ભારત દાયકાઓના લોહિયાળ સંઘર્ષ પછી શું માઓવાદ સામે જંગ જીતી રહ્યું છે?

માઓવાદ, નક્સલવાદ, છત્તીસગઢ, ભારતમાં માઓવાદ, બીબીસી ગુજરાતી, નક્સલી એન્કાઉન્ટર

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, છત્તીસગઢનાં એક મહિલા તેમના પતિની તસવીર હાથમાં લઈને ઊભાં છે, તેમના પતિને બળવાખોર હોવાના સંશય હેઠળ 2024માં પોલીસ દ્વારા મારી નાખવામાં આવ્યા હતા
    • લેેખક, સુવોજિત બાગચી
    • પદ, વિશ્લેષક

ભારતનાં જંગલોમાં દાયકાઓથી ચાલતી બળવાખોરીનો અંત નજીક આવી રહ્યો છે?

બસવરાજુ નામે જાણીતા દેશના મોસ્ટ-વૉન્ટેડ માઓવાદી નમ્બાલા કેશવરાવ ગયા અઠવાડિયે છત્તીસગઢમાં હાથ ધરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં અન્ય 26 લોકો સાથે માર્યા ગયા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એ ઘટનાને ત્રણ દાયકાની બળવાખોરી સામેનો "સૌથી મોટો નિર્ણાયક હુમલો" ગણાવ્યો હતો. આ ઍન્કાઉન્ટરમાં એક પોલીસ અધિકારીનું પણ મૃત્યુ થયું હતું.

બસવરાજુનું મોત એક વ્યૂહાત્મક વિજય કરતાં વિશેષ છે. તે બસ્તરમાં માઓવાદીઓની છેલ્લી સંરક્ષણ હરોળમાં ભંગનો સંકેત આપે છે. બસ્તરના વન વિસ્તારને આ જૂથે 1980ના દાયકા પછી તેનો સૌથી મજબૂત ગઢ બનાવ્યો હતો.

પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામમાં 1967ના બળવા પછી 'નક્સલવાદીઓ' તરીકે ઓળખાતા માઓવાદીઓ મધ્ય તથા પૂર્વ ભારતમાં "રેડ કૉરિડૉર" બનાવવા માટે દાયકાઓથી પુનઃ જૂથબદ્ધ થયા હતા. એ પ્રદેશ પૂર્વમાં ઝારખંડથી પશ્ચિમમાં મહારાષ્ટ્ર સુધી અને દેશના ત્રીજા ભાગથી વધુ જિલ્લાઓમાં ફેલાયેલો છે. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે બળવાખોરીને ભારતની "આંતરિક સુરક્ષા સામે સૌથી મોટો ખતરો" ગણાવી હતી.

સાઉથ એશિયન ટેરરિઝમ પોર્ટલના જણાવ્યા મુજબ, વર્ષ 2000થી સામ્યવાદી શાસન માટેના સશસ્ત્ર સંઘર્ષમાં લગભગ 12,000 લોકો માર્યા ગયા છે. દાયકાઓની સરકારની ઉપેક્ષા અને જમીનના કબજાને ટાંકીને બળવાખોરો કહે છે કે તેઓ આદિવાસીઓ અને ગ્રામીણ ગરીબોના અધિકારો માટે લડે છે.

માઓવાદનો અંત થશે કે પછી લોહિયાળ ચક્રમાં વિરામ આવશે?

માઓવાદ, નક્સલવાદ, છત્તીસગઢ, ભારતમાં માઓવાદ, બીબીસી ગુજરાતી, નક્સલી એન્કાઉન્ટર

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 2023માં છત્તીસગઢમાં જ સૌથી વધુ નક્સલી હોવાનું જાણવા મળ્યું હતું

માઓવાદી ચળવળને સત્તાવાર રીતે ડાબેરી ઉગ્રવાદ (એલડબલ્યુઈ) તરીકે ઓળખવામાં આવે છે. 2004માં મુખ્ય માઓવાદી-લેનિનવાદી જૂથોના સીપીઆઈ (માઓવાદી)માં વિલીનીકરણ સાથે આ ચળવળે ઔપચારિક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ પક્ષના વૈચારિક મૂળ 1946માં તેલંગણામાં થયેલા ખેડૂત બળવામાં મળે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે માર્ચ 2026 સુધીમાં માઓવાદના અંતની પ્રતિજ્ઞા કરી છે ત્યારે આ લોહિયાળ બળવો એક વળાંક પર ઊભો છે. શું આ ખરેખર અંત હોઈ શકે છે કે પછી તેના લાંબા, લોહિયાળ ચક્રમાં ફક્ત બીજો વિરામ હોઈ શકે છે?

પત્રકાર, સમાજવિજ્ઞાની અને આ ચળવળ પર લાંબા સમયથી નજર રાખી રહેલા એન. વેણુગોપાલ માઓવાદીઓના ટીકાકાર પણ છે તથા તેમને પ્રત્યે સહાનુભૂતિ પણ ધરાવે છે.

તેમણે કહ્યું હતું, "થોડો સમય શાંતિ જરૂર રહેશે, પરંતુ માર્ક્સવાદી-લેનિનવાદી ચળવળોએ આવા અનેક પડકારોને પાર કર્યા છે. 70ના દાયકામાં નક્લસવાદના ટોચના નેતૃત્વની હત્યા કરવામાં આવી હતી, છતાં આપણે આજે નક્સલવાદ વિશે વાત કરી રહ્યા છીએ."

માઓવાદી વિરોધી ઑપરેશન્શના નિરીક્ષક અને ભારતીય ગૃહ મંત્રાલયના સૌથી વરિષ્ઠ અધિકારીઓ પૈકીના એક એમએ ગણપતિ આ બાબતે અલગ મત ધરાવે છે.

તેમણે કહ્યું હતું, "માઓવાદી ચળવળના મૂળમાં એક વૈચારિક સંઘર્ષ હતો, પરંતુ એ વિચારધારા હવે આકર્ષણ ગુમાવી ચૂકી છે, ખાસ કરીને યુવા પેઢીમાં. શિક્ષિત યુવાનોને હવે તેમાં રસ નથી."

"બસવરાજુના અંત પછી મનોબળ ઘટ્યું છે. તેનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે."

હિંસક ઘટનાઓમાં ઘટાડો, સુરક્ષાદળોની જાનહાનિમાં વધારો

માઓવાદ, નક્સલવાદ, છત્તીસગઢ, ભારતમાં માઓવાદ, બીબીસી ગુજરાતી, નક્સલી એન્કાઉન્ટર

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 2023માં છત્તીસગઢમાં થયેલો મોટો નક્સલી હુમલો, જેમાં 10 પોલીસજવાનોનાં મોત થયા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે માઓવાદ સંબંધી હિંસક ઘટનાઓમાં 48 ટકા ઘટાડો નોંધાયો છે. 2013માં 1,136 ઘટનાઓ સામે 2023માં 594 ઘટનાઓ બની હતા. સંબંધિત મૃત્યુના પ્રમાણમાં 65 ટકા ઘટાડો નોંધાયો છે. તે 397થી ઘટીને 138 થઈ છે.

જોકે, 2022ની સરખામણીએ 2023માં સુરક્ષા દળોની જાનહાનિમાં થોડો વધારો થયાનું તેમાં સ્વીકારવામાં આવ્યું છે. એ મુખ્ય માઓવાદી વિસ્તારોમાં સઘન કાર્યવાહીને આભારી છે.

તે અહેવાલ જણાવે છે કે 2023માં છત્તીસગઢ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય રહ્યું હતું. તમામ ડાબેરી ઉગ્રવાદ (એલડબલ્યુઈ) સંબંધી ઘટનાઓ પૈકીની 63 ટકા ઘટનાઓ અને સંબંધિત મૃત્યુ પૈકીનાં 66 ટકા મોત છત્તીસગઢમાં થયાં હતાં.

એ પછી ઝારખંડમાં કુલ પૈકીની 27 ટકા હિંસા અને 23 ટકા મૃત્યુ નોંધાયાં હતાં. બાકીની ઘટનાઓ મહારાષ્ટ્ર, ઓડિશા, મધ્ય પ્રદેશ અને બિહારમાં નોંધાઈ હતી.

બળવાખોરોનો ગઢ ગણાતા છત્તીસગઢમાં માઓવાદનું પતન, આ ચળવળના વ્યાપક પતનનો મુખ્ય સંકેત આપે છે.

ગણપતિના મતાનુસાર, એક દાયકા પહેલાં સરકારી પોલીસને નબળી ગણવામાં આવતી હતી.

તેમણે કહ્યું હતું, "આજે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના સમર્થન સાથેના રાજ્યના ચોકસાઈસભર હુમલાઓએ ખેલ બદલી નાખ્યો છે. અર્ધલશ્કરી દળોએ જમીન પરનો મોરચો સંભાળ્યો હતો, જ્યારે રાજ્યનાં દળોએ ગુપ્ત માહિતી એકત્ર કરી હતી અને લક્ષિત કામગીરી શરૂ કરી હતી. તે સ્પષ્ટ ભૂમિકા અને સંકલન હતું."

ગણપતિએ ઉમેર્યું હતું કે મોબાઇલ ફોન, સોશિયલ મીડિયા, માર્ગો અને કનેક્ટિવિટીની એક્સેસથી લોકો વધુ જાગૃત થયા છે. તેઓ સશસ્ત્ર ભૂગર્ભ ચળવળને સમર્થન આપવા રાજી નથી.

તેમણે કહ્યું હતું, "લોકો મહત્ત્વાકાંક્ષી બનાવ્યા છે. મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા સર્વવ્યાપી છે. લોકો બહારની દુનિયાના સંપર્કમાં આવી રહ્યા છે. માઓવાદીઓ દૂરનાં જંગલોમાં છુપાઈને પણ કામ કરી શકતા નથી અને તેઓ નવી સામાજિક વાસ્તવિકતાને સુસંગત પણ નથી."

"જનસમર્થન વિના કોઈ પણ બળવો ટકી શકતો નથી," એમ તેમણે કહ્યું હતું.

રાજકીય જોડાણ તૂટી ગયું છે?

માઓવાદ, નક્સલવાદ, છત્તીસગઢ, ભારતમાં માઓવાદ, બીબીસી ગુજરાતી, નક્સલી એન્કાઉન્ટર

ઇમેજ સ્રોત, Getty Images

માઓવાદીઓ પ્રત્યે ભૂતકાળમાં સહાનુભૂતિ ધરાવતી એક વ્યક્તિએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે, આ ચળવળના પતનની એક ઊંડી ખામી તરફ ધ્યાન દોર્યું હતું અને જણાવ્યું હતું કે આ ચળવળનું રાજકીય જોડાણ તૂટી ગયું છે.

તેમણે કહ્યું હતું, "તેઓ વાસ્તવિક પરિવર્તન લાવ્યાં, તેલંગણામાં સામાજિક ન્યાય લાવ્યા. છત્તીસગઢમાં આદિવાસીઓને એક કર્યા, પરંતુ આ બધાને એક સુમેળભર્યા રાજકીય બળમાં પરિવર્તિત કરી શક્યા નહીં."

તેમણે દલીલ કરી હતી કે નિષ્ફળતાના કેન્દ્રમાં એક જૂનો ક્રાંતિકારી દૃષ્ટિકોણ હતો. એ વિઝન, સરકારની પહોંચ બહાર "મુક્ત ક્ષેત્રો" બનાવવા અને "દીર્ઘકાલીન જનયુદ્ધ દ્વારા શાસન પર પ્રહાર કરવાનો સિદ્ધાંત" હતું.

તેમણે કહ્યું હતું, "સરકાર કોઈ નક્કર પગલાં ન લે ત્યાં સુધી જ આવું ચાલી શકે છે. પછી એવા પૉકેટ્સ તૂટી પડે છે અને હજારો લોકો મૃત્યુ પામે છે. આજના ભારતમાં કાપેલા જંગલમાંથી ક્રાંતિ ખરેખર કરી શકાય?"

સીપીઆઈ (માઓવાદી)નો 2007નો રાજકીય દસ્તાવેજ માઓ યુગની, "મુક્ત ક્ષેત્રો" બનાવવાની અને "ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોને ઘેરવાની" વ્યૂહરચના પર આધારિત છે. જોકે, માઓવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી આ વ્યક્તિએ સ્પષ્ટ જણાવ્યું હતું કે "હવે એ વ્યૂહરચના કામ કરતી નથી."

મુખ્યત્વે પૂર્વ મહારાષ્ટ્ર, દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશા તથા ઝારખંડના અલગ-અલગ વિસ્તારોમાં આ પક્ષ લોકોનો થોડો ટેકો જરૂર ધરાવે છે, પરંતુ તેનો કોઈ મજબૂત લશ્કરી આધાર નથી.

સરકારી દળોએ હાથ ધરેલી કાર્યવાહીથી દક્ષિણ છત્તીસગઢમાંના તેમના ગઢમાં માઓવાદી લશ્કરી માળખું નોંધપાત્ર રીતે નબળું પડ્યું છે. કાર્યકર્તાઓ અને નેતાઓ નિયમિત રીતે માર્યા જાય છે, જે બળવાખોરોની પોતાના બચાવ કરવામાં વધતી જતી અસમર્થતાને પ્રતિબિંબિત કરે છે.

વેણુગોપાલ માને છે કે વ્યૂહરચનાને ત્યાગવાની નહીં, પરંતુ એ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે.

તેમના કહેવા મુજબ, ભૂગર્ભ સંઘર્ષનું પોતાનું સ્થાન છે, પરંતુ "વાસ્તવિક પડકાર તેને ચૂંટણીના રાજકારણ સાથે ભેળવવાનો છે."

માઓવાદી નેતાઓના મોત પછી ચળવળ અટકી જશે?

માઓવાદ, નક્સલવાદ, છત્તીસગઢ, ભારતમાં માઓવાદ, બીબીસી ગુજરાતી, નક્સલી એન્કાઉન્ટર

ઇમેજ સ્રોત, Getty Images

વેણુગોપાલના મતથી વિપરીત ગણપતિ માને છે કે નજીકના ભવિષ્યમાં માઓવાદી માટે અર્થપૂર્ણ લડાઈ લડવાની આશા બહુ ઓછી છે. તેઓ દલીલ કરે છે કે હવે એક અલગ અભિગમ, સંવાદનો સમય આવી ગયો છે.

તેમણે કહ્યું હતું, "તેમણે હવે બિનશરતી વાટાઘાટ કરવી જોઈએ અને સરકારને તેમના વિશે વિચાર કરવા દેવી જોઈએ. એ સમજદારીભર્યું રહેશે. આ સમય પોતાના કાર્યકરોના કોઈ હેતુ વિના, બિનજરૂરી બલિદાન આપવાને બદલે સરકારનો સંપર્ક કરવાનો છે."

આંધ્રપ્રદેશ અને તેલંગણામાં મુખ્ય ધારાના રાજકીય પક્ષોનો ટેકો માઓવાદીઓને મળી રહ્યો છે. તેલંગણામાં શાસક કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ઉપરાંત દસ નાના ડાબેરી પક્ષોએ સાથે મળીને સંઘર્ષવિરામના આહવાનને સમર્થન આપ્યું છે. આ પ્રયાસને જૂથના બાકીના નેતાઓ તથા કાર્યકરોના બચાવના હેતુસરનો વ્યાપકપણે ગણવામાં આવે છે.

જાતિ દમન સામેના ભૂતકાળના સંઘર્ષોમાં મૂળ ધરાવતી માઓવાદી ચળવળ આ રાજ્યોના કેટલાક ભાગોમાં આજે પણ સામાજિક યોગ્યતા ધરાવે છે. સિવિલ સોસાયટીના કાર્યકરો પણ યુદ્ધવિરામનો આગ્રહ કરી રહ્યા છે.

કોલકાતાસ્થિત ઍસોસિયેશન ફૉર પ્રોટેક્શન ઑફ ડેમૉક્રેટિક રાઇટ્સના મહામંત્રી રણજિત સુરે કહ્યું હતું, "અન્ય નાગરિક અધિકાર જૂથોની સાથે અમે પણ તાત્કાલિક સંઘર્ષવિરામ અને એ પછી શાંતિ વાટાઘાટ એમ બે તબક્કાની પ્રક્રિયાની માગણી કરી છે."

માઓવાદી પ્રભાવિત રાજ્યોના કેટલાક ભાગો આ ચળવળનો ગઢ બની રહ્યા છે તેનું કારણ એ છે કે આ રાજ્યો ખનિજોથી સમૃદ્ધ છે અને એ બાબત તેમને સંસાધનોના સઘન સંઘર્ષનું સ્થળ બનાવે છે. વેણુગોપાલ માને છે કે સીપીઆઈ (માઓવાદી)ની દીર્ઘકાલીન ઉપસ્થિતિનું મુખ્ય કારણ આ છે.

દાખલા તરીકે, છત્તીસગઢ ભારતમાં ટીન કોન્સન્ટ્રેટ અને મોલ્ડિંગ સેન્ડનું એકમાત્ર ઉત્પાદક રાજ્ય છે. ખાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ રાજ્ય કોલસા, ડોલોમાઈટ, બૉક્સાઇટ અને હાઈ-ગ્રેડ આયર્ન ઓરનો મુખ્ય સ્રોત પણ છે.

દેશના કુલ પૈકીનો ટીનનો 36 ટકા, આયર્ન ઓરનો 20 ટકા, કોલસાનો 18 ટકા, ડોલોમાઈટનો 11 ટકા અને હીરા તથા માર્બલનો ચાર ટકા ભંડાર આ રાજ્યમાં છે. રાષ્ટ્રીય અને વૈશ્વિક માઇનિંગ કંપનીઓને આ ભંડારમાં જોરદાર રસ હોવા છતાં આ સંસાધનો મેળવવા તેઓ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે.

વેણુગોપાલે કહ્યું હતું, "જળ, જંગલ, જમીનના સૂત્ર પર રચાયેલી માઓવાદી ચળવળે ભારપૂર્વક જણાવ્યું હતું કે જંગલો કૉર્પોરેશન્શનાં નહીં, આદિવાસીઓનાં છે. તેથી બહુરાષ્ટ્રીય કંપનીઓ અહીં પ્રવેશી શકી નથી."

એક સત્તાવાર નોટિફિકેશન મુજબ, માઓવાદીઓ હવે નબળા પડ્યા હોવાથી, મે મહિનાની સફળ હરાજી પછી છત્તીસગઢની ઓછામાં ઓછી ચાર ખાણો "પસંદ કરાયેલા બિડર્સ"ના હાથમાં જવાની તૈયારીમાં છે.

વેણુગોપાલ માને છે કે માઓવાદી નેતાઓના મોત પછી પણ આ ચળવળ અટકશે નહીં.

તેમણે કહ્યું હતું, "નેતાઓ ભલે મૃત્યુ પામે, પણ રોષ યથાવત્ રહે છે. અન્યાય થતો હશે ત્યાં આંદોલનો થશે. આપણે તેને માઓવાદ ભલે ન કહીએ, પરંતુ તેનું અસ્તિત્વ રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન