અમેરિકાનાં ઘરોમાં વારેવારે ઘૂસી જતા ખતરનાક સાપ કયા છે?

બીબીસી ગુજરાતી સાપ રેટલસ્નેક એરિઝોના સરિસૃપ જંગલ અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રેટલસ્નેક તેની જીભથી હવાનો સ્વાદ ચાખે છે
    • લેેખક, ક્રિસ બારાન્યુક
    • પદ, બીબીસી ફ્યુચર

માણસ અને સાપ વચ્ચેના સંઘર્ષના વધુને વધુ અહેવાલો આવી રહ્યા છે અને કેટલાક લોકો તેમના ઘરમાં ચડી આવેલા સાપને મારી નાખે છે, પરંતુ માણસ અને સરિસૃપ બંનેના સહઅસ્તિત્વ માટે કોઈ વધુ સારો રસ્તો નથી?

રેટલસ્નેક હોટલાઇનના કોલ હેન્ડલરનો સવાલ હતો. પોતાના આંગણામાં આવી ચડેલા, એક મીટર લાંબા સાપની પૂંછડી પર કાળા અને સફેદ પટ્ટા ક્રિસ્ટા રીનાચને દેખાતા હતા?

પોતાના ઘરની બારીમાંથી સાપ પર નજર કરતાં ક્રિસ્ટા રીનાચે કહ્યું હતું, "હા". કોલ હેન્ડલર ખાતરી કરી શકે તેમ ન હતા, પરંતુ તે નિશાનીનો અર્થ એ હતો કે રીનાચના ઘરમાં ઝેરી વૅસ્ટર્ન ડાયમંડબેક રેટલ સ્નેક આવી ચડ્યો હતો. સાપને ત્યાંથી અન્યત્ર લઈ જનારી વ્યક્તિ શક્ય તેટલી વહેલી ત્યાં પહોંચી જશે.

રીનાચ રાહ જોતાં બેઠાં. સાપનો ડંખ જીવલેણ સાબિત થઈ શકે, પરંતુ રીનાચ રેટલસ્નેકથી બહુ ચિંતિત ન હતાં અને તેમના બે ચાઇનીઝ શીર-પીસ કૂતરા સલામત રીતે પૂરાયેલા હતા.

એરિઝોનાના સ્કોટ્સડેલ નજીકના એક સમુદાય વર્ડે ફૂટહિલ્સમાં ક્રિસ્ટા રીનાચ રહે છે. એ વિસ્તાર રણની બાજુમાં આવેલો હોવાથી રીનાચને અપેક્ષા હતી કે તેમની જમીન પર સમયાંતરે સાપ દેખાતા રહેશે.

જોકે, સાપ તેમના ઘરમાં લાંબો સમય રહે એવું તેઓ ઇચ્છતાં ન હતાં. ખાસ કરીને તેમના અશ્વોને લીધે. તેનું કારણ એ હતું કે અશ્વો સાપનું નિરીક્ષણ કરવા જમીન સુધી માથું લાંબું કરે તો સાપ અશ્વના નાક પર ડંખ મારી શકે છે. રીનાચ કહે છે, "નાક ફૂલી જાય તો અશ્વો શ્વાસ લઈ શકતા નથી."

રેટલ સ્નેકનો ડંખ કેટલા લોકો માટે જીવલેણ બને છે?

બીબીસી ગુજરાતી સાપ રેટલસ્નેક એરિઝોના સરિસૃપ જંગલ અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રેટલસ્નેક સૌથી ખતરનાક ગણાતા સાપ પૈકી એક છે

અમેરિકામાં દર વર્ષે 7,000થી 8,000 લોકોને ઝેરી સાપ કરડે છે. તેમાંથી લગભગ પાંચેક લોકો મૃત્યુ પામે છે. સાપના પાલતુ પ્રાણીઓને કરડે અને એ કારણે પાલતુ પ્રાણીઓ મૃત્યુ પામે એવી શક્યતા વધારે હોય છે. અમેરિકાની સાપની બધી પ્રજાતિઓમાં રેટલ સ્નેક સૌથી ખતરનાક છે.

રેટલ સ્નેકના ડંખનો ભોગ બનેલા 11,138 દર્દીઓને આવરી લેતા 2019ના એક અભ્યાસમાં કુલ પૈકીના 50 ટકા કિસ્સાઓમાં ડંખ મારનાર સાપનો પ્રકાર ઓળખી શકાયો હતો અને તેમાં સૌથી સામાન્ય ડંખ રેટલ સ્નેકનો હતો.

અમેરિકન સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રીવેન્શનના જણાવ્યા મુજબ, રેટલ સ્નેકે ડંખ માર્યો હોય તેવી વ્યક્તિઓ પૈકીના 10થી 44 ટકાને આંગળી ગુમાવવા જેવી લાંબા ગાળાની ઈજાઓ થાય છે.

બીબીસીએ જે નિષ્ણાતો સાથે વાત કરી હતી તેમના મતાનુસાર, પ્રોપર્ટી ડેવલપર્સ સાપના રહેણાક વિસ્તારોમાં આગળ વધી રહ્યા છે તેમ તેમ માનવ-સાપના સંઘર્ષની સંભાવના વધી રહી છે.

હવામાનમાં પરિવર્તનની અસર પણ થઈ રહી છે. તેનાથી સાપનાં કેટલાંક રહેણાકનો નાશ થઈ રહ્યો છે અને ગરમીના દિવસોમાં સાપ ઠંડા બગીચાની શોધમાં સક્રિય બને છે.

જોકે, સ્થાનિક ઇકૉસિસ્ટમમાં સાપ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નિષ્ણાતોના કહેવા મુજબ, માનવ પ્રોપર્ટીમાં આવી ચડતા દરેક સાપને મારી નાખવો એ માત્ર અનૈતિક જ નથી. આખરે તેનાથી માનવો માટે સમસ્યા પણ સર્જાઈ શકે છે.

સાપની આક્રમક પ્રજાતિઓ સ્થાનિક વન્યજીવનને વ્યાપક નુકસાન પહોંચાડવાનું શરૂ કરે ત્યારે સાપને મારી નાખવો ઇચ્છનીય છે. આક્રમક સાપને પકડ્યા પછી માનવીય રીતે મારી નાખવાથી ઇકૉસિસ્ટમ સંતુલિત રહી શકે છે.

સાપ કરડવાના કિસ્સા કેવી જગ્યાએ બને છે?

બીબીસી ગુજરાતી સાપ રેટલસ્નેક એરિઝોના સરિસૃપ જંગલ અમેરિકા

ઇમેજ સ્રોત, Rattlesnake Solutions

ઇમેજ કૅપ્શન, રેટલસ્નેકને સલામત સ્થળે લઈ જવામાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એરિઝોના અને અમેરિકાના અન્ય ભાગોમાં કેટલીક સંસ્થાઓ સાપને જીવતા પકડીને સ્થાનાંતરિત કરવાનું કામ કરી રહી છે. રાજ્યમાં ગૃહનિર્માણના પ્રકલ્પો રણ વિસ્તારોમાં વિસ્તર્યા છે. ઝાડીઓના સ્થાને રહેણાકો બની રહ્યાં છે. તેનો અર્થ એ છે કે વધુને વધુ લોકો સાપના હૉટસ્પોટ્સ ગણાતા વિસ્તારોમાં રહેતા થયા છે.

સ્થાનિક ડેટા સૂચવે છે કે સાપ કરડવાની ઘટનાઓમાં તાજેતરનાં વર્ષોમાં સતત વધારો થયો છે.

અહીં રેટલ સ્નેક સોલ્યુશન્શ કામ આવે છે. આ સ્થાનિક કંપની મનુષ્યો અથવા પાલતુ પ્રાણીઓ માટે ખતરો બની શકે એવી જગ્યાએથી સાપ મળી આવે ત્યારે તેને બચાવવા અને અન્યત્ર સ્થળાંતરિત કરવાના પ્રયાસ કરે છે. કંપનીના જણાવ્યા મુજબ, ચોક્કસ પર્વતીય વિસ્તારોમાં કેટલ સ્નેકના સ્થાનાંતરણની વિનંતીમાં વધારો થઈ રહ્યો હોય તેવું લાગે છે.

ક્રિસ્ટા રેનાચને ગયા એપ્રિલમાં તેમની પ્રોપર્ટીમાં ઇસ્ટર્ન ડાયમંડબેક નામનો સાપ મળી આવ્યો ત્યારે તેમણે રેટલ સ્નેક સોલ્યુશન્શનો સંપર્ક સાધ્યો હતો. તેમણે ફોન કર્યાના થોડા સમયમાં કંપનીની ટીમના એક સભ્ય ક્રિસ્ટાના ખેતરમાં આવી પહોંચ્યા હતા.

રેનાચે જોયું હતું કે સાપના બચાવકર્તાએ લાંબી સ્નેક ટોંગ દ્વારા રેટલ સ્નેકને ધીમેથી બહાર કાઢ્યો હતો. સાપને સતત હવા મળતી રહે એટલા માટે તેને છીદ્રો તથા ઢાંકણાવાળા મોટા કન્ટેનરમાં મૂક્યો હતો. તેઓ સાપને રણ વિસ્તારમાં લઈ ગયા હતા, જ્યાં સાપને છુપાવા માટે અનેક જગ્યા હોય છે. તેના શિકાર માટે ઉંદરડાં પણ હોય છે. એક એવી જગ્યા, જ્યાં ઉપર કોઈ પેશિયો લાઇટ નથી હોતી. ફક્ત હજારો તારા હોય છે.

આ બધું જે રીતે થયું તેનાથી રેનાચ ખુશ હતાં. તેઓ કહે છે, "કોઈ પ્રાણી બહાર હોય ત્યારે તેને મારી નાખવામાં હું માનતી નથી."

ઉંદરની વસતી નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી

બીબીસી ગુજરાતી સાપ રેટલસ્નેક એરિઝોના સરિસૃપ જંગલ અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વેસ્ટર્ન ડાયમંડબેક રેટલસ્નેક પોતાને એક રક્ષણાત્મક ગૂંચળામાં રાખે છે

કેટલાક લોકો માને છે કે સ્થાનિક સાપ સુઘડ હોય છે. એટલા માટે રેટલ સ્નેકને સ્થાનાંતરિત કરતા લોકો આ અભિગમ અપનાવતા નથી. આવા સાપ ખરેખર ઘણું સારું કામ કરતા હોય છે.

દાખલા તરીકે, આવા સાપ ઉંદરનો આહાર કરે છે. ઉંદરડાંની વસ્તીને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. એ ખેડૂતો માટે ફાયદાકારક છે, કારણ કે ઉંદરડાંની સંખ્યા મોટી હોય તો તેઓ આશ્ચર્યજનક પ્રમાણમાં અનાજ સફાચટ કરી શકે છે.

એક ઑસ્ટ્રેલિયન અભ્યાસના અંદાજ અનુસાર, ઈસ્ટર્ન બ્રાઉન સ્નેક્સ ખેતીની જમીનમાંથી પ્રતિચોરસ કિલોમીટરે દર વર્ષે હજારો ઉંદરડાઓને દૂર કરી શકે છે. ઉત્તર અમેરિકામાં રેટલસ્નેક્સ આવી ભૂમિકા ભજવે છે.

આ પ્રજાતિના સાપ બીજ વિખેરીને વનસ્પતિ જીવનને મદદ કરી શકે છે.

અમેરિકાના સંશોધકોએ 2018માં પ્રકાશિત કરેલા એક અભ્યાસનાં તારણોમાં જણાવવામાં આવ્યું હતું કે રેટલ સ્નેક ક્યારેક પરોક્ષ રીતે બીજ ખાય છે. એટલે કે પોતાના મોંમાં બીજ રાખીને ઉંદરોનો શિકાર કરે છે અને તેને ખાઈ જાય છે. બાદમાં બીજનું ઉત્સર્જન કરીને એ જ સાપ નવા છોડને નવા વિસ્તારમાં ઉગાડવામાં મદદ કરી શકે છે.

ટિક નામના જંતુ કરડવાથી ફેલાતો લીમ રોગ રેટલ સ્નેકના શિકારથી ઘટાડી શકાય છે. સાપ એવાં નાનાં સસ્તન પ્રાણીઓને ખાય છે, જે ટિકનો આહાર કરતા હોય છે.

અલબત્ત, આટલા ફાયદા હોવા છતાં સાપની કેટલીક પ્રજાતિઓ પર હાલ જોખમ તોળાઈ રહ્યું છે. દાખલા તરીકે, ઇસ્ટર્ન ડાયમંડબેક રેટલ સ્નેકની સંખ્યા ઘટી રહી છે અને એરિઝોના બ્લેક રેટલસ્નેક તો સંભવિતપણે લુપ્ત થવામાં છે.

2022નો એક અભ્યાસ સૂચવે છે કે આબોહવા પરિવર્તનને કારણે તાપમાનમા વધારો થવાથી 2040 સુધીમાં અમેરિકાની રેટલ સ્નેક પ્રજાતિઓ માટે રહેવાયોગ્ય સ્થળોના પ્રમાણમાં ઘટાડો થશે.

સાપ સાથેનું જીવન

બીબીસી ગુજરાતી સાપ રેટલસ્નેક એરિઝોના સરિસૃપ જંગલ અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅલિફોર્નિયામાં એક સર્પ નિષ્ણાત રેટલસ્નેક સાથે

બ્રાયન હ્યુજીસ લગભગ પાંચ વર્ષના હતા ત્યારે તેમણે પહેલી વાર હાથમાં સાપ પકડ્યો હતો. સરિસૃપ અને ઉભયજીવી પ્રાણીઓનો અભ્યાસ કરતી અને તેમની સંભાળ રાખતી સ્થાનિક હર્પેટોલૉજિકલ સોસાયટીના સભ્યો ઓરેગોન નજીકના એક પ્રકૃતિ કેન્દ્રમાં લાલ રંગનો એક કિંગ સ્નેક લાવ્યા હતા. એ નાનો, પણ અતિ સુંદર હતો. હ્યુજીસ સરિસૃપના લાલચટ્ટક, ક્રિમી યલો અને જેટ-બ્લૅક રંગના પટ્ટાઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એ સાપ ખૂબ જ ચમકતો અને સ્વચ્છ હતો. તેને અડવાથી ભીનાશ અનુભવાતી હતી.

એ ઘટનાને યાદ કરતાં હ્યુજીસ કહે છે, "તે ખૂબ સરસ લાગતો હતો." તે સાપે તેમના પર કેવી અસર કરી હતી એ વર્ણવવા શબ્દો શોધતાં તેઓ ઉમેરે છે, "એ વખતે સાપને પકડ્યો ત્યારે કશુંક અવર્ણનીય લાગ્યું હતું." એ પછી હ્યુજીસે લાઇબ્રેરીમાં સાપ વિશેનાં પુસ્તકો શોધ્યાં હતાં અને થોડા સમય પછી સાપની શોધમાં જંગલમાં નીકળી પડ્યા હતા. એ ખજાનાની શોધ જેવું હતું, એમ હ્યુજીસ જણાવે છે.

હજારો સાપને સલામત સ્થળે ખસેડવા પડ્યા

બીબીસી ગુજરાતી સાપ રેટલસ્નેક એરિઝોના સરિસૃપ જંગલ અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એરિઝોનામાં મળી આવતો બ્લેક રેટલસ્નેક

2008ની નાણાકીય કટોકટી પછી માર્કેટિંગની પોતાની નોકરી ગુમાવ્યા બાદ હ્યુજીસે સાપ પ્રત્યેના પોતાના આકર્ષણમાંથી ગુજરાન ચલાવવાનો નિર્ણય કર્યો હતો. અલબત્ત, તેમણે કોઈ ઔપચારિક તાલીમ લીધી ન હતી. તેમણે હર્પેટોલૉજિકલ ઍસોસિયેશનના સ્વયંસેવક તરીકે કામ કર્યું હતું.

સ્વયંસેવક તરીકે તેઓ કોઈના બગીચા અથવા ગૅરેજમાં ઘૂસેલા સાપને બચાવીને સ્થાનાંતરિત કરવાનું કામ કરતા હતા. આ કામની એટલી માગ હતી કે હ્યુજીસે આવી જ સેવાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે એક લોગો બનાવ્યો હતો, એક વેબસાઇટ શરૂ કરી હતી અને રેટલ સ્નેક સોલ્યુશન્શનો લગભગ રાતોરાતે જન્મ થયો હતો.

એ ક્ષણથી અત્યાર સુધીમાં હ્યુજીસ અને તેમના સાથીઓએ એરિઝોનામાંથી હજારો સાપને સ્થાનાંતરિત કર્યા છે.

તેમના અંદાજ મુજબ, તેમણે લગભગ 20,000 અથવા પ્રતિ વર્ષ લગભગ 1,500 સાપને સ્થાનાંતરિત કર્યા છે. રેટલ સ્નેકના સામના વિશે હ્યુજીસે અનેક સાયન્ટિફિક પેપર્સનું સહલેખન પણ કર્યું છે.

ઘરના માલિકે દરેક સાપના સ્થળાંતર માટે લગભગ 150 ડૉલરનો ખર્ચ કરવો પડે છે. સાપને પકડવાથી માંડીને મુક્ત કરવા સુધીના કામમાં સામાન્ય રીતે લગભગ બે કલાક થાય છે.

એરિઝોનામાં સાપની ઘણી પ્રજાતિઓ છે. તેમાં અનેક ઝેરી રેટલ સ્નેક્સનો સમાવેશ થાય છે.

સૌથી સામાન્ય કોલઆઉટ્સ વેસ્ટર્ન ડાયમંડબેક અને બિન-ઝેરી સોનોરન ગ્રોફર સાપ માટેના હોય છે. આ બન્ને પ્રજાતિના સાપ લગભગ બે મીટર લાંબા હોઈ શકે છે. આ સાપ કોઈના બગીચામાં ઘૂસી જાય તો મોટી મુશ્કેલી સર્જાય છે.

રહેણાક વિસ્તારોમાં સાપ શા માટે ઘૂસી આવે છે?

બીબીસી ગુજરાતી સાપ રેટલસ્નેક એરિઝોના સરિસૃપ જંગલ અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રેટલસ્નેક માટે છુપાવાની જગ્યાઓ ધીમે ધીમે ઘટતી જાય છે

હ્યુજીસના કહેવા મુજબ, તેઓ અને તેમના સાથીઓ, તેમને જે સાપ પકડવા માટે બોલાવવામાં આવ્યા છે એ સાપ વિશે ઘરમાલિકોને માહિતગાર કરવાના પ્રયાસ કરે છે. કઈ પ્રજાતિનો સાપ છે અથવા ઝેરી સાપ સાથે કેવી રીતે વર્તવું તેની સલાહ ઘરમાલિકોને આપવાની આ એક તક હોય છે. તે ધંધો વિસ્તારવાની તક પણ હોય છે. રેટલ સ્નેક સોલ્યુશન્શ એક પ્રકારની ફેન્સિંગ પણ વેચે છે. એ ફેન્સિંગ પ્રોપર્ટીને સાપના ઘૂસવા સામે રક્ષણ આપે છે.

હ્યુજીસ સમજાવે છે, "સાપ જીવતો રહે અને બીજા કોઈ માટે સમસ્યા ન બને તે સુનિશ્ચિત કરવું સૌથી મુશ્કેલ કાર્ય હોય છે. પકડેલા સાપને મુક્ત કરવા માટે જમીનમાં યોગ્ય છિદ્ર શોધવા જરૂરી છે, અન્યથા તે મરી જાય." રેટલ સ્નેક સોલ્યુશન્શનો ઉદ્દેશ સાપને પકડ્યાની મિનિટો કે કલાકોમાં આવા સ્થળે પહોંચાડવાનો હોય છે.

હ્યુજીસ અને તેમના સાથીઓએ વધુને વધુ પ્રમાણમાં સાપ રહેણાક વિસ્તારોમાં ઘૂસી આવવાનું કારણ શોધી કાઢ્યું છે. તેમના જણાવ્યા મુજબ, હાઉસિંગ ડેવલપર્સ સમાન ભૂલો વારંવાર કરી રહ્યા છે. તોફાન દરમિયાન જમીનનું ધોવાણ ન થાય એટલા માટે તેઓ ખડકોનો ઉપયોગ કરે છે, પરંતુ એ સાપને છુપાવાની સલામત જગ્યા બની જાય છે. એ ઉપરાંત ડેવલપર્સ ઘણી વાર પાંદડાંવાળી ઝાડીઓથી ભરપૂર બગીચાઓ બનાવતા હોય છે. તેને કૃત્રિમ પાણી આપવું પડે છે. એ ભેજવાળા, ઠંડા છોડ નીચે આશ્રય લેવાનો આનંદ માણવાનું સાપને બહુ ગમે છે.

સાપ અને માનવીના સહઅસ્તિત્વના સવાલો

બીબીસી ગુજરાતી સાપ રેટલસ્નેક એરિઝોના સરિસૃપ જંગલ અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટીવી પર કે ફિલ્મોમાં રેટલસ્નેકને બહુ ક્રુર અને ભયાનક શિકારી તરીકે દેખાડાય છે

આવી ભૂલોના પરિણામને હવામાન પરિવર્તન વધારે ખરાબ બનાવી રહ્યું છે. સાપના શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે કોઈ આંતરિક વ્યવસ્થા હોતી નથી. તેથી ગરમ ઉનાળા દરમિયાન સાપ લોકોના લીલાછમ બગીચામાં આશરો લે તેવી શક્યતા વધે છે.

એરિઝોનાના ફોનિક્સમાં 2023માં 110 ફેરનહાઈટ (40 ડિગ્રી સેન્ટિગ્રેડ)નો સતત 55 દિવસનો રેકૉર્ડ તૂટી ગયો હતો.

એ ઉપરાંત હવામાન ગરમ અને સૂર્ય પ્રકાશિત હોય, ખતરનાક રીતે ગરમ ન હોય ત્યાં સુધી લોકો ઘણી વાર ઘરની બહાર વધુ સમય વિતાવતા હોય છે. તેનો અર્થ એ છે કે સાપ અને લોકો વધુ સમય માટે એકમેકની નજીક હોય છે. સર્પદંશનું આવર્તન એ કારણે પણ વધી શકે છે.

જોકે, નિષ્ણાતો કહે છે કે માણસજાતે સાપ સાથે રહેવાનું શીખવાની જરૂર છે.

કૅલિફોર્નિયાની કેલ પોલી સંસ્થા સ્વૈચ્છિક ધોરણે સ્થાનિક પ્રજાતિના સાપનું સ્થાનાંતરણ કરે છે. સંસ્થાના સાપ નિષ્ણાત એમિલી ટેલર કહે છે, "રેટલ સ્નેક અને માણસો સાથે રહી શકે છે." તેઓ બ્રાયન હ્યુજીસને મિત્ર ગણાવે છે, પરંતુ તેમની કંપની સાથે કોઈ વ્યાપારી સંબંધ હોવાનો ઇનકાર કરે છે. રણ વિસ્તારમાં મોટા પાયે રહેણાકના નિર્માણને કારણે લોકો અને સાપ વચ્ચેની મુલાકાતો વધી હોવા સાથે તેઓ સંમત થાય છે.

એરિઝોનામાં આગામી વર્ષોમાં વધુ ઘરમાલિકોને તેમની પ્રોપર્ટીમાં રેટલ સ્નેક જોવા મળે તે શક્ય છે. ખાસ કરીને દરેક વસંતઋતુમાં સાપ સાથીઓની શોધમાં દૂર દૂર સુધી ફરતા હોય છે.

આ કહીકત સ્વીકારતાં રીનાચ કહે છે, "અમે રણમાં રહીએ છીએ અને સાપ ઇકૉલૉજીનો જ એક હિસ્સો છે."

ટીવી પર કે ફિલ્મોમા રેટલ સ્નેક દેખાય છે ત્યારે ઘણી વાર સનસનાટીભર્યા બની જાય છે. તેમને ભયાનક અને ક્રૂર દર્શાવવામાં આવે છે. રેટલ સ્નેકથી કાયમ મોહિત રહેલા બ્રાયન હ્યુજીસ આ વાત વધુ સારી રીતે જાણે છે. રેટલ સ્નેક એવું જંગલી પ્રાણી છે, જેનું અસ્તિત્વ માનવ સંસ્કૃતિના વિસ્તરણને કારણે વધુને વધુ જોખમમાં મુકાઈ રહ્યું છે અને સમાજ આ સરિસૃપોને ખરેખર સમજી શકતો નથી.

હ્યુજીસ કહે છે, "આવા સાપથી નફરત કરવી જોઈએ કે તેમને મારી નાખવા જોઈએ, એ હું જાણતો નથી. હું તેમને બચાવવા માગું છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન