You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાનિયા ખાન નામનાં મહિલાએ તલાક વિશે ટિકટૉક વીડિયો બનાવ્યો, પતિએ કરી નાખી હત્યા
- લેેખક, સેમ કેબ્રલ
- પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન
- દક્ષિણ એશિયન મૂળનાં સાનિયા ખાનનું તેમના પતિએ શિકાગોમાં ગોળી મારી અને પોતે આત્મહત્યા કરી.
- સાનિયા ખાન ફોટોગ્રાફી કરતાં હતાં. પતિ-પત્ની વચ્ચે તલાકની વાત ચાલી રહી હતી.
- સાનિયાએ ટિકટૉક પર વીડિયો નાખ્યો હતો ત્યાર બાદ પતિએ તેમની હત્યા કરી હતી.
- સાનિયાના પતિ માનસિક રોગી હોવાનું જણાવવામાં આવ્યું છે.
જ્યારે સાનિયા ખાને પોતાનાં લગ્ન તોડ્યાં ત્યારે દક્ષિણ એશિયાના મુસ્લિમ સમુદાયમાંથી કેટલાક લોકોએ એ તેમને એવો અનુભવ કરાવ્યો કે જાણે તેઓ "જીવનમાં નિષ્ફળ" ગયાં હોય. ટિકટૉકના માધ્યમથી તેમને અજાણ્યા લોકો પાસેથી સમર્થન મળ્યું, પરંતુ એ પણ ત્યાં સુધી જ્યાં સુધી તેમના પૂર્વ પતિ પરત ન ફર્યા અને તેમની હત્યા કરી નાખી.
આ સ્ટોરીમાં કેટલીક એવી વિગતો છે જે કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે
તેમની બૅગ પૅક થઈ ગઈ હતી. તેઓ મુક્ત થવાં તૈયાર હતાં.
21 જુલાઈનો દિવસ હતો જ્યારે 29 વર્ષીય સાનિયા ખાને શિકાગો, ઇલિનૉયસ છોડ્યું. તેમણે પોતાનું જીવન એકલાં જ પોતાના વતન ચેટ્ટાનૂગામાં વિતાવવાનું નક્કી કર્યું.
જોકે, જેવું તેમણે વિચાર્યું હતું એવું ન થયું અને તે દિવસે તેઓ ટૅનેસીસ્થિત પોતાના ઘરમાં એક શબપેટીમાં પરત ફર્યાં હતાં.
ત્રણ દિવસ પહેલાં પોલીસને શિકાગોસ્થિત ઘરના દરવાજા પાસે સાનિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. શિકાગોવાળા ઘરમાં તેઓ પોતાના 36 વર્ષીય પતિ રાહીલ અહમદ સાથે રહેતાં હતાં. તેમને માથાના પાછળના ભાગમાં ગોળી વાગી હતી અને તેમને ત્યાં જ મૃત જાહેર કરી દેવાયાં હતાં.
પોલીસના આવ્યા બાદ રાહિલે બંદૂક પોતાના તરફ ફેરવી હતી અને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ રિપોર્ટ્સ પ્રમાણે સાનિયા અને રાહિલ તલાક લઈ રહ્યાં હતાં. આ સ્થિતિમાં રાહિલ અહમદ બીજા રાજ્યમાં રહેવા જતા રહ્યા હતા. પરંતુ પોતાનાં લગ્નને બચાવવા 700 માઇલ દૂર પરત પોતાના ઘરે આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ સાનિયાના જીવનનો અંત મર્ડર અને આત્મહત્યાના દુ:ખદ અધ્યાય સાથે થયો. સાનિયા ખાન પાકિસ્તાની અમેરિકન ફોટોગ્રાફર હતાં જેમને હાલ જ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટિકટૉક પર ઓળખ મળી હતી અને તેઓ લગ્ન બાદ મળેલા આઘાત અને તલાક વચ્ચે જીવી રહેલી દક્ષિણ એશિયન સમાજની મહિલાઓનો અવાજ બન્યાં હતાં.
તેમના મૃત્યુથી તેમનાં મિત્રો આઘાતમાં છે અને આ મુદ્દો તેમનાં ઑનલાઇન ફૉલોઅર્સ તેમજ બીજી દક્ષિણ એશિયન મહિલાઓમાં ગૂંજી ઊઠ્યો છે, જેમને લાગે છે કે તેમણે માત્ર દેખાવ ખાતર એવા સંબંધમાં રહેવું પડે છે જેનું કોઈ ભવિષ્ય નથી.
ફોટોગ્રાફીનો શોખ અને લગ્ન
બ્રાયાના વિલિયમ્સની સાનિયા ખાન સાથે યુનિવર્સિટીના દિવસોથી મિત્રતા હતી. તેઓ કહે છે, "તેઓ કહેતાં 29 વર્ષની ઉંમરે આ વર્ષ તેનું પોતાનું વર્ષ હશે અને તે એક નવી શરૂઆત હશે. તે ખૂબ ઉત્સાહિત હતી."
સાનિયા ખાનનાં મિત્રો પ્રમાણે સાનિયાની આસપાસ રહેવાથી ખૂબ સારું લાગતું. તેઓ પ્રામાણિક, સકારાત્મક અને નિઃસ્વાર્થી હતાં.
મેહરુ શેખ સાનિયા ખાનના શ્રેષ્ઠ મિત્ર હતાં. તેઓ કહે છે, "જ્યારે તેઓ પોતાનાં જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે પણ તેઓ મને ફોન કરીને પૂછતાં કે મારો દિવસ કેવો જઈ રહ્યો છે."
ઇન્સ્ટાગ્રામ પર તેમણે પોતાનું પહેલું પબ્લિક પ્લેટફૉર્મ બનાવ્યું હતું જ્યાં તેમણે ફોટોગ્રાફી પ્રત્યે પોતાના શોખ વિશે માહિતી લખી હતી. તેમનાં બાયોમાં લખેલું હતું : "હું લોકોને કૅમેરાની સામે પોતાની જાત સાથે પ્રેમમાં પડવામાં મદદ કરું છું."
સાનિયા ખાને લગ્નો દરમિયાન ફોટોગ્રાફી કરી હતી. આ સિવાય લોકોનાં મેટરનિટી શૂટ, બેબી શાવર અને બીજા પણ કેટલાક કાર્યક્રમોમાં શૂટિંગ કર્યું હતું. તેમના ઘણા ગ્રાહક એવા હતા જે ખૂબ જ પૈસાદાર હતા.
મેહરુ શેખ કહે છે, "કૅમેરાની પાછળ તેમની અસલી ઝલક જોવા મળતી. તે લોકોને કૅમેરાની સામે એવી રીતે સંભાળી શકતાં હતાં કે જેનાથી લોકોની ભાવના અને ખુશી કૅમેરામાં કેદ થઈ શકે."
આ વચ્ચે તેમણે પોતાનાં જીવનમાં પણ થોડી ખુશી શોધી. પાંચ વર્ષ સુધી અહમદ સાથે પ્રેમસંબંધ બાદ તેમણે જૂન 2021માં લગ્ન કર્યાં હતાં અને તેમની સાથે શિકાગો જતાં રહ્યાં હતાં.
સાનિયાનાં નાનપણનાં મિત્ર કહે છે, "તેમનાં લગ્ન પાકિસ્તાની સ્ટાઇલમાં ખૂબ જ ધામધૂમથી થયાં હતાં. પરંતુ આ લગ્નના પાયામાં જુઠ્ઠાણું અને ચાલાકી હતાં."
પતિ માનસિક રોગી હતા?
સાનિયા ખાનનાં મિત્રો દાવો કરે છે કે અહમદ વર્ષોથી માનસિક રોગી હતા. લગ્ન પહેલાં આ દંપતી દૂર-દૂર રહેતા હતા અને એટલે એકબીજા સાથે રહેવાનો અને સારી રીતે ઓળખવાનો મોકો મળ્યો ન હતો.
સમસ્યા ત્યારે વધી જ્યારે ગયા ડિસેમ્બર મહિનામાં સાનિયા ખાને તેમનાં મિત્રને કહ્યું કે અહમદ માનસિક રોગી છે અને તેમને અસુરક્ષિત લાગી રહ્યું છે. બીબીસીએ અહમદના પરિવાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ એવું થઈ શક્યું નથી.
તો ખાન પરિવારે પણ આ મામલે કંઈ કહેવાની ના પાડી દીધી હતી.
અમેરિકામાં દર અઠવાડિયે અઢળક હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ બને છે. વાયોલેન્સ પૉલિસી સેન્ટર પ્રમાણે આ ઘટનાઓમાં બે તૃતીયાંશ જેટલા કેસ દંપતીના જ હોય છે.
માનસિક અસ્વસ્થતા અને સંબંધોમાં તિરાડ- આ બે મુખ્ય કારણો છે જેમાં મહિલાઓએ તેમના સાથી દ્વારા શોષણ સહન કરવું પડે છે. ઘરેલુ હિંસાના નિષ્ણાત કહે છે કે જ્યારે દંપતી સંબંધ તોડે છે ત્યારે મહિલાની તેમના સાથી દ્વારા હત્યાનો ખતરો ખૂબ વધારે રહે છે.
ડિસેમ્બર સુધી સાનિયા ખાને આ વાત ગુપ્ત રાખી હતી કે તેઓ લગ્નમાં ખુશ નથી અને તેમના પતિ માનસિક રોગી છે. પરંતુ પછી તેમણે આ વિશે પોતાનાં મિત્રો સાથે વાત કરી.
તેમનાં મિત્રો કહે છે કે તેણે તેનાં લગ્નની મુશ્કેલી વિશે વાત કરી હતી. જણાવ્યું હતું કે તેમના પતિ રાત્રે સારી રીતે ઊંઘતા નથી અને ઘણી વખત વિચિત્ર વ્યવ્હાર કરે છે. તેઓ થૅરેપી લેવા જતા નથી. સાનિયા ખાનને લાગતું કે તેમના પતિનું માનસિક સ્વાસ્થ્ય તેમના પર બોજ બની રહ્યું છે.
તેમના મિત્રો કહે છે કે તેમણે સાનિયા ખાનને લગ્ન તોડી દેવાની સલાહ આપી હતી, પરંતુ કેટલાક લોકો હતા જેમણે તેમને લગ્ન ન તોડવાની સલાહ આપી હતી.
બ્રાયાના વિલિયમ્સ કહે છે કે જ્યારે તેઓ મે મહિનામાં છેલ્લી વખત સાનિયા ખાનને શિકાગોમાં મળ્યા હતાં ત્યારે સાનિયા ખાન ભાંગી પડ્યાં હતાં.
બીબીસી સાથે વાત કરતાં વિલિયમ્સ કહે છે, "તલાકને લોકો શરમજનક ગણાવે છે અને તે ખૂબ જ એકલતા અનુભવી રહી હતી. તે એક વાક્ય હંમેશાં કહેતી 'લોકો શું કહેશે'."
સમુદાયનું દબાણ
શિકાગોસ્થિત એક સંસ્થા અપના ઘરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નેહા ગિલ કહે છે, "જે પરિવાર આવી ઘટનાઓમાંથી પસાર થઈ રહ્યો છે તેના પર સામાજિક દબાણ ખૂબ હોય છે." અપના ઘર સંસ્થા દક્ષિણ એશિયન મહિલાઓને, જેઓ પોતાના સાથી દ્વારા શોષણનો ભોગ બની રહી હોય છે, તેમને સેવા આપે છે.
નેહા ગિલ કહે છે, "આપણે ત્યાંની સંસ્કૃતિ એ ખૂબ સામૂદાયિક છે. અહીં લોકોએ પોતાની સુરક્ષા કરતાં વધારે પરિવાર અને સમાજ વિશે ચિંતા કરવી પડે છે અને તેમને વધારે મહત્ત્વ આપવાનું હોય છે."
જોકે, પોતાનાં મિત્રોની મદદથી સાનિયા ખાને તલાકની અરજી કરી અને તેની સુનાવણી ઑગસ્ટમાં થવાની હતી.
તેમણે કેટલાક પ્રતિબંધો માટે પણ અરજી કરી હતી અને પોતાના દરવાજાનાં તાળાં પણ બદલી નાખ્યાં હતાં.
તેમણે પોતાની સ્ટોરી ટિકટૉક પર શૅક કરવાનું શરૂ કર્યું અને ત્યાં તેમણે પોતાને એક 'બ્લૅક શિપ' ગણાવ્યાં હતાં.
તેમની એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે, "દક્ષિણ એશિયન મહિલા તરીકે તલાકની પ્રક્રિયામાંથી પસાર થવાથી તમને લાગે છે કે તમે જીવનમાં નિષ્ફળ ગયા છો."
"મારાં પરિવારજનોએ કહ્યું કે જો હું મારા પતિને છોડીશ તો હું શૈતાનને જીત તરફ આગળ કરી દઈશ. જો હું મારા ઘરે પરત જઈશ તો તેઓ આત્મહત્યા કરી લેશે."
વધુ એક યુનિવર્સિટી મિત્ર નેટી યાદ કરે છે કે આ પ્લેટફૉર્મ પર ખાન વાઇરલ બની ગયાં હતાં.
"તેઓ વારંવાર મારા ફોન પર જોવા મળતાં હતાં અને તેઓ કહેતાં કે હું આ જ કરવા માગતી હતી. હું મારા સંબંધ વિશે લોકોને જણાવવા માગતી હતી અને એ મહિલાઓની આગેવાની કરવા માગું છું જેઓ એક ખરાબ સંબંધમાં જીવી રહી છે."
નેટી કહે છે કે દરેક પોસ્ટ સાથે સાનિયા ખાનને આશ્વાસન અને હિંમત મળી હતી. તેમના પર લોકોનો ગુસ્સો પણ ફાટી નીકળ્યો હતો.
સાનિયાને સોશિયલ મીડિયા પર ફૉલોઅર્સની શ્રદ્ધાંજલિ
સાનિયા ખાનના મૃત્યુ સમયે તેમનાં ટિકટૉક પર 20 હજાર જેટલા ફૉલોઅર્સ હતા.
35 વર્ષીય પાકિસ્તાની અમેરિકન મુસ્લિમ મહિલા બિસ્મા પરવેઝ પણ તે ફૉલોઅર્સમાંથી એક હતાં.
તેઓ કહે છે, "મને યાદ છે, તેમનો પહેલો વીડિયો જોયા બાદ હું માત્ર તેમનાં માટે દુઆ કરી રહી હતી. આ સ્થિતિમાં મહિલાઓને હંમેશાં ધૈર્ય રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે. પરંતુ અપમાનજનક સંબંધોમાં ધૈર્યનો કોઈ મતલબ નથી."
તેમણે સાનિયા ખાનને તેમના પોતાના ટિકટૉક વીડિયો સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ કેસ બન્યો ત્યારથી ઘણી ચર્ચાઓ થવા લાગી છે.
શિકાગોસ્થિત અપના ઘર સંસ્થા સાનિયા ખાનની પહેલી માસિક પુણ્યતિથિ પર એક વર્ચ્યુઅલ પેનલ ડિસ્કશન વિશે વિચાર કરી રહ્યું છે.
સાનિયા ખાનને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રેમ મળી રહ્યો છે.
આ સાથે સાનિયા ખાનનાં પૂર્વ મિત્રો જેઓ ચેટ્ટાનૂગા સ્કૂલ ફૉર આર્ટ્સ ઍન્ડ સાયન્સમાં ભણતાં હતાં તેમણે સાનિયા ખાનના નામે સ્કૉલરશિપ પણ શરૂ કરી છે.
બિસ્મા પરવેઝ કહે છે, "બધા લોકો વાતો કરે છે, પણ સોશિયલ મીડિયાથી જાણવા મળે છે કે આ એક વૈશ્વિક સમસ્યા છે. આપણે હંમેશાં મહિલાઓને કહીએ છીએ કે તેઓ જાતે પોતાને સુરક્ષા આપે. પરંતુ દીકરાઓને પણ એ રીતે સમજાવીને મોટા કરવાની જરૂર છે કે તે આગળ ચાલીને મહિલાઓને સન્માન આપે. એ તાલીમ ઘરથી જ મળી શકે છે અને દરેક પરિવારમાં તે થવું જોઈએ."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો