પોર્ન : લોકો જાહેરમાં પોર્ન કેમ જોતા હોય છે?

બ્રૉનવેન રીડ બીજા વિદ્યાર્થીઓની માફક લાઇબ્રેરીમાં અભ્યાસના ઇરાદા સાથે બેઠાં હતાં. એ વખતે તેમની નજર લાઇબ્રેરીના એક કમ્પ્યુટર પર પોર્નોગ્રાફી નિહાળી રહેલા એક પુરુષ પર પડી હતી.

બ્રૉનવેને બીબીસીને કહ્યું હતું કે "હું ચકિત થઈ ગઈ હતી અને મને આઘાત લાગ્યો હતો. મારે શું કરવું જોઈએ એ સમજાતું ન હતું."

બ્રિટનના માન્ચેસ્ટરમાં રહેતાં 21 વર્ષના બ્રૉનવેને તેને "ક્યારેક બનતી ઘટના" ગણી હતી, પરંતુ થોડા સપ્તાહ પછી તેમને ફરી એ જ પુરુષ એ જ લાઇબ્રેરીમાં પોર્નોગ્રાફી નિહાળતો જોવા મળ્યો હતો.

બ્રૉનવેનની માફક અન્ય નાગરિકોએ પણ, બસમાં કે ટ્રેનમાં જાહેરમાં પોર્નોગ્રાફી નિહાળતા પુરુષોને જોયાના પોતાના અનુભવોની વાત કરી હતી.

બ્રિટિશ સંસદના હાઉસ ઑફ કૉમન્સ એટલે કે આમ સભામાં પોતાના ફોન પર પોર્નોગ્રાફી નિહાળતા હોવાની કબૂલાત કરીને કન્ઝર્વેટિવ પક્ષના એક સંસદસભ્યએ તાજેતરમાં રાજીનામું આપ્યું હતું.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ ટ્રૅક્ટરની વેબસાઇટ શોધતા હતા ત્યારે ભૂલથી એ ઘટના બની હતી, પરંતુ તેમને પોર્નોગ્રાફીમાં જરાય રસ નથી.

મીડિયા પર નજર રાખતા સંગઠન ઑફકોમના એક અહેવાલ મુજબ, બ્રિટનના કુલ પૈકીના અડધોઅડધ પુખ્ત વયના લોકો પોર્નોગ્રાફી નિહાળે છે.

લોકો પોર્નોગ્રાફી ખાનગીમાં જોવાને બદલે જાહેરમાં શા માટે નિહાળે છે તે જાણવા માટે અમે સાઇકોથૅરેપિસ્ટ ડૉ. પૉલા હૉલ સાથે વાત કરી હતી. લૌરેલ સેન્ટર ખાતે કાર્યરત ડૉ. પૉલા સેક્સ અને પોર્નોગ્રાફીના વળગણના નિરાકરણના નિષ્ણાત છે.

પોર્નોગ્રાફીની લત

ડૉ. પૉલા હૉલને પોર્નોગ્રાફીના બંધાણ સંબંધી તેમના કામ દરમિયાન એક સંભવિત કારણ વિશેષ રીતે જોવા મળ્યું છે.

તેઓ કહે છે કે "લોકોને કોઈ ચીજનું બંધાણ થઈ જાય ત્યારે તેઓ તેમના આવેગ પરનો અંકુશ ગુમાવી બેસતા હોય છે એ આપણે જાણીએ છીએ. તે વ્યસન ભલે દારૂનું હોય, જુગારનું હોય કે પછી ગેમિંગનું હોય, લોકો આવેગ પરનો અંકુશ ઝડપભેર ગુમાવી દેતા હોય છે"

ડૉ. પૉલા હૉલના જણાવ્યા મુજબ, "પોર્નોગ્રાફી તત્કાળ જોવાની ઇચ્છા અને જરૂરિયાત, તે ઘરે પહોંચીને નિહાળવાનું જાતને સમજાવવા કરતાં, વધુ પ્રબળ હોય છે."

કોઈને પોર્નોગ્રાફી નિહાળવાનું વ્યસન થઈ જાય પછી "તેના દિમાગનો એક હિસ્સો વિચારવાનું ધીમે-ધીમે બંધ કરી દેતો હોય છે."

વ્યક્તિગત જાગૃતિ અને મુખ્ય ધારા

કેલ્લમ સિંગલટન તેમના વતન ગ્લાસગોમાં બસમાં પ્રવાસ કરતા હતા ત્યારે તેમણે "એક પુરુષને પોર્નોગ્રાફી નિહાળતો જોયો હતો."

19 વર્ષનાં સિંગલટને "અણગમો અને મૂંઝવણ" અનુભવ્યાં હતાં, કારણ કે કોઈ જાહેરમાં આવું શા માટે કરે એ તેઓ જાણતા ન હતા.

સિંગલટન કહે છે કે "આ રોજિંદી બાબત હોય એવું લાગે છે. ખરેખર તો એવું ન હોવું જોઈએ."

ડૉ. પૉલા હૉલ માને છે કે જાહેરમાં પોર્નોગ્રાફી નિહાળતા લોકોમાં "જાગૃતિનો અભાવ" હોય તે પણ શક્ય છે.

તેઓ કહે છે કે "તેઓ ઈબે કે ફેસબુક જેવી વેબસાઇટ સ્ક્રોલ કરતા હોય છે. પછી તેઓ એક લિન્ક પર ક્લિક કરે છે અને પોર્નોગ્રાફી સાઇટ પર પહોંચી જાય છે."

ડૉ. પૉલા હૉલના જણાવ્યા મુજબ, મુખ્ય સાંસ્કૃતિક ધારામાં પોર્નોગ્રાફીને "સામાન્ય બાબત ગણવાની વૃત્તિ"નો પ્રભાવ પણ લોકો પર પડતો હોય છે.

થોડાં વર્ષ અગાઉની પરિસ્થિતિની સરખામણીએ અત્યારે પોર્નોગ્રાફીનો વ્યાપક પ્રમાણમાં ફેલાવો થયેલો છે અને કોને પોર્નોગ્રાફી કહેવાય તથા કોને નહીં એ વચ્ચેની ભેદરેખા લગભગ ભૂંસાઈ ગઈ છે.

ડૉ. પૉલા હૉલ કહે છે કે "જાહેરમાં પોર્નોગ્રાફી નિહાળતા લોકો કદાચ એવું વિચારતા હશે કે તેમની આજુબાજુના લોકો પણ એવું જ કરી રહ્યા છે. આ બાબત બહુ સામાન્ય થઈ ગઈ છે."

ડૉ. પૉલા હૉલના જણાવ્યા મુજબ, જાહેરમાં પોર્નોગ્રાફી નિહાળવી તેને "મુઠ્ઠીભર પુરુષો પોતાની શક્તિનું પ્રતિક માને છે."

"મને પોર્નોગ્રાફી જોવાનો અધિકાર છે, એવું માનવામાં મહિલાઓ પ્રત્યેનો દ્વેષ પ્રદર્શિત થાય છે," એમ કહેતાં ડૉ. પૌલા હૉલ ઉમેરે છે કે "પોતે જાહેરમાં પોર્નોગ્રાફી નિહાળતા હોય તેનાથી અન્યોને તકલીફ થતી હોય તો એ પોતાની નહીં પણ તકલીફ થતી હોય એવા લોકોની સમસ્યા છે, એવું પણ લોકો માનતા હશે."

આદતના ગુલામ

ડૉ. પૉલા હૉલના જણાવ્યા મુજબ, કોઈ વ્યક્તિ નાની વયથી જ પોર્નોગ્રાફીના સંપર્કમાં આવી હોય તો તેની અસર પણ થતી હોય છે.

તેઓ કહે છે કે "આપણે આયુષ્યના ક્યા તબક્કે, શું કરવાનું શરૂ કરીએ છીએ અને તે કઈ રીતે આપણી વર્તણૂકનો હિસ્સો બની જાય છે એ સમજવું બહુ મહત્ત્વનું છે."

"કોઈ આદતને તમે આદત ન ગણો ત્યારે તે આદતમાંથી છુટકારો મેળવવાનું વધારે મુશ્કેલ બની જાય છે. તમે કિશોર વયથી જ પોર્નોગ્રાફીથી ટેવાયેલા હશો તો તમારા માટે એ રાબેતો બની જશે."

બ્રૉનવેન રીડ આ બાબતને "અત્યંત ચિંતાજનક" ગણાવે છે, કારણ કે જાહેર સ્થળો તો બધાના માટે હોય છે.

તેઓ કહે છે કે "બધા લોકોને જાહેરસ્થળોએ, જાહેર પરિવહનમાં નિશ્ચિંતતા અને સલામતીનો અનુભવ થવો જોઈએ, પરંતુ એવું હંમેશા બનતું નથી. તેથી ઘણા લોકો અકળામણ હશે."

ડૉ. પૉલા હૉલ ઉમેરે છે કે "વ્યક્તિગત જાગૃતિના અભાવનો આ દૂષણના પ્રસારમાં મોટો ફાળો છે. વળી પોતાના વર્તનથી અન્ય નાગરિકોને કેટલી અકળામણ થાય છે એ પણ આવા લોકો જાણતા નથી. જાહેરમાં પ્રોનોગ્રાફી નિહાળતા લોકો કદાચ એ ભૂલી જતા હશે કે તેમનું કૃત્ય અન્ય લોકો માટે અપમાનજનક હોઈ શકે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો