You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખૂબ તળેલું અને પ્રોસેસ કરેલું ભોજન ખાવાથી શું વહેલા મૃત્યુ થઈ શકે, સંશોધનમાં શું સામે આવ્યું?
- લેેખક, એન્જેલા હેનશેલ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
આઠ દેશોમાં હાથ ધરવામાં આવેલા સંશોધનની સમીક્ષાના તારણ જણાવે છે કે કેક, કૂકીઝ, તૈયાર ભોજન અથવા તેના જેવો ખોરાક મોટા પ્રમાણમાં ખાવાથી તમારા વહેલા મૃત્યુનું જોખમ વધી શકે છે.
બ્રાઝિલમાં ઓસ્વાલ્ડો ક્રૂઝ ફાઉન્ડેશન (FIOCRUZ) ખાતે ડૉ. ઍડ્યુઆર્ડો નિલ્સનની ટીમે કોલંબિયા, ચિલી, મેક્સિકો, બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા, કૅનેડા, યુનાઇટેડ કિંગ્ડમ અને અમેરિકાના અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (યુપીએફ) સંબંધી ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.
અમેરિકન જર્નલ ઑફ પ્રિવેન્ટિવ મેડિસિનમાં સોમવારે પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસમાં નિષ્ણાતોએ યુપીએફના વપરાશમાં ઘટાડો કરવાના હેતુસર આહાર સંબંધી ભલામણો જાહેર કરવાની હાકલ કરી હતી.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના 2022ના ડેટા અનુસાર, બ્રાઝિલમાં પુખ્ત વયના કુલ લોકો પૈકીના 50 ટકા ઓવરવેઇટ છે અને પ્રત્યેક ચારમાંથી એક વ્યક્તિ ક્લિનિકલી મેદસ્વી છે. ગંભીર બની રહેલી આરોગ્ય સંબંધી સમસ્યાઓના સામના માટે FIOCRUZ બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયના કાર્યનું નેતૃત્વ કરી રહ્યું છે.
આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોલંબિયા જેવા ઓછા વપરાશવાળા દેશોમાં પણ યુપીએફને કારણે થતા વહેલા મૃત્યુનું પ્રમાણ ચાર ટકાથી માંડીને યુનાઇટેડ કિંગડમ તથા અમેરિકામાં 14 ટકા અકાળ મૃત્યુ સુધીનું જોવા મળ્યું છે. આ તારણ તેમના ગાણિતિક મોડેલિંગ મુજબનું છે.
યુનાઇટેડ કિંગડમમાં પુખ્ત વયના લોકોના ઊર્જા વપરાશમાં યુપીએફનો હિસ્સો 53 ટકા હોવાને આધારે ગણતરી કરી હતી, જે અભ્યાસમાં અમેરિકા પછીના બીજા ક્રમે સૌથી વધુ છે.
સંશોધકોએ સૂચવ્યું છે કે તેમના મોડેલ મુજબ યુનાઇટેડ કિંગડમમાં લગભગ 17,781 અકાળ મૃત્યુને યુપીએફ સાથે સંબંધ હોઈ શકે છે.
લંડનમાં કિંગ્સ યુનિવર્સિટીનાં પોષણ વિજ્ઞાન વિભાગનાં રિસર્ચ ફેલો ડૉ. મેગન રોસી કહે છે, "આંકડો વધી રહ્યો છે. યુપીએફને કારણે વધતું મોતનું જોખમ મારા માટે વધુ પડતું આશ્ચર્યજનક હોય એવું મને લાગતું નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે બીબીસીને કહ્યું, "આપણે ઘણા લાંબા સમયથી જાણીએ છીએ કે જેમાં ફાયટોકેમિકલ્સ અને ફાઇબર હોય છે તેવો ચોક્કસ આહાર આપણા કોષોને ઑક્સિડાઇઝેશન અને ઇન્ફ્લેમેશનથી રક્ષણ આપે છે. તે આવશ્યક ફૂડ છે તથા રોગ સામે બહુ રક્ષણ આપે છે અને આપણે એવો આહાર ન લઈએ તો તે રક્ષણ ગુમાવીએ છીએ."
તેઓ સમજાવે છે કે નકારાત્મક અસર બેવડી હોય છે. તમે યુપીએફથી જ પેટ ભરતા હો તો તમને ફળો તથા શાકભાજી જેવા બધો ઍન્ટીઑક્સિડન્ટ આહાર મળતો નથી.
બીજું, યુપીએફ "પ્રી-ડાયજેસ્ટેડ" હોવાથી પ્રોસેસિંગને લીધે એટલા સ્વાદિષ્ટ બની જાય છે કે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેતું નથી. તેનો અર્થ એ થાય કે તમે એવો આહાર વધારેને વધારે પ્રમાણમાં કરો છો.
યુપીએફ તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ હોવાના વધુને વધુ પુરાવા મળી રહ્યા છે એ વાત સાથે વિજ્ઞાનીઓ સંમત છે, પણ પડકાર તો નિશ્ચિત જ છે.
બહુવિધ અભ્યાસોમાં યુપીએફ અને ખરાબ સ્વાસ્થ્ય વચ્ચે એક પેટર્ન જોવા મળી છે, પરંતુ તે એકમેકનું કારણ છે એવું સાબિત થયું નથી, કારણ કે હજુ સુધી કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી.
અલબત, એ વાત સાચી છે કે સંશોધકોએ યુપીએફ અને બહુવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ વચ્ચેનો સુસંગત સહસંબંધ શોધી કાઢ્યો છે.
યુપીએફનો આહાર કરતા લગભગ એક કરોડ લોકોને આવરી લેતા એક અભ્યાસનાં તારણો ગયા વર્ષે બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. એ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આવા લોકોમાં હૃદય રોગ, સ્થૂળતા, ટાઇપ-ટુ ડાયાબિટીસ, ઍન્ક્ઝાઇટી અને ડિપ્રેશનથી મૃત્યુનું જોખમ વધારે હતું.
જોકે, આ અભ્યાસનાં તારણો છતાં એ નક્કી કરવું મુશ્કેલ છે કે આહાર પર થતું પ્રોસેસિંગ બીમારીઓનું કારણ હોય છે કે પછી મોટાભાગના પ્રોસેસ્ડ ફૂડમાંની ચરબી, સુગર અને મીઠા વધુ પ્રમાણ હોય છે. એ વજન વધવાનું અને કેટલાક કૅન્સરનું જાણીતું કારણ છે.
જોકે, ઘણા વિજ્ઞાનીઓ ડૉ. નિલ્સનના નેતૃત્વ હેઠળના આ સંશોધનની મર્યાદાને ચિહ્નિત કરે છે.
કૅમ્બ્રિજ યુનિવર્સિટીના એમઆરસી બાયોસ્ટેટિસ્ટિક્સ યુનિટના આંકડાશાસ્ત્રી સ્ટિફન બર્ગેસ જણાવ્યું હતું કે આ અભ્યાસ નિરીક્ષણાત્મક છે અને કારણ સાબિત કરી શકતો નથી.
તેમના કહેવા મુજબ, "આ પ્રકારનું સંશોધન એ સાબિત કરી શકતું નથી કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનો વપરાશ હાનિકારક છે. તે વપરાશને સ્વાસ્થ્ય સંબંધી ખરાબ અસરો સાથે સાંકળતા પુરાવા જરૂર પ્રદાન કરે છે."
તેમણે ઉમેર્યું હતું, "સાચું કારણભૂત જોખમ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ન હોય તે શક્ય છે, પરંતુ જોખમના સારી શારીરિક તંદુરસ્તી જેવાં સંબંધિત પરિબળ હોઈ શકે અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ આહાર નિર્દોષ વસ્તુ હોઈ શકે."
તેમણે એમ પણ કહ્યું હતું, "ઘણા દેશો અને સંસ્કૃતિઓમાં આવાં સંગઠનોની નકલ થતી જોઈને શંકા પડે છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ તદ્દન નિર્દોષ નહીં હોય."
ખાદ્ય વસ્તુઓના ઉત્પાદન (ફૂડ પ્રોડક્શન)માં છેલ્લાં 50 વર્ષોમાં નાટ્યાત્મક ફેરફાર થયો છે.
યુપીએફ કેટલી ઔદ્યોગિક પ્રોસેસમાંથી પસાર થયું છે અને તેમાં કેટલાં ઘટકો છે એ આધારે તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પૅકેજિંગ પરની તેની માહિતી આસાનીથી સમજી શકાય તેવી હોતી નથી. મોટાભાગના યુપીએફમાં ચરબી, સુગર અથવા મીઠું વધારે પ્રમાણમાં હોય છે. ઘણાને ફાસ્ટ ફૂડ કહેવામાં આવે છે.
તે રેન્કિંગમાં સૌથી નીચી શ્રેણીમાં ફળો અને શાકભાજી જેવો ખોરાક હોય છે, જે સદંતર પ્રોસેસ્ડ હોતો નથી. પ્રોસેસ્ડ ખોરાક લાંબા સમય સુધી બગડે નહીં એટલા માટે અથવા તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે સામાન્ય રીતે મીઠું, તેલ, સુગર અથવા આથાનો ઉપયોગ કરવામાં આવે છે.
યુપીએફનાં ઉદાહરણોમાં આઇસક્રીમ, પ્રોસેસ્ડ માંસ, ક્રિસ્પ્સ, મોટા પાયે ઉત્પાદિત બ્રેડ, કેટલાક બ્રેકફાસ્ટ સીરિયલ્સ, બિસ્કિટ્સ અને ફિઝી ડ્રિંક્સનો સમાવેશ થાય છે.
આપણે આવો આહાર વધારે પ્રમાણમાં કરીએ છીએ તેનું કારણ એ છે કે મોટાભાગની વાનગીઓ અત્યંત સ્વાદિષ્ટ હોય છે, સસ્તી હોય છે, અનુકૂળ હોય છે અને ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને તેની મોટા પ્રમાણમાં જાહેરાત કરવામાં આવે છે.
ડૉ. રોસીના જણાવ્યા મુજબ, એક કારણ એ પણ છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનો વધુ પ્રમાણમાં આહાર કરતા લોકોમાં ધૂમ્રપાન અને ઓછા વ્યાયામ જેવી અસ્વાસ્થ્યકર કૂટેવો હોવાની શક્યતા વધારે હોય છે.
- એવા ઘટકો જેનો તમે ઉચ્ચાર કરી શકતા નથી.
- પૅકેટ પર સૂચિબદ્ધ પાંચથી વધુ ઘટકો.
- કોઈપણ એવી વસ્તુ, જેને તમારાં દાદી ખોરાક ગણતા જ નથી.
- કેટલાક ઘટકો, જે સંકેત આપી શકે કે ખોરાક અથવા પીણું અલ્ટ્રા-પ્રોસેસ્ડ છે.
- મૉડિફાઇડ સ્ટાર્ચ જેવા થિકનર્સ.
- ગમ્સ (ઝેન્થન ગમ, ગુવાર ગમ)
- સોયા લેસીથિન અને કેરેજીનન જેવા ઇમલ્સિફાયર્સ.
- ઍસ્પાર્ટમ અને સ્ટીવિયા જેવા સુગરના વિકલ્પો.
- કૃત્રિમ રંગો
- કૃત્રિમ સ્વાદ અને અન્ય સામગ્રી, જે તમને ઘર કે સુપરમાર્કેટમાં પણ જોવા નહીં મળે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન