બિલાડી પર બળાત્કાર : પ્રાણીઓના યૌન ઉત્પીડન પર કાયદો લાવવાની માગ, કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Poornima Motwani
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને એવી માગ કરાઈ હતી કે પ્રાણીઓના યૌન ઉત્પીડનને રોકવા માટેનો કાયદો પાછો લવાય. આની સુનાવણી કરતી વખતે 28 મેના રોજ કોર્ટે કહ્યું કે કાયદો ઘડવાનું અને બદલવાનું કામ સંસદનું છે.
પ્રાણીઓનાં હિતો માટે કામ કરતી સંસ્થાઓના કાર્યકર્તા કેટલાક સમયથી માગ કરી રહ્યા છે કે જૂના કાયદાની જોગવાઈઓને ન હઠાવાય.
આઇપીસીની કલમ 377ને એક સમયે 'અનનૅચરલ ઑફેન્સિસ ઍક્ટ' 1860ના નામથી ઓળખવામાં આવતી હતી. આના અંતર્ગત પ્રાણીઓ સાથે યૌન હિંસા માટે ઉંમરકેદ સુધીની સજાની જોગવાઈ હતી.
આ એ જ કાયદો હતો, જેના અંતર્ગત બે પુખ્ત પુરુષો અને બે મહિલાઓ વચ્ચેના સ્વૈચ્છિક યૌન સંબંધો માટે પણ સજા થઈ શકતી હતી એટલે કે આ કાયદો સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાં રાખતો હતો.
જુલાઈ 2024માં જ્યારે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) લાગુ કરાઈ ત્યારે સરકારે કલમ 377ને હઠાવી દીધી.
હવે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા માટે લાગુ થનારો કાયદો તો છે પરંતુ તેમાં પ્રાણીઓના યૌન ઉત્પીડન માટે સજા આપવાની અલગ કોઈ જોગવાઈ નથી.
કેમ ચિંતિત છે કાર્યકર્તા?
મુંબઈનાં રહેવાસી પૂર્ણિમા મોટવાણીને જ્યારે ચાર મહિનાની બિલાડી સાથે થઈ રહેલી યૌન હિંસા વિશે ખબર પડી ત્યારે તેઓ નહોતાં જાણતાં કે ભારત સરકારે આવું કૃત્ય કરનારને સજા અપાવનારો કાયદો જ હઠાવી દીધો છે.
તેઓ યાદ કરતાં કહે છે કે, "એ ખૂબ ગભરાયેલી હતી. કમજોર હતી અને સ્પષ્ટ હતું કે એ ખૂબ દર્દમાં હતી. તેના ઘા ખૂબ ઊંડા હતા. ડૉક્ટરોએ તેના બે વખત ટાંકા લેવા પડ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પૂર્ણિમા બિલાડી પર હુમલો કરનારની ફરિયાદ માટે પોલીસ સ્ટેશન ગયાં, પરંતુ ત્યાં તેમને ખબર પડી કે કલમ 377 હઠાવી દેવાઈ છે.
પૂર્ણિમા પ્રાણીઓ પર થનારી ક્રૂરતાની રોકથામવાળા કાયદા અંતર્ગત જ ફરિયાદ નોંધાવી શક્યાં. આ કાયદામાં માત્ર 50 રૂપિયાના દંડની જોગવાઈ છે.
કલમ 377 આનાથી ખૂબ મજબૂત હતી. આ જ કારણે પ્રાણીઓનાં હિતો માટે કામ કરતાં 200 સંગઠનોના ફેડરેશન 'ફિયાપો' - ફેડરેશન ઑફ ઇન્ડિયન ઍનિમલ પ્રોટેક્શન ઑર્ગેનાઇઝેશને દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને આ કાયદાને પાછો લાવવાની માગ કરી.
'ફિયાપો'માં કાયદાકીય બાબતો જોતાં વર્ણિકાસિંહે કહ્યું, "જૂના કાયદામાં યૌન હિંસાની સ્પષ્ટપણે વ્યાખ્યા અપાઈ હતી. આને બીભત્સ અપરાધ મનાયો હતો. પોલીસ કસ્ટડી મળી જતી, કારણ કે આવા આરોપી છૂટો ફરે એને પ્રાણી પર ફરી હુમલાનો ખતરો સમજવામાં આવતો હતો."
પૂર્ણિમા પ્રમાણે તેમને પશુ ક્રૂરતા રોકથામ કાયદા અંતર્ગત ફરિયાદ દાખલ કરાવવામાં પણ સમય લાગ્યો.
પૂર્ણિમા કહે છે, "ઘણી વાર ફોન કર્યો. પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા. ખરી વાત તો એ છે કે પોલીસને આવા મામલામાં કાર્યવાહી કરવામાં કોઈ રસ નથી. તેમને આ બધું મજાક લાગે છે."
ફરિયાદ દાખલ થઈ એ પહેલાં તો હુમલાખોર ફરાર થઈ ચૂક્યો હતો અને આજ સુધી પકડાયો નથી.
દેખરેખ અને લોકોની મદદથી બિલાડીની તબિયત સુધરવા લાગી. પૂર્ણિમાએ તેનું નામ 'ગ્રેસ' રાખ્યું હતું. તેના અમુક દિવસ બાદ જ ગ્રેસને એક વાઇરલ ચેપ લાગ્યો અને હુમલાનાં બે અઠવાડિયાંમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું.
કેટલી વ્યાપક છે પ્રાણીઓ વિરુદ્ધ યૌન હિંસા?

ઇમેજ સ્રોત, Jaya Bhattacharya
ભારતમાં પ્રાણીઓ વિરુદ્ધ યૌન હિંસાના મામલા સરળતાથી સામે નથી આવતા.
જ્યારે આ કૃત્ય કાયદાકીય અપરાધ હતું ત્યારે પણ પોલીસ સુધી જાણકારી ત્યારે જ પહોંચતી જ્યારે કોઈએ પ્રાણી પર હુમલો થતા જોયો હોય. રેકૉર્ડ કર્યું હોય. આટલું જ નહીં, જ્યારે આ અંગેની જાણકારી કોઈ ઍક્ટિવિસ્ટને આપે.
નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરોના તાજેતરના આંકડા પ્રમાણે, વર્ષ 2019થી 2022 વચ્ચે કલમ 377 અંતર્ગત લગભગ એક હજાર કેસ દાખલ કરાયા હતા. પરંતુ તેમાંથી કેટલા મામલા પ્રાણીઓ સાથે થયેલી યૌન હિંસાના હતા, એ માહિતી ઉપલબ્ધ નથી. આ કારણે આ સમસ્યાની વ્યાપકતાનું અનુમાન લગાવવું મુશ્કેલ છે.
તેથી ફિયાપોએ કોર્ટને એવી પણ અરજી કરી છે કે તે એનસીઆરબીને પ્રાણીઓ સાથે થતી અલગ અલગ પ્રકારની હિંસાની માહિતી એકત્રિત કરવાના નિર્દેશ આપે.
ડિસેમ્બર 2024માં અભિનેત્રી જયા ભટ્ટાચાર્યને એક મહિનાના કૂતરા સાથે યૌન હિંસાની જાણકારી મળી.
જયા બે દાયકાથી પ્રાણીઓ માટે કામ કરી રહ્યાં છે. તેઓ મુંબઈમાં પ્રાણીઓ માટે એક શેલ્ટર હોમ પણ ચલાવે છે.
તેમણે જણાવ્યું કે હુમલાખોર કંઈક ખવડાવવાને બહાને ગલૂડિયાને ફોસવાલીને પોતાના ઘરે લઈ આવ્યો અને અમુક સમય બાદ 'મોહલ્લાનાં બાળકોને એ દર્દમાં કણસતું' મળી આવ્યું.
જયાએ પોતાના સોશિયલ મીડિયા પર ગલૂડિયા વિશે લખ્યું. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પશુ ક્રૂરતા રોકથામ કાયદા અંતર્ગત એફઆઇઆર નોંધાવી. આરોપીની ધરપકડ થઈ, પરંતુ અમુક કલાકમાં જ તેને જામીન મળી ગયા.
જયાએ કહ્યું, "આવા લોકો આપણા સમાજનો સૌથી કદરૂપો ચહેરો છે અને જ્યારે તેમને સજા નથી મળતી તો તેઓ વધુ લોકોને ઈજા પહોંચાડવા માટે સ્વતંત્ર હોવાનું અનુભવે છે."
પ્રાણીઓ અને માણસો સાથે યૌન હિંસા વચ્ચે સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારોનું કહેવું છે કે પ્રાણીઓ સાથે યૌન હિંસા આચરનાર વ્યક્તિ માણસોનેય નિશાન બનાવી શકે છે. આ અંગે સમગ્ર વિશ્વમાં ઘણાં સંશોધન થયાં છે, જેમાં આ વાત કહેવાઈ છે.
પ્રાણીઓનું યૌન ઉત્પીડન અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, કૅનેડા સહિત ઘણા દેશોમાં ગુનો છે. આના માટે બેથી 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
'જર્નલ ઑફ ધ અમેરિકન ઍકેડેમી ઑફ સાઇકિયાટ્રી ઍન્ડ ધ લૉ'માં એક સંશોધન છપાયું હતું. આ સંશોધનમાં અમેરિકામાં વર્ષ 1975થી 2015 વચ્ચે પ્રાણીઓ સાથે યૌન ઉત્પીડનના મામલામાં 456 ધરપકડોનો અભ્યાસ કરાયો. તેમાં ખબર પડી કે એક તૃતિયાંશ મામલામાં હુમલાખોરે બાળકો અને પુખ્તો સાથે પણ યૌન હિંસા આચરી હતી.
ભારતમાં પણ કેટલાક મામલામાં એવું જોવા મળ્યું છે. ઑગસ્ટ 2024માં બુલંદશહરના એક ગામમાં એક વ્યક્તિ પર એક બકરીનું યૌન ઉત્પીડન કરવા અને તેની દેખરેખ કરનારી દસ વર્ષની બાળકીના બળાત્કારનો આરોપ લગાવાયો હતો.
બાળકીના વકીલ વરુણ કૌશિકે કહ્યું, "પાડોશના ઘરની બારીથી એક છોકરાએ એ વ્યક્તિને બંને પર હુમલા કરતા જોઈ અને ફોનમાં રેકૉર્ડ કરી લીધું. છોકરાએ બંને વીડિયો છોકરીના પિતાને બતાવ્યા. નહીંતર આ જઘન્ય અપરાધ ક્યારેય સામે ન આવત."
બાળકો સાથે યૌન હિંસાના અપરાધમાં જામીન નથી મળતા. તેથી વ્યક્તિ અત્યાર સુધી જેલમાં છે અને કેસ ચાલુ છે.
સરકારનું વલણ શું છે?

ઇમેજ સ્રોત, Government of India
બ્રિટિશ શાસન દરમિયાન વર્ષ 1860માં બનેલ દંડ સંહિતાની કલમ - 377, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કાયદામાં હજુ પણ છે.
ભારત સરકારે આ કલમને હઠાવી એ પહેલાંથી પ્રાણીઓના અધિકારો માટે કામ કરતા કાર્યકર્તા પશુ ક્રૂરતા રોકથામ કાયદાને કઠોર બનાવવા અને તેમાં યૌન હિંસાને સામેલ કરવાની માગ કરી રહ્યા હતા.
'ફિયાપો'એ વર્ષ 2010થી 2020 વચ્ચે પ્રાણીઓ વિરુદ્ધ ક્રૂરતાના મીડિયામાં આવેલા રિપોર્ટ એકઠા કર્યા. તેમના પ્રમાણે, એક હજાર મામલામાંથી 83 પ્રાણીઓ સાથે યૌન હિંસાના હતા. જોકે, તેમાંથી બે તૃતિયાંશમાં કોઈ એફઆઇઆર દાખલ નહોતી કરાઈ.
આ માગોને કારણે ભારત સરકારે વર્ષ 2022માં પશુ ક્રૂરતા રોકથામ કાયદામાં સંશોધનનો ખરડો તૈયાર કર્યો. તેમાં યૌન હિંસાની વ્યાખ્યા જોડાઈ. આ ક્રૂરતા માટે કડક સજા રાખવામાં આવી. જોકે, આજ દિન સુધી સંસદમાં એ રજૂ નથી કરાયો.
પ્રાણીઓના અધિકારો માટે કામ કરતા કાર્યકર્તા આ વિલંબ પર નારાજગી વ્યક્ત કરે છે.
પૂર્ણિમા મોટવાણી કહે છે કે, "જો કાયદો કડક હશે તો બધાને તેની જાણકારી અપાશે. તો કદાચ આવા હીચકારા ગુના કરતા પહેલાં વ્યક્તિ વિચારશે અને રોકાઈ જશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












