સુરતનો મેહુલ બોઘરા કેસ : જો તમારા પર થયેલ 'FIR' ખોટી હોય તો રદ કરાવવા શું કરી શકો?

  • ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં સુરતના વકીલ મેહુલ બોઘરા સામે થયેલ કથિત 'ખોટી' FIR મામલે ગુજરાત સરકાર અને અન્ય પક્ષકારોને નોટિસ પાઠવી છે
  • મેહુલ બોઘરાનો આરોપ હતો કે કથિત 'હપ્તાખોર' ટ્રાફિકજવાનનું સત્ય બહાર લાવવાના પ્રયાસમાં તેમના પર હુમલો થયો હતો અને 'ખોટી' FIR દાખલ કરાઈ હતી
  • જો 'ખોટી FIR' દાખલ થાય તો તે રદ કરાવવા માટે શો પગલાં લઈ શકાય?

ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં સુરતના ઍડ્વોકેટ મેહુલ બોઘરા સામે થયેલ ઍટ્રોસિટી, લાંચ માગવાની અને સરકારી અધિકારીની કાર્યવાહી બાધિત કરવાના આરોપ હેઠળ થયેલ FIR મામલે ગુજરાત સરકાર અને અન્ય પક્ષકારોને નોટિસ પાઠવી હતી.

આ મામલામાં મેહુલ બોઘરાનો આરોપ હતો કે કથિતપણે ભ્રષ્ટ ટ્રાફિકજવાનોની કાર્યવાહીને કૅમેરા વડે રેકર્ડ કરી તે ફેસબુક લાઇવ કરવા મામલે તેમના પર કથિત 'હપ્તાખોર' ટ્રાફિકજવાન સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. અને તેમની સામે અન્ય ટ્રાફિકજવાનોએ ઍટ્રોસિટી, લાંચ માગવાની અને સરકારી કાર્યવાહીમાં બાધા ઊભી કરવાની ફરિયાદ કરી હતી.

જે રદ કરાવવા માટે તેમણે અમુક દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં.

હવે જ્યારે આ મામલો ચર્ચાઈ રહ્યો છે ત્યારે જો કોઈ વ્યક્તિ આપના પર 'ખોટી' FIR કરે કે કરાવડાવે તો તેમાંથી છૂટવા માટેનાં ન્યાયિક રસ્તા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

જો આવું તમારી સાથે બને તો શું કરવું? તેના માટે કયા કયા રસ્તા કાયદામાં ઉપલબ્ધ છે? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ કાયદાના જાણકારનો સંપર્ક સાધ્યો હતો.

જો 'ખોટી' FIR દાખલ કરવામાં આવે તો?

ગુજરાતના સુરત અને નવસારી જિલ્લામાં વર્ષોથી વકીલાત કરી રહેલ ઍડ્વોકેટ પ્રતાપસિંહ મહિડાના મતે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ 'નિર્દોષ વ્યક્તિ' સામે FIR કરે કે કરાવે અથવા પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરે તો તેની સામે કાયદાની કેટલીક જોગવાઈઓ પ્રમાણે આવી FIR કે ફરિયાદ રદ કરાવી શકાય છે.

તેઓ FIR અને પ્રાઇવેટ ફરિયાદ વચ્ચેના ભેદને જણાવતાં કહે છે કે 'FIR પોલીસ દ્વારા દાખલ કરવામાં આવે છે. જ્યારે પ્રાઇવેટ ફરિયાદ ફરિયાદી મૅજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવી શકાય છે. CrPCની કલમ 200 અંતર્ગત આવી પ્રાઇવેટ ફરિયાદનું કૉગ્નિઝન્સ મૅજિસ્ટ્રેટ લઈ શકે છે.'

તેઓ 'નિર્દોષ વ્યક્તિ' સામે થયેલ FIRને રદ કરાવવા માટેનાં પગલાં જણાવતાં આગળ કહે છે કે, "FIR રદ કરાવવા માટે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી શકાય. તેમજ જે-તે કોર્ટ સમક્ષ પોતાની રજૂઆત કરી શકાય. પરંતુ સામાન્યપણે તે વધુ કારગત નીવડતી નથી. તેથી આવા કિસ્સામાં હાઈકોર્ટ એકમાત્ર રસ્તો બની જાય છે."

ગુજરાત હાઇકોર્ટના વકીલ કે. આર. કોષ્ટી આ સંદર્ભે જણાવે છે કે, "ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ની કલમ 482 અંતર્ગત હાઈકોર્ટના હાથમાં ન્યાયના બે છેડા ન્યાયના હિતમાં ભેગા કરવા માટેની સત્તા છે."

"પોતાની પર FIR દાખલ થયા બાદ આવી વ્યક્તિ ભારતીય બંધારણના અનુચ્છેદ 226 અંતર્ગત હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરીને પોતાના પરની FIR રદ કરાવી શકે છે."

તેઓ જણાવે છે કે આવી અરજી દાખલ કરનાર વ્યક્તિ ઉપર પોતાના પરની FIR ખોટી છે તેવી સાબિત કરવાની જવાબદારી હોય છે.

ખોટી FIR દાખલ કરનાર સામે શું પગલાં લઈ શકાય?

જો કોઈ વ્યક્તિ 'નિર્દોષ વ્યક્તિ' સામે FIR દાખલ કરાવે તો તેમની સામે IPCની કલમ 182 અને 211 અંતર્ગત ફરિયાદ કરી શકાય છે.

જો આ આરોપ સાબિત થાય તો તેના માટે દોષિતને છ મહિનાની સજા કે દંડ કે બંનેની જોગવાઈ છે.

IPC 211 અંતર્ગત બદઇરાદા સાથે કાયદાકીય કાર્યવાહી કરવાના આરોપસર ફરિયાદ દાખલ કરાવી શકાય છે.

આ સિવાય IPC 182 અંતર્ગત જાણીજોઈને નિર્દોષ વ્યક્તિ વિરુદ્ધ પોલીસને ફરિયાદ આપવા કે તેની સામે સત્તાનો ઉપયોગ કરવા બાબતે ફરિયાદ કરી શકાય.

આ સિવાય માનવાધિકાર પંચ સમક્ષ પોતાની સત્તોનો દુરુપયોગ કરનાર અધિકારી સામે ફરિયાદ કરી શકાય.

તેમજ અંતે પોતાના સ્વમાનને પહોંચેલ હાનિ અંગે નાણાકીય વળતર મેળવવા માટે દીવાની દાવો માંડી શકાય.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો