દિલ્હી : 'પિતાનું 8 વર્ષ પહેલાં નિધન, માતાને કિડની બીમારી', મૃતક અંજલિના પરિવારની કહાણી

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • અંજલિનું સ્કૂટર અને એક કાર વચ્ચે થયેલી ટક્કરમાં મોત થયું
  • અકસ્માત બાદ કાર તેમના મૃતદેહને કિલોમીટરો સુધી ઢસડી ગઈ
  • ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતાં હતાં અંજલિ સિંહ
  • પ્રસંગોમાં કામ કરીને પૈસા કમાતાં હતાં અને પરિવારને મદદ કરતાં

હિટ ઍન્ડ રનની એક ભયાનક ઘટનામાં 20 વર્ષનાં અંજલિ સિંહનું મોત થયાને પગલે સમગ્ર દેશમાં જોરદાર વિરોધ ફાટી નીકળ્યો છે. પરિવારજનો અંજલિને હસમુખી વ્યક્તિ તરીકે યાદ કરે છે.

અંજલિને ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવવાનું અને બાળકો સાથે રમવાનું ગમતું હતું. દિલ્હીમાં કડકડતી ઠંડીની એક રાતે અંજલિનો હિંસક અંત આવ્યો હતો.

હવે ડિએક્ટિવેટ કરી નાખવામાં આવેલા અંજલિના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરના એક વીડિયોમાં તેઓ ચમકતાં વસ્ત્રો પહેરીને નૃત્ય કરવાની સાથે હિન્દી ફિલ્મનું લોકપ્રિય ગીત લિપ-સિંક કરતાં જોવા મળે છે.

તેઓ દુનિયામાં કોઈની પરવા ન હોય એ રીતે નૃત્ય કરી રહ્યાં હતાં, પરંતુ તેમનું વાસ્તવિક જીવન તદ્દન અલગ હતું.

અંજલિના મૃત્યુનું ચોક્કસ કારણ શું?

અંજલિ તેમના પરિવારમાં નોકરી કરતાં એકમાત્ર હતાં. તેમના પરિવારનું ગુજરાન આર્થિક રીતે નબળા વર્ગના ભારતીયો માટે સરકાર દ્વારા મફત આપવામાં આવતા ખાદ્યાન્ન વડે ચાલતું હતું. અંજલિ પાડોશની મહિલાઓને મેક-અપ કરીને તથા લગ્ન અને અન્ય પ્રસંગે નાનાં-મોટાં કામ કરીને થોડા પૈસા કમાતાં હતાં.

તેમનાં માતા રેખા જણાવે છે કે જિંદગી આકરી હતી, પરંતુ અંજલિએ અત્યાર સુધી સારા દિવસોની આશા ત્યજી ન હતી.

રાજધાની નવી દિલ્હીમાં નવા વર્ષના દિવસે વહેલી સવારે અંજલિના સ્કૂટર અને એક કાર વચ્ચે થયેલી ટક્કરમાં તેમનું મોત થયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, કારમાં બેઠેલા પાંચ લોકો સ્કૂટર સાથે ટક્કર થતાં ગભરાઈ ગયાં હતાં અને તેમણે માઈલો સુધી કાર દોડાવી હતી તથા તેની સાથે અંજલિનો દેહ પણ ઘસડાયો હતો. એ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ, અંજલિના મૃત્યુનું અસ્થાયી કારણ “મસ્તક, કરોડરજ્જુ, ડાબી સાથળ અને નીચેનાં અંગોમાં થયેલી ઈજા તથા મગજમાં રક્તસ્રાવને કારણે” થયું છે.

અંજલિના પરિવારે આક્ષેપ કર્યો છે કે અંજલિ પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો, કારણ કે તેનો મૃતદેહ મળી આવ્યો ત્યારે વસ્ત્રવિહીન હતો.

જોકે, પોલીસે એવું જણાવ્યું છે કે અંજલિ પર આવું કશું થયું હોવાનું પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું નથી.

જવાબદાર દીકરી

અંજલિ દલિત પરિવારની દીકરી હતાં. તેઓ ઉત્તર-પશ્ચિમ દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં એક રૂમ, રસોડાવાળા નાનકડા મકાનમાં પરિવાર સાથે રહેતાં હતાં.

પરિવારનાં છ સંતાનમાં તેમનો ક્રમે બીજો હતો અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે તેમણે અભ્યાસ અધવચ્ચે છોડી દેવો પડ્યો હતો.

અંજલિના પિતાનું આઠ વર્ષ પહેલાં અવસાન થયું હતું. અંજલિનાં માતા રેખા એક સ્કૂલમાં મદદનીશ તરીકે ઓછા પગારની નોકરી કરતાં હતાં, પરંતુ કોવિડ લૉકડાઉનને કારણે તેમની નોકરી છૂટી ગઈ હતી.

એ જ સમયે તેમને કિડનીની બીમારી વળગી હતી. તેને લીધે રેખા માટે કામ કરવાનું મુશ્કેલ બની ગયું હતું.

રેખા કહે છે, “એ પછી અંજલિએ પરિવારની જવાબદારી સંભાળી લીધી હતી.”

અંજલિ સ્થાનિક બ્યૂટી-પાર્લરમાં મેક-અપનું કામકાજ શીખ્યાં હતાં અને ટૂંક સમયમાં જ લગ્ન કે અન્ય પ્રસંગો માટે તૈયાર થવા ઇચ્છતી પાડોશી મહિલાઓને મદદ કરવા લાગ્યાં હતાં.

તેઓ લગ્નોમાં પાર્ટટાઈમ કામ કરીને પણ થોડા પૈસા કમાતાં હતાં. તેઓ મહેમાનોનું સ્વાગત કરતી મહિલાઓના જૂથના સભ્ય તરીકે કામ કરતાં હતાં.

તેમની બન્ને બહેનનાં લગ્ન થઈ ગયાં છે, પરંતુ અંજલિ કહેતાં કે સ્થાનિક સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા નાના ભાઈઓનું ભણતર પૂર્ણ થશે પછી જ લગ્ન કરીશ.

રેખા કહે છે, “અમારી કાળજી રાખી શકાય એટલે અંજલિ કહેતી કે તેનો જીવનસાથી અમારી સાથે રહેવા સહમત થશે તો જ એ લગ્ન કરશે.”

જીવન આકરું હતું, પણ અંજલિ હંમેશાં ખુશખુશાલ અને આશાવાદી રહ્યાં હતાં.

રેખા કહે છે, “એ હંમેશાં ખુશ રહેતી હતી. તેને રીલ્સ તથા વીડિયો બનાવવાનું અને તૈયાર થવાનું બહુ ગમતું હતું.”

રેખાના જણાવ્યા મુજબ, અંજલિ પાડોશમાં ખ્યાત હતી. તેણે સ્થાનિક રાજકારણીને કરેલી ફરિયાદને પગલે અમારા વિસ્તારની શેરીઓમાં પડેલા ખાડા પૂરી દેવામાં આવ્યા હતા. મૃત્યુ થયું એ પહેલાં સુધી અંજલિ તેમના વિસ્તારમાં યોગ્ય ગટર-વ્યવસ્થાના નિર્માણના પ્રયાસ કરતાં હતાં.

રેખા કહે છે, “અમારા પાડોશીએ તો અંજલિને મહાનગરપાલિકાની ચૂંટણી લડવા કહ્યું હતું અને અંજલિએ ભવિષ્યમાં ચૂંટણી લડવાનું વચન તેમને આપ્યું હતું.”

અંજલિએ પાંચ વર્ષ પહેલાં લોન લીધી હતી અને તેમાંથી સ્કૂટર ખરીદ્યું હતું. એ લોનની ચુકવણી પૂર્ણ થવાની હતી ત્યારે એ જ સ્કૂટર હંકારતાં તેનું મૃત્યુ થયું હતું.