વીસાવદર પેટાચૂંટણી: ગોપાલ ઇટાલિયા માટે પાટીદારોની બહુમતીવાળી બેઠક પર જ્ઞાતિગત સમીકરણો કેવાં?

વીસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણી, ભાજપ કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીજંગ, ગોપાલ ઇટાલિયા, અરવિંદ કેજરીવાલ, ઇસુદાન ગઢવી, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, ANI & Getty Images

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ઠેર-ઠેર પ્રિ-મૉન્સુન શાવર થઈ રહ્યા છે અને વરસાદને પગલે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે, પરંતુ રાજ્યના રાજકારણનો પારો ચઢશે.

ઉત્તર ગુજરાતની કડી અને સૌરાષ્ટ્રની વીસાવદર વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાશે. અહીં સત્તારૂઢ ભાજપ, મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ તથા રાજ્યમાં પગ જમાવવા માટે પ્રયાસરત આમ આદમી પાર્ટીની (આપ) વચ્ચે ત્રિપાંખિયો જંગ જામવાની શક્યતા છે.

ભાજપ અને કૉંગ્રેસે તેના ઉમેદવારોના નામ હજુ સુધી જાહેર નથી કર્યા, તો આમ આદમી પાર્ટીએ કડીની (SC) બેઠક ઉપરથી જગદીશ ચાવડાને ઉમેદવાર જાહેર કર્યા છે.

જ્યારે આપે વીસાવદરની બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત બે મહિના પહેલાં જ કરી દીધી હતી. પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા ગોપાલ ઇટાલિયા પાર્ટીના પૂર્વ પ્રદેશાધ્યક્ષ પણ છે.

આ ચૂંટણીજંગને ગોપાલ ઇટાલિયાના રાજકીય ભવિષ્યની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તા. 19મી જૂનના રોજ મતદાન થશે તથા તા. 23મી જૂનના રોજ ચૂંટણીપરિણામ જાહેર થશે.

'આપ'નું વીસાવદર પર ફૉકસ?

વીસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણી, ભાજપ કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીજંગ, ગોપાલ ઇટાલિયા, અરવિંદ કેજરીવાલ, ઇસુદાન ગઢવી, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગોપાલ ઇટાલિયાની ફાઇલ તસવીર

આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાની બેઠક ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેમ જણાય છે.

આ વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે પેટાચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉમેદવારીપત્રક ભરશે, ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન, દિલ્હીનાં પૂર્વ મુખ્ય મંત્રી આતિશી, આપ ગુજરાતના ઈસુદાન ગઢવી, મહા મંત્રી મનોજ સોરઠિયા, આપના પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, સહપ્રભારી દુર્ગેશ પાઠક ઉપરાંત આપના ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

આપે માર્ચ મહિનાના અંતભાગમાં જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા હતા. એ સમયે હજુ ચૂંટણીની જાહેરાત પણ નહોતી થઈ.

ત્યારે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર ડૉ. અમિત ધોળકિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું, "ગોપાલ ઇટાલિયાની વીસાવદરનાં સ્થાનિક પાટીદાર પરિબળોને ધ્યાનમાં રાખીને પસંદગી થઈ હોવાનું માની શકાય. આ ઉપરાંત ટિકિટ માટે અંદરના ગજગ્રાહનો અંત આણવા પણ ગોપાલ ઇટાલિયાના નામની કેન્દ્રીય નેતાગીરીના ઇશારે પસંદગી થઈ હોવાનું અનુમાન લગાવી શકાય એમ છે."

વીસાવદરની બેઠકના ઇતિહાસ ઉપર નજર કરીએ તો આ બેઠક પર પાટીદાર ઉમેદવારોનો દબદબો રહ્યો છે. કેશુભાઈ પટેલ, કનુભાઈ ભલાળા, હર્ષદભાઈ રિબડિયા તથા ભૂપેન્દ્ર ભાયાણી તાજેતરનાં કેટલાંક ઉદાહરણ છે.

વીસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણી, ભાજપ કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીજંગ, ગોપાલ ઇટાલિયા, અરવિંદ કેજરીવાલ, ઇસુદાન ગઢવી, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, તા. 25મી જૂન સુધી ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થઈ જશે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આપના પ્રવક્તા યોગેશ જાદવાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "આમ આદમી પાર્ટી જ્ઞાતિજાતિનું રાજકારણ નથી કરતી. અહીંની 75 ટકા વસ્તી ખેડૂત છે અને તેની કોઈ જાતિ નથી હોતી. તેમની સમસ્યાઓ ખૂબ જ વિકરાળ છે. ગત 20 વર્ષથી આ બેઠકને અન્યાય થઈ રહ્યો છે, એટલે અમે આ બેઠક પરથી ગોપાલભાઈને ઉમેદવાર બનાવ્યા છે."

"સામાન્ય રીતે પેટાચૂંટણીમાં સત્તારૂઢ પક્ષનો વિજય થાય, પરંતુ વીસાવદરની બેઠક માટે એવું નથી. ગત લગભગ ચાર ચૂંટણી-પેટાચૂંટણીથી આ બેઠક પરથી સત્તારૂઢ પક્ષનો વિજય નથી થયો."

જાદવાણી ઉમેરે છે, "દરેક રાજકીય પક્ષ એક વ્યૂહરચના સાથે કામ કરતો હોય છે. એક તબક્કે આપ અને કૉંગ્રેસની વચ્ચે નક્કી થયું હતું કે જો વીસાવદરની બેઠક ઉપર કૉંગ્રેસ ઉમેદવાર ન ઉતારે, તો કડીની બેઠક ઉપર અમે ઉમેદવાર નહીં ઉતારીએ."

ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભાજપનો ઝંડો લહેરાયો હતો. 182માંથી 156 બેઠક ભાજપને મળી હતી. કૉંગ્રેસનો 17 બેઠક પર વિજય થયો હતો અને તે મુખ્ય વિપક્ષ બનવાથી વંચિત રહી ગયો હતો. આપે રાજ્યભરમાંથી પાંચ બેઠક જીતી હતી, જેમાંથી એક વિસાવદરની બેઠક હતી.

રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા જણાવે છે, "વીસાવદરની બેઠકની તાસીર કડી કરતાં અલગ છે. કડીમાં આપનું વર્ચસ્વ કે નેટવર્ક નથી. સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે નાતો રહ્યો છે, જે આપના ઉમેદવારને કામ લાગશે. એટલે કડીની સરખામણીમાં વીસાવદરની બેઠક ઉપર વધુ ધ્યાન અપાય રહ્યું હોય તેમ જણાય છે."

વીસાવદરની બેઠકની તાસીર

વીસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણી, ભાજપ કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીજંગ, ગોપાલ ઇટાલિયા, અરવિંદ કેજરીવાલ, ઇસુદાન ગઢવી, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેશુભાઈને કારણે એક સમયે વીસાવદરની બેઠક ભાજપ માટે મજબૂત કિલ્લા સમાન હતી

વર્ષ 2014ની પેટાચૂંટણી અને પાટીદાર અનામત આંદોલનની છાયા હેઠળ યોજાયેલી 2017ની વિધાનસભા ચૂંટણી સમયે કૉંગ્રેસના હર્ષદ રિબડિયા ચૂંટાઈ આવ્યા હતા.

વરિષ્ઠ રાજકીય મનીષ મહેતાના કહેવા પ્રમાણે, "એક તબક્કે વીસાવદરની બેઠક ભાજપનો ગઢ હતી. ભાજપ માટે 'વીસાવદરની બેઠક એટલે (પૂર્વ મુખ્ય મંત્રી) કેશુભાઈ પટેલની બેઠક' જેવો ઘાટ હતો."

"કેશુભાઈએ વર્ષ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી હતી અને તેઓ આ બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા. કેશુભાઈ અને ભાજપ અલગ પડ્યા એટલે જાણે વીસાવદરની જનતા પણ ભાજપથી વિમુખ થઈ ગઈ. કેશુભાઈએ વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી પહેલાં પોતાની પાર્ટીનો ભાજપમાં વિલય કરી દીધો. ત્યારબાદ આ બેઠક પર ભાજપ જીતી નથી શક્યું. આમ આદમી પાર્ટી પણ એ વાત જનતાને યાદ અપાવી રહી છે."

વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણી સમયે કૉંગ્રેસના ઉમેદવાર રતિભાઈ માંગરોળિયાનો મૅન્ડેટ ઝૂંટવાઈ જતાં આ બેઠક ઉપર ભાજપ અને જીપીપી વચ્ચે જ મુખ્ય મુકાબલો થયો હતો.

વર્ષ 2022માં આ બેઠક ઉપરથી પાટીદાર અગ્રણી ભૂપતભાઈ ભાયાણી આપના ધારાસભ્ય બન્યા હતા. તેઓ ભેસાણના સરપંચ હતા અને ભાજપ સાથે જોડાયેલા હતા. જોકે, તેમણે આપની ટિકિટ ઉપર વિધાનસભા ચૂંટણી લડી અને જીતી હતી.

વીસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણી, ભાજપ કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીજંગ, ગોપાલ ઇટાલિયા, અરવિંદ કેજરીવાલ, ઇસુદાન ગઢવી, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફેબ્રુઆરી-2025માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપનો પરાજય થયો હતો અને ખુદ અરવિંદ કેજરીવાલ પણ ચૂંટણી હારી ગયા હતા

ભૂપતભાઈ ભાયાણીએ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા હર્ષદ રિબડિયાને પરાજય આપ્યો હતો. વર્ષ 2023માં આપના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાઈ ગયા હતા.

એ સમયે ભૂપતભાઈ ભાયાણીએ ભાજપમાં પરત ફરવાના તેમના નિર્ણયને 'ઘરવાપસી' ગણાવી હતી. આમ તેમણે ભાજપા સાથેનો પોતાના જૂના નાતાની યાદ અપાવી હતી.

ભાજપના નેતા હર્ષદ રિબડરિયાએ આપના ઉમેદવાર ભૂપતભાઈ ભાયાણીની અરજીને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી. માર્ચ-2025માં તેમણે આ પિટિશન પાછી ખેંચી લીધી હતી. એ પછી આ બેઠક ઉપર પેટાચૂંટણી માટેનો માર્ગ મોકળો થયો હતો.

કૌશિક મહેતા કહે છે, "વર્ષ 2022માં ચૂંટણી લડનારા હર્ષદ રિબડિયા, આપમાંથી ભાજપમાં જોડાનારા ભૂપતભાઈ ભાયાણી તથા કિરીટ પટેલના નામની વ્યાપક ચર્ચા છે. આ બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતા છે. સામાન્ય રીતે કોઈ બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને આપનો ચૂંટણીજંગ થાય ત્યારે ભાજપવિરોધી મતોનું વિભાજન થવાથી સત્તારૂઢ પક્ષને લાભ થતો હોય છે."

"ભાજપમાં પણ એક કરતાં વધુ દાવેદાર છે. આવા સંજોગોમાં નારાજ ઉમેદવાર પાર્ટીના વિજયની શક્યતાઓને અસર કરી શકે છે. જોકે, ભાજપની એક ખાસિયત રહી છે કે અણિના સમયે તે આંતરિક અસંતોષને શાંત કરી દેવામાં સફળ રહે છે."

શુક્રવાર બપોર સુધી ભાજપ કે કૉંગ્રેસે તેના ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. બીજી બાજુ, ગોપાલ ઇટાલિયા લગભગ બે મહિનાથી ધરાતલ ઉપર કામ કરી રહ્યા છે.

ગોપાલ ઇટાલિયા માટે ચૂંટણી કેટલી મહત્ત્વપૂર્ણ?

વીસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણી, ભાજપ કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીજંગ, ગોપાલ ઇટાલિયા, અરવિંદ કેજરીવાલ, ઇસુદાન ગઢવી, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, BHUPENDRABHAI BHAYANI@FACEBOOK

ઇમેજ કૅપ્શન, ભૂપતભાઈ ભાયાણી સાથે આપના સંયોજક અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

ગોપાલ ઇટાલિયાની ગણના આપના યુવા અને આક્રમક નેતાઓમાં થાય છે. તેઓ ગુજરાતમાં આપનો જાણીતો ચહેરો છે અને તેમને કેન્દ્રીય નેતૃત્વનું પીઠબળ પ્રાપ્ત છે.

કૌશિક મહેતા કહે છે, "ગત બે મહિના દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ધરાતલ ઉપર કામ કર્યું છે. તેમણે લોકોની વચ્ચે જઈને કામ કરવાનું શરૂ કરી દીધું છે, જેનો તેમને લાભ મળશે. આ સિવાય સુરતના પાટીદારવર્ગનું સમર્થન પણ આ બેઠક પર તેમની તરફેણમાં રહેશે. છતાં આને કારણે તેમનો વિજય નિશ્ચિત ન કહી શકાય. ભાજપ અને કૉંગ્રેસ કોને-કોને ઉમેદવાર બનાવે છે, એ પણ જોવું પડશે."

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે ગોપાલ ઇટાલિયા પાટીદારોના પ્રભુત્વવાળી સુરતની કતારગામ બેઠક ઉપરથી હારી ગયા હતા એટલે તેમની રાજકીય કારકિર્દી માટે આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ છે.

રાજકીય વિશ્લેષક મનીષ મહેતાના કહેવા પ્રમાણે, "રાજકારણમાં વ્યક્તિ ધારાસભા કે લોકસભાની ચૂંટણી જીતે, તે પછી જ તેની પૉલિટિકલ કૅરિયર શરૂ થતી હોય છે. હજુ ગોપાલ ઇટાલિયાની રાજકીય કારકિર્દી ઘડાય રહી છે, તેઓ પોતાના માટે રાજકીય ભૂમિ શોધી રહ્યા છે, એટલે તેઓ સુરત બાદ હવે વીસાવદરની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે."

"ગોપાલ ઇટાલિયા પાસે આ ચૂંટણી જીતીને પોતાને નેતા તરીકે પ્રસ્થાપિત કરવાની છે. તેઓ ચૂંટણી જીતીને વિધાનસભામાં જનતાના મુદ્દા ઉઠાવીને પોતાની જાતને પ્રસ્થાપિત કરી શકે છે."

મનીષ મહેતા ઉમેરે છે કે ગોપાલ ઇટાલિયા યુવા છે અને આ ચૂંટણી ઉપર તેમની રાજકીય કારકિર્દી સંપૂર્ણપણે નિર્ભર નથી.

વીસાવદર અને કડીની બેઠક પરનો ચૂંટણીકાર્યક્રમ

વીસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણી, ભાજપ કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીજંગ, ગોપાલ ઇટાલિયા, અરવિંદ કેજરીવાલ, ઇસુદાન ગઢવી, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, તા. 25મી જૂન સુધી ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થઈ જશે

તા. 25મી મેના રોજ કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની કડી તથા વીસાવદર બેઠક સહિત ચાર રાજ્યની પાંચ વિધાનસભા બેઠક માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી.

જે મુજબ, તા. 26મી મેના રોજ ચૂંટણી માટેની અધિસૂચના બહાર પાડવામાં આવી હતી. સોમવાર (બીજી જૂન) સુધી ઉમેદવારી કરી શકાશે.

એ પછીના દિવસે ત્રીજી જૂને ઉમેદવારીપત્રક ચકાસવામાં આવશે. પાંચમી જૂન સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.

19મી જૂનના રોજ મતદાન થશે તથા 23મી જૂનના રોજ મતગણતરી યોજાશે. કેન્દ્રીય ચૂંટણીપંચ 25મી જૂન સુધીમાં ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ કરી દેશે.

અત્રે એ યાદ અપાવવું રહે કે વીસાવદર અને કડીની (અનુસૂચિત જાતિ) બેઠક માટે કેન્દ્રીય ચૂંટણીપંચે મતદારયાદી સુધારણા અભિયાન પણ હાથ ધર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન