સાયરસ મિસ્ત્રી કોણ હતા જેમનું અમદાવાદથી મુંબઈ જતાં માર્ગ અકસ્માતમાં નિધન થયું?

  • ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચૅરમૅન ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન
  • અમદાવાદથી મુંબઈ કાર મારફતે જતી વખતે નડ્યો અકસ્માત
  • ટાટા ગ્રૂપના નૉન-ટાટા ચૅરમૅન બનનાર બે વ્યક્તિઓ પૈકી એક હતા સાયરસ
  • શાપૂરજી પલોનજી ગ્રૂપના વડા તરીકે કાર્યરત્ હતા

ટાટા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીનું રવિવારના રોજ મહારાષ્ટના પાલઘર જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેઓ 54 વર્ષના હતા.

સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી જણાવ્યું કે તેમની કાર સડકના ડિવાઇડર સાથે અથડાઈ જતાં આ દુર્ઘટના થઈ હતી.

તેમણે જણાવ્યું કે સાયરસ મિસ્ત્રી દુર્ઘટના સમયે મર્સીડીઝ કારમાં અમદાવાદથી મુંબઈની યાત્રા કરી રહ્યા હતા.

પાલઘરના પોલીસ અધીક્ષક બાલાસાહેબ પાટીલે કહ્યું, "દુર્ઘટના બપોરના સવા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. સૂર્યા નદી ઉપર બનેલ પુલ પર આ ઘટના થઈ, લાગે છે કે આ એક દુર્ઘટના છે."

બાલાસાહેબ પાટીલે જણાવ્યું કે તેમની સાથે યાત્રા કરી રહેલ બે લોકો ઈજાગ્રસ્ત છે જેમાં કારના ડ્રાઇવર પણ સામેલ છે.

ઘાયલોને ગુજરાતની એક હૉસ્પિટલમાં દાખલ કરાવાયા છે. પોલીસના એસપીએ જણાવ્યું છે કે ઘટના વિશે વધુ જાણકારી એ લોકો પાસેથી લેવાશે.

કાસા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે સૂર્યા રિવર બ્રિજ પર ચારોટી નાકા પર આ ઘટના થઈ જે તેમના સ્ટેશન અંતર્ગત આવે છે.

સાયરસ મિસ્ત્રીના મૃતદેહને પોસ્ટમૉર્ટેમ માટે કાસા રૂરલ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.

કોણ હતા સારસ મિસ્ત્રી?

આયર્લૅન્ડમાં જન્મેલા સાયરસ મિસ્ત્રીએ લંડન બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેઓ પલોનજી શાપૂરજીના સૌથી નાના પુત્ર હતા. તેમનો પરિવાર આયર્લૅન્ડના સૌથી ધનિક ભારતીય પરિવારો પૈકીનો એક છે. સાયરસે 1991માં શાપૂરજી પલોનજી ઍન્ડ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

તેઓ 1994માં શાપૂરજી પલોનજી ગ્રૂપના ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. સાયરસના નેતૃત્વ હેઠળ, શાપૂરજી પલોનજી ઍન્ડ કંપનીએ ભારે નફો કર્યો હતો અને તેનું ટર્નઓવર બે કરોડ પાઉન્ડથી વધીને લગભગ દોઢ અબજ પાઉન્ડ થયું હતું.

કંપનીએ મરિન, ઑઈલ-ગૅસ અને રેલવેમાં તેમના બિઝનેસને વિસ્તાર્યો હતો. આ સમય દરમિયાન, આ કંપનીનું નિર્માણકાર્ય દસથી વધુ દેશોમાં ફેલાયું હતું. સાયરસના નેતૃત્વ હેઠળ, તેમની કંપનીએ ભારતમાં સૌથી ઊંચાં રહેણાક ટાવરનું નિર્માણ, સૌથી લાંબા રેલવે પુલનું નિર્માણ અને સૌથી મોટા બંદરનું નિર્માણ સહિત ઘણા મોટા રેકૉર્ડ બનાવ્યા હતા.

સાયરસ 2006માં ટાટા સન્સના બોર્ડમાં જોડાયા હતા. વરિષ્ઠ પત્રકાર એમ. કે. વેણુના જણાવ્યા અનુસાર, "ટાટા સન્સનો સૌથી મોટો હિસ્સો સાયરસ મિસ્ત્રીના પરિવાર પાસે છે."

સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ વડા હતા.

વર્ષ 2012માં રતન ટાટાની નિવૃત્તિ બાદ સાયરસ મિસ્ત્રીને ટાટા ગ્રૂપનું નેતૃત્વ મળ્યું. તેઓ ટાટા સન્સના છઠા ચૅરમૅન હતા.

'સરપ્રાઇઝ ચૉઇસ'

ટાટા ગ્રૂપના નૉન-ટાટા ચૅરમૅન પૈકી તેઓ એક હતા. જોકે એવું કહેવું કે તેમના ટાટા પરિવાર સાથે કોઈ સંબંધ નહોતા તે પણ યોગ્ય નથી.

મિસ્ત્રીનાં બહેનનાં લગ્ન રતન ટાટાના સાવકા ભાઈ સાથે થયાં છે. ટાટા ગ્રૂપનું નેતૃત્વ તેમને મળ્યું ત્યારે ઘણાં મીડિયા હાઉસે તેમને એક 'સરપ્રાઇઝ ચૉઇસ' ગણાવ્યા હતા.

જોકે ત્યારે 43 વર્ષના તેમનાં અનુભવ અને ઉપલબ્ધિઓને નજીકથી જોયા-પારખ્યા બાદ તેમને કોઈ આશ્ચર્યજનક વિકલ્પના સ્થાને એક આદર્શ અને યોગ્ય વ્યક્તિ ગણાવાયા.

વ્યક્તિગતપણે, મિસ્ત્રીના મિત્ર અને સહયોગી તેમને એક મૃદુભાષી અને સ્પષ્ટવાદી વ્યક્તિ ગણાવે છે. નવરાશની પળોમાં તેમને ગોલ્ફ રમવાનો અને પુસ્તકો વાંચવાનો શોખ હતો.

ઘણી હાઇ-પ્રોફાઇલ પૉઝિશન સંભાળી ચૂકેલા મિસ્ત્રીને હંમેશાં લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ હતું. મિસ્ત્રીને ઑક્ટોબર 2016માં ટાટા સન્સના ચૅરમૅન પદ પરથી હઠાવી દેવાયા હતા.

મિસ્ત્રીને જ્યારે હઠાવાયા ત્યારે તેમણે દાવો કર્યો હતો કે કંપની ઍક્ટનું ઉલ્લંઘન કરીને તેમને બરખાસ્ત કરાયા છે. આ સાથે તેમણે ટાટા સન્સના મૅનેજમૅન્ટમાં ગરબડનો પણ આરોપ કર્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો