લગ્નના પાંચ દિવસ પછી ગિફ્ટ પાર્સલમાં બૉમ્બ ફાટ્યો અને વરરાજાનું મોત થયું, આખો કેસ શું છે?

- લેેખક, સંદીપ સાહૂ અને સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ઓડિશાના ચર્ચાસ્પદ પટનાગઢ પાર્સલ બૉમ્બ મામલામાં એક સ્થાનિક અદાલતે આરોપી પૂંજીલાલ મેહેરને આજીવન કેદની સજા સંભળાવી છે.
23 ફેબ્રુઆરી, 2018ની આ ઘટના છે, જે દિવસે ઓડિશાના બલાંગીર જિલ્લાના પટનાગઢ શહેરમાં એક બૉમ્બ વિસ્ફોટ થયો જેમાં સૉફ્ટવેર ઍન્જિનિયર સૌમ્ય શેખર સાહૂ (ઉંમર 26 વર્ષ) અને તેમનાં દાદી જેમામણિ મેહેરનાં મોત થયાં હતાં. સૌમ્યનાં પત્ની રીમાને ગંભીર ઈજા થઈ હતી.
સૌમ્ય શેખર અને રીમાનાં લગ્ન હજુ પાંચ દિવસ અગાઉ જ થયાં હતાં. લગ્ન પછી સૌમ્ય શેખરના ઘેર એક ગિફ્ટ પૅકેટ આવ્યું હતું.
પતિ-પત્નીએ જ્યારે ગિફ્ટનું પૅકેટ ખોલ્યું તો વિસ્ફોટ થયો. આ મામલો 'વેડિંગ બૉમ્બ' કેસ તરીકે ઓળખાયો હતો.
ચુકાદા પછી સરકારી વકીલ ચિત્તરંજન કાનૂનગોએ જણાવ્યું કે અદાલતે મેહેરને આઈપીસીની કલમ 203 (હત્યા), કલમ 307 (હત્યાનો પ્રયાસ), કલમ 201 (પુરાવા છુપાવવા) અને ઇન્ડિયન ઍક્સપ્લોઝિવ ઍક્ટની કલમ 3 અને 4 હેઠળ દોષિત જાહેર કરીને તેમને બે આજીવન કેદ, દશ-દશ વર્ષની બે સજા અને સાત વર્ષની એક સજા સંભળાવી હતી.
આ બધી સજા એક સાથે અમલમાં આવશે. કોર્ટે અલગ-અલગ કલમો હેઠળ મેહેરને કુલ 1.70 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
સરકારી વકીલ કાનૂનગોએ જણાવ્યું કે, "કોર્ટે સ્વીકાર્યું કે આ ભયંકર ગુનો હતો. પરંતુ તેમણે સરકારી પક્ષની દલીલ ન સ્વીકારી કે આ 'રેરેસ્ટ ઑફ રેર' મામલો છે. કોર્ટે મેહેરને ફાંસીની સજા આપવાની માંગણી ફગાવી અને આજીવન કેદની સજા સંભળાવી."
શું છે આખો મામલો?

બલાંગીર જિલ્લાના શાંત ગણાતા શહેર પટનાગઢમાં 23 જાન્યુઆરી 2018ના રોજ બૉમ્બ વિસ્ફોટની ઘટના બની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
26 વર્ષના સૌમ્ય શેખર સાહૂ અને રીમાનાં લગ્નને માત્ર પાંચ દિવસ થયા હતા. બંને લન્ચ બનાવવાની તૈયારી કરતા હતા ત્યારે તેમના ઘરે એક પાર્સલ ડિલિવર થયું.
તેના પર સૌમ્યનું નામ લખ્યું હતું અને પટનાગઢથી 230 કિમી દૂર છત્તીસગઢની રાજધાની રાયપુરથી પાર્સલ મોકલાયું હતું.
સૌમ્યએ ગિફ્ટની દોરી ખેંચતાની સાથે જ તેમાં પ્રચંડ વિસ્ફોટ થયો. સૌમ્ય તે વખતે રસોડામાં હતા. તેમાં તેમનાં દાદીનું મૃત્યુ થયું જ્યારે 22 વર્ષીય પત્ની રીમાને ગંભીર ઈજા થઈ.
આરોપીનો પતો કેવી રીતે મળ્યો?

ઇમેજ સ્રોત, Facebook/Punji Lal Meher
પોલીસે લાંબી તપાસ પછી એક સ્થાનિક કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ પૂંજીલાલ મેહેર (ઘટના સમયે 49 વર્ષ)ની ધરપકડ કરી. સૌમ્યનાં માતા જ્યાં ભણાવતાં ત્યાં મેહેરે પણ કામ કર્યું હતું.
આ કેસની તપાસ કરનારે બીબીસીના સંવાદદાતા સૌતિક બિસ્વાસને જણાવ્યું કે મેહેરને સૌમ્યના પરિવારની ઈર્ષ્યા થતી હતી. તેમણે બહુ બારીકાઈથી વિસ્ફોટની યોજના બનાવી હતી.
તેમણે એક નકલી નામે રાયપુરથી વિસ્ફોટક ભરેલું પાર્સલ કુરિયર સર્વિસથી મોકલ્યું હતું.
આ પાર્સલ બસથી 650 કિમી દૂરની સફર કરીને બલાંગીર પહોંચ્યું હતું.
આ દરમિયાન આ પાર્સલ ઘણા હાથમાંથી પસાર થયું. તપાસકર્તાઓના કહેવા મુજબ તે દેશી બૉમ્બ હતો અને શણના દોરામાં બાંધીને રાખ્યો હતો. તેને ખોલતાની સાથે જ ફાટ્યો.
જે પૅકેટમાં આ બૉમ્બ રખાયો હતો તેના પર મોકલનારના નામ તરીકે એસ. કે. શર્મા લખ્યું હતું.
પોલીસને કોઈ કડી ન મળી ત્યારે તેમણે હજારો ફોન રેકૉર્ડ ચેક કર્યા અને લગભગ 100 લોકોની પૂછપરછ કરી. તેમાં એવી વ્યક્તિ પણ સામેલ હતી જેણે રીમાને સગાઈ પછી ધમકી આપી હતી. પરંતુ પોલીસને કોઈ સફળતા ન મળી.
ગુમનામ પત્રથી કાવતરાનો પર્દાફાશ થયો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્યાર બાદ તે જ વર્ષે એપ્રિલમાં પોલીસ વડાને એક ગુમનામ પત્ર મળ્યો. તેમાં દાવો કરાયો હતો કે બૉમ્બ એ પાર્સલમાં મોકલાયો હતો જેના પર એસ. કે. શર્મા નહીં પણ એસ. કે. સિંહા લખાયેલું હતું.
તેમાં એવો સંકેત અપાયો હતો કે 'દગો' કરવાની સજા રૂપે અને રૂપિયાના ઈરાદાથી હત્યા કરવામાં આવી હતી.
પત્રમાં દાવો કરાયો હતો કે ત્રણ લોકોએ આ હત્યાની યોજના ઘડી હતી અને પોલીસના સકંજાથી દૂર છે.
તેમાં દુલહા સાથે દગાખોરી અને રૂપિયા પ્રાપ્ત કરવાના ઇરાદાનો ઉલ્લેખ હતો. (તેમાં એક અપમાનિત પ્રેમી અથવા સંપત્તિના વિવાદ તરફ ઇશારો હતો). પત્રમાં જણાવાયું હતું કે પોલીસ નિર્દોષ લોકોને પરેશાન કરવાનું બંધ કરે.
આ પત્રના કારણે તપાસની દિશા બદલાઈ ગઈ.
અરુણ બોથરા તે વખતે ઓડિશા ક્રાઇમ બ્રાન્ચના વડા હતા. તેમણે જોયું કે પાર્સલની રસીદ પર લખાયેલા નામને સરખી રીતે વાંચવામાં આવ્યું ન હતું. તે શર્મા નહીં પણ સિંહા જેવું લાગતું હતું.
મહત્ત્વની વાત એ હતી કે પત્ર લખનારને આ વાતની ખબર હતી.
પોલીસને હવે ખાતરી થઈ ગઈ કે શંકાસ્પદ વ્યક્તિએ જાતે પત્ર લખ્યો છે.
બોથરાએ તે વખતે બીબીસીને કહ્યું હતું કે, "પાર્સલ મોકલનારને ગુના વિશે ઘણી ખબર હતી તે સ્પષ્ટ હતું. તે અમને કહેવા માંગતો હતો કે આ ગુનો કોઈ સ્થાનિક વ્યક્તિએ નથી કર્યો. તેનો ઇશારો એવો હતો કે ત્રણ લોકોએ કાવતરું રચ્યું હતું. તે ઇચ્છતા હતા કે તેને ગંભીરતાથી લેવામાં આવે. તેથી તે અમારી ભૂલ તરફ ધ્યાન દોરીને ગુમરાહ કરવાનો પ્રયાસ કરતો હતો."
પરંતુ સૌમ્ય શેખરના કૉલેજ ટીચર માતાએ પોતાના સહકર્મી (મેહેર)ના અક્ષરો અને લખાણની શૈલી ઓળખી લીધી હતી. સૌમ્યનાં માતાના કારણે મેહેરને તેમના પદેથી હટવું પડ્યું હતું.
પોલીસે પહેલાં તો પ્રૉફેશનલ હરીફાઈની થિયરી નકારી કાઢી, પરંતુ પછી તે માનવી પડી. હવે મેહેર પર પોલીસની શંકા મજબૂત બની.
પોલીસને કેવી રીતે ગેરમાર્ગે દોરી

મેહેરને પકડવામાં આવ્યા ત્યારે એવું બહાનું કાઢ્યું કે તેમના પર દબાણ કરીને પત્ર લખાવાયો છે. પરંતુ પછી પોતાનો ગુનો કબૂલી લીધો.
તેમણે કહ્યું કે દિવાળી દરમિયાન તેમણે ફટાકડાંમાંથી ગન પાઉડર કાઢી લીધો અને તેનો બૉમ્બ બનાવ્યો હતો. ત્યાર પછી રાયપુરથી કુરિયર દ્વારા સૌમ્યના ઘરના સરનામે મોકલી દીધો.
પોલીસને ગેરમાર્ગે દોરવા તેણે પોતાનો ફોન ઘરે જ રાખી દીધો. ટ્રેનની ટિકિટ પણ ન ખરીદી કારણ કે તે સીસીટીવી કેમેરામાં પકડાઈ શકે તેમ હતો. મેહેરે લગ્ન સમારોહમાં ભાગ લીધો અને પછી અંતિમવિધિમાં પણ સામેલ થયો હતો.
દરમિયાન સૌમ્ય શેખરનાં માતાપિતાએ કોર્ટના ચુકાદાથી સંતોષ વ્યક્ત કર્યો છે. પરંતુ તેઓ આ ચુકાદા સામે ઉપલી અદાલતમાં અપીલ કરશે કે નહીં તે સ્પષ્ટ નથી.
સૌમ્ય શેખરના પિતા રવિન્દ્ર કુમાર સાહૂએ કહ્યું કે તેઓ વકીલ સાથે ચર્ચા કરીને નિર્ણય લેશે. જોકે, તેમના પત્ની સંયુક્તાએ કહ્યું કે, "નીચલી કોર્ટના ચુકાદા સામે પૂંજીલાલ હાઈ કોર્ટમાં જશે તો અમે પણ જઈશું."
ઓડિશા ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન વડા અરુણ બોથરાની દેખરેખ હેઠળ તપાસ થઈ છે. અરુણ બોથરાએ આ નિર્ણય પર સંતોષ વ્યક્ત કર્યો છે.
તેમણે કહ્યું કે, "આ મામલામાં કોઈ નજરે જોનાર સાક્ષી કે નક્કર પુરાવા ન હતા. આખો મામલો સાંયોગિક અને ફોરેન્સિક પુરાવા પર આધારિત હતો. તેથી અમારા માટે આ મોટી સફળતા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












