ચંદ્રયાન-3 : ચંદ્ર જ ન હોત તો પૃથ્વીનું શું થાત?

ભારતનું ત્રીજું ચંદ્ર અભિયાન, ચંદ્રયાન-3 એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ તબક્કામા પહોંચી ચૂક્યું છે. ચંદ્રયાન-3નું વિક્રમ લૅન્ડર તેની પ્રૉપલ્શન સિસ્ટમથી અલગ થઈને હવે ચંદ્રની આસપાસ ભ્રમણ કરી રહ્યું છે.

ભ્રમણ બાદ તે સમયાંતરે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. ઇસરોની યોજના અનુસાર વિક્રમ લૅન્ડર 23 ઑગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર પહોંચશે.

નોંધનીય છે કે ચંદ્રના અભ્યાસ માટે ચંદ્રયાન-3 એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે.

તાજેતરમાં ચંદ્ર અંગે આવી રહેલા સમાચારોને પગલે ચંદ્રને લઈને કુતૂહલ જોવા મળી રહ્યું છે. આ અહેવાલમાં અમે આવાં જ કેટલાંક કુતૂહલને કારણે સર્જાયેલા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે.

ચંદ્રની રચના કેવી રીતે થઈ હતી?

આ સવાલ ઘણા લોકોને મૂંઝવતો રહ્યો છે. જોકે, આનો કોઈ સ્પષ્ટ જવાબ નથી. ચંદ્રની રચના કેવી રીતે થઈ એ અંગે ઘણી થિયરી છે.

વૈજ્ઞાનિકો આ મતલબની ઘણી થિયરી રજૂ કરે છે, પરંતુ મોટા ભાગના એક થિયરીને લઈને સંમત જોવા મળે છે.

450 મિલિયન વર્ષ પૂર્વે સૌરમંડળના નિર્માણ સમયે મંગળના આકારનો પદાર્થ પૃથ્વી સાથે અથડાયો હતો.

વૈજ્ઞાનિકોના મતે આ અથડામણને કારણે ધૂળનાં વાદળોનું નિર્માણ થયું અને પૃથ્વીની આસપાસ આ પથ્થર, ધૂળ અને અન્ય તત્ત્વો એકઠાં થયાં અને આવી રીતે ચંદ્રનું નિર્માણ થયું.

જો ચંદ્ર ન હોત તો પૃથ્વીનું શું થયું હોત?

ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળને કારણે પૃથ્વી પોતાની ધરી પર ટકી રહે છે.

જો ચંદ્ર જ ન હોત તો ધરતીની ધરી અને તેની પૃથ્વીના ભ્રમણમાં પણ ફેરફાર જોવા મળ્યો હોત.

આવી સ્થિતિને કારણે વાતાવરણમાં ઘણા ફેરફારો શક્ય બન્યા હોત.

આ સિવાય સમુદ્રની લહેરોની પૅટર્નમાં પણ બદલાવ જોવા મળ્યો હોત.

ઉપરાંત દિવસની લંબાઈ પણ બદલાઈ હોત. ચંદ્ર વગર પૃથ્વી પર ક્લાઇમેટ અને ગ્લોબલ વૉર્મિંગના ફેરફારોની નોંધપાત્ર અસરો દેખાવાની શક્યતા હોત.

ચંદ્ર અને પૃથ્વી વચ્ચે કેટલું અંતર છે?

ગણતરી પ્રમાણે ચંદ્ર પૃથ્વીથી 3,84,400 કિમી દૂર આવેલું છે.

પરંતુ તાજેતરના અભ્યાસથી ખબર પડી છે કે 320 કરોડ વર્ષ અગાઉ ચંદ્ર પૃથ્વી કરતાં 2.70 લાખ કિમી દૂર હતું.

એ વખતે પૃથ્વી પર દિવસ પણ નાના હતા, કારણ કે પૃથ્વીની ધરીભ્રમણની ગતિ વધુ હતી.

ચંદ્રના પેટાળમાં શું છે?

ચેન્નાઈના બિરલા પ્લૅનૅટેરિયમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇ. કે. લેનિન તામિલકોવન પ્રમાણે ચંદ્રનું પેટાળમાં પથ્થર અને ખનિજોથી સમૃદ્ધ છે.

તેઓ કહે છે કે, “ચંદ્રના પેટાળમાં મોટા ભાગે રેતાળ પથ્થરો છે. સપાટી પર વાતાવરણનો અભાવ છે. સપાટી પર મોટા મોટા ખાડા, પર્વતો, ખીણો મારિયા કહેવાતા વિશાળ, સપાટ સમુદ્રો છે. પરંતુ આ સમુદ્રમાં પાણી નથી.”

ચંદ્ર કેવી રીતે ચળકે છે?

પૂર્ણિમાના દિવસે ચંદ્ર ખૂબ ચળકાટ મારે છે. પરંતુ એ ચંદ્રનો પોતાનો પ્રકાશ નથી. એ ખરેખર તો સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરે છે.

સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે છે અને ચંદ્રની સપાટી પરથી આ પ્રકાશ પ્રતિબિંબિત થતાં આપણને ચંદ્ર ચળકાટ મારતો દેખાય છે.

પૃથ્વી પરથી ચંદ્ર ચળકતો દેખાય છે. તે મોટા ભાગે શ્વેત દેખાય છે.

પરંતુ ખરેખર તેનો રંગ સફેદ નથી.

જો તમે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરશો તો ખબર પડશે કે એ ઘેરા ભૂરા રંગનો છે.

આપણને અત્યાર સુધી ચંદ્ર પર શું શું મળ્યું છે?

ચંદ્રના અભ્યાસ માટે મોકલાયેલાં અભિયાનોને કારણે આપણને ચંદ્રના ભૂગોળ, તેની સપાટીનાં માળખાં, ઉત્પત્તિ અને ઇતિહાસ વિશે માહિતી મળી છે.

તામિલકોવન કહે છે કે, “ચંદ્રયાન-1 અભિયાને ચંદ્રની સપાટી પર પાણીની હાજરી મળ્યાની વાતની પુષ્ટિ કરી હતી. નાસાના અપોલો મિશનો દ્વારા મોકલાયેલા ઘણા નમૂનાઓ પર પણ સંશોધન કરાઈ રહ્યાં છે.”

ગત વર્ષે વૈજ્ઞાનિકોએ ચંદ્ર પરથી લવાયેલ માટીમાં છોડ ઉગાડવાનો પ્રયાસ કર્યો હતો.

જો આપણે ચંદ્ર પર જઈએ તો આપણું વજન કેવી રીતે ઘટી જાય?

તામિલકોવન આ પ્રશ્ન અંગે સમજાવતાં કહે છે કે, “પૃથ્વી કરતાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળ ઓછું છે.”

તેઓ સમજાવે છે કે, “જો પૃથ્વી પર કોઈ વ્યક્તિનું વજન 80 કિલોગ્રામ હોય તો એ વ્યક્તિનું વજન ચંદ્ર પર 13.3 કિલોગ્રામ હશે. આવું ચંદ્રના ઓછા ગુરુત્વાકર્ષણબળને કારણે થાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણબળ ચંદ્ર કરતાં છ ગણું શક્તિશાળી છે. આના કારણે આપણને ચંદ્ર પર ઓછા વજનનો અનુભવ થાય છે.”

માણસ ચંદ્ર પર કેટલી વાર જઈ આવ્યો છે?

1969 અને 1972 વચ્ચે અમેરિકા દ્વારા મોકલાવાયેલા અપોલો મિશન થકી માણસ ચંદ્ર પર છ વખત જઈ આવ્યો છે.

ડિસેમ્બર 1971માં અપોલો 17 મિશનના ભાગરૂપે માણસે ચંદ્ર પર અંતિમ વખત પગ મૂક્યો હતો.

ચંદ્ર પર માણસને મોકલવાના અભિયાનોના લાભ અંગેની આર્થિક મર્યાદાઓ અને રાજકીય ટીકાને કારણે તે બંધ રખાયું હતું.

ચંદ્ર પર દેખાતી આકૃતિઓ શું છે?

જો તમે ચંદ્રનું બારીકાઈથી નિરીક્ષણ કરશો તો તમને તેના પર અમુક માણસો અને પ્રાણીઓની આકૃતિઓ દેખાશે. ઘણા આ આકૃતિઓને જોઈને વિચારમાં પડી જાય છે.

ચંદ્ર બેસાલ્ટ પથ્થર સ્વરૂપે ઐતિહાસિક જ્વાળામુખી આવેલા છે.

આ વિસ્તારોમાંથી પ્રકાશ ઓછા પ્રમાણમાં પ્રતિબિંબિત થાય છે.

આના કારણે જ નાસા પ્રમાણે આ આ વિસ્તારો પડછાયા કે અલગ આકારના દેખાય છે.

શું ચંદ્ર પર માણસ જીવી શકે?

તામિલગોવન આ અંગે વાત કરતાં કહે છે કે, “માણસ ચંદ્ર પર જીવી શકે કે કેમ એ વાતને લઈને હજુ પણ સંશોધનો ચાલી રહ્યાં છે. ત્યાંની સપાટી પર શ્વાસ લઈ શકાય તે માટેના વાતાવરણની ગેરહાજરી, દિવસ અને રાતના તાપમાનમાં ભારે અંતર વગેરેને કારણે માણસો ત્યાં જીવિત રહી શકે એવું નથી.”

“સૌથી મોટી તકલીફ તો એ છે કે આપણી પાસે ત્યાં તાત્કાલિક પાણી મેળવી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. વૈજ્ઞાનિકો ત્યાં ટૂંકા ગાળા માટે રહી શકાય અને સંશોધન કરી શકાય તે માટે બૅઝના નિર્માણની શક્યતા અંગે કામ કરી રહ્યા છે.”