રતન તાતા: ચકાચૌંધથી દૂર સાદું જીવન જીવતા ઉદ્યોગપતિની કહાણી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી ન્યૂઝ

1992માં ઇન્ડિયન ઍરલાઇન્સના કર્મચારીઓનું એક અદ્‌ભુત સર્વેક્ષણ કરાવવામાં આવ્યું હતું.

તેમને પૂછવામાં આવેલું કે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટમાં તમને સૌથી વધારે પ્રભાવિત કરનાર મુસાફર કોણ છે? તો, સૌથી વધારે વોટ રતન તાતાને મળ્યા હતા.

જ્યારે આનું કારણ શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે ખબર પડી કે તેઓ એકલા એવા વીઆઈપી હતા જેઓ એકલા ચાલતા હતા. તેમની બૅગ અને ફાઇલો ઊંચકવા માટે તેમની સાથે કોઈ આસિસ્ટન્ટ નહોતા રહેતા.

વિમાન ઊડવા માંડે કે તરત તેઓ પોતાનું કામ શરૂ કરી દેતા હતા. ખૂબ ઓછી ખાંડ સાથેની એક બ્લૅક કૉફી માગવાની તેમને ટેવ હતી.

પોતાની મનપસંદ કૉફી નહીં મળ્યાના કારણે તેમણે ક્યારેય ફ્લાઇટ ઍટન્ડન્ટને ખખડાવ્યા નહોતા. રતન તાતાની સાદગીના અનેક કિસ્સા જગજાણીતા હતા.

તાતા ગ્રૂપ વિષયક જાણીતા પુસ્તક ‘ધ તાતાઝ : હાઉ અ ફૅમિલી બિલ્ટ અ બિઝનેસ ઍન્ડ અ નૅશન’માં ગિરીશ કુબેરે લખ્યું છે, "જ્યારે તેઓ તાતા સન્સના પ્રમુખ બન્યા ત્યારે તેઓ જેઆરડીના રૂમમાં ન બેઠા. તેમણે પોતાની બેઠક માટે એક સામાન્ય નાનો રૂમ બનાવડાવ્યો."

"જ્યારે તેઓ કોઈ જુનિયર ઑફિસર સાથે વાત કરતા ત્યારે કોઈ વરિષ્ઠ અધિકારી આવે તો તેઓ તેમને રાહ જોવાનું કહેતા હતા. તેમની પાસે બે જર્મન શૅફર્ડ શ્વાન હતા—‘ટિટો’ અને ‘ટૅંગો’—જેને તેઓ અતિશય પ્રેમ કરતા હતા."

"તેમને શ્વાન માટે એટલો બધો પ્રેમ હતો કે જ્યારે તેઓ પોતાની ઑફિસ બૉમ્બે હાઉસ પહોંચે ત્યારે રસ્તે રખડતાં શ્વાન તેમને ઘેરી લેતાં અને તેમની સાથે લિફ્ટ સુધી જતાં હતાં. બૉમ્બે હાઉસમાં, સ્ટાફ કે સભ્ય અથવા જેમની પાસે પહેલાંથી પ્રવેશ મંજૂરી ન હોય તેવા લોકોને અંદર આવવાની મંજૂરી નહોતી અપાતી; પણ, ઘણી વાર આ શ્વાનો તેની લૉબીમાં ફરતાં દેખાતાં."

શ્વાનની બીમારી

જ્યારે રતનના પૂર્વ સહાયક આર. વૅંકટરમનને તેમના બૉસ સાથેની તેમની નિકટતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમનો જવાબ હતો, "ખૂબ ઓછા લોકો મિસ્ટર તાતાને નજીકથી ઓળખે છે. હા, બે લોકો છે, જેઓ તેમની ખૂબ નિકટ છે, ‘ટિટો’ અને ‘ટૅંગો’, તેમના જર્મન શૅફર્ડ શ્વાન. તેમના સિવાય કોઈ પણ તેમની આસપાસ ન જઈ શકે."

ખ્ચાતનામ બિઝનેસમૅન અને લેખક સુહેલ સેઠે પણ કિસ્સો કહી સંભળાવ્યો, "બ્રિટનના રાજકુમાર ચાર્લ્સે છઠ્ઠી ફેબ્રુઆરી 2018એ બર્મિંગહામ પૅલેસમાં રતન તાતાને પરોપકારિતા માટે ‘રૉકફેલર ફાઉન્ડૅશન લાઇફટાઇમ ઍચિવમૅન્ટ’ પુરસ્કાર આપવાનો હતો.

પરંતુ સમારોહના થોડાક કલાકો પહેલાં જ રતન તાતાએ આયોજકોને જાણ કરી કે તેઓ નહીં આવી શકે, કેમ કે, તેમનો શ્વાન ‘ટિટો’ અચાનક બીમાર પડી ગયો છે. જ્યારે ચાર્લ્સને આ વાત કહેવામાં આવી તો તેમણે કહ્યું, આ ‘ખરા મરદ’ની નિશાની છે."

દેખાડાથી દૂર અને એકાકી

જેઆરડીની જેમ સમયપાલનની ચુસ્તતા રતન તાતાની પણ ઓળખ બની ગઈ હતી. તેઓ બરાબર સાડા છ વાગ્યે પોતાની ઑફિસમાંથી નીકળી જતા હતા.

કોઈ વ્યક્તિ ઑફિસ સંબંધિત કામ માટે જો ઘરે તેમનો સંપર્ક કરે તો તેઓ ચિડાઈ જતા. તેઓ ઘરના એકાંતમાં ફાઇલો અને અન્ય કાગળો વાંચતા.

જો તેઓ મુંબઈમાં હોય, તો, તેઓ પોતાનો વિક-ઍન્ડ પોતાના ફાર્મહાઉસમાં ગાળતા હતા. તે દરમિયાન તેમની સાથે કોઈ ન હોય, સિવાય કે, તેમનાં શ્વાન. તેમને ન તો ફરવાનો શોખ હતો કે ન તો ભાષણ કરવાનો. તેમને દેખાડાથી ચીડ હતી.

બાળપણમાં તેમના પરિવારની રૉલ્સ-રૉઇસ કાર તેમને સ્કૂલે મૂકવા જતી, ત્યારે તેઓ અસહજ થઈ જતા. રતન તાતાને નજીકથી ઓળખનારાઓનું કહેવું છે કે જિદ્દી સ્વભાવ એમની વારસાગત વિશેષતા હતી, જે તેમને જેઆરડી અને તેમના પિતા નવલ તાતા પાસેથી મળી હતી.

સુહેલ સેઠે કહ્યું, "જો તમે તેમના લમણે બંદૂક તાકો, તો પણ તેઓ કહેશે, મને ગોળી મારી દો પણ હું માર્ગ પરથી નહીં હટું."

બૉમ્બે ડાઇંગના નુસલી વાડિયાએ પોતાના જૂના મિત્ર વિશે જણાવ્યું કે, "રતન ખૂબ જટિલ ચરિત્ર છે. મને નથી લાગતું કે કોઈએ પણ એમને પૂર્ણ રીતે ઓળખ્યા હોય. તેઓ ખૂબ અંતર્મુખી વ્યક્તિ છે. નિકટતા છતાં રતન અને મારી વચ્ચે ક્યારેય વ્યક્તિગત સંબંધ નહોતા. તેઓ બિલકુલ એકાકી છે."

કૂમી કપૂરે પોતાના પુસ્તક ‘ઍન ઇન્ટિમૅટ હિસ્ટ્રી ઑફ પારસીઝ’માં લખ્યું છે, "રતને જાતે મારી સામે સ્વીકારેલું કે તેઓ પોતાની અંગતતાને ખૂબ મહત્ત્વ આપે છે. તેઓ કહેતા કે કદાચ હું વધારે મળતાવડો નથી, પણ, અસામાજિક પણ નથી."

દાદી નવાઝબાઈના 'રતન'

તાતાની જવાનીને તેમના એક મિત્ર યાદ કરતાં કહે છે કે, તાતા જૂથમાંના તેમના શરૂઆતના દિવસોમાં રતનને પોતાની અટક બોજારૂપ લાગતી હતી.

અમેરિકામાં ભણતા તે દરમિયાન તેઓ બેફિકર રહેતા હતા, કેમ કે, તેમના સહપાઠીઓને તેમની પારિવારિક પૃષ્ઠભૂમિ વિશે ખબર નહોતી.

કૂમી કપૂરને આપેલા ઇન્ટર્વ્યૂમાં રતન તાતાએ સ્વાકારેલું, "તે દિવસોમાં રિઝર્વ બૅંક (ઑફ ઇન્ડિયા) વિદેશમાં ભણવા માટે ખૂબ ઓછી વિદેશીમુદ્રાનો ઉપયોગ કરવાની મંજૂરી આપતી. મારા પિતા કાયદો તોડવામાં નહોતા માનતા, તેથી તેઓ મારા માટે બ્લૅકમાં ડૉલર નહોતા ખરીદતા."

"એટલે ઘણી વાર એવું બનતું કે મહિનો પૂરો થતાં પહેલાં જ મારી પાસેના બધા પૈસા ખલાસ થઈ જતા. ક્યારેક તો મારે મિત્રો પાસેથી ઉધાર લેવા પડતા. ઘણી વાર તો થોડાક વધારે પૈસા કમાવા માટે મેં વાસણો પણ ધોયાં છે."

રતન માત્ર 10 વર્ષના હતા, ત્યારે તેમનાં માતાપિતાના છૂટાછેડા થઈ ગયા હતા. રતન જ્યારે 18 વર્ષના થયા, ત્યારે તેમના પિતાએ એક સ્વિસ મહિલા સિમોન દુનોયર સાથે લગ્ન કરી લીધું.

બીજી તરફ, છૂટાછેડા બાદ તેમનાં માતાએ સર જમસેદજી જીજીભોય સાથે લગ્ન કરી લીધું. રતનને તેમનાં દાદી લેડી નવાજબાઈ તાતાએ ઉછેર્યા હતા.

રતન અમેરિકામાં સાત વર્ષ રહ્યા. ત્યાં કૉર્નેલ યુનિવર્સિટીમાંથી તેમણે આર્કિટૅક્ટ અને ઍન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. લૉસ ઍન્જિલિસમાં તેમની પાસે એક સારી નોકરી અને શાનદાર ઘર હતાં, પરંતુ પોતાનાં દાદી અને જેઆરડીના કહેવાથી ભારત પાછા ફર્યાં.

આ કારણોને લઈને તેમનો તેમનાં અમેરિકન ગર્લફ્રેન્ડ સાથે સંબંધ આગળ ન વધી શક્યો અને રતન તાતા આજીવન કુંવારા રહ્યા.

બ્લૂ કૉલર કામથી શરૂઆત

1962માં રતન તાતાએ જમશેદપુરમાં તાતા સ્ટીલમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

ગિરીશ કુબેરે લખ્યું છે, "જમશેદપુરમાં રતન છ વર્ષ સુધી રહ્યા, જ્યાં શરૂઆતમાં તેમણે એક શૉપફ્લૉર મજૂર તરીકે બ્લૂ ઓવરઑલ પહેરીને ઍપ્રેન્ટિસશિપ કરી. ત્યાર બાદ તેમને પ્રૉજેક્ટ મૅનેજર બનાવી દેવાયા."

"તે પછી તેઓ મૅનેજિંગ ડાયરેક્ટર એસ.કે. નાણાવટીના વિશેષ સહાયક બન્યા. તેમની આકરી મહેનતની ખ્યાતિ મુંબઈ સુધી પહોંચી અને જેઆરડી તાતાએ તેમને મુંબઈ બોલાવી લીધા."

ત્યાર પછી તેમણે એક વર્ષ સુધી ઑસ્ટ્રેલિયામાં કામ કર્યું. જેઆરડીએ તેમને નબળી પડી ગયેલી કંપનીઓ સૅન્ટ્રલ ઇન્ડિયા મિલ અને નેલ્કોને પાટે ચડાવવાની જવાબદારી સોંપી હતી.

રતનના નેતૃત્વમાં ત્રણ વર્ષમાં જ નેલ્કો (નૅશનલ રેડિયો ઍન્ડ ઇલૅક્ટ્રૉનિક્સ)ની કાયાપલટ થઈ ગઈ અને તેણે નફો રળવાનું શરૂ કરી દીધું. 1981માં જેઆરડીએ રતનને તાતા ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ બનાવી દીધા.

આ કંપનીનું ટર્નઓવર માત્ર 60 લાખ હતું પરંતુ આ જવાબદારીનું મહત્ત્વ એટલા માટે હતું કે આની પહેલાં તાતા જાતે આ કંપનીના કામકાજ પર સીધી દેખરેખ રાખતા હતા.

દાદીએ રતન તાતાને ઉછેર્યા અને તેમની જીવનશૈલી સાદગીભરી રહી

તે જમાનાના બિઝનેસ પત્રકાર અને રતનના મિત્ર તેમને મળતાવડા, નખરાં વગરના સભ્ય અને રસપ્રદ વ્યક્તિ તરીકે યાદ કરે છે. તેમને કોઈ પણ મળી શકતા હતા અને તેઓ પોતાનો ફોન જાતે રિસીવ કરતા હતા.

કૂમી કપૂરે લખ્યું છે, "મોટા ભાગના ભારતીય અબજોપતિઓની સરખામણીએ રતનની જીવનશૈલી ખૂબ નિયંત્રિત અને સાદગીભરી હતી. તેમના એક બિઝનેસ સલાહકારે મને કહેલું કે તેમને આશ્ચર્ય થતું હતું કે તેમના ત્યાં સૅક્રેટરીઓની ભીડ નહોતી”.

"એક વાર મેં તેમના ઘરે બૅલ વગાડી, તો એક નાના છોકરાએ દરવાજો ખોલ્યો. ત્યાં વરદી પહેરેલો કોઈ નોકર કે આડંબર નહોતો. કૉલાબામાં સી-ફેસનું તેમનું ઘર તેમનાં કુલીનતા અને રુચિને વ્યક્ત કરે છે."

રતન તાતા જેઆરડીના ઉત્તરાધિકારી કેવી રીતે બન્યા?

જ્યારે જેઆરડી 75 વર્ષના થયા, ત્યારે એવી અટકળો થવા લાગી હતી કે તેમના ઉત્તરાધિકારી કોણ હશે?

જેઆરડી તાતાનું જીવનચરિત્ર લખનાર કે. એમ. લાલાએ લખ્યું છે, "જેઆરડી… નાના પાલખીવાલા, રુસી મોદી, શાહરુખ સાબવાલા અને એચ.એન. સેઠનામાંથી કોઈ એકને પોતાનો ઉત્તરાધિકારી બનાવવાનું વિચારતા હતા. ખુદ રતન તાતા એવું માનતા હતા કે આ પદ માટે પાલખીવાલા અને રુસી મોદી મુખ્ય દાવેદાર હશે."

1991માં 81 વર્ષની ઉંમરે જેઆરડીએ અધ્યક્ષપદ છોડ્યું. આ મુકામે તેમણે રતન તરફ જોયું.

જેઆરડી એવું માનતા હતા કે રતનના પક્ષમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત તેમની ‘તાતા’ સરનૅમ હતી. તાતાના મિત્ર નસલી વાડિયા અને તેમના સહાયક શાહરુખ સાબવાલાએ પણ રતનના નામની ભલામણ કરી હતી.

1991માં પચીસમી માર્ચે રતન તાતા ગ્રૂપના અધ્યક્ષ બન્યા ત્યારે તેમની સામેનો પહેલો પડકાર જૂથનાં ત્રણ ક્ષત્રપો દરબારી સેઠ, રુસી મોદી અને અજિત કેરકરને કઈ રીતે નબળા પાડી શકાય, તે હતો.

આ લોકો અત્યાર સુધી મુખ્ય કાર્યાલયના હસ્તક્ષેપ વગર તાતાની કંપનીઓનું પોત-પોતાની રીતે સંચાલન કરતા હતા.

તાતાના આંતરરાષ્ટ્રીય રતન

શરૂઆતમાં લોકોએ રતન તાતાની વ્યાવસાયિક સમજ સામે ઘણા સવાલ ઉઠાવ્યા, પરંતુ 2000માં તેમણે પોતાના કરતાં બે ગણા મોટા બ્રિટિશ ગ્રૂપ ‘ટેટલી’નું ઍક્વિઝિશન કરીને લોકોને દંગ કરી દીધા.

આજના સમયે તાતાની ગ્લૉબલ બૅવરેજિસ દુનિયાની બીજા ક્રમની સૌથી મોટી ચા કંપની છે. ત્યાર બાદ તેમણે યુરોપની બીજા ક્રમની સૌથી મોટી સ્ટીલ નિર્માતા કંપની કૉરસને ખરીદી.

ટીકાકારોએ આ સોદો કરવા પાછળની સમજદારી અંગે સવાલ કર્યા, પણ તાતા જૂથે આ કંપની બાબતે એક રીતે પોતાની ક્ષમતાનો પુરાવો આપ્યો.

દિલ્હી ઑટો ઍક્સ્પો 2009માં રતન તાતાએ પીપલ્સ કાર ‘નેનો’ લૉન્ચ કરી, જે એક લાખ રૂપિયાની કિંમતે ઉપલબ્ધ હતી.

નેનોની પહેલાં 1998માં તાતા મોટર્સે ‘ઇન્ડિકા’ નામની કાર બજારમાં રજૂ કરી હતી, જે ભારતમાં ડિઝાઇન કરાયેલી પહેલી કાર હતી.

શરૂઆતમાં આ કારને સફળતા ન મળી અને રતને તેને ફૉર્ડ મોટર કંપનીને વેચવાનો નિર્ણય લીધો હતો.

જ્યારે રતન ડેટ્રૉઇટ ગયા ત્યારે બિલ ફોર્ડે તેમને પૂછ્યું હતું કે તેમને વ્યવસાય વિશે પૂરતી માહિતી મેળવ્યા વગર આ ક્ષેત્રમાં શા માટે પ્રવેશ કર્યો?

તેમણે તાતાને ટોણો માર્યો કે જો તેઓ ‘ઇન્ડિકા’ને ખરીદે તો તેઓ ભારતીય કંપની પર મોટો ઉપકાર કરશે. તેમના આ વ્યવહારથી રતન તાતાની ટીમ નારાજ થઈ ગઈ અને વાટાઘાટ પૂરી કર્યા વગર જ ત્યાંથી ચાલતી પકડી.

એક દાયકા બાદ સ્થિતિ પલટાઈ અને 2008માં ફૉર્ડ કંપની ભારે નાણાસંકટમાં ફસાઈ. તેણે બ્રિટિશ લક્ઝરી ‘જૅગ્યુઆર’ અને ‘લૅન્ડરોવર’ વેચવાનો નિર્ણય કર્યો.

કૂમી કપૂરે લખ્યું છે, "ત્યારે બિલ ફૉર્ડે સ્વીકાર્યું કે ભારતીય કંપની ફૉર્ડની લક્ઝરી કાર કંપની ખરીદીને તેના પર મોટો ઉપકાર કરશે. રતન તાતાએ 2.3 અબજ અમેરિકન ડૉલરમાં આ બંને પ્રખ્યાત બ્રાન્ડ્સનું ઍક્વિઝિશન કર્યું."

આંતરરાષ્ટ્રીય અભિયાન આડે અવરોધ

એ સમયે અમુક બિઝનેસ નિષ્ણાતોએ રતન તાતાની આ મોટી ખરીદીઓ સામે સવાલો પણ ઉઠાવ્યા.

તેમનો તર્ક હતો કે, રતનનાં ઘણાં બધાં વિદેશી ઍક્વિઝિશન્સ તેમના માટે મોંઘા સોદા સાબિત થયા. ‘તાતા સ્ટીલ યુરોપ’ સફેદ હાથી સાબિત થયો અને તેણે ગ્રૂપને દેવાના ડુંગર નીચે દબાવી દીધું.

ટીએન નૈનને લખ્યું કે, રતનના વૈશ્વિક દાવ ઘમંડ અને ખરાબ સમયનું મિશ્રણ હતા.

એક નાણાકીય વિશ્લેષકે કહ્યું કે, ભારતીય ઉદ્યોગમાં, છેલ્લા બે દાયકામાં, દૂરસંચારમાં સૌથી મોટી તક હતી, પરંતુ રતને મોટા ભાગે શરૂઆતમાં જ તે ગુમાવી દીધી.

જાણીતા પત્રકાર સુચેતા દલાલે કહ્યું કે, "રતને ભૂલોની પરંપરા સર્જી. તેમનું જૂથ ‘જૅગ્યુઆર’ને ખરીદીને ખૂબ મોટા નાણાબોજમાં દબાઈ ગયું". પરંતુ, ‘તાતા કન્સલ્ટન્સી સર્વિસ’ એટલે કે ‘ટીસીએસ’એ હંમેશાં તાતા જૂથને અગ્રણી ઉદ્યોગગૃહ તરીકે જાળવી રાખ્યું.

આ કંપનીએ 2015માં તાતા જૂથના ચોખ્ખા નફામાં 60 ટકાથી વધુનું યોગદાન આપ્યું. 2016માં અંબાણીની ‘રિલાયન્સ’ કરતાં કોઈ ભારતીય કંપનીની સૌથી મોટી માર્કેટ કૅપિટલ હોય તો તે આ કંપનીની હતી.

રતનને વિવાદની ઝાંખપ

2010માં લૉબિસ્ટ નીરા રાડિયા સાથેની ટેલિફોનિક વાતચીત લીક થઈ ત્યારે રતન તાતા ખૂબ મોટા વિવાદમાં સપડાયા હતા.

ઑક્ટોબર 2020માં તાતા જૂથની જ્વેલરી બ્રાન્ડ ‘તનિષ્ક’ દ્વારા ઉતાવળમાં એક જાહેરખબર પાછી ખેંચી લેવાયા બદલ રતન તાતા હાંસીને પાત્ર બન્યા હતા.

આ જાહેરાતમાં બધા ધર્મોને સમાન માનનાર એક સમન્વિત ભારતનું માર્મિક ચિત્રણ કરાયું હતું. આ જાહેરાતને મુખર ડાબેરી ટ્રૉલ્સનો સામનો કરવો પડ્યો હતો.

અંતે, ‘તનિષ્ક’એ દબાણ હેઠળ જાહેરાત પાછી ખેંચી લેવી પડી હતી. અમુક લોકોનું માનવું હતું કે જો જેઆરડી જીવતા હોત, તો તેઓ આવા દબાણમાં ન આવ્યા હોત.

રતન એ સમયે પણ સવાલોથી ઘેરાયા હતા જ્યારે 24 ઑક્ટોબર 2016એ તેમણે તાતા ગ્રૂપના અધ્યક્ષ સાઇરસ મિસ્ત્રીને એક કલાકથી પણ ઓછા સમયની નોટિસ આપીને બરખાસ્ત કર્યા હતા.

તાતાને ભરોસાપાત્ર બ્રાન્ડ બનાવી

આ બધું હોવા છતાં, રતન તાતાની ગણતરી હંમેશાં ભારતના સૌથી વધુ ભરોસાપાત્ર ઉદ્યોગપતિઓમાં રહી.

જ્યારે ભારતમાં કોવિડ મહામારી ફેલાઈ ત્યારે રતન તાતાએ તાતા ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક 500 કરોડ રૂપિયા અને તાતા કંપનીઓના માધ્યમથી એક હજાર કરોડ રૂપિયા મહામારી અને લૉકડાઉનનાં આર્થિક પરિણામોને પહોંચી વળવા માટે આપ્યા હતા.

પોતાને ગંભીર જોખમમાં મૂકનારા ડૉક્ટર્સ અને આરોગ્યકર્મીઓના રહેવા માટે પોતાની લક્ઝરી હોટલોનો ઉપયોગ કરવાની ઑફર કરનાર પ્રથમ વ્યક્તિ પણ રતન તાતા જ હતા.

આજે પણ ભારતીય ટ્રકચાલક પોતાના વાહનની પાછળના ભાગે ‘ઓકે તાતા’ લખે છે, જેથી એ જાણી શકાય કે આ ટ્રક તાતાનો છે.

તાતાની પાસે એક ખૂબ મોટી વૈશ્વિક ફૂટપ્રિન્ટ પણ છે. તે ‘જૅગ્યુઆર’ અને ‘લૅન્ડરોવર’ કારોનું નિર્માણ કરે છે અને ‘તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ’ દુનિયાની પ્રખ્યાત સૉફ્ટવૅર કંપનીઓમાંથી એક છે.

આ બધું બનાવવામાં રતન તાતાની ભૂમિકાને હંમેશાં યાદ રાખવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.