીકે પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહી છે.”
વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, SAURABHCHAUHAN/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વાત એમ છે કે મલ્યાણા વિસ્તારમાં રહેનાર યશપાલનો 30 ઑગસ્ટની રાતે સલૂન ચલવાનાર મુસ્લિમ યુવકો સાથે વિવાદ થયો. પોલીસે કેસ દાખલ કર્યો ત્યારે ખબર પડી કે જે યુવકો પર મારપીટનો આરોપ છે તે સંજૌલીની મસ્જિદમાં રહે છે.
આ લોકો મૂળ ઉત્તરપ્રદેશના મુરાદાબાદના રહેવાસી હતા. પોલીસે આરોપીના આધારકાર્ડની તપાસ કરી તો મોટા ભાગના લોકોની જન્મતિથિ એક જાન્યુઆરી હતી. આ વિશે શંકાને કારણે મલ્યાણા, ચમ્યાણાના સ્થાનિક લોકોએ આ દસ્તાવેજોની તપાસની માંગણી કરી હતી.
ત્યાર બાદ ગામના લોકોએ 2 સપ્ટેમ્બરના રોજ મસ્જિદ પાસે પ્રદર્શન કર્યું. આ દરમિયાન મસ્જિદના ગેરકાયદેસર નિર્માણનો મુદો પર ચર્ચામાં આવ્યો. સ્થાનિક લોકોનું મસ્જિદને તોડવા માટેનું પ્રદર્શન વધારે ઉગ્ર બન્યું. આ કારણે 11 સપ્ટેમ્બરે પ્રદર્શન પર કાબૂ મેળવવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો.
હિંદુ સંગઠન સાથે જોડાયેલા એક પદાધિકારી કમલ ગૌતમે કહ્યું, “આ મામલો સાચા અને ખોટા વચ્ચેનો મામલો છે. સરકાર પાસેથી આશા હતી કે નિષ્પક્ષ સુનવણી થશે અને જલદી નિર્ણય આવશે. જોકે, સરકાર આ મામલાને ખેંચવા માગે છે.”
બીજા એક પ્રદર્શનકારી બૉબી રાણાએ કહ્યું, “આ સામાન્ય લોકોનું પ્રદર્શન હતું અને બધા લોકો શિમલાના નાગરિક તરીકે સામેલ થયા હતા.” રાણાએ જણાવ્યું કે આ આંદોલનમાં કેટલાક કૉંગ્રેસના લોકો પણ સામેલ થયા હતા.
કેટલાક વિશ્લેષકોનો દાવો છે કે વિરોધપ્રદર્શનને રાજ્યની વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું સમર્થન હાંસલ છે. જોકે, ભાજપે આ મામલે મૌન પાળ્યું છે.
જોકે, પૂર્વ મુખ્ય મંત્રી જયરામ ઠાકુર પ્રદર્શન ખતમ થયા પછી ઇન્દિરા ગાંધી મેડિકલ કૉલેજ પહોંચ્યા હતા. તેમણે પ્રદર્શનમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી અને સરકારની ટિકા કરી હતી.
આ મસ્જિદની જમીનને લઈને પણ વિવાદ છે. નગર નિગમના એક અધિકારીએ બીબીસીને નામ ન આપવાની શરતે જણાવ્યું કે વહીવટી તંત્રની તપાસમાં સામે આવ્યું છે કે મસ્જિદની માલિકીનો હક પ્રદેશ સરકારનો છે પણ કબજો વકફ બોર્ડનો છે.
આ મામલે શિમલા નગર નિગમની વર્ષ 2010થી મસ્જિદ ચલાવનાર સમિતિ સાથે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં વર્ષ 2022માં વકફ બોર્ડનું નામ ઉમેરાયું.
ન્યાયાલયમાં શિમલા નગર નિગમ કમિશનરની આ મામલે આવનારી સુનાવણી પાંચ ઑક્ટોબરે થશે.
મુદો વિધાનસભામાં ઊઠ્યો

ઇમેજ સ્રોત, ANI
આ મામલો રાષ્ટ્રીય સ્તરે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે કૉંગ્રેસની રાજ્ય સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી અનિરૂદ્ધસિંહે તેને વિધાનસભામાં ઉઠાવ્યો.
અનિરૂદ્ધસિંહે કહ્યું, “પરવાનગી વગર 2010માં કામ શરૂ થયું અને લગભગ બે હજાર 500 વર્ગ ફૂટનું ગેરકાયદે નિર્માણ થયું. વર્ષ 2019માં બીજા ચાર માળનું ગેરકાયદેસર નિર્માણ થયું. કેસ જ્યારે 2010થી ચાલી રહ્યો હતો તો 2019માં ચાર માળ કેવી રીતે બન્યા? વહીવટી તંત્ર ઊંઘી રહ્યું હતું?”
એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વીડિયો શૅર કરીને લખ્યું, “હિમાચલની સરકાર ભાજપની છે કે કૉંગ્રેસની? હિમાચલની “મોહબ્બત કી દુકાન”માં નફરત જ નફરત! આ વીડિયોમાં હિમાચલના મંત્રી ભાજપની બોલી બોલી રહ્યા છે.”
ઓવૈસીએ કહ્યું, “હિમાચલમાં સંજૌલી મસ્જિદ-નિર્માણ મુદ્દે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. સંઘના એક ટોળાએ મસ્જિદને તોડવાની માગણી કરી છે. સંઘના લોકોના સન્માનમાં, કૉંગ્રેસ મેદાનમાં. ભારતના નાગરિક દેશના કોઈ પણ ભાગમાં રહી શકે છે. તેમને ‘રોહિંગ્યા’ અને ‘બહારી’ તરીકે સંબોધવા દેશવિરોધી છે.”
અનિરૂદ્ધસિંહે ઓવૈસીને ભાજપની બી ટીમ ગણાવી હતી. તેમણે કહ્યું, “વાત કાયદાના પાલનની છે અને કૉંગ્રેસ એક ધર્મનિરપેક્ષ પાર્ટી છે.”
લોકનિર્માણ અને શહેરી વિકાસ મંત્રી વિક્રમાદિત્યસિંહે કહ્યું, “કાયદા પ્રમાણે કાર્યવાહી થશે. બધા લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર છે. જો ભવન ગેરકાયદેસર જણાશે તો ચોક્કપણે તોડવામાં આવશે.”
જવાબદારી કોની?

ઇમેજ સ્રોત, BBC/SAURABHCHAUHAN
સામાજિક કાર્યકર સુશીલકુમાર ગૌતમે કહ્યું, “આ કેસ જ્યારે શરૂ થયો ત્યારથી નગર નિગમની સત્તામાં ભાજપ, કૉંગ્રેસ અને ડાબેરીઓ રહ્યા. રાજ્યમાં ભાજપ અને કૉંગ્રેસની સરકાર રહી. ઘણા અધિકારીઓની બદલી કરવામાં આવી, પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું. દોષ કોને આપવો? આ મામલે વર્તમાન સરકાર ઝડપી કાર્યવાહી કરીને એક ઉદાહરણ આપી શકે છે.”
ગૌતમે કહ્યું, “શિમલા નગર નિગમમાં છેલ્લાં વર્ષોમાં પાંચ મેયર, આઠ કમિશનર અને 10 આર્કિટેક્ટ રહ્યા, જેમના પર ગેરકાયદેસર નિર્માણને રોકવાની જવાબદારી હતી.”
શિમલા નગર નિગમની સીમામાં નિર્માણ માટે પરવાનગી લેવી અને ભવનનો નકશો નક્કી કરેલા નિયમો પ્રમાણે પાસ કરાવવો જરૂરી છે. શિમલામાં સાડા ત્રણ માળનાં ભવન બનાવી શકાય છે, પરંતુ તે માટે પહેલાં નકશો પાસ કરાવવો જરૂરી છે. આ મામલે એવું થયું નથી.
શિમલા નગર નિગમના એક અધિકારીએ જણાવ્યું, “એ વાત સ્પષ્ટ નથી કે કોણે નિર્માણ કરાવ્યું? વકફ બોર્ડના અધિકારી કુતુબુદ્દીને કહ્યું કે મસ્જિદનું પ્રબંધન સંભાળનાર લોકોએ નિર્માણ કરાવ્યું હતું. તે લોકોને હવે હઠાવી દેવામાં આવ્યા છે. મસ્જિદનું કામ નવી સંચાલન સમિતિ જોઈ રહી છે.”
હિમાચલ પ્રદેશ પોલીસ મહાનિદેશક અતુલ વર્માએ બીબીસીને કહ્યું, “અમારી પ્રાથમિકતા પ્રદેશમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાની છે. અમે તે માટે શક્ય બધા જ પ્રયાસો કર્યા છે. પોલીસ દરેક મામલે તપાસ કરી રહી છે અને હાલમાં કોઈ ચિંતાજનક વાત સામે આવી નથી. ભવન વિશે નગર નિગમે નિર્ણય કરવાનો છે.”
આ દરમિયાન ગેરકાયદેસર નિર્માણને સીલ કરવા માટે અને તોડવા માટે મસ્જિદ પ્રબંધન કમેટી, મુસ્લિમ વૅલફૅર કમિટીના સભ્યોએ ગુરુવારે નગર નિગમના કમિશનર સાથે મુલાકાત કરી. તેમણે મસ્જિદના ગેરકાયદેસર નિર્માણને તોડવાની પરવાનગી માગી છે.
સંજૌલી મસ્જિદના ઇમામ શહજાદે કહ્યું કે નગર નિગમ શિમલા કમિશનરે કોર્ટમાં અપીલ કરી હતી કે સંજૌલી મસ્જિદને સીલ કરવામાં આવે. જો કોર્ટ પરવાનગી આપશે તો કમિટી પોતે જ આ ગેરકાયદેસર નિર્માણને તોડવા માટે તૈયાર છે.
હિમાચલમાં હિંદુ-મુસ્લિમની વસ્તી

ઇમેજ સ્રોત, ANI
રાજકીય વિશ્લેષક ડૉ. રમેશસિંહે કહ્યું, “શિમલામાં લોકોનું પ્રદર્શન ક્યારેક જ થાય છે. 2016માં શિમલા જિલ્લામાં કોટખાઈમાં એક શાળાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના ઘટી ત્યારે આ પ્રકારનું પ્રદર્શન જોવા મળ્યું હતું. વર્તમાન સરકારે જલદી નિર્ણય લેવો પડશે.”
મસ્જિદની પાસે રહેતા નિર્મલસિંહે કહ્યું, “મસ્જિદ અહીં ઘણા સમયથી છે અને નમાજ પણ પઢવામાં આવે છે. જોકે, છેલ્લાં પાંચ વર્ષમાં પાંચ માળની ઇમારત તૈયાર થઈ ગઈ. બહારથી આવનારા મુસ્લિમોની સંખ્યા પણ વધી ગઈ. સમસ્યા તો છે પણ વિરોધ કરીએ તો પણ કોનો કરીએ? ઘણા લોકોનાં ઘર પણ ગેરકાયદેસર છે તેમના ઉપર પણ કેસ ચાલી રહ્યા છે. અમે લોકો આ મામલે એટલા માટે જોડાયા કે ગેરકાયદેસર નિર્માણ તોડવામાં આવે અને જે લોકો પણ રહે કાયદા પ્રમાણે રહે. કોની પાસે માલિકીનો હક્ક છે તે સરકાર નક્કી કરે.”
હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી સુખવિંદર સુક્ખુએ હાલમાં જ કહ્યું હતું, “લોકો ગેરકાયદેસર નિર્માણ એટલા માટે કરે છે કારણ કે સરકાર તેમને કાયદેસર કરી દે છે. જોકે, અધિકારીઓની જવાબદારી હવે નક્કી કરવી પડશે. સરકાર આ માટે નિયમ બનાવશે.”
2011માં થયેલી વસતિગણતરી મૂજબ, શિમલામાં મુસ્લિમ વસ્તી લગભગ 2.40 ટકા અને હિંદુ વસ્તી લગભગ 94 ટકા છે.
શિમલાના એક મુસ્લિમ વેપારી મહમદ ઈમરાને કહ્યું, “આ મામલો મસ્જિદનું નિર્માણ નિયમો પ્રમાણે કાયદેસર છે કે નહીં તેનો છે. જો કોઈ વ્યક્તિ ખોટા દસ્તાવેજો સાથે પકડાય છે તો તેમના પર નિયમ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ. જોકે, આખા સમાજને નિશાનો બનાવવો અને આખા સમાજને એક નજરે જોવો યોગ્ય નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












