અમેરિકાઃ ન્યુક્લિયર પાવર પ્લાન્ટને લઈને આટલો બધો વિવાદ કેમ સર્જાયો?

    • લેેખક, રીડ સેલ્સ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • અમેરિકામાં લોસ ઍન્જલસ અને સાન ફ્રાન્સિસ્કો વચ્ચે અડધે રસ્તે આવેલો 'ડિયેબ્લો કેનયન' કૅલિફોર્નિયાનો છેલ્લો સક્રિય પરમાણુ પાવર પ્લાન્ટ છે
  • 1960ના દાયકામાં તેની સ્થાપના સમયે, કૅલિફોર્નિયામાં પરમાણુવિરોધી મજબૂત આંદોલન જન્મ્યું હતું અને તેની સુરક્ષાને લઈને ઘણી આશંકા હતી
  • ભૂકંપના દૃષ્ટિકોણથી અજ્ઞાત જોખમવાળા વિસ્તારમાં હોવાના એક પછી એક અનેક અહેવાલો પછી તે હંમેશાં વિવાદમાં રહ્યો છે
  • તે સમયે તેને 2025 સુધીમાં બંધ કરવા પર સહમતી સધાઈ હતી. પરંતુ છેલ્લી ઘડીના ફેરફારથી તે બીજાં પાંચ વર્ષ સુધી ચાલી શકે છે
  • કૅલિફોર્નિયા સરકારે પૅસિફિક ગૅસ ઍન્ડ ઇલેક્ટ્રિક કંપની (પીજીએન્ડઈ) ને 14 અબજ ડૉલરની લૉન આપી જેથી તે વર્ષ 2030 સુધી ટકી શકે
  • રાજ્યના ગવર્નર ગેવિન ન્યૂઝમે આ યોજનાને પ્રોત્સાહન આપ્યું હતું

આ પાવર પ્લાન્ટ મોટેભાગે સમુદ્ર પર બાંધવામાં આવ્યો છે. લોસ ઍન્જલસ અને સાન ફ્રાન્સિસ્કો વચ્ચે અડધે રસ્તે આવેલો 'ડિયેબ્લો કેનયન' કૅલિફોર્નિયાનો છેલ્લો સક્રિય પરમાણુ પાવર પ્લાન્ટ છે.

પરંતુ આ ગુરૂવાર સુધી તેના ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય તેવું લાગતું હતું.

આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ શરૂઆતથી જ વિવાદાસ્પદ રહ્યો છે.

1960ના દાયકામાં તેની સ્થાપના સમયે, કૅલિફોર્નિયામાં પરમાણુવિરોધી મજબૂત આંદોલન જન્મ્યું હતું.

તેની સુરક્ષાને લઈને ઘણી આશંકા હતી. ભૂકંપના દૃષ્ટિકોણથી અજ્ઞાત જોખમવાળા વિસ્તારમાં હોવાના એક પછી એક અનેક અહેવાલો પછી તે હંમેશાં વિવાદમાં રહ્યો છે.

વર્ષ 2016 સુધીમાં, તેનું સંચાલન કરતી કંપની રાજ્ય વહીવટી તંત્ર, પર્યાવરણ અને યુનિયન સાથે જોડાયેલાં જૂથો વચ્ચે તેને બંધ કરવા માટે એક કરાર થયો હતો.

તે સમયે તેને 2025 સુધીમાં બંધ કરવા પર સહમતી સધાઈ હતી. પરંતુ છેલ્લી ઘડીના ફેરફારથી તે બીજાં પાંચ વર્ષ સુધી ચાલી શકે છે.

આ ગુરુવારે,કૅલિફોર્નિયા સરકારે પૅસિફિક ગૅસ ઍન્ડ ઇલેક્ટ્રિક કંપની (પીજીઍન્ડઈ) ને 14 અબજ ડૉલરની લૉન આપી જેથી તે 2030 સુધી ટકી શકે. રાજ્યના ગવર્નર ગેવિન ન્યૂઝમે આ યોજનાને પ્રોત્સાહન આપ્યું હતું.

પ્લાન્ટ અંગેના આ નિર્ણયનો વિરોધ શા માટે?

આ નિર્ણયથી આ પ્લાન્ટને અમેરિકાનો સૌથી ખતરનાક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માનનારાઓનો ગુસ્સો વધુ ભડક્યો છે. કારણ કે આ પ્લાન્ટ એવા વિસ્તારમાં છે જ્યાં ભૂકંપ આવવાની શક્યતા છે.

આ પ્લાન્ટથી થોડે દૂર શહેરોમાં મોટી સંખ્યામાં લોકો રહે છે. પરંતુ પીજીઍન્ડઈ આ જોખમની આશંકાઓને નકારી રહ્યું છે.

આ પ્લાન્ટના સમર્થકોએ આ પ્લાન્ટને 2030 સુધી ચાલુ રાખવાના નિર્ણયને આવકાર્યો છે. તેમનું કહેવું છે કે હીટ વેવને કારણે વીજળીનો વપરાશ ઘણો વધી જશે ત્યારે કંપની તરફથી મળતો વીજ પુરવઠો ઘણો મદદગાર સાબિત થશે.

સાથે જ તે કૅલિફોર્નિયાના ક્લાયમેટ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ ધ્યેય ડિયેબ્લો કેનયન વિના પ્રાપ્ત કરી શકાશે નહીં. તે રાજ્યમાં ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. ગયા વર્ષે તેણે કૅલિફોર્નિયાની નવ ટકા વીજળીનું ઉત્પાદન કર્યું હતું.

2021માં, ગવર્નર ન્યૂસમે નાટકીય રીતે તેમના વલણમાં ફેરફાર કર્યો અને ડિયેબ્લો કેનયન બંધ કરવાની સમયમર્યાદા લંબાવી છે.

આ સાથે, તેમણે રાજકીય પ્રતિનિધિઓ વચ્ચે પણ તેમના વિચાર માટે સમર્થન મેળવવાનું શરૂ કરી દીધુ છે. જો કે, આ યોજના બે અઠવાડિયાં પહેલાં સ્પષ્ટરૂપે મૂકવામાં આવી હતી.

પરમાણુ પાવર પ્લાન્ટના સમર્થકોનો તર્ક

ગયા બુધવારે આ મુદ્દાને થોડી વધુ હવા મળી, જ્યારે ઇલેક્ટ્રિક નેટવર્કના ઑપરેટરોએ નાગરિકોને હીટ વેવ દરમિયાન ઍર કન્ડિશનિંગનો ઉપયોગ મર્યાદિત કરવા અપીલ કરી. વધુ પડતા વીજળીના વપરાશને કારણે રાજ્યમાં અંધારપટનો ખતરો ઊભો થઈ શકે છે.

ન્યુસમે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "ભવિષ્યની ઊર્જાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."

ન્યુક્લિયર ઍનર્જીની જરૂરિયાતના સંદર્ભમાં આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. પ્રમુખ જો બાઇડને પોતે કાયદો પસાર કર્યો હતો જેણે ક્લીન ટેકનૉલૉજીને પ્રોત્સાહન આપવા અને 2050 સુધીમાં ઉત્સર્જન ઘટાડવા 370 અબજ ડૉલર મંજૂર કર્યા હતા.

સેવ ક્લીન ઍનર્જીનાં પ્રવક્તા ઇસાબેલ બોમેકે ગુરુવારે જણાવ્યું હતું કે ડિયેબ્લો કેનયન ચાલુ રાખવાનો અર્થ એ થશે કે આપણે વાતાવરણમાં લાખો ટન કાર્બનનું ઉત્સર્જન કરવાથી બચી જઈશું.

બીજી તરફ આ પ્લાન્ટ ચાલુ રાખવા સામે પણ વિરોધ થઈ રહ્યો છે. 'ફ્રેન્ડ્સ ઑફ અર્થ' નામની પર્યાવરણીય સંસ્થાએ તેને સમજ બહારનો, ઉતાવળમાં લેવાયેલો અવિચારી નિર્ણય ગણાવ્યો છે.

સંસ્થાના પ્રમુખ, એરિક પીકા અને નિષ્ણાતોનું આખું જૂથ એ વાતે સંમત છે કે તે દેશના સૌથી ખતરનાક પ્રોજેક્ટ પૈકીનો એક છે.

લોકોના જીવન સાથે રમતનો આરોપ

જે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે તેનાથી રેડિયો વિકિરણો ફેલાવાનો ભય છે. એરિક કહે છે કે તે ધરતીકંપની સંભાવનાવાળા વિસ્તારમાં છે અને મોટી વસ્તીની નજીક છે. જે તેનું સંચાલન કરી રહી છે તે કંપની તેને બંધ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા પર ધ્યાન આપી રહી છે.

તેણે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી પર કોઈ રોકાણ કર્યું નથી.

આ પ્લાન્ટની સૌથી નજીકનું શહેર સાન લુઇ ઓબિપ્સો છે. તે પ્લાન્ટથી માત્ર 15 કિલોમિટર દૂર છે અને અહીં 48,000 લોકો રહે છે. લોસ ઍન્જલસ અને સાન ફ્રાન્સિસ્કો જેવાં શહેરો થોડાક જ વધુ દૂર છે.

કૅલિફોર્નિયા યુનિવર્સિટીના પર્યાવરણ અને પરમાણુ નીતિ કાર્યક્રમના ડિરેક્ટર રહી ચૂકેલા ડેનિયલ હર્શિમે એપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે પ્લાન્ટને બંધ કરવામાં વિલંબનો અર્થ એ છે કે મોટી સંખ્યામાં જીવન જોખમમાં મૂકવું.

ડિયેબ્લો કેનયન ખાતે પરમાણુ રિઍક્ટરનું બાંધકામ 1968માં શરૂ થયું હતું. ત્યારે પણ ઘણો વિરોધ થયો હતો. તેનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું હતું ત્યારે એક મોટો ખતરો ધ્યાનમાં આવ્યો હતો.

હોસગ્રી ફૉલ્ટ બીચ પરના પ્લાન્ટથી પાંચ કિલોમીટર દૂર આવેલો હતો અને તે 7.5ની તીવ્રતાનો ભૂકંપ પેદા કરવામાં સક્ષમ હતો. જ્યારે પ્લાન્ટ માત્ર 6.7ની તીવ્રતા સહન કરવાની ક્ષમતા સાથે બનાવવામાં આવી રહ્યો હતો.

કંપનીનો દાવો

આ પ્લાન્ટ ધરતીકંપનો સામનો કરી શકશે કે નહીં? એ અંગે 2008માં નવો સિસ્મિક ફોલ્ટ મળી આવતાં શંકા વધુ મજબૂત બની હતી. તેનું નામ શોરલાઇન રાખવામાં આવ્યું હતું અને તે ડિયેબ્લો કેનયનથી માત્ર 600 કિલોમિટર દૂર હતી.

અકસ્માતનો ભય 2014માં ફરી સામે આવ્યો, જ્યારે એપીએ એક ગોપનીય રિપોર્ટ જાહેર કર્યો. તેના પર માઈકલ પેકે હસ્તાક્ષર કર્યા હતા. માઇકલ પેકે બે વર્ષ પહેલાં સુધી યુએસ ન્યુક્લિયર રેગ્યુલેટરી કમિશન માટે ઇન્સ્પેક્ટર તરીકે પ્લાન્ટમાં કામ કર્યું હતું.

આ દસ્તાવેજમાં એવું કહેવામાં આવ્યું નથી કે આ રિએક્ટર અસુરક્ષિત છે. પરંતુ તે દર્શાવે છે કે તેને ચાલુ રાખવું પરમાણુ સુરક્ષાની વિરુદ્ધ હોઈ શકે છે. જો કે, એનઆરસી અને પીજીઍન્ડઈએ તરત જ આ આશંકાને દૂર કરવાનો પ્રયાસ કર્યો.

જ્યારે બીબીસી મુંડો દ્વારા આ સંદર્ભમાં પૂછવામાં આવ્યું ત્યારે, પીજીઍન્ડઈએ કહ્યું કે ડિયેબ્લો કેનયન એક સુરક્ષિત પ્લાન્ટ તરીકે ચાલુ રહેશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો