દલિત કલેકટરથી માંડીને આઇપીએસ સુધી, પ્રમોશન અને પોસ્ટિંગમાં ઊંચનીચના જાતિના કેવા ભેદભાવ રખાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં દલિતો સાથે ભેદભાવ અને શોષણનો ઇતિહાસ સદીઓ પુરાણો છે. બંધારણે જ્યારે સમાનતા અને સન્માનની ગૅરંટી આપી, ત્યારે એવી આશા પેદા થઈ હતી કે જાતિની દીવાલો તૂટશે.
અનામતે એ દરવાજા ખોલ્યા જે પેઢીઓથી બંધ હતા. દલિત સમાજમાંથી લોકો વહીવટી તંત્ર, ન્યાયતંત્ર અને પોલીસ જેવાં સંસ્થાનોનાં ઉચ્ચ પદો સુધી પહોંચ્યા.
ઘણી વાર ઊંચાં પદો પર પહોંચવા છતાં દલિત ઑફિસરો માટે સફર સરળ નથી હોતી. હરિયાણામાં વરિષ્ઠ દલિત આઇપીએસ અધિકારી પૂરનકુમારની આત્મહત્યાએ આ દર્દને ફરી સામે લાવી દીધું છે.
તેમણે તેમના અંતિમ પત્રમાં જાતિ આધારિત સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ પહેલાં સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ પર જૂતું ફેંકવાની ઘટનાએ પણ એ ગુસ્સાને સપાટી પર લાવી દીધો, જે સામાન્યપણે સિસ્ટમની અંદર જ દબાઈને રહી જાય છે.
સવાલ એ જ કે શું ભારતનું વહીવટી તંત્ર, જ્યાં નીતિ અને ન્યાયના નિર્ણયો થાય છે, ત્યાં પણ જાતિનો મુદ્દો જીવંત છે?
મંત્રાલયોથી માંડીને જિલ્લાની ઑફિસો સુધી, પોલીસ સ્ટેશનોથી માંડીને સચિવાલયની ઊંચી ખુરશીઓ સુધી, શું જાતિ હજુ પણ સાથે જ ચાલે છે?
આ જ સવાલના મૂળ સુધી જવા માટે બીબીસીએ ઘણા દલિત ઑફિસરો સાથે વાત કરી, જેમણે ન માત્ર આ સંસ્થાનોમાં સેવા આપી, બલકે પોતાના અનુભવોથી આ વ્યવસ્થાનાં અસલ સ્તરોને મહેસૂસ પણ કર્યાં.
(આત્મહત્યા એ ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'પ્રમોશન અને પોસ્ટિંગમાં ભેદભાવ'

ભારતના વહીવટી તંત્રમાં જાતિ હવે ફાઇલોમાં નોંધાયેલી એક ઔપચારિક ઓળખમાત્ર નથી. એ આજેય ઘણા અધિકારીઓની કારકિર્દીની દિશા નક્કી કરે છે.
ઘણા નિવૃત્ત દલિત અધિકારીનું કહેવું છે કે કાબેલિયત અને પ્રામાણિકતા છતાં જ્યારે બઢતી કે પોસ્ટિંગનો સવાલ આવે છે, તો મેરિટ કરતાં વધુ જાતિ મહત્ત્વની બની જાય છે.
ઉત્તર પ્રદેશ કૅડરના આઇપીએસ અધિકારી અને પોલીસ મહાનિદેશકપદેથી નિવૃત્ત થયેલા એસઆર દારાપુરી કહે છે કે, "પોલીસ સંગઠન આપણા સમાજનું જ પ્રતિબિંબ છે. સમાજમાં જે જાતિ અને સંપ્રદાયનો ભેદ છે, એ જ પોલીસમાં પણ જોવા મળે છે."
તેઓ કહે છે કે, "પોસ્ટિંગ સમયે ઓછા સંવેદનશીલ જિલ્લા અને સારાં સ્ટેશન ન આપ્યાં. બતાવવા પૂરતા દલિતોને એસએચઓ (સ્ટેશન હાઉસ ઑફિસર) તો બનાવાય છે, પરંતુ એ થાણાં મુશ્કેલ હોય છે. દલિત અધિકારીઓના વાર્ષિક રિપોર્ટ બનાવવામાં પણ ભેદભાવ થતો જોવા મળે છે."
વહીવટી સેવામાં પણ કેટલાક અધિકારીઓએ આવા જ અનુભવ શૅર કર્યા. બીએલ નવલ રાજસ્થાન ઍડમિનિસ્ટ્રેશન સર્વિસમાંથી બઢતી મેળવીને સનદી સેવામાં પહોંચ્યા હતા. તેમણે રાજસ્થાનમાં ઘણાં મહત્ત્વપૂર્ણ પદો પર કામ કર્યું.

1977 બૅચના આઇપીએસ અધિકારી કન્હૈયાલાલ બૈરવા પણ આ જ વાતનું પુનરાવર્તન કરે છે.
તેઓ કહે છે કે, "જ્યારે દલિત અધિકારીઓની પોસ્ટિંગ કે સેવાની શરતોની વાત આવે છે, તો જાતિ આધારિત ભેદભાવ સ્પષ્ટ જોઈ શકાય છે. અમને પણ એ વાતનો અનુભવ થયો કે જે તકો અમને મળવી જોઈતી હતી, એ જાતિ આધારિત કારણોને લીધે અમને ન મળી."
પ્રશ્ન માત્ર પ્રમોશન કે પોસ્ટિંગ પૂરતો જ સીમિત નથી. વિદેશમાં તાલીમની તકોમાં પણ આ જ અસમાનતા નજરે પડે છે.
બઢતીમાં અનામત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મિનિસ્ટ્રી ઑફ પર્સનેલની 'ડૉમેસ્ટિક ફંડિંગ પ્રોગ્રામ ટ્રેનિંગ' યોજના હેઠળ 2018થી 2020 સુધી 657 અધિકારીઓને ટ્રેનિંગ માટે વિદેશ મોકલવામાં આવ્યા.
તેમાં એસસી અને એસટી અધિકારીઓની ભાગ માત્ર 14 ટકા રહ્યો, જ્યારે નિયમોમાં અનામતની કોઈ જોગવાઈ જ નથી.
જોકે, કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિ (15 ટકા) અને અનુસૂચિત જનજાતિ (7.5 ટકા) વર્ગના કર્મચારીઓને બઢતીમાં અનામત આપે છે.
આ અધિકાર ભારતીય બંધારણના અનુચ્છેદ 16 (4A) અંતર્ગત મળે છે.
આનો અર્થ એ છે કે જ્યારે સરકારના વિભાગોમાં કોઈ કર્મચારીની ઊંચા પદે બઢતી કરાય છે, તો એસસી અને એસટી વર્ગમાંથી આવનારા કર્મચારીઓ માટે એક નિશ્ચિત ટકાવારી અનામત રાખી શકાય છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ વર્ષ 2017 અને 2022માં માર્ગદર્શિકા જાહેર કરી. આ આદેશો પ્રમાણે બઢતીમાં અનામત માત્ર એસી અને એસટી વર્ગના કર્મચારીઓને મળશે.
તેમજ ઓબીસી વર્ગને કેન્દ્ર સરકારની નોકરીઓમાં બઢતીમાં અનામત નથી અપાતી.
આ અનામત ગ્રૂપ એ, બી, સી અને ડી શ્રેણીઓમાં લાગુ છે, પરંતુ દરેક વિભાગે એ સાબિત કરવાનું હોય છે કે ત્યાં ઉચ્ચ પદો પર દલિતો કે આદિવાસીઓનું પ્રતિનિધિત્વ ઓછું છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના પ્રોફેસર નરેન્દ્રકુમારનું કહેવું છે કે પ્રમોશનમાં અનામત બાદ પણ દલિત ઉચ્ચ પદો સુધી નથી પહોંચી શકતા.
તેમનું કહેવું છે કે, "ઘણી વાર દલિત અધિકારીઓ વિરુદ્ધ નાનીમોટી તપાસ શરૂ કરી દેવાય છે અને તેને આધાર બનાવીને બઢતી રોકી દેવાય છે."
નરેન્દ્ર કહે છે કે, "જો સિસ્ટમમાં અધિકારી પ્રામાણિકતાપૂર્વક કામ કરે છે, તો તેનો લાભ અનામત વર્ગમાંથી આવતા લોકોને મળે છે. ઘણી વાર સિસ્ટમાં ઉપર કોઈ દલિત અધિકારી જ બેઠો હોય છે, એવી જગ્યાઓએ બઢતીમાં અવરોધોની ફરિયાદો નથી જોવા મળતી."
ઉચ્ચ પદો સુધી પહોંચવાનો જંગ

ભારતના વહીવટી તંત્રમાં પ્રારંભિક સ્તરે દલિત અને આદિવાસી વર્ગમાંથી આવતા અધિકારીઓની હાજરી ભલે દેખાતી હોય, પરંતુ જેમ જેમ પદ ઊંચાં થતાં જાય છે, તેમની સંખ્યા ઘટતી જાય છે.
મિનિસ્ટ્રી ઑફ પર્સનેલ પ્રમાણે 2018થી 2022 વચ્ચે સિવિલ સેવાની પરીક્ષા પાસ કરીને કુલ 1653 લોકો આઇએએસ અને આઇપીએસ બન્યા.
તેમાં લગભગ 24 ટકા અધિકારી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગમાંથી આવે છે. પરંતુ ઊંચા પદે પહોંચતાં પહોંચતાં આ પ્રમાણમાં તીવ્ર ઘટાડો જોવા મળે છે.
ભાજપના સાંસદ કિરીટ પ્રેમજી સોલંકીની અધ્યક્ષતાવાળી 30 સભ્યોની સમિતિ (અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ પર)એ પોતાના 31 જુલાઈ 2023ના રોજ રજૂ કરાયેલા રિપોર્ટમાં કહ્યું કે એસસી અને એસટી વર્ગના અધિકારીઓને નીતિસંબંધી નિર્ણયોમાં ભાગીદારીથી વંચિત રખાઈ રહ્યા છે.
રિપોર્ટ પ્રમાણે, ડાયરેક્ટર અને તેનાથી ઉપરનાં કુલ 928 પદોએ માત્ર 12.93 ટકા (120 અધિકારી) જ એસસી અને એસટી વર્ગમાંથી હતા.
સચિવ સ્તરે આ આંકડો વધુ ઘટીને 4.6 ટકા થઈ ગયો, એટલે કે 87 સચિવો પૈકી માત્ર ચાર અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના હતા.
આ ઘટાડો દેખાડે છે કે અનામત મારફતે મળેલી પ્રવેશની તક, ઉચ્ચ પદોના મુકામ સુધી પહોંચતાં પહોંચતાં ફીક્કી પડી જાય છે.
ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનેલ ઍન્ડ ટ્રેનિંગના આંકડા પણ આ જ તસવીર રજૂ કરે છે. 1 જાન્યુઆરી 2020 સુધી કેન્દ્ર સરકારની નોકરીઓમાં અનુસૂચિત જાતિ વર્ગનું પ્રતિનિધિત્વ ગ્રૂપ એમાં 13.17 ટકા, ગ્રૂપ બીમાં 17.03 ટકા અને ગ્રૂપ સી (સફાઇ કર્મચારીઓ સહિત)માં 36.9 ટકા હતું.
દિલ્હી યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્રનાં આસિસ્ટન્ટ પ્રોફેસર અદિતિ નારાયણી પાસવાન કહે છે કે, "દલિતોને પ્રારંભિક સ્તરે અનામત મળી જાય છે, પરંતુ સચિવ કે શીર્ષ પદો પર તેમની હાજરી લગભગ નહિવત્ છે. પ્રારંભથી સિદ્ધિના તબક્કા સુધી પહોંચવાનું જે અંતર છે, એ અસલ અસામનતા છે."
તેઓ આગળ કહે છે કે, "બંધારણે તક આપી, પરંતુ સમાજે પણ આ સફરને સહજ બનાવવી પડશે. ઉચ્ચ પદો સુધી પહોંચવાની રાહ આજેય દલિત અધિકારીઓ માટે અત્યંત મુશ્કેલ છે."
જોકે, ઉત્તર પ્રદેશના પ્રથમ દલિત ડીજીપી અને હાલમાં ભાજપના સાંસદ બૃજલાલ આ ઘટાડાને માત્ર ભેદભાવ સાથે નથી સાંકળતા. તેઓ માને છે કે આમાં ઉંમર અને સામાજિક પૃષ્ઠભૂમિ પણ ભૂમિકા ભજવે છે.
તેઓ કહે છે કે, "મોટા ભાગના દલિત છોકરા વધુ ઉંમરે આવે છે. હું આ વાતમાં અપવાદ રહ્યો છું. એમએસસી કરતો હતો ત્યારે જ હું આઇપીએસ થઈ ગયો. હું 22 વર્ષની ઉંમરે આવ્યો હતો. મારી સર્વિસ 38 વર્ષ સુધી ચાલી હતી."
"મારા ઘણા એવા બેચમેટ રહ્યા, જે આઇજી થઈને નિવૃત્ત થયા, કારણ કે તેમની ઉંમર નહોતી, એવાં ઘણાં પાસાં છે, જેના કારણે દલિત અધિકારી ઘણાં પદો પર નથી પહોંચી શકતાં."
પોલીસ વ્યવસ્થામાં જાતિની રેખાઓ

દેશની પોલીસ વ્યવસ્થામાં પણ જાતિની ઊંડી રેખાઓ સ્પષ્ટ દેખાય છે. પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યૂરોના રિપોર્ટ 'ડેટા ઑન પોલીસ ઑર્ગેનાઇઝેશન, 2024' પ્રમાણે, દેશમાં કૉન્સ્ટેબલથી માંડીને ડેપ્યુટી એસપી સુધી કુલ 20,54,969 પોલીસકર્મી છે.
તેમાં અનુસૂચિત જાતિમાંથી આવતા લોકોની ભાગીદારી 16.08 ટકા અને અનુસૂચિત જનજાતિની ભાગીદારી 11.28 ટકા છે.
પરંતુ જેમ-જેમ રૅન્કમાં વધારો થાય છે, દલિતોની હાજરી અત્યંત ઓછી થતી જાય છે, ઇન્સ્પેક્ટર રૅન્કથી ઉપર, એટલે કે સહાયક પોલીસ અધીક્ષક, ઉપપોલીસ અધીક્ષક અને સહાયક કમાન્ડન્ટ જેવાં પદો પર દેશમાં માત્ર 1677 દલિત અધિકારી છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી એસઆર દારાપુરી એક પ્રસંગ યાદ કરે છે, "પોલીસ ભરતી દરમિયાન ઘણા દલિત ઉમેદવારોએ એવી ફરિયાદ કરી કે તેમની છાતીનું માપ ઠીક હતું, છતાં અધિકારીઓએ જાણીજોઈને આ માપ ઓછું લખ્યું. મેં ખુદ માપ કરાવ્યું તો માપ ઠીક નીકળ્યું. મેં પોતાની પેન વડે જૂના માપની જગ્યાએ નવું માપ લખ્યું, ત્યારે જ તેમની ભરતી થઈ."
દારાપુરી વધુ એક ઘટના શૅર કરે છે, "ગોરખપુરમાં એસએસપી હતો ત્યારે મેં જોયું કે પોલીસ લાઇનની મેસમાં કેટલાક જવાન બેન્ચ પર બેસીને ભોજન લેતા, તો કેટલાક જમીન પર. પૂછ્યું તો ખબર પડી કે નીચે બેસનારા લોકો કહેવાતા દલિત હતા. મેં આદેશ આપ્યો કે બધા એક સાથે એક જ જગ્યાએ બેસીને ખાય. શરૂઆતમાં ખચકાટ હતો, પરંતુ ધીરે ધીરે માહોલ બદલાઈ ગયો."
દલિત અધિકારીઓ સાથે વાત-વ્યવહાર

ઇમેજ સ્રોત, Socialmedia
ભારતીય વહીવટી તંત્રમાં દલિત અધિકારીઓ સાથે જાતિ આધારિત ભેદભાવની ફરિયાદો દાયકાઓથી નોંધાઈ રહી છે, પરંતુ કાર્યવાહી આજેય સીમિત છે.
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (એનસીએસસી) અને દલિત ઇન્ડિયન ચૅમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી જેવાં સંસ્થાનો પાસે દર વર્ષે ભારે સંખ્યામાં એવી ફરિયાદો આવે છે, જેમાં એવું કહેવાય છે કે એડમિનિસ્ટ્રેટિવ અને પોલીસ સેવાઓમાં જાતિ આધારિત પૂર્વાગ્રહનાં મૂળ હજુ પણ ઊંડાં છે.
ઘણા મામલામાં આ ભેદભાવ એટલો ગંભીર રહ્યો છે કે અધિકારીઓએ માનસિક ત્રાસ અને ભેદભાવની ફરિયાદો નોંધાવવી પડી.
એનસીએસસીના વાર્ષિક રિપોર્ટ (2022-23) પ્રમાણે, કમિશનને માત્ર એક વર્ષમાં જ 56,000થી વધુ ફરિયાદો મળી.
તેમાં એક મોટો ભાગ સરકારી સેવાઓમાં ભેદભાવ, ત્રાસ અને બઢતીમાં અસમાનતા સાથે સંકળાયેલો છે. તેમાં ઘણા મામલા એડમિનિસ્ટ્રેટિવ અને પોલીસ સેવાઓના અધિકારીઓ સાથે સંબંધિત હતા.
ઘણા દલિત અધિકારીઓએ પોતાની ફરિયાદમાં લખ્યું કે તેમને 'અનામત વર્ગમાંથી આવેલા અધિકારી' કહીને નીચું દેખાડવામાં આવ્યું.
દિલ્હી યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્રી પ્રો. અદિતિ નારાયણી પાસવાન કહે છે કે, "લાલ લાઇટવાળી ગાડીમાં જાઓ કે રિક્ષામાં, જાતિ આપણી સાથે જ ચાલે છે. આ આપણા સમાજનું એક મોટું સત્ય છે, જેને મિટાવવાની કોશિશો તો થાય છે, પરંતુ એ મટી શકતી નથી."
"જો કોઈ દલિત પરિવારમાં પેદા થયો છે, તો આખી જિંદગી તેણે સાબિત કરવું પડે છે કે એ પોતાની મહેનત અને યોગ્યતા વડે અમુક મુકામ સુધી પહોંચ્યો છે."
રિટાયર્ડ આઇએએસ અધિકારી બીએલ નવલ પણ આવી જ વાત કરે છે.
તેઓ કહે છે કે, "જ્યારે હું સેવામાં હતો, ત્યારે મારી નીચે કામ કરનારા એક અધિકારી એમની હરકતોને કારણે પરેશાની પેદા કરી રહ્યો હતો."
"મારે અંતે તેની બદલી કરાવવી પડી. આ વાતથી એ એટલો નારાજ થઈ ગયો કે તેણે ફોન પર મને મારી જાતિ અંગે હલકી વાતો કહી."
ફરિયાદો અને મૌન

ઇમેજ સ્રોત, PIB
ભારતીય સનદી સેવાઓમાં જાતિ આધારિત ભેદભાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કોઈ સ્વતંત્ર અને અસરકારક વ્યવસ્થા આજેય મોજૂદ નથી.
જો કોઈ દલિત અધિકારી ભેદભાવ કે અપમાનનો સામનો કરે છે, તો તેની પાસે માત્ર એક કાયદાકીય રસ્તો બચે છે - અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત કેસ નોંધાવવાનો.
પરંતુ દિલ્હી યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્રી પ્રો. અદિતિ નારાયણી પાસવાન કહે છે કે, "આ પગલું ઘણા ઓછા લોકો ઉઠાવી શકે છે. ફરિયાદ કરવાથી કારકિર્દી પર અસર પડવાની બીક હોય છે."
તેઓ કહે છે કે, "સિસ્ટમાં ચૂપ રહેવાની સંસ્કૃતિ એટલી ઊંડી છે કે મોટા ભાગના દલિત અધિકારીઓ અન્યાય વેઠીને મૌન રહી જાય છે. જો કોઈ અવાજ ઉઠાવે તો તેને જ 'ટ્રબલમેકર' જાહેર કરી દેવાય છે."
આ મૌન સંસ્કૃતિની ઝલક સંસદીય સ્થાયી સમિતિ (અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના કલ્યાણ પર, 2023)ના રિપોર્ટમાં પણ જોવા મળે છે.
રિપોર્ટ પ્રમાણે જ્યારે સંસદીય સમિતિએ પર્સનેલ ઍન્ડ ટ્રેનિંગ વિભાગને પૂછ્યું કે પાછલાં પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના કર્મચારીઓ સાથે ભેદભાવ કે હેરાનગતિની કેટલી ફરિયાદો મળી, તો વિભાગે જવાબ આપ્યો - એકેય નહીં.
આ વિભાગ વડા પ્રધાનને અધીન આવતા પર્સનેલ, પબ્લિક ગ્રીવન્સ અને પેન્શન મંત્રાલયનો ભાગ છે. આને ભારત સરકારના વહીવટી તંત્રનું 'કંટ્રોલ સેન્ટર' પણ કહેવાય છે.
એ સનદી સેવાની ભરતી, નીતિ નિર્માણ, અધિકારીઓની તાલીમ, અનામત અને ફરિયાદ નિવારણ જેવાં મહત્ત્વપૂર્ણ કામ જુએ છે.
અંતમાં સવાલ એ જ ઊઠે છે કે શું મહેનત અને યોગ્યતા વડે હાંસલ કરાયેલી ઓળખ, ભારતના વહીવટી તંત્રમાં જાતિની દીવાલો તોડી શકવા માટે ખરેખર પૂરતી છે ખરી?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












