મસા શા માટે થાય છે અને તેનો ઇલાજ શો છે?

મસા એક સામાન્ય સમસ્યા છે, જે ઘણા લોકોમાં જોવા મળે છે. તે મોટા ભાગે હાથ, પગ અને ચહેરા પર થાય છે અને કેટલાક લોકો તેમાંથી છુટકારો મેળવવાના ખૂબ જ પ્રયત્ન કરતા હોય છે.

મોટા ભાગના લોકો નથી જાણતા કે મસા પણ વાઇરસના કારણે થાય છે.

મસાને અંગ્રેજીમાં વૉર્ટ્સ કહેવામાં આવે છે. તે વિશ્વની લગભગ દસ ટકા વસ્તીને પ્રભાવિત કરે છે. શરીરના કોઈ પણ ભાગ પર મસા દેખાઈ શકે છે.

મસા તમારી ત્વચાના સપાટીના સ્તરો પર જોવા મળે છે. તેને બાહ્ય ત્વચા કહેવામાં આવે છે.

આ વાઇરસ ત્વચાના કોષોના વિકાસને ઉત્તેજિત કરે છે, જેના કારણે મસા બને છે. મોટા ભાગના મસાની સપાટી ઊંચી, ખરબચડી હોય છે. જોકે, ચહેરા પરના કેટલાક મસા નરમ અને સપાટ હોઈ શકે છે.

મસા થવાનું કારણ શું?

મસા હ્યુમન પેપિલોમાવાઇરસને કારણે થાય છે, જેને એચપીવી તરીકે પણ ઓળખવામાં આવે છે.

હ્યુમન પેપિલોમાવાઇરસના સોથી વધુ પ્રકારો અથવા સ્ટ્રેન્સ છે. પરંતુ માત્ર થોડાક જ મસાનું કારણ બને છે. આ વાઇરસ શાળાનાં બાળકોમાં સૌથી સામાન્ય છે.

નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોને પણ તે અસર કરે છે. મસા સામાન્ય રીતે હાનિકારક નથી હોતા. જોકે, સમયસમયાંતરે તે સમસ્યાઓનું કારણ બની શકે છે.

જ્યારે તમે જાહેર સ્થળોએ, જેમ કે, ઑફિસ, સ્વિમિંગ પૂલ, જીમ કે પાર્લરમાં હોવ, ત્યારે તમે મસા ધરાવતી વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરો, ત્યારે તે અન્ય લોકો સાથેના સીધા અથવા પરોક્ષ સંપર્ક દ્વારા ફેલાય છે.

જાતીય સંબંધથી પણ મસા થઈ શકે છે. શરીર પરના એચપીવીવાળા ભાગને ખંજવાળવાથી પણ તે ફેલાઈ શકે છો. તેનાથી ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.

કેટલાક મસા એક કે બે વર્ષ પછી કોઈ પણ સારવાર વિના દૂર થઈ જાય છે. કેટલાંક વર્ષો સુધી રહે છે અને તેની સારવારની જરૂર પડી શકે છે.

દિલ્હીની બીએલકે મૅક્સ હૉસ્પિટલનાં ત્વચારોગ નિષ્ણાત ઇન્દુ બાલાની કહે છે, "મસાને સારવાર દ્વારા દૂર કરવા જરૂરી છે. આ માટે અમે લેસર અથવા આરએફ મશીનનો ઉપયોગ કરીએ છીએ.

અમે તેને બાળીએ છીએ, એમ કહીએ તો ચાલે. ક્યારેક અમે કેટલાક સ્ટ્રૉંગ ઍસિડનો પણ ઉપયોગ કરીએ છીએ. અથવા તો અમે ઘરે ચોપડવા માટેની અમુક પ્રકારની ક્રીમ આપીએ છીએ. કેટલાંક લોશન તેને ખેરવી દે છે. એટલા માટે કે તે વાઇરલ છે, તેથી તે ફરીથી થવાની શક્યતા રહે છે. આ કારણે જ અમે તેમની રોગપ્રતિકારક શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ."

મસા થતા અટકાવવાનો કોઈ ચોક્કસ રસ્તો નથી. જોકે, તમે કેટલીક સાવચેતીઓ વર્તી શકો છો.

જાહેર સ્થળોએ બહાર નીકળતી વખતે સારી સ્વચ્છતાનું પાલન કરવું.

બીજા લોકોની અંગત વસ્તુઓ, જેવી કે, ટૉવેલ્સ, રેઝર, વગેરેનો ઉપયોગ કરશો નહીં. તમારા મસાને વારંવાર સ્પર્શો નહીં. બીજા લોકોના મસાને પણ અડવું નહીં. તમારી ત્વચાને મૉઇશ્ચરાઇઝ રાખો. ખાતરી કરો કે ત્વચા પર કાપો કે છોલાયેલી તો નથી ને.

આવું એટલા માટે કરવું જોઈએ, કેમ કે, ફાટેલી, ચિરાયેલી અને સૂકી ત્વચા દ્વારા વાઇરસ સરળતાથી પ્રવેશી શકે છે.

બીજી વાત એ છે કે એચપીવી રસી માટે ડૉક્ટરની સલાહ લો. મસાને તમારા શરીરના એક ભાગથી બીજા ભાગમાં ફેલાતા અટકાવવા માટે તેના પર પાટો બાંધી રાખો.

મસા ભયજનક સ્થિતિમાં છે એવું ક્યારે કહી શકાય? તો, જ્યારે અચાનક એકસાથે ઘણા બધા મસા દેખાય, જ્યારે કેટલાક મસા પીડાદાયક હોય, લોહી નીકળતું હોય અથવા તો સતત ખંજવાળ આવ્યા કરતી હોય, ત્યારે તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

મોટા ભાગના મસા કૅન્સરનું કારણ નથી, પરંતુ અમુક કિસ્સામાં સાવચેતી રાખવી જરૂરી છે.

(આ લેખ કેવળ જાગરૂકતા માટે છે. જો તમને આરોગ્યસંબંધી કોઈ સમસ્યા હોય, તો ડૉક્ટરનો સંપર્ક કરો.)

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન