You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયાની નિષ્ફળતા ભારત માટે અવસર, ચંદ્રયાન-3ની સફળતા કેટલી મોટી ઉપલબ્ધિ ગણાશે?
- લેેખક, શ્રીકાંત બક્ષી
- પદ, બીબીસી સંવાદદાતા
14 જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી ચંદ્રયાન મિશન -3એ ઉડાણ ભરી હતી.
40 દિવસોની લાંબી યાત્રા બાદ 23 ઑગસ્ટના રોજ ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરવાનો પ્રયાસ કરશે.
આ પહેલાં ચંદ્રયાન-1ના મૂન ઈમ્પૅક્ટ પ્રોબ, ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડર અને પ્રજ્ઞાન રોવરને પણ એ જ ક્ષેત્રમાં ઊતરવા માટે મોકલાયા હતા. હવે ચંદ્રયાન-3 પણ અહીં જ ઊતરવાની કોશિશ કરશે.
જોકે આ પહેલાંના બંને મિશનમાં ભારતને નિષ્ફળતા સાંપડી હતી. ચંદ્રયાન-1નું મૂન ઈમ્પૅક્ટ પ્રોબ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ક્રેશ થયું હતું. જ્યારે ચંદ્રયાન-2ના લૅન્ડરથી સૉફ્ટ લૅન્ડિંગની છેલ્લી ક્ષણોમાં સિગ્નલ મળવાનું બંધ થઈ ગયું હતું.
પરંતુ ફરી એકવાર ચંદ્રયાન-3 સાથે ઈસરો ભારતને દક્ષિણ ધ્રુવ પર સૉફ્ટ લૅન્ડિંગ કરનાર પ્રથમ દેશ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
જોકે, રશિયા દ્વારા 11 ઑસ્ટના રોજ લૉન્ચ કરાયેલું લૂના-25 પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરવાની તૈયારી કરી રહ્યું હતું, જે રવિવારે ક્રેશ થયું હતું.
પરંતુ ઇસરોને આશા છે કે ચંદ્રયાન-3 તેના મિશનમાં સફળ થશે.
દુનિયાના દેશો વચ્ચે અંતરિક્ષના રહસ્યોને જાણવાની એક હોડ કાયમ રહે છે. ચંદ્ર એ સૌરમંડળમાં પૃથ્વીની સૌથી નજીકનું ખગોળીય પિંડ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચંદ્ર પર પહોંચવા માટે અમેરિકા અને રશિયા વચ્ચે લાંબા સમયથી હોડ રહી છે. અને એવું કહી શકાય કે અમેરિકા અને રશિયા વચ્ચેનું અંતરિક્ષ યુદ્ધ બીજા વિશ્વયુદ્ધ બાદ શરૂ થયું હતું.
તત્કાલીન સોવિયેટ રશિયાએ 1955માં સોવિયેટ અવકાશ કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેનાં ત્રણ વર્ષ બાદ અમેરિકાએ 1958માં નેશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ એજન્સી એટલે કે નાસાની શરૂઆત કરી હતી.
14 સપ્ટેમ્બર, 1959ના રોજ પ્રથમ માનવસર્જિત યાન ચંદ્ર પર ઉતર્યું. તત્કાલીન સોવિયેટ રશિયાના લૂના-2 અવકાશયાને ચંદ્ર પર સફળતાપૂર્વક ઊતરાણ કર્યું હતું.
આમ, લૂના 2એ ચંદ્ર પર ઊતરનાર પ્રથમ માનવસર્જિત વસ્તુ તરીકે ઈતિહાસ રચ્યો.
ચંદ્ર પર ઊતર્યા પછી લૂના-2 એ તેની સપાટી, વિકિરણો અને ચુંબકીય ક્ષેત્ર વિશે મૂલ્યવાન માહિતી પ્રદાન કરી.
આ સફળતાએ ચંદ્ર પર વધુ પ્રયોગો કરવાનો અને અવકાશયાત્રીઓને મોકલવાનો માર્ગ મોકળો કર્યો.
નાસા દ્વારા શરૂ કરાયેલ મોટાભાગના અપોલો મિશન, માનવયુક્ત અવકાશ મિશન અને રશિયા દ્વારા લૉન્ચ કરવામાં આવેલ લૂના-24 મિશન ચંદ્રની ભૂમધ્યરેખા નજીક ઊતર્યા છે.
ઇસરોના મિશનની ખાસિયત
એટલે કે, લૂના-25 અને ચંદ્રયાન પહેલાં હંમેશાં આ યાનો ચંદ્રની ભૂમધ્યરેખા પર ઊતરવાનો પ્રયાસ કરતાં હતાં કારણ કે ચંદ્નની ભૂમધ્યરેખા નજીક ઊતરવું સરળ છે.
ચંદ્રની ભૂમધ્યરેખા નજીક ટેકનિકલ સેન્સર્સ અને ઑપરેશન માટે જરૂરી અન્ય સાધનો સૂર્યમાંથી સીધો પ્રકાશ મેળવે છે.
અહીં દિવસ દરમિયાન પણ પ્રકાશ સ્પષ્ટ દેખાય છે. એટલા જ માટે અત્યાર સુધીના બધાં અંતરિક્ષ યાન ચંદ્રની ભૂમધ્યરેખાની નજીક ઊતર્યાં છે.
પૃથ્વીની ધરી 23.5 ડિગ્રીએ નમેલી છે. તેને કારણે ધ્રુવોની નજીક છ મહિના પ્રકાશ અને છ મહિના અંધકાર રહે છે, પરંતુ ચંદ્રની ધરી સૂર્યથી લગભગ સમકોણ પર છે.
નાસા અનુસાર ચંદ્રની ધરી 88.5 ડિગ્રી લંબવત છે. એટલે કે માત્ર દોઢ ડિગ્રીની વક્રતા. આનો અર્થ એ છે કે ભલે સૂર્યનાં કિરણો ચંદ્રના ધ્રુવીય પ્રદેશો પર પડતાં હોય પણ, તેમ છતાં સૂર્યનાં કિરણો ત્યાંના ખાડાઓની ઊંડાઈ સુધી નથી પહોંચી શકતાં.
આમ, ચંદ્રના ધ્રુવીય પ્રદેશોમાં રચાયેલા ખાડાઓ બે અબજ વર્ષ સુધી સૂર્યપ્રકાશ વિના અત્યંત ઠંડી સ્થિતિમાં રહ્યા. ચંદ્રના જે પ્રદેશોમાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી તેને સ્થાયી છાયા પ્રદેશો કહેવામાં આવે છે.
આવા પ્રદેશોમાં તાપમાન શૂન્યથી 230 ડિગ્રી સેલ્સિયસ નીચું જઈ શકે છે. સ્વાભાવિક છે કે આવા પ્રદેશો પર લૅન્ડિંગ કરવું અને ટેકનિકલ પ્રયોગો કરવા બહુ મુશ્કેલ છે.
ચંદ્ર પર બનેલા અમુક ખાડાઓ બહુ પહોળા છે. એમાંથી કેટલાકનો વ્યાસ તો સેંકડો કિલોમીટરનો છે. આ તમામ મુશ્કેલ પડકારો હોવા છતાં, ઇસરો ચંદ્રયાન-3 લૅન્ડરને 70મા અક્ષાંશની નજીક દક્ષિણ ધ્રુવ નજીક સૉફ્ટ-લૅન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
દક્ષિણ ધ્રુવમાં એવું તો શું છે?
ચંદ્રની ભૂમધ્યરેખાના નજીક દિવસનું તાપમાન સૌથી વધુ હોય છે.
અહીં રાત્રે તાપમાન માઇનસ 120 ડિગ્રી રહે છે અને દિવસ દરમિયાન 180 ડિગ્રી સુધી પહોંચી જાય છે.
પરંતુ જે ધ્રુવ પર અબજો વર્ષોથી સૂર્યપ્રકાશ પહોંચ્યો નથી તેવા કેટલાક પ્રદેશો પર તાપમાન માઇનસ 230 ડિગ્રી સુધી નીચું જવાનો અંદાજ છે.
આનો એક મતલબ એવો થાય છે કે અહીંની જમીનમાં જમા થયેલી વસ્તુઓ લાખો વર્ષોથી એવી ને એવી જ છે. ઇસરો આ વસ્તુઓની ચકાસણી કરવા દક્ષિણ ધ્રુવની નજીક ઊતરવાની કોશિશ કરી રહ્યું છે. ઇસરો અહીં લૅન્ડર અને રોવર્સ ઉતારી ત્યાંની જમીનની તપાસ કરવાની કોશિશ કરી રહ્યું છે.
દક્ષિણ ધ્રુવની નજીક જમીનમાં થીજી ગયેલા બરફના અણુઓની તપાસથી ઘણાં રહસ્યો સામે આવી શકે છે. જેમ કે, સૌરમંડળનો જન્મ, ચંદ્ર અને પૃથ્વીના જન્મનું રહસ્ય, ચંદ્રનું નિર્માણ કેવી રીતે થયું અને તેના નિર્માણ દરમિયાન કેવી સ્થિતિ હતી.
આ જાણકારીથી ચંદ્રના જન્મનું કારણ, તેનું ભૂગોળ અને તેની વિશેષતાઓ વિશે પણ નવી જાણકારી મળી શકે છે. ચંદ્રની ભૂમધ્યરેખાની નજીકની જમીનમાં એટલાં બધાં રહસ્યો છુપાયેલા નથી.
ચંદ્ર પર પાણી છે કે નહીં?
નાસા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નાસાના અપોલો-11 મિશનમાં ચંદ્ર પરથી ચંદ્રના ખડકોનાં ટુકડાઓને પૃથ્વી પર લાવવામાં આવ્યા હતા.
ચંદ્રના ખડકોની તપાસ કર્યા પછી નાસાએ તારણ કાઢ્યું કે તેમાં પાણીનું કોઈ નિશાન નથી. તેની તપાસ કરનાર નાસાના વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું હતું કે ચંદ્રની સપાટી સંપૂર્ણપણે સૂકી છે.
તે પછી કેટલાક દાયકાઓ સુધી ચંદ્ર પર પાણીના નિશાન શોધવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. 1990ના દાયકામાં એવું સૂચવવામાં આવ્યું હતું કે ચંદ્રની અંધારી બાજુએ થીજેલા બરફના રૂપમાં પાણી હોઈ શકે છે.
પરિણામે નાસાના ક્લૅમેન્ટાઇન મિશન, લુનાર પ્રૉસ્પેક્ટર મિશને ચંદ્રની સપાટીની તપાસ કરી અને જ્યાં સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી ત્યાં હાઇડ્રોજનની હાજરી જોવા મળી. તેનાથી ચંદ્રના ધ્રુવોની નજીક પાણીની હાજરીની સંભાવનાને બળ મળ્યું, પરંતુ ચોક્કસપણે પાણીનો કોઈ પત્તો મળ્યો નથી.
ઑર્બિટરની સાથે, ચંદ્રયાન-1એ ચંદ્ર પર ક્રેશ લૅન્ડિંગ માટે એક અન્ય ઉપકરણ મૂન ઇમ્પૅક્ટ પ્રોબ પણ મોકલ્યું હતું. જ્યારે ચંદ્રયાન-1નું ઑર્બિટર ચંદ્રની પરિક્રમા કરી રહ્યું હતું ત્યારે મૂન ઇમ્પૅક્ટ પ્રોબ ચંદ્રની સપાટી પર ક્રેશ થઈ ગયું હતું.
18 નવેમ્બર 2008ના રોજ, ચંદ્રયાન-1 પર 100 કિમીની ઊંચાઈએથી મૂન ઇમ્પૅક્ટ પ્રોબ લૉન્ચ કરવામાં આવ્યું હતું, 25 મિનિટમાં તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મુક્ત કરવામાં આવ્યું હતું. પરંતુ તે લૅન્ડરની જેમ સુરક્ષિત ઉતરાણ કરી શક્યું ન હતું, જોકે ઈસરો તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર નિયંત્રિત રીતે ઉતારવામાં સફળ રહ્યું હતું.
મૂન ઇમ્પૅક્ટ પ્રોબ પર સવાર ‘ચંદ્રાસ અલ્ટિટ્યુડ કમ્પોઝિશન ઍક્સપ્લોરરે’ ચંદ્રની સપાટી પરથી 650 માસ સ્પૅક્ટ્રા રીડિંગ્સ એકત્રિત કર્યા અને આ માહિતીનું વિશ્લેષણ કર્યા પછી ઇસરોએ 25 સપ્ટેમ્બર 2009ના રોજ જાહેરાત કરી કે ચંદ્ર પર પાણી છે.
ભારત ઇતિહાસ રચવાના રસ્તે
ઇતિહાસ હંમેશાં પહેલી સિદ્ધિ હાંસલ કરનારનું નામ યાદ રાખે છે. જેમ કે, રશિયા ચંદ્ર પર પોતાનું યાન મોકલનાર પ્રથમ દેશ છે, પરંતુ અમેરિકા ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ દેશ બન્યો.
હવે જોવાનું એ રહેશે કે શું ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરનાર પ્રથમ દેશ બની શકે છે કે નહીં, લૂના-25ના ક્રૅશને કારણે ભારત પાસે હજી પણ આ તક રહેલી છે.
જો ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર થીજી ગયેલી જમીનમાં પાણીના નિશાન શોધી કાઢે તો તે ભવિષ્યના પ્રયોગો માટે વધુ ઉપયોગી થશે. જો ચંદ્ર પર પાણી જોવા મળશે તો તેમાંથી ઑક્સિજન બનાવવાનો વિકલ્પ પણ હશે એટલે કે ત્યાં માનવ જીવનની શક્યતાઓ શોધી શકાશે.
એટલું જ નહીં ઑક્સિજનનો ઉપયોગ ચંદ્ર પર અંતરિક્ષ પ્રયોગો અને અન્ય પ્રયોગો માટે ઉદ્દીપકના રૂપમાં પણ થઈ શકે છે.
આ બધા કારણોસર જ ઇસરો શરૂઆતથી જ ચંદ્રના દક્ષિણ ધ્રુવન પર ઊતરવાની તૈયારી કરી રહ્યું છે. ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2માં પણ આવા જ પ્રયાસો કરવામાં આવ્યા હતા. હવે ભારત ચંદ્રયાન-3થી ઈતિહાસ રચવાની તૈયારી કરી રહ્યું છે.