વડોદરા શહેરમાં પૂર વખતે નેતાઓ સામે લોકોનો રોષ કેમ ભભૂકી ઉઠ્યો?

ઇમેજ સ્રોત, ANI
ઑગષ્ટના છેલ્લા સપ્તાહમાં આવેલાં વરસાદી પૂરે વડોદરાને એટલું હચમચાવી દીધું હતું કે ત્રણેક દિવસ સુધી લોકોના જીવ પડીકે બંધાયેલા રહ્યા હતા.
પાણી ઓસરતાં ખબરઅંતર માટે ચૂંટાયેલા નેતાઓ લોકોની વચ્ચે ગયા તો લોકોના આક્રોશનો ભોગ બન્યા હતા.
વડોદરામાં નેતાઓને જાકારો આપતા લોકોના વીડિયોએ સોશિયલ મીડિયામાં હલચલ મચાવી છે.
રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર જ્યારે પાર્ટી કાર્યકરો સાથે અસરગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક સ્થાનિક રહેવાસીએ તેમને જતા રહેવાનો હાથથી ઇશારો કર્યો હતો.
વડોદરાનાં ધારાસભ્ય મનીષા વકીલ જ્યારે હરણી વિસ્તારમાં સફાઈ કરાવવા માટે પહોંચ્યાં તો લોકોએ તેમનો હુરીયો બોલાવ્યો હતો. વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ સમા વિસ્તારમાં પહોંચ્યા તો લોકોએ તેમને ત્યાંથી રવાના કરી દીધા હતા.
વિરોધ થયો ત્યારે નેતાઓએ શું કર્યું?

વડોદરાના ધારાસભ્ય કેયૂર રોકડિયા જ્યારે આકોટા વિસ્તારમાં રાહતસામગ્રીની કીટનું વિતરણ કરવા ગયા ત્યારે તેમને પણ લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ તેમને જાકારો આપ્યો હતો. લોકોએ તેમને સવાલ કર્યો હતો કે, 'અમે જ્યારે પાણીમાં હતા ત્યારે કેમ કોઈ ન આવ્યું? કેમ ભોજનનું પૂછવા કોઈ ન આવ્યું?'
આ ઘટના પછી કેયૂર રોકડીયાએ બીબીસીને જણાવ્યું હતું કે, “જનતાનો રોષ હોય એ સાંભળવાની તૈયારી એક જનપ્રતિનિધિની હોવી જોઈએ. જ્યાં મારો વિરોધ થાય ત્યાં શું મારે રાહતસામગ્રીની કીટ આપવા ન જવુ જોઈએ? હું ફરીથી ત્યાં ગયો હતો અને લોકોએ કીટ પણ લીધી હતી. નેતાએ સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. જો નેતા જ નહીં સાંભળે તો લોકો શું કરશે?”
તેમનો દાવો છે કે તેઓ હંમેશા જનતાની સેવા માટે તત્પર હોય છે. આ વિશે વિગતો આપતા તેમણે બીબીસીને જણાવ્યું, “નગરસેવક હોય, ધારાસભ્ય હોય કે સાંસદ હોય. અંતે તો પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ છે. અમે લોકો પ્રજાની સેવા માટે જ છીએ. અમારા કાર્યકર્તા જ બધે ઠેકાણે સેવા કરતા હતા. જે ઘટના બની હતી તે આકોટાનો વિસ્તાર હતો. ત્યાં પણ અમે કામ કર્યું જ હતું. જ્યાં વિરોધ થયો હતો ત્યાં ગઈ કાલે ફરી અમે કરેલી કામગીરીના ફોટા અને વીડીયો લઈને ગયા હતા. જે લોકોએ વિરોધ કર્યો હતો તેમાંના છમાંથી ત્રણ પરિવારે કીટ પણ લીધી હતી. સયાજીગંજ વિસ્તારમાં તો આવી એક પણ ઘટના બની ન હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેમ વારંવાર પૂર આવે છે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડોદરાના કેટલાક વિસ્તારમાં લોકો ત્રણ-ચાર દિવસ સુધી પાણીમાં ફસાયેલા રહ્યા હતા.
ફરસાણનાં વેપારી ઉમેશ કંદોઈએ કહ્યું હતું કે, “આજવા ડૅમમાંથી પાણી છોડે છે ત્યારે શહેરમાં પાણી ફરી વળે છે. શહેરની સુધરાઈ કોઈ તૈયારી કેમ નથી કરી શકતી એ ખબર નથી પડતી.”
ગોવિંદરાવ પાર્ક નાકાના કાપડના એક વેપારીએ જણાવ્યું હતું કે, “વેરો ન ભર્યો હોય તો દુકાન સીલ કરી દે છે, વ્યાજ સાથે વેરો લે છે, પણ પાણી દુકાનમાં ધસી આવ્યાં તો કોઈ જોવા પણ ન આવ્યું. હિન્દુત્વ અને મોદીજીના નામે વોટ લેવા આવે છે, પણ પાણીનો નિકાલ કરવા કોઈ ન આવ્યું.”
વડોદરાના પત્રકાર રાજીવ પરમારે જણાવ્યું હતું કે, “પૂરનાં પાણી રહેણાક વિસ્તારોમાં ભરાયાં ત્યારે કોઈ નગરસેવક તેમના વિસ્તારોમાં કેમ ન આવ્યા એવી લોકોની ફરિયાદ છે. એ ફરિયાદ સાચી છે, પણ એ નગરસેવકોનાં ઘરોમાં પણ પાણી ભરાયાં હતાં. તેઓ પણ નીકળી શકે તેમ નહોતા એ પણ સાચું છે.”
વડોદરાના અકોટા વિસ્તારના પુરુષોત્તમ નગર સોસાયટીના રહેવાસીઓએ તો પ્રવેશ દ્વાર પર પોસ્ટર લગાડ્યા હતા કે આ સોસાયટીમાં કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા કે કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં.
એ સોસાયટીમાં કેડસમાણા પાણી ભરાયાં હતાં.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્રણેક વખત વડોદરા ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જનતાના આક્રોશને નકારાત્મક રીતે ન જોવો જોઈએ એવું તેમણે કહ્યું હતું.
મીડિયા સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “આ એ જ લોકો છે જેમને તકલીફોનો સામનો કરવો પડ્યો છે. કોઈ વ્યક્તિ જેમના પર લોકોની લાગણી, વિશ્વાસ હોય તેના પર જ ગુસ્સો ઠાલવી શકે. તેમને જ ફરિયાદ કરી શકે. તેમની તકલીફના નિવારણ માટે જ ચૂંટાયેલા પ્રતિનિધિ છે. તેમના આક્રોશને નકારાત્મક રીતે ન જોઈએ.”
'પૂરના સમયે રાતો કેવી રીતે કાઢી, અમારું મન જાણે છે'

ઇમેજ સ્રોત, RAJIV PARMAR
વડોદરામાં દર ચોમાસે મગરો નદીમાંથી નીકળીને નગરના માર્ગો પર ફરતા જોવા મળે છે. કેટલાક વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા દર વર્ષે જોવાં મળે છે.
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાને વડોદરાનાં રહેવાસી કાજલ ગાયકવાડે કહ્યું હતું કે, અમારાં ઘરમાં સોફા અને ફ્રિઝ તરતાં હતાં. દર વર્ષ કરતાં આ વર્ષે વધારે પાણી આવ્યું છે.
રાજ્યમાં પૂરની સ્થિતિને લીધે 47 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાંથી 11 વડોદરાના હતા. પૂરને પગલે વડોદરામાં 84,970 પરિવારને રોકડ સહાય ચૂકવવામાં આવી છે.
શહેરના નિવાસી હિમાદ્રી ગાંધીએ કહ્યું હતું કે, વીજળી વગર બાળકો અને વયોવૃદ્ધ લોકો સાથે રાતોની રાતો કઈ રીતે કાઢી છે એ અમારું મન જાણે છે.
રાજીવ પરમારે જણાવ્યું હતું કે, “પૂર તો અગાઉ પણ આવ્યું હતું પણ આ વખતે લોકોનો આક્રોશ અને ગુસ્સો ખૂબ વધારે છે. લોકોને સતર્ક કરવા જોઈતા હતા, ચેતવણી આપવી જોઈતી હતી જે થયું નહોતું. વિશ્વામિત્રીની આસપાસના વિસ્તારમાં દબાણ થઈ ગયા છે તેમજ નગરમાં જેમતેમ બાંધકામો થઈ ગયાં છે. જેને લીધે પાણી ઘરમાં આવી ગયાં હતાં.”
વડોદરામાં પાણીના કુદરતી સ્રોતોને અવરોધવામાં આવ્યા છે એવું પર્યાવરણવિદ્ રોહિત પ્રજાપતિ કહે છે. તેઓ કહે છે કે, “વિશ્વામિત્રી નદીના વિસ્તારોમાં અતિક્રમણ ખૂબ થયું છે. પાણીના માર્ગો અને પૂરના મેદાનોને પૂરી દેવામાં આવ્યાં છે. જેને લીધે વડોદરામાં પૂરનો પ્રકોપ વર્તાય છે.”
પૂરની શક્યતાને પગલે ગયા વર્ષે મે મહિનામાં રોહિત પ્રજાપતિએ વડોદરા સુધરાઈ, કલેક્ટર, શહેરી વિકાસ સત્તામંડળ, પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડને એક પત્ર લખ્યો હતો.
જેના સંદર્ભમાં તેમણે કહ્યું કે, “ભૂતકાળમાં પાણી ભરાવવાની ઘટનાઓમાંથી કોઈ પદાર્થપાઠ લેવામાં આવ્યો નથી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કોતરો, પાણીના માર્ગો, તળાવો, નીચાણવાળા વિસ્તારોમાંથી કાટમાળને દૂર કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.”
તેઓ વધુમાં આરોપ લગાવે છે,“રાજ્ય અને કેન્દ્રના સંબંધિત સત્તાવાળાઓ તેમજ કોર્ટના આદેશો છતાં વડોદરા સુધરાઈ તેને અવગણી રહી છે. વિશ્વામિત્રી નદીનાં કોતરો, કાંસ, કાટમાળ, વૅટલૅન્ડ વિસ્તાર, ઘન કચરો વગેરેનું આકલન કરવું એવો કરાર છે. અમે વારંવાર સૂચનો આપ્યા છે અને કામ માટે તત્પરતા પણ દર્શાવી છે.”
વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાનો પ્રોજેક્ટ વિલંબમાં

ઇમેજ સ્રોત, ANI
ઉલ્લેખનીય છે કે 2019માં પણ વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એ વખતે એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ પડતા વિશ્વામિત્રી ભયજનક સપાટી પર આવી ગઈ હતી. ચાર લોકોનાં મોત થયાં હતાં. 4500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઍરપૉર્ટ બંધ કરવું પડ્યું હતું.
વડોદરામાં 2008માં અમદાવાદની તરજ પર રીવરફ્રન્ટ બનાવવાનું આયોજન થયું હતું. જેનો એક મહત્ત્વનો ઉદ્દેશ હતો કે નદીને ઊંડી તેમજ પહોળી કરવી. જેથી શહેરમાં પૂરની સ્થિતિ ન સર્જાય.
2016માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુલનમાં એ પ્રોજેક્ટ પડકારવામાં પણ આવ્યો હતો. એ પછી પર્યાવરણને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફારો કરવાનું નક્કી થયું હતું. ત્રણ વર્ષ અગાઉ સુધરાઈએ એવું કહ્યું હતું કે, પર્યાવરણને અનુલક્ષીને થતી ફરિયાદોને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે.
હર્ષ સંઘવીએ વડોદરામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ઝડપથી અમલીકરણ કઈ રીતે કરી શકાય એ માટે મુખ્ય જનપ્રતિનિધિઓની બેઠક ગાંધીનગરમાં રાખી છે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












