એ માણસ જે પિતા બનવા માગતો ન હતો, પરંતુ...

    • લેેખક, નતાશા બધવાર
    • પદ, બીબીસી હિન્દી માટે
  • આ કહાણી એક પુરૂષ અને એક સ્ત્રીની ઇચ્છા અને તેમાં આવેલા બદલાવ અંગેની છે
  • કહાણીમાં પરિવારનાં ભાવનાત્મક પાસાંને બતાવવામાં આવ્યાં છે
  • પિતા કદી સંતાન ઇચ્છતા નહોતા અને આજે ત્રણ પુત્રીના પિતા છે
  • પછી બાળકો સાથે તેમનું ભાવનાત્મક તાદાત્મ્ય અને વિચારોમાં આવેલો બદલાવ સમજવા વાંચો આ અહેવાલ

કેટલીક વાતો કાયમ માટે યાદ રહી જાય છે.

મને હજી પણ તે જોયેલી ફિલ્મના દૃશ્ય જેવું લાગે છે, જોકે એમાં મુખ્ય પાત્રો મારા પતિ, મારાં બાળકો અને હું હતી.

ઉનાળાની સાંજ હતી. રાત્રિભોજન કર્યા પછી અમે ઘરની બાજુમાં આવેલા પાર્કમાં ફરવા નીકળ્યાં હતાં. અમારાં ત્રણેય બાળકો નાનાં પગલે દોડતાં અમારી આગળ નીકળી ગયાં હતાં. તેઓ અમારી આગળ ઊછળકૂદ કરતાં પોતાનાંમાં મગન હતાં.

એ સ્થિતિની શરૂઆત કેવી રીતે થઈ તે મને અત્યારે યાદ નથી આવતું.

મારા પતિ અફઝલે કહ્યું, "હું હવે માતા જેવો બની રહ્યો છું અને આજકાલ તું પિતા જેવી બની રહી છે."

મેં કહ્યું, "એ તો સારી વાત કહેવાય."

પતિએ કહ્યું, "એ સારી વાત કહેવાય કે નહીં તેની મને ખબર નથી."

મેં કહ્યું, "અફઝલ, મને લાગે છે કે આપણને તેની જરૂર છે. કાયમ એક જ કામ કરીને વ્યક્તિ કંટાળી જાય છે. ખેડૂતો પણ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પાક બદલતા રહે છે. તેથી આપણે એકબીજાની ભૂમિકા પણ બદલવી પડશે. જે લોકો એક જ ભૂમિકા અને જવાબદારી ભજવે છે તેમનામાં ગુસ્સો અને કડવાશ વધે છે."

અફઝલે મારું વાક્ય પૂરું કરતાં ધીમેથી કહ્યું, "આપણી માતાઓની જેમ." મેં ઉમેર્યું, "આપણા પિતાઓની જેમ."

અમે વાત કરી રહ્યાં હતાં ત્યારે અમારી સૌથી નાની દીકરી નસીમ અમારી તરફ દોડી આવી. ત્યાં કાદવ હતો, તેના પગ કાદવમાં ફસાઈ ગયા હતા, તેનાં સૅન્ડલ કાદવમાં ખૂંપી જતાં તે મૂકીને બહાર આવી હતી.

તેની મોટી બહેનો હસતી હતી, પણ નસીમ થોડી નર્વસ હતી. અમારી વાતચીત અટકી ગઈ અને અમે નવી પરિસ્થિતિનો સામનો કરવામાં વ્યસ્ત થઈ ગયાં.

અફઝલે નસીમને હાથોમાં સમાવી લીધી અને ઘર તરફ ચાલી નીકળ્યા. મેં માટીમાંથી નસીમનું સૌથી ફૅવરિટ સૅન્ડલ ઉપાડ્યું અને મારી મોટી દીકરીઓની સાથે ચાલવા લાગી.

જ્યારે મેં અફઝલને પહેલીવાર ઓળખ્યા હતા ત્યારે તેમનો 'ક્યારેય પિતા નહીં બનવાનો' વિચાર એકદમ સ્પષ્ટ હતો. પણ હવે તે અમારી ત્રણ દીકરીઓના પિતા છે.

તેમની દીકરીઓ પણ તેમની ઉપર દાદાગીરી કરે છે અને તેઓ કોઈ પણ પ્રશ્ન કર્યા વગર દાદાગીરીને તાબે થાય છે.

નસીમ તેમના પર એવી રીતે ચડી જાય છે જાણે કોઈ ઝાડની ઉપર ચડતી હોય અને ખભા પર આસન જમાવી દે છે. પછી તેમના માથા પર બેસવાનો પ્રયાસ કરે છે. તેઓ પૂછે છે, "શું તું વાનર છો?"

નસીમ જવાબ આપે છે, "હા, ચાલો આપણે એક ઉખાણું રમીએ." નસીમ તેમના પર એકદમ દાદાગીરી જમાવે છે. નસીમ કહે છે, "સૌ પહેલાં, સૌથી પહેલાં તો તમે મારા પિતા છો."

અમારી મોટી દીકરી સહર ત્યારે આઠ વર્ષની હતી. તે ક્યારેક તેના પિતાને ઠપકો પણ આપતી અને મહત્ત્વની બાબતો ધીમે ધીમે સમજાવતી હતી. કેટલીક વાર અમારી પરસ્પરની વાતચીત દરમિયાન, તે અફઝલને તેમનો કહેવાનો મતલબ શું છે અને મારે શું જોઈએ છે તે સમજાવતી.

તે કહેતી, "મને બોલવા દો. હું નતાશાને સમજાવું છું." તે તેમના મોં પર તેના નાના હાથ મૂકતી અને તેને બોલવા ન દેતી.

ત્યારે અફઝલ સહરના હાથની પાછળથી બોલવાની કોશિશ કરતાં દબાયેલા અવાજમાં કહેતા, "શું હું વધારે પડતું બોલું છું."

આવી સ્થિતિમાં તે ખુશીથી કહેતી, "જુઓ, પાપા કેવું બોલે છે?" અન્ય બહેનો તેમના જેવો અવાજ કાઢવાની કોશિશ કરતી. જેમ ટૅપ પરના ઑડિયોને રિવાઇન્ડ કરીએ અને સંભળાય તેમ."

અલીઝા અમારી વચલી દીકરી છે. જ્યારે તે નાની હતી ત્યારે અમે અફઝલ અને અલીઝાને જોડિયાં કહેતાં. અફઝલ પોતાનો ચહેરો અલીઝાના ગાલ પાસે લઈ જઈને પૂછતાં, "આપણે જોડિયાં જેવા નથી દેખાતાં? મને કહો, કહો."

હું દર વખતે આવી પળોના ફોટા પાડી લેતી હતી. આમ તો મારાં પ્રિય ગોલુ-મોલુ બાળકમાં તેમના પિતા સાથે મેળ ખાય એવું કંઈ નહોતું, પરંતુ તે પિતાનો પ્રેમ દર્શાવવાની એક રીત હતી, જેને હું યાદોના આલબમમાં સજાવીને રાખવા માગતી હતી.

અફઝલની ઇચ્છાથી વિપરીત, હું હંમેશાં માતા બનવા માગતી હતી. મને એ વિશે ક્યારેય કોઈ શંકા નહોતી. અફઝલ ક્યારેય પિતા બનવા માગતા ન હતા. મારું બાળપણ સંયુક્ત પરિવારમાં વીત્યું હતું, જ્યારે પણ હું પાછળ ફરીને જોતી ત્યારે મને થતું કે આ બધું મારે વધુ સારી રીતે અને સમજી વિચારીને કરવું છે. હું બતાવવા માગતી હતી કે કુટુંબનો ઉછેર એવી રીતે થઈ શકે છે કે પુખ્ત વયના અને બાળકો બંને ઘરમાં પૂરક વિકાસ અનુભવી શકે.

બની શકે કે જ્યારે અફઝલ તેમના બાળપણ પર નજર નાખે ત્યારે તેમને વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવવાનું અશક્ય લાગી શકે. આટલી બધી અશક્ય અપેક્ષાઓના બોજ તળે દબાયેલી વસ્તુને ફરીથી બનાવવાનો પરિશ્રમ શા માટે?

જીવનમાં ઘણીવાર એ સમજવામાં વાર લાગે છે કે વિપરીત અભિપ્રાય ધરાવતા બે લોકો વાસ્તવમાં સમાન અનુભવોથી પ્રેરિત થઈ શકે છે. તે પણ શક્ય છે કે વિરોધાભાસી મંતવ્યો ધરાવતા લોકોની આગળ જતા સમાન આકાંક્ષાઓ હોઈ શકે છે.

આપણા શબ્દો ભ્રામક હોઈ શકે છે. ઘણીવાર, આપણાં દિલોની વાસ્તવિક સચ્ચાઈ શું છે તેને જોવા માટે આપણે જે કહીએ છીએ તેનાથી આગળ જવાની જરૂર પડે છે.

મેં અફઝલને આ લેખ બતાવ્યો અને કહ્યું, "મેં તમારૂં એક એવા માણસ તરીકે ચિત્રણ કર્યું છે કે જે ક્યારેય બાળક ઇચ્છતો નહોતો."

તેણે વાંચ્યા પછી કહ્યું, "ભૂતકાળનો ઉપયોગ કરશો નહીં. મને હજુ પણ પિતા બનવાનો ડર લાગે છે."

મેં હસીને કહ્યું, "તમે બહુ સક્ષમ છો ને?"

તેમણે કહ્યું, "હું પ્રામાણિક છું, નતાશા. તે ખૂબ જ મુશ્કેલ કામ છે."

મેં કહ્યું, "જેમ તમે બાકીનાં સાહસો પૂરાં કરવા માગો છો. જેમ તમે રાક્ષસોને મારવા માગો છો, બચાવ અભિયાનમાં પેરાગ્લાઇડિંગ કરવા માગો છો, તમે ખડકો પર કૂદવા માગો છો. બાકીના જીવનમાં તમે એવું કયું કામ પસંદ કરશો જે સરળ હોય?"

તેમણે કહ્યું, "સાંભળો, શું તમે મને સાપ અને વાંદરાની વાર્તા માટે કોઈ આઇડિયા આપી શકો છો? નસીમનો સૂવાનો સમય થઈ રહ્યો છે અને તેણે મને જાનવરોવાળી વાર્તા કહેવાનું કહ્યું છે. હાલ તો મારા માટે આ સૌથી મોટો પડકાર છે."

મેં કહ્યું, "વાર્તાઓમાં બીજું હોય છે શું, વાર્તા કહેવાનું શરૂ કરશો તો પછીનાં દૃશ્યો આપોઆપ સ્પષ્ટ થતાં જશે."

અફઝલ બોલ્યા, "અરે, શું તું કહેવા માગે છે, જીવન જેવું?"

મારો જવાબ હતો, "આ થઈ અસલી વાત."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો