ડૉક્ટરે લખેલા દવાનાં પ્રિસ્ક્રિપ્શનના અક્ષરો લોકો કેમ વાંચી શકતા નથી, તેને મેડિકલ સ્ટોરના ફાર્મસિસ્ટ કેમ વાંચી શકે છે?

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક રીલ જોવા મળી હતી. જેમાં એક છોકરો મેડિકલની દુકાને જઈને એક કાગળ પર આડી-અવળી બે ત્રણ લાઇન દોરીને એ ચકાસે છે કે પેન કામ કરી રહી છે કે કેમ. એ સમયે દુકાનમાં રહેલો એક છોકરો કાગળને જોઈને કેટલીક દવા લેવાનો ઉપાય બતાવે છે.

આ રીલ હાસ્યના ઉદ્દેશ સાથે બનાવવામાં આવી છે પરંતુ હકીકતમાં ઘણીવાર ડૉકટર કોઈ દર્દી માટે દવા લખે છે તો અક્ષરો સામાન્ય લોકોને સમજમાં આવતા નથી. પણ દવાની દુકાનમાં કામ કરતો માણસ તેને સરળતાથી સમજી શકે છે. દાયકાઓથી આ વાતની મજાક પણ ઉડાવવામાં આવે છે.

બ્રાઝિલમાં, ઘણાં રાજ્યોમાં કાયદો બનાવવામાં આવ્યો છે જે અંતર્ગત ડૉકટરોને સ્પષ્ટ, સારી રીતે વાંચી શકાય એવી રીતે દવાનાં નામો લખવાની સૂચના આપવામાં આવી છે.

નવી ટૅક્નૉલૉજીનો વધતો પ્રભાવ

તમારા હસ્તાક્ષરનો આકાર શું કહે છે? અને શા માટે કેટલાક લોકો સુંદર હસ્તાક્ષર ધરાવે છે, જ્યારે અન્ય લોકો વાંચી શકે તે રીતે લખી પણ શકતા નથી.

ભારતના રાષ્ટ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાના સામાજિક વિજ્ઞાન વિભાગનાં પ્રોફેસર અને માનવશાસ્ત્રી મોનિકા સૈની કહે છે કે હાથથી લખવા માટે આંખો અને આપણી હિલચાલને નિયંત્રિત કરવાની ક્ષમતા વચ્ચે સંકલન જરૂરી છે.

"હું કહીશ કે લેખન એ માનવજાતે વિકસાવેલી સૌથી જટિલ કુશળતામાંની એક છે," બીબીસી વર્લ્ડ સર્વિસ પર ક્રાઉડસાયન્સ રેડિયો કાર્યક્રમમાં ભાગ લેનારાં સૈનીએ કહ્યું.

દરેક વ્યક્તિના હસ્તાક્ષર કેમ અલગ અને અનોખા છે તેની પાછળનાં વિવિધ પરિબળોને સમજવું એ સૈનીના અભ્યાસનો મુખ્ય વિષય છે.

તેઓ કહે છે, "લેખન સાધનો અને આપણા હાથ પર આધાર રાખે છે. જ્યારે આપણે હાથ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે ખૂબ જ નાજુક વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ."

હાથમાં 27 હાડકાં હોય છે અને તે 40થી વધુ સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થાય છે.

આમાંના મોટાભાગના સ્નાયુઓ હાથમાં સ્થિત હોય છે અને જટિલ સ્નાયુ નેટવર્ક દ્વારા આંગળીઓ સાથે જોડાયેલા હોય છે," સૈની સમજાવે છે.

આનો અર્થ એ થયો કે આપણા હસ્તાક્ષર આંશિક રીતે આપણી શરીરની રચના અને આપણાં માતાપિતા પાસેથી વારસામાં મળેલાં આનુવંશિક લક્ષણોથી પ્રભાવિત થાય છે.

બીજા શબ્દોમાં કહીએ તો, તમારી ઊંચાઈ, તમે કેવી રીતે બેસો છો, નોટબુક કે કાગળનો કોણ, તમારા હાથની તાકાત, તમે તમારા જમણા હાથથી લખો છો કે ડાબા હાથથી, આ બધાં પરિબળો તમારા અક્ષરોને પ્રભાવિત કરે છે.

પરંતુ અહીં એક સાંસ્કૃતિક પ્રભાવ પણ છે, જેને અવગણી શકાય નહીં. છેવટે, આપણે ઘરે આપણા વડીલોની મદદથી બાળપણમાં પેન્સિલ અને પેન કેવી રીતે પકડવી તે શીખીએ છીએ.

પછી શાળા શરૂ થાય છે અને તે શિક્ષકો અને સહપાઠીઓની આપણા પર અસર પડે છે.

જેમ જેમ વર્ષો વીતતાં જાય છે, તેમ તેમ આપણી લેખન શૈલી બદલાતી રહે છે. આપણામાંથી ઘણા લોકો આપણા રોજિંદા જીવનમાં પણ ઓછું લખે છે.

પાછળથી, આદતના અભાવને કારણે, આપણે અક્ષરો, શબ્દો, વાક્યો અને ફકરા લખતી વખતે ઓછી કાળજી લેવાનું શરૂ કરીએ છીએ.

આપણે નવી ટૅક્નૉલૉજીની ભૂમિકાને અવગણી શકીએ નહીં.

હવે આપણે વધુ ટાઇપ કરીએ છીએ અથવા એમ કહી શકાય કે હાથથી લખવાને બદલે ટાઇપ કરવું સરળ બન્યું છે.

એક સંશોધન પ્રોજેક્ટમાં, સૈની વ્યક્તિના હસ્તાક્ષર પાછળના સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળોને વધુ સારી રીતે સમજવા માંગતાં હતાં.

આમ કરવા માટે, તેમણે આબોહવા પરિવર્તન પર એક સરળ લખાણ બનાવ્યું અને સ્વયંસેવકોના જૂથને તે પોતાના હસ્તાક્ષરમાં લખવા કહ્યું.

હસ્તપ્રત પ્રાપ્ત થયા પછી, માનવશાસ્ત્રીઓએ અક્ષરોનો આકાર, દરેક પ્રતીકનું કદ, શબ્દો વચ્ચેનું અંતર અને વ્યક્તિ કેટલી હદ સુધી સીધી રેખાને અનુસરે છે તેની તપાસ કરી.

સંશોધકો કહે છે, "જ્યારે માતાપિતા તેમનાં બાળકોને લેખન કૌશલ્ય શીખવે છે, ત્યારે તેમના હસ્તાક્ષર સમાન હોવાની શક્યતા વધુ હોય છે."

"પરંતુ વ્યક્તિના હસ્તાક્ષર શાળાના સમયગાળા અથવા ચોક્કસ શિક્ષકની શૈલીથી પણ પ્રભાવિત થાય છે."

લખતી વખતે મગજની ભૂમિકા મહત્ત્વની છે

ફ્રાન્સનાં ઍઇક્સ-માર્સેલી યુનિવર્સિટીનાં ન્યુરોસાયન્ટિસ્ટ મૅરીકે લોંગકૅમ્પ આપણે કેવી રીતે લખીએ છીએ તેનો અભ્યાસ કરે છે.

તેઓ કોઈ પ્રવૃત્તિ કરતી વખતે લોકોનું મગજ વાસ્તવિક સમયમાં કેવી રીતે કાર્ય કરે છે તે જોવા માટે રેઝોનન્સ મૅગ્નેટિક કેમિસ્ટ્રીનાં સાધનોનો ઉપયોગ કરે છે.

આવા જ એક અભ્યાસમાં, સ્વયંસેવકોને એક ટૅબ્લેટ આપવામાં આવ્યું હતું જે હાથથી લખવાની ગતિવિધિઓ રેકૉર્ડ કરી શકે છે.

લોંગકૅમ્પના અહેવાલ મુજબ, લેખનમાં મગજના વિવિધ ભાગો સક્રિય થાય છે, જે એકસાથે લેખન પર અસર કરે છે.

ક્રાઉડસાયન્સ કાર્યક્રમમાં એમણે કહ્યુ, પ્રી-મોટર કૉર્ટેક્સ, પ્રાયમરી મોટર કૉર્ટક્સ અને પૈરિએટસ કૉર્ટક્સ જેવા મગજના ભાગો હાથની ગતિવિધિઓને કંટ્રોલ કરે છે.

મસ્તિષ્કના આધાર સ્થિત સંરચના જેમકે ફ્રંટલ ગાઇરસ, જે ભાષામાં સામેલ છે. અને્ ફ્યૂસીફૉર્મ ગાઇરસ જે લેખિત ભાષાને સંસાધિત કરે છે. એની પણ એક ભૂમિકા છે.

તેઓ આગળ કહે છે, આ એક મહત્ત્વપૂર્ણ સંરચના સેરિબૈલમ છે. જે ગતિવિધિઓનો સમન્વય કરે છે અને આપણી મુદ્રામાં સુધારો કરે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લખાણ મુખ્યત્વે બે ઇન્દ્રિયો, દૃષ્ટિ અને પ્રૉપ્રિયોસેપ્શન (શરીરની ગતિવિધિઓ પ્રત્યે જાગૃતિ) પર નિર્ભર કરે છે.

તેઓ જણાવે છે, પ્રૉપ્રિયોસેપ્શન એ સૂચના છે જે આપણે માંસપેશીઓ, ત્વચા અને આખા શરીરમાંથી પ્રાપ્ત કરીએ છીએ. જ્યારે આપણે લખીએ છીએે ત્યારે આ સૂચના આપણા મસ્તિષ્કમાં એનકોડ થઈ જાય છે.

લેખન આપણા શિક્ષણને કેવી રીતે અસર કરે છે?

આ સંદર્ભમાં, એ નોંધવું રસપ્રદ છે કે ટૅક્નૉલૉજીકલ વિકાસ માહિતીને આપણે કેવી રીતે સમજીએ છીએ તેના પર કેવી અસર કરે છે.

ઘણાં વર્ષો સુધી, નોંધ રાખવા, અભ્યાસ કરવા, યાદ રાખવા અને નવી વસ્તુઓ શીખવા માટે હાથથી લખવું એ એકમાત્ર રસ્તો હતો.

પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં કમ્પ્યુટર, ટૅબ્લેટ અને સ્માર્ટફોનના કારણે આ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

આજકાલ, ઘણા યુવાનો પેન્સિલ, પેન અને કાગળને બદલે કી-બોર્ડ અને સ્ક્રીન પર લખવાનું શીખે છે.

શું આ ફેરફારની શિક્ષણ પર કોઈ અસર પડે છે?

યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇન્ડિયાના યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સનાં પ્રોફેસર કૅરીન હર્મન જેમ્સ આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યાં છે.

તેઓ અભ્યાસ કરે છે કે આપણા હાથ અને આપણે વસ્તુઓને કેવી રીતે પકડીએ છીએ અને તેનો જે ઉપયોગ કરીએ છીએ તે મગજના વિકાસ અને શીખવાની રીતને કેવી રીતે અસર કરે છે.

નિષ્ણાતોના મતે, ફક્ત અક્ષર કે શબ્દ જોવા અને તેને લખવા માટે શરીરની ગતિવિધિઓનો ઉપયોગ કરવા વચ્ચે મગજનાં કાર્યોમાં તફાવત છે.

તેઓ ક્રાઉડસાયન્સને કહે છે, "હું સમજવા માંગતી હતી કે આપણા હાથ વસ્તુઓ સાથે કેવી રીતે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે, અને આ મગજનાં હલનચલન સંબંધિત ક્ષેત્રોને કેવી રીતે સક્રિય કરે છે."

એક પ્રયોગમાં, જેમ્સે ચાર વર્ષનાં બાળકોને સામેલ કર્યાં જેઓ હજુ સુધી લખી શકતા ન હતાં.

પ્રયોગશાળામાં, આ નાનાં બાળકોને ત્રણમાંથી એક વસ્તુ શીખવવામાં આવી હતી: અક્ષરનો આકાર પૂર્ણ કરવો, એટલે કે અક્ષર કેવી રીતે બનાવવો, કી-બોર્ડ પર અક્ષર ટાઇપ કરવો, અથવા અક્ષર લખવો.

જ્યારે બધાં બાળકોએ પ્રવૃત્તિનો પહેલો ભાગ પૂર્ણ કર્યો, ત્યારે તેમનાં મગજનો MRI (મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) પરીક્ષણ કરવામાં આવ્યું.

કૅરીન જેમ્સે કહ્યું, "અમે બાળકોને જુદા જુદા અક્ષરો બતાવ્યા. જ્યારે તેમના મગજનું સ્કેનિંગ થઈ રહ્યું હતું, ત્યારે તેઓ ફક્ત તે જ અક્ષરો જોવા માંગતાં હતાં જે તેમને લૅબમાં શીખવવામાં આવ્યા હતા."

"અમને જાણવા મળ્યું કે જે બાળકોએ હસ્તલેખન દ્વારા અક્ષરો શીખ્યાં તેમનાં મગજનાં આ કૌશલ્યો સાથે સંકળાયેલા વિસ્તારોમાં સક્રિયતા જોવા મળી."

તેમણે તેમની સરખામણી કરતાં કહ્યું, "પરંતુ આ સક્રિયતા એ પ્રકારનાં બાળકોમાં જોવા મળી ન હતી જેઓ ફક્ત સ્ટ્રોક (લાઇનો) પૂર્ણ કરી રહ્યાં હતાં અથવા અક્ષરો લખી રહ્યાં હતાં."

પરંતુ સુલેખન અને શિક્ષણ વચ્ચેનો સંબંધ ત્યાં જ અટકતો નથી.

બીજા એક અભ્યાસમાં, જેમ્સે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો અભ્યાસ કર્યો.

તેમનું કાર્ય એવા વિષય પરના વર્ગમાં હાજરી આપવાનું હતું જેના વિશે તેઓ કંઈ જાણતા ન હતા. પછી, તેમણે પ્રોફેસર શું શીખવતા હતા અને તેઓ તેને કેવી રીતે રેકૉર્ડ કરે છે તે અંગે એક પ્રશ્નાવલી ભરવાની હતી.

બીજા દિવસે, બધા સ્વયંસેવકોની કસોટી લેવામાં આવી, જે અગાઉ શીખવવામાં આવેલા વિષય પર આધારિત હતી.

"અમે એવા વિદ્યાર્થીઓનાં પરિણામોની તુલના કરી જેમણે હાથથી નોંધ લીધી, કોમ્પ્યુટર પર ટાઇપ કરી અને ટૅબ્લેટ પર લખી," સંશોધકોએ જણાવ્યું.

ન્યુરોસાયન્ટિસ્ટોએ સમજાવ્યું કે અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રોફેસરો વિદ્યાર્થીઓ સાથે સ્લાઇડ્સ શૅર કરે તે સામાન્ય છે.

કેટલાક વિદ્યાર્થીઓને તેમના ટૅબ્લેટ પર ફાઇલ ખોલવાની અને ડિજિટલ પેનની મદદથી સ્લાઇડ્સ પર હાથથી નોંધ લેવાની આદત પડી ગઈ.

"અમારા અભ્યાસમાં, જેમણે ટૅબ્લેટ પર લખ્યું અને જેમણે સ્ક્રીન પર હાથથી લખ્યું તેઓએ પરીક્ષણોમાં વધુ સારું પ્રદર્શન કર્યું," તેમણે કહ્યું.

"વિદ્યાર્થીઓ પાસે મૂળ સ્લાઇડ ટેક્સ્ટ જ નહોતું, પરંતુ તેઓ પોતાના હાથે તેના પર સીધી નોંધ પણ લખી શકતા હતા, તેથી આ બન્યું હશે."

"પરંતુ કાગળ અને પેનથી લખવું પણ ફાયદાકારક હતું. જેમણે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો તેઓએ કોમ્પ્યુટર પર ટાઇપ કરનારાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું," નિષ્ણાત કહે છે.

સરળ શબ્દોમાં કહીએ તો, વર્તમાન સંશોધન મુજબ, જો તમે ખરેખર કંઈક શીખવા માંગતા હો, તો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને હાથથી લખો, પછી ભલે તે કાગળ પર હોય કે ટૅબ્લેટ પર.

શું તમારા અક્ષરો સુધારવા શક્ય છે?

પરંતુ, આ બધી ચર્ચા હવે આપણને આ લેખની શરૂઆતમાં પૂછેલા પ્રશ્ન પર લાવે છે: શું આવા અસ્પષ્ટ લેખકોના ખાસ કરીને ડૉક્ટરોના, હસ્તાક્ષર સુધારીને તેમને વધુ સારા, વધુ સમજી શકાય તેવા બનાવી શકાય?

ક્રાઉડસાયન્સ ઇવેન્ટમાં, લંડન, યુનાઇટેડ કિંગડમનાં સુલેખન પ્રશિક્ષક ચેરીલ એવરીએ કેટલીક મદદરૂપ ટિપ્સ શૅર કરી.

તેમની પહેલી સલાહ છે કે 'ધીમે-ધીમે લખો'.

તેઓ કહે છે કે ઘણીવાર આપણે ઉતાવળમાં લખીએ છીએ અને અક્ષરો અને શબ્દોની સાચી રચના પર ધ્યાન આપી શકતા નથી.

એવરી એમ પણ કહે છે કે દરેક વ્યક્તિની લેખન શૈલીને સમજવી મહત્ત્વપૂર્ણ છે, જે યોગ્ય લેખન સામગ્રી, પેન/પેન્સિલ કેવી રીતે પકડવી, શરીરની યોગ્ય સ્થિતિ અને કાગળનો પ્રકાર જેવી બાબતો નક્કી કરવામાં મદદ કરી શકે છે.

તેમના મતે, નિયમિત અભ્યાસથી હસ્તલેખન ચોક્કસપણે સુધારી શકાય છે.

"નોંધપાત્ર પરિવર્તન લાવવા માટે એક જ તાલીમ સત્ર પૂરતું નથી," તેઓ કહે છે.

થોડી લગનથી માંસપેશી સ્મૃતિનું નિર્માણ કરી શકાય છે જેનાથી નવી લેખન શૈલીનો વિકાસ થાય છે.

"શરૂઆતમાં, તે એક સભાન પ્રયાસ છે. પરંતુ ધીમે-ધીમે, તે એક આદત બની જાય છે અને હવે તમે આ નવી લેખન શૈલી વિશે વિચારતા પણ નથી," તેણી ખાતરી આપે છે.

આખરે, એવરી કહે છે કે, "હસ્તલેખન આપણા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે આપણા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. એવું લાગે છે કે આપણે આપણા વ્યક્તિત્વનો એક ભાગ તે પાના પર છોડીએ છીએ."

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન