મંગળ ગ્રહ પર 'દરવાજો' મળ્યો, શું અહીં કોઈ રહે છે?

    • લેેખક, બીબીસી મુંડો
    • પદ, .

અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા પાડોશ ગ્રહ મંગળ પર મોકલવામાં આવેલા ક્યૂરિયોસિટી રોવરે ત્યાંથી એક ચોંકાવનારી તસવીર મોકલી છે.

આ તસવીરમાં મંગળ ગ્રહના ખડકોમાં સુઘડતાથી કંડારેલા એક દરવાજા જેવી આકૃતિ જોવા મળે છે. જ્યારથી આ તસવીર જાહેર થઈ છે ત્યારથી તે ચર્ચાનો વિષય બની છે.

ઘણાએ આ આકૃતિને દરવાજો ગણાવ્યો, તો ઘણાએ કહ્યું કે પૃથ્વીની બહાર કોઈ બીજી સભ્યતાના લોકોએ આ રસ્તો બનાવ્યો હશે.

જોકે, મંગળ ગ્રહ વિશે 2012થી જાણકારી મોકલી રહેલા આ રોવર દ્વારા ખેંચાયેલી આ તસવીરની અને સારી વ્યાખ્યા રજૂ કરવાની જરૂર ઊભી થઈ રહી છે. નાસાનું કહેવું છે કે આ બધું જ દૃષ્ટિકોણની રમત છે.

કેવી રીતે બની હશે આ આકૃતિ?

નાસાએ ક્યૂરિયોસિટી રોવર દ્વારા મંગળ ગ્રહની સપાટીની લીધેલી આ તસવીર સાત મેના રોજ જાહેર કરી હતી. નાસાએ આ તસવીરની ઓળખ 'સોલ 3466' સિરીઝની એક કડી તરીકે આપી હતી. તેને 'માર્સ ઍક્સપ્લોરેશન પ્રોગ્રામ'ની વેબસાઇટ પર ઘણી ફ્રેમમાં રજૂ કરવામાં આવી છે.

આ તસવીર જાહેર કરાયા બાદ ઇન્ટરનેટ પર લોકો તેના આકાર અને દરવાજા કે રસ્તાને લઈને જાતભાતના સિદ્ધાંત રજૂ કરવા લાગ્યા.

પરંતુ આ તસવીર ખાસ સિરીઝનો માત્ર એક ભાગ છે અને જો તેને સંપૂર્ણ રીતે જોવામાં આવે તો તેના આકારને લઈને દૃષ્ટિકોણ બદલાઈ શકે છે.

નાસાએ બીબીસી મુંડોને જણાવ્યું, "આ એક મોટા ખડકમાં નાનકડી તિરાડનો ઘણો ઘણો મોટો ફોટો છે."

આ આકૃતિને સંપૂર્ણતાથી સમજવા માટે નીચે રજૂ કરાયેલી તસવીર જોઈ શકાય છે. તેમાં જોઈ શકાય છે કે જેઝેરો ક્રેટરના ખડકમાં આ તિરાડ બહુ સામાન્ય અને નાની છે. આ ક્રેટરને થોડા સમય પહેલાં જ ક્યૂરિયોસિટી રોવરે શોધ્યું હતું.

નાસાની જેટ પ્રોપલ્શન લૅબોરેટરી એટલે કે જેપીએલના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ તિરાડનો આકાર ઘણો નાનો છે. આ તિરાડ 45 સેમી લાંબી અને 30 સેમી પહોળી છે.

નાસા અનુસાર, "આ સમગ્ર તસવીરમાં લાઇનમાં ઘણા ફ્રૅક્ચર છે અને આ તિરાડ એવી જગ્યાએ છે, જ્યાં ઘણા ફ્રૅક્ચર એકબીજાને કાપે છે."

ઉત્સુક્તા જગાવે તેવા ફ્રૅક્ચર

આ ફ્રૅક્ચર પર છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા વિશેષજ્ઞોનું ધ્યાન ગયું છે.

બ્રિટનના એક જિયોલૉજિસ્ટ નીલ હૉજસને મંગળ ગ્રહની ભૂ-આકૃતિઓનું ઘણું અધ્યયન કર્યું છે. તેમનું કહેવું છે કે આ તસવીર 'ઉત્સુકતા જગાવનારી' તો છે, પણ રહસ્યમય નથી.

લાઇવ સાયન્સ નામની વેબસાઇટને તેમણે જણાવ્યું, "સંક્ષેપમાં કહું તો મને આ પ્રાકૃતિક તિરાડ લાગે છે. આ તસવીરમાં ખડકની જે બનાવટ દેખાય છે, તેમાં ઘણા પડ જોવા મળી રહ્યા છે."

હૉજસને જણાવ્યું કે આ પ્રકારના ખડકો બનવાના સંજોગોમાં લગભગ 400 કરોડ વર્ષ પહેલાંથી આ પડ જમા થવાના શરૂ થયા હશે.

સપાટી પર થનારા ફ્રૅક્ચર સ્વાભાવિક રુપે આ પ્રકારની તિરાડ બનાવી શકે છે. જોકે, આ પ્રકારની તિરાડ ત્યારે જ બને છે જ્યારે કોઈ ફ્રૅક્ચર ખડકની ઉપરથી નીચે સુધીની સપાટીને વીંધી નાંખે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો