બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડું સર્જાવાની શક્યતા, ગુજરાતમાં હવામાન પલટાશે?

ઇમેજ સ્રોત, Getty Images
બંગાળની ખાડીમાં સાઇક્લૉનિક સર્ક્યુલેશન ઊભું થયું છે, જે 'સેન્યાર' નામના વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. શુક્રવારે આ સિસ્ટમે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના પગલે ભારતીય હવામાન ખાતા દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે અંદમાન અને નિકાબાર દ્વીપસમૂહોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને પણ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
આ સિવાય કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઓડિશાના તટીય વિસ્તારોમાં પણ આ સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
તાજેતરમાં આંધ્ર પ્રદેશના દરિયાકિનારે મોન્થા વાવાઝોડું સર્જાયું હતું, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો.
ગુજરાતના તટીય વિસ્તારમાં અરબ સાગરમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે, જેના કારણે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારમાં વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
અંદમાન નિકોબારમાં ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Reuters
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, નિકોબાર દ્વીપસમૂહમાં અમુક સ્થળોએ સાતથી 20 સેન્ટિમીટર જેટલો, જ્યારે અંદમાન દ્વીપસમૂહમાં અમુક સ્થાનોએ સાતથી અગિયાર સેમી જેટલો વરસાદ પડી શકે છે.
આને કારણે રવિવાર સુધી દરિયો તોફાની રહે તેવી શક્યતા છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય દરિયાકિનારાના વિસ્તારોમાં સાવધાનીપૂર્વક આનંદપ્રમોદની પ્રવૃત્તિ હાથ ધરવા માટે કહેવામાં આવ્યું છ.
પૉર્ટ બ્લેયર ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. આ દ્વીપસમૂહો વચ્ચે ચાલતી ફેરી સેવાઓને પણ આની અસર પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગની આગાહી મુજબ, તામિલનાડુ, પુડ્ડુચેરી અને આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં આવતા બુધવાર સુધી, જ્યારે કેરળમાં રવિવાર સુધી તથા અંદમાન-નિકોબાર દ્વીપસમૂહમાં સોમવાર સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.
આ ગાળા દરમિયાન પવનની ઝડપ 55 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી શકે છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ હવામાન વિભાગના એક અધિકારીને ટાંકતા જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલી સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધી રહી છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે, લો-પ્રેશર એરિયા બન્યા પછી સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.
કેટલાંક મૉડલો એવું દર્શાવે છે કે તે વાવાઝોડું પણ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઑર્ગેનાઇઝેશનની પૂર્વનિર્ધારિત યાદી પ્રમાણે, ઉત્તર હિંદ મહાસાગરમાં હવે જે વાવાઝોડું ઉત્પન્ન થાય, તેને 'સેન્યાર' વાવાઝોડું નામ આપવું એવું નક્કી થયું છે.
આ નામ સંયુક્ત આરબ અમિરાત દ્વારા સૂચવવામાં આવ્યું હતું, જેનો મતલબ 'શેર' એવો થાય છે.
ગુજરાત ઉપર અસર
બીજી બાજુ, ગુજરાતના તટીય વિસ્તારમાં અરબ સાગરમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે, જે ગુજરાત તરફ આગળ વધવાની બદલે સોમાલિયા તરફ આગળ વધે તેવી શક્યતા છે.
તેથી ગુજરાતી ઉપર તેની કોઈ અસર થાય એવી શક્યતા નથી. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આકાશ ચોખ્ખું રહેશે અને વાદળો જોવા નહીં મળે. આગામી દિવસોમાં હવામાન સ્થિર રહેશે અને તાપમાનનો પારો ખાસ ગગડશે નહીં.
રાજ્યનાં મોટાંભાગનાં શહેરોમાં મહત્તમ તાપમાન 28થી 31 ડિગ્રી રહે તેવી શક્યતા છે. જ્યારે લઘુતમ તાપમાન 11થી 17 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. 11 ડિગ્રીના લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા ગુજરાતનો સૌથી ઠંડો વિસ્તાર છે.
જ્યારે બંગાળની ખાડીમાં ઊભી થયેલી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરે છે કે નહીં, તથા તેની ગુજરાત ઉપર અસર થશે કે નહીં, તેના વિશે હાલમાં આગાહી કરવી વહેલું ગણાશે.
હાલની પરિસ્થિતિ પ્રમાણે, આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













