You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, ઇમરાન ખાનની રેલી બાદ સૈન્ય તહેનાત
પાકિસ્તાનમાં પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની 'આઝાદી કૂચ'ને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને ઇસ્લામાબાદના રેડ ઝોન વિસ્તારની સુરક્ષા માટે સૈન્યને તહેનાત કરવામાં આવ્યું છે. રેડ ઝોનમાં ન્યાયપાલિકા, સંસદ જેવાં મહત્ત્વપૂર્ણ સરકારી ભવનો આવેલાં છે.
ઇમરાન ખાને સરકારને છ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અને જણાવ્યું છે કે જો સંસદને ભંગ કરીને ચૂંટણીની જાહેરાત કરવામાં નહીં આવે તો તેઓ 'સમગ્ર દેશ'ને લઈને ઇસ્લામાબાદ કૂચ કરશે.
પોતાના હજારો સમર્થકો સાથે બુધવારે ઇમરાન ખાન ઇસ્લામબાદ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે વર્તમાન સરકારને સંબંધિત ચીમકી આપી હતી.
આ દરમિયાન સમગ્ર દેશમાં ખાનની પાર્ટી તહેરીક-એ-ઇન્સાફ પાકિસ્તાન (પીટીઆઈ)ના કાર્યકરો અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણની ઘટનાઓ ઘટી હતી. બુધવાર સુધીમાં 400થી વધુ કાર્યકરોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
રેડ ઝોનમાં આર્મી અને પીટીઆઈના કાર્યકરો આમનેસામને
હાલમાં રેડ ઝોનમાં માહોલ ભારે ઉગ્ર છે. બીબીસીનાં સંવાદદાતા ફરહત જાવેદના જણાવ્યા અનુસાર વિસ્તારમાં પાકિસ્તાની રેન્જર્સ અને પીટીઆઈના કાર્યકરો સામસામે આવી ગયા છે.
સંસદની સુરક્ષા માટે મોટા પ્રમાણમાં સુરક્ષા દળો તહેનાત કરી દેવાયાં છે. અન્ય ઇમારતોની સુરક્ષા પણ ભારે પ્રમાણમાં વધારી દેવાઈ છે.
વિરોધપ્રદર્શનના કેટલાક વીડિયોમાં 'પાકિસ્તાન ફોજ ઝિંદાબાદ'નાં સૂત્રો સંભળાઈ રહ્યા છે.
આ દરમિયાન પ્રદર્શનકારીઓને વિસ્તાર ખાલી કરી દેવા જણાવાયું છે. જોકે, હજુ સુધી પ્રદર્શનકારીઓ ટસના મસ નથી થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેટ્રો સ્ટેશન પર આગ લગાડાઈ?
આ દરમિયાન ઇસ્લામાબાદમાં મેટ્રો સ્ટેશનને આગ લગાડી દેવાઈ હોવાના અહેવાલ છે.
પાકિસ્તાન ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝ સાથે વાત કરતાં ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે જણાવ્યું છે કે પીટીઆઈની લૉન્ગ માર્ચ દરમિયાન સરકારી સંપત્તિને થયેલા નુકસાનનો હાલ અંદાજો લગાવી શકાય એમ નથી.
તેમણે ઉમેર્યું, "મેં સાંભળ્યું છે કે એક મેટ્રો સ્ટેશનમાં આગ ચાંપી દેવાઈ છે. અત્યાર સુધીની અથડામણમાં કેટલાય લોકો ઘાયલ થયા છે."
ઇસ્લામાબદ પોલીસે પણ જણાવ્યું છે કે રાજધાનીના રેડ ઝોન વિસ્તારમાં કોઈના પણ પ્રવેશને મંજૂરી નહીં અપાય.
આ દરમિયાન પોલીસ પર આરોપ લગાવાઈ રહ્યો છે કે તે મહિલાઓ અને બાળકો પર એ આંસુ ગૅસના ગોળાનો પ્રયોગ કરી રહી છે, જે ઍક્સપાયર થઈ ચૂક્યા છે, એટલે કે તેની તારીખ જતી રહી છે.
પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે ઇમરાન ખાનની સરકારમાં મંત્રી રહેલાં શિરીન મઝારીને ટાંકીને ટ્વીટ કર્યું છે, "ઍક્સપાયર થઈ ગયેલા આંસુ ગૅસના ગૉળાનો ઉપયોગ કરવો એ કોર્ટના આદેશનું ઉલ્લંઘન માત્ર જ નથી પણ પાકિસ્તાની નાગરિકો વિરુદ્ધ રાણા સનાઉલ્લાહનો આતંકવાદ પણ છે."
નોંધનીય છે કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઇસ્લામાબાદમાં એચ-9 વિસ્તારમાં માર્ચ યોજવાની મંજૂરી આપી હતી.
કોર્ટે સરકારને બળપ્રયોગ ન કરવા, નેતાઓને ત્યાં દરોડા પાડી પરેશાન ન કરવા તથા પબ્લિક ઑર્ડરના કાયદા હેઠળ જે વકીલોની ધરપકડ કરી લેવાઈ છે તેમને મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગત મહિને અવિશ્વાસના મત બાદ ઇમરાન ખાને સત્તા ગુમાવી દીધી હતી.
ઇમરાન ખાને શનિવારે સમર્થકોને ઇસ્લામાબાદ પહોંચવા અને વર્તમાન સંસદનો ભંગ ન થાય અને નવી સરકાર ન બને ત્યાં સુધી ત્યાં જ રહેવા હાકલ કરી છે.
હાલમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ છે અને પાકિસ્તાન મુસ્લિમ લિગની સંયુક્ત સરકાર છે. શાહબાઝ શરીફે ચૂંટણી નિયત સમયે જ થશે અને સરકાર તેની ટર્મ પૂરી કરશે એમ કહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો