You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરાયણ : લાઉડ સ્પીકર અને ધ્વનિ પ્રદૂષણને લગતા શું નિયમો છે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે
- 18 મહિનામાં પોલીસ કંટ્રોલરૂમને ધ્વનિ પ્રદૂષણ અંગેની 10,227 ફરિયાદો મળી હતી
- લાઉડ સ્પીકરોમાં સાઉન્ડ લિમિટર લગાવવા અંગે ગુજરાત પૉલ્યુશન બૉર્ડ દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું
- ધ્વનિ પ્રદૂષણ અંગે થયેલી ફરિયાદના નિવારણ અંગે પોલીસ શું કરી શકે?
ગુજરાતનાં મોટાં શહેરોમાં હવે ધ્વનિ પ્રદૂષણનો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે. ખાસ કરીને લગ્નગાળામાં તેનું પ્રમાણ વધી જતું હોય છે.
આગામી સમયમાં ઉત્તરાયણ આવી રહી છે તો એ દિવસે પણ લોકો ઘરના ધાબે અને અગાસી પર લાઉડ સ્પીકર પર ગીતો વગાડતાં હોય છે.
આ દરમિયાન ધ્વનિ પ્રદૂષણના કારણે નાગરિકોની ઊંઘ હરામ થઈ રહી હોવાની ગંભીર રજૂઆત ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચી છે.
અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં વધી રહેલા ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.
અરજીમાં આડેધડ, બેફામ અને અપ્રમાણસર ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી સાઉન્ડ સિસ્ટમો પર તાત્કાલિક નિયંત્રણ મૂકવાની માગ કરવામાં આવી છે.
આ મામલે સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર, ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બૉર્ડ (જીપીસીબી), અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તેમજ અમદાવાદ શહેર-જિલ્લાના પોલીસવડાઓને નોટિસ પાઠવી છે અને કેસની સુનાવણી મુલતવી રાખી છે.
શા માટે મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો?
ગુજરાત હાઈકોર્ટમાં જાહિત હિતની અરજી દાખલ કરનારા કૈવન દસ્તૂર જણાવે છે “સામાન્ય રીતે તમારે કંઈ જોવું ન હોય તો તમારી પાસે તેને અવગણવાની પસંદગી હોય છે પરંતુ ધ્વનિ પ્રદૂષણ એવી બાબત છે, જેમાં વ્યક્તિ ઇચ્છે તો પણ તેનાથી બચી શકતી નથી.”
તેમણે કરેલી અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે “માનવી માટે ઊંઘ મૂળભૂત બાયોલૉજિકલ જરૂરિયાત છે. ઘોંઘાટના કારણે તેમાં ખલેલ પહોંચવાથી લોકોની ઊંઘ પૂરી થતી નથી. જેની અસર તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ કહે છે, “હું કાંકરિયા વિસ્તારમાં રહું છું. કાંકરિયામાં પ્રાણીસંગ્રહાલય આવેલું હોવાથી તે વિસ્તાર સાઇલૅન્ટ ઝોન જાહેર કરાયો છે. તેમ છતાં અમારા વિસ્તારમાં લગ્ન સમારંભો તેમજ જાહેર કાર્યક્રમોમાં રસ્તા પર અને પાર્ટી પ્લોટોમાં જોરજોરથી મોડે સુધી ડીજે વગાડવામાં આવે છે.”
“આ સમસ્યા માત્ર મારા વિસ્તારમાં જ નથી. આ સમસ્યા દરેક શહેરના દરેક વિસ્તારની છે. ઘણી વખત તો પોલીસ સ્ટેશનની સામેથી જ પ્રદૂષણ ફેલાવતાં વાહનો અને ડીજે નીકળતાં હોય છે, છતાંય તેની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી.”
કૈવનભાઈનો દાવો છે કે તેમણે આ મામલે અનેક વખત પોલીસ કંટ્રોલરૂમમાં ફરિયાદ કરી હતી. તેમ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. આથી તેમણે અંતે ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે.
માત્ર અમદાવાદમાં જ 10 હજારથી વધુ ફરિયાદ પણ માત્ર એક વાહન જપ્ત
કૈવનભાઈએ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં આરટીઆઈ કરીને અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમને ધ્વનિ પ્રદૂષણ અંગે મળેલી ફરિયાદો અંગે માહિતી માગી હતી.
આ અંગે તેઓ કહે છે, “આરટીઆઈમાં જવાબ મળ્યો કે છેલ્લા 18 મહિનામાં પોલીસ કંટ્રોલરૂમને ધ્વનિ પ્રદૂષણ અંગેની 10,227 ફરિયાદો મળી હતી. જોકે, ફરિયાદ અંગે લેવાયેલાં પગલાં વિશે મને અલગઅલગ પોલીસ સ્ટેશનમાં અરજી કરીને માહિતી માગવાનું કહેવામાં આવ્યું હતું.”
આ જવાબ મળતા કૈવનભાઈ અમદાવાદ શહેર-જિલ્લાનાં અલગઅલગ પોલીસ સ્ટેશનોમાં 70 જેટલી આરટીઆઈ કરી હતી.
તેમના કહેવા પ્રમાણે, માત્ર શાહીબાગ પોલીસ સ્ટેશન દ્વારા એક વાહન જપ્ત કરવામાં આવ્યું હોવાની માહિતી આપવામાં આવી હતી. બાકીનાં તમામ પોલીસ સ્ટેશનોમાં આ અંગે કોઈ માહિતી ન હોવાનો જવાબ મળ્યો હતો.
શું કહે છે ધ્વનિ પ્રદૂષણ અંગેના નિયમો?
લાઉડ સ્પીકરોમાં સાઉન્ડ લિમિટર લગાવવા અંગે ગુજરાત પૉલ્યુશન બૉર્ડ દ્વારા નૉટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ ઔદ્યોગિક વિસ્તારમાં દિવસ દરમિયાન 75 ડેસિબલ અને રાત્રે 70 ડેસિબલ, વ્યાવસાયિક વિસ્તારોમાં દિવસે 65 અને રાત્રે 55 ડેબિસબલ, રહેણાક વિસ્તારોમાં દિવસે 55 અને રાત્રે 40 ડેસિબલ, સાયલન્ટ ઝોનમાં દિવસે 50 અને રાત્રે 40 ડેસિબલ અવાજનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે.
સાયલન્ટ ઝોન એટલે કે જેના 100 મીટરના વિસ્તારમાં હૉસ્પિટલ, ઍજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, કોર્ટ, ધાર્મિક સ્થળો જેવા વિસ્તારો હોય, તેને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
જોકે, તેનો અમલ ન કરાતો હોવાનો કૈવનભાઈ આક્ષેપ મૂકે છે.
લાઉડ સ્પીકરોને લગતા નોટિફિકેશન અને તેની અમલવારી અંગે જાણવા બીબીસીએ જીપીસીબીના ચૅરમૅન આરબી બારડનો સંપર્ક કર્યો.
તેમણે કહ્યું, “હા, આ અંગે નોટિફિકિશેન બહાર પાડવામાં આવ્યું છે, જેનો અમલ પોલીસ દ્વારા કરાવવામાં આવે છે. વિવિધ ઝોન મુજબ અવાજની લિમિટ નક્કી કરાઈ છે અને અવાજનું પ્રદૂષણ માપવા માટે પોલીસને મશીન પણ આપવામાં આવ્યાં છે.”
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર એમ. થેન્નારાસને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “ધ્વનિ પ્રદૂષણ અટકાવવા અને તેની સામે પગલાં ભરવાની તમામ જવાબદારી પોલીસ વિભાગની છે.”
અમદાવાદ પોલીસ કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસ જણાવે છે, “સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બૉર્ડે નિયત કરેલાં ધારાધોરણો છે, જે અનુસાર નિયમો બનાવાયા છે.”
તેઓ આગળ કહે છે, “બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ હોય તેવા વિસ્તારોમાં મશીનોના અવાજ, ફટાકડા, લાઉડ સ્પીકર જેવી વસ્તુઓ પર રાત્રિ દરમિયાન સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.”
“ઉપરાંત જો અગાઉથી પરવાનગી લીધી હોય તો નિયત માપદંડ કરતાં 10 ડેસિબલ અવાજ વધુ થાય તો વાંધો નથી. નવરાત્રિ, દિવાળી, મકરસંક્રાંતિ, ચૂંટણી વગેરે દરમિયાન જાહેરનામા બહાર પાડવામાં આવે છે. હાલમાં પણ મકરસંક્રાંતિ આવતી હોવાથી પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે.”
મંદિર-મસ્જિદોના લાઉડ સ્પીકરોની ફરિયાદ મળે ત્યારે શું?
ધ્વનિ પ્રદૂષણ અંગેની ફરિયાદનું નિરાકરણ કેવી રીતે કરાય છે. આ પ્રશ્નના જવાબમાં ડીસીપી કોમલ વ્યાસ જણાવે છે, “કંટ્રોલરૂમને ફરિયાદ મળે ત્યારે તે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવે છે અને તાત્કાલિક પીસીઆર સ્ટાફ સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરે છે.”
“જો અવાજ વધારે પડતો હોય તો મ્યુઝિકનાં સાધનો જપ્ત કરવા સુધીની જોગવાઈ છે. પોલીસ આ મામલે સમયાંતરે જુદાંજુદાં માધ્યમો પર જાહેરાત પણ કરતી હોય છે અને નિયત સમય બાદ જો ક્યાંય લાઉડ સ્પીકર ચાલુ હોય તો તેને બંધ કરાવવામાં આવે છે.”
તેઓ આગળ કહે છે, “પોલીસને ધાર્મિક કાર્યક્રમો જેવા કે નવરાત્રી હોય અથવા તો મંદિરમાં આરતી થતી હોય અથવા તો મસ્જિદમાં અઝાન થતી હોય તે અંગે આસપાસના લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે.”
“જ્યારે પોલીસ ત્યાં સ્થળ પર જાય ત્યારે આ અંગે ક્યારેક લોકો સાથે થોડીક બોલાચાલી પણ થાય છે. પોલીસ પોતાની રીતે તટસ્થ કામગીરી કરતી હોય છે પરંતુ ધાર્મિક કાર્યક્રમમાં લોકોને લાગે છે કે આ ધર્મનું કામ છે.”
ડીસીપી વ્યાસ મુજબ “નવરાત્રીમાં કેટલાક બાળકોને પરીક્ષા હોય છે ત્યારે જો સોસાયટીમાં સમય કરતાં વધુ સમય સુધી લાઉડ સ્પીકર વગાડવામાં આવે ત્યારે બાળકોના વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે. આવા સમયે નાગરિકોને અમારી અરજ છે કે નાગરિકોએ સમજીને તહેવારો ઊજવવા જોઈએ.”
“ક્યારેક સિનિયર સિટીઝનને રાત્રે લાઉડ સ્પીકરના કારણે ઊંઘ ન આવવાના કારણે પણ ફરિયાદ મળતી હોય છે. દરેક ફરિયાદમાં પોલીસ સ્થળ પર જઈને તપાસ કરે છે તેમજ કાયદેસરની કાર્યવાહી પણ કરે છે."