બુંદેલખંડ : ખેડૂતો માટે આફત બની રહી છે રસ્તે રઝળતી ગાયો

    • લેેખક, પ્રદીપ શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી ગુજરાતી માટે, બુંદેલખંડ (ઉત્તર પ્રદેશ)થી

ઑગસ્ટના બીજા અઠવાડિયામાં બાંદાના નરૈની બ્લૉકના કાલિંજરના રહેવાસી દાદૂ અને પ્રદીપે રખડતાં પશુઓ (અન્ના પશુ) ને બચાવવાના પ્રયાસોમાં પોતાનો જીવ ગુમાવ્યો.

કાલિંજર પોલીસ સ્ટેશનના ફોજદાર રાકેશ સરોજ જણાવે છે કે તે બન્ને બાઇક પર નરેની સીએચસીથી ગામ જઈ રહ્યા હતા.

''કાલિંજર રોડ પર શંકર કા પુરવા ગામ પાસે રખડતાં(અન્ના) પશુઓને બચાવવા માટે તેઓ જમણી તરફ વળ્યા અને તે જ વખતે પાછળથી આવતી બસે તેમને ટક્કર મારી. આ ઘટનામાં બન્નેના ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયા.''

''રખડતાં પશુઓને કારણે સતત આવી દુર્ઘટના બનતી રહે છે. લાશનું પોસ્ટમૉર્ટમ કરાવી પરિવારજનોને સોંપી દેવામાં આવી છે.''

બુંદેલખંડમાં ઘણાં ખેડૂતો પશુઓને નજીકનાં જંગલામાં છોડી આવે છે. આ પશુઓને 'રખડતાં ઢોર' કે 'અન્ના પશુ' કહેવાય છે.

રામબખ્શ યાદવની કહાણી

આવી જ કંઇક કહાણી રામબખ્શ યાદવના પરિવારની છે. પહેલી જાન્યુઆરીનો દિવસ હતો.

ઝાંસી જિલ્લાના મઉરાનીપુર બ્લૉકના ધવાકર ગામના 64 વર્ષના રામબખ્શ યાદવ કડકડતી ઠંડીમાં ખેતરમાં કામ કરી રહ્યા હતા.

ત્યારે પશુઓનાં ઝુંડે તેમના પાક પર આક્રમણ કર્યું. પાક બચાવવા માટે રામબખ્શ પશુઓને ભગાડવા માંડ્યા, તો પશુઓએ રામબખ્શ પર હુમલો કર્યો.

ઘવાયેલા રામ બખ્શ દવાખાને પહોંચે તે પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. રામબખ્શની પત્ની અને તેમનાં બાળકો આજે પણ એ ઘટનાને યાદ કરી ભાવુક બની જાય છે.

આ ઘટનાને કારણે ઘણા વિરોધ પ્રદર્શન થયા. રાજ્ય સરકારે સ્વીકાર્યું કે, રામબખ્શનું મૃત્યુ શુઓને કારણે થયું છે. સરકારે એમના પરિવારને વળતર પણ ચૂકવ્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

શું છે અન્ના પ્રથા?

અન્ના પશુઓ એટલે એવા પશુઓ જેમને માલિકો દ્વારા ચરવા માટે અથવા તો હંમેશાં માટે છોડી મૂકવામાં આવે. ખાસ કરીને વસૂકી ગયેલી ગાયો.

બુંદેલખંડમાં સતત આવી ઘટનાઓ છાપામાં છપાતી રહે છે. ખેડૂતો માટે રખડતાં પશુઓ આફત બની જાય છે. બુંદેલખંડમાં લાખોની સંખ્યામાં આવા પશુ છે.

તેઓ પાકનો નાશ કરી દે છે અને રસ્તાઓ પર દુર્ઘટનાનું કારણ બને છે.

બુંદેલખંડના ખેડૂત નેતા શિવ નારાયણ પરિહાર જણાવે છે કે, બુંદેલખંડમાં આ 'અન્ના પ્રથા' કોઈ આફત સમાન છે.

તેઓ જણાવે છે, ''ઝાંસી-કાનપુર હાઈવે, ઝાંસી-અલ્હાબાદ નેશનલ હાઈવે, ઝાંસી-શિવપુરી નેશનલ હાઈવે પર આવી દુર્ઘટનાઓ બનતી જ રહે છે.''

આ પશુઓને કારણે ખેડૂતો વચ્ચે લડાઈ-ઝઘડા એ તો સામાન્ય બાબત બની ગઈ છે.

દુકાળ અને સ્થાળાંતરને કારણે જન્મી સમસ્યા

અન્ના પ્રથા કેવી રીતે શરૂ થઈ તે વિશે જણાવતા મહોબાના કકરબઈનાં ખેડૂત રાજેન્દ્ર કુમાર કહે છે કે પહેલાં અમારા ગામની પાસે એક જંગલ આવેલું હતું.

''આજુબાજુનાા જેટલા પણ ગામલોકો હતા તે બધા જ આ જંગલમાં ઢોરને છોડી જતા. જંગલ નાશ પામ્યું છે, પણ ખેડૂતોની આદત છૂટી નથી.''

''પરિસ્થિતિ એ છે કે ખેડૂતો આજે પણ ઢોરને ખુલ્લા છોડી મૂકે છે, જે ખેતરોમાં જઈને ઊભા પાકનો નાશ કરે છે.''

ઝાંસીનાં મુખ્ય પશુ તબીબ ડૉક્ટર વાય. એસ. તોમર જણાવે છે કે, બુંદેલખંડમાં દુકાળ અને સ્થાળાંતરને કારણે આ સમસ્યા ઊભી થઈ છે.

ડૉ. તોમર કહે છે, ''આ પ્રથા ઘણા વર્ષોથી ચાલી રહી છે. આ પ્રથામાં ગાય, ભેંસ અને બળદ વગેરેને ભોજનની શોધમાં ખુલ્લા છોડી મૂકવામાં આવે છે.''

''ઢોર નાના હોય ત્યારથી જ આ આદત પાડી દેવામાં આવે છે ''

ખેડૂતોનું ' કૃષિજ્ઞાન '

બડાગામના ખેડૂત રામચંદ્ર શુક્લ જણાવે છે, ''જ્યારે ચૈત્ર મહિનામાં પાક વાઢી લીધા બાદ ખેતરો ખાલી થઈ જતાં, ત્યારે ઢોરને ખુલ્લા છોડી મૂકવામાં આવતાં.''

''તે ખેતરોમાં બચેલા પાકને સાફ કરી નાખતાં હતાં.''

ડૉ. તોમર આનું કારણ દુકાળ, ઘાસચારાની અછતને ગણાવે છે અને પશુઓ દૂધ પણ ઓછું આપતા હોઈ ખેડૂતો એમને ખુલ્લા છોડી મૂકે છે.

જાલૌનનાં સંજય સિંહ જણાવે છે કે આની પાછળ ખેડૂતોનું 'કૃષિજ્ઞાન' કામ કરે છે.

''ખુલ્લા ખેતરોમાં આ પશુઓના વિચરણ કરવાથી અને ચરવાથી ખેતરોની ફળદ્રુપતા વધારવામાં મદદ મળતી હતી.''

''ખેતરોમાં આ પશુઓનાં ગોમૂત્ર અને છાણ ખાતરનું કામ કરતાં હતાં, પણ દુકાળ અને સ્થાળાંતરને કારણે સ્થિતિ બદલાઈ ગઈ છે''

સરકારી પ્રયાસોનો લાભ નથી

હવે ખેડૂતને પોતાના પાકને બચાવવા માટે બેવડી મહેનત કરવી પડે છે.

અગાઉ નીલ ગાયથી પરેશાન આ ખેડૂતો હવે લાકડીઓ લઈ અન્ના પશુઓને એક ગામમાંથી બીજા ગામમાં ભગાડી મૂકે છે.

એકબીજા ગામના લોકો વચ્ચે આ જ કારણે વૈમનસ્ય વધ્યું છે.

બુંદેલખંડને આ 'અન્ના પ્રથા'થી છૂટકારો આપવા માટે રાજ્ય સરકારે 40 કરોડ રૂપિયાનું બજેટ આપવાની જાહેરાત કરી છે.

અહીંના સાત જિલ્લાની વિધાનસભાનાં ક્ષેત્રોમાં આ નાણાંને સરખા ભાગે વહેંચવામાં આવશે. આ ઉપરાંત 15 કરોડ 16 લાખ રૂપિયા ગો-સદન માટે પણ ફાળવવામાં આવશે.

ઉપરાંત આ વિસ્તારમાં 150 કરતાં વધારે પશુ રાહત કેન્દ્ર પણ ખોલવામાં આવશે.

'અન્ના પ્રથા'થી છૂટકારો અપાવવા માટે પશુ પાલન વિભાગનાં માધ્યમથી સરકારે જાતિ (નસલ) સુધારણા યોજના પાછળ ઘણું ખરું બજેટ ખર્ચી નાખ્યું છે.

આ કાર્યક્રમોની સિદ્ધિઓની યાદી ઘણી લાંબી છે, પણ વાસ્તવિક સ્તર પર આની અસર નહિવત્ જણાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો