ઓમિક્રૉન વૅરિયન્ટ : નવા વર્ષની શરૂઆતમાં પાંચ સારા સમાચાર કયા છે?

    • લેેખક, ઇગ્નાસિયો લૉપેઝ-ગોની
    • પદ, ધ કૉન્વર્સેશન

કોરોના મહામારીનો અંત હજી આવ્યો નથી અને આપણને એ પણ નથી ખબર કે તેનો અંત ક્ચારે અને કેવી રીતે આવશે. મહામારીને લઈને અસમંજસની સ્થિતિ છે.

કોરોના વાઇરસના સૌથી નવા વૅરિયન્ટ ઓમિક્રૉન વિશે હજી ઘણી બાબતો આપણે જાણતા નથી અને વાઇરસ કેવી રીતે આગળ વર્તશે એ કહેવું પણ ખૂબ જોખમથી ભરેલું છે.

આપણે એ શક્યતાને પણ ન નકારી શકીએ કે પરિસ્થિતિ બગડી શકે છે પરંતુ અત્યાર સુધી ઓમિક્રૉન અંગે જે માહિતી મળી છે તે આપણને અમુક અંશે આશાવાન બનવા માટે પ્રેરિત કરે છે.

1. ઓમિક્રૉનના સંક્રમણથી વ્યક્તિનું હૉસ્પિટલમાં દાખલ થવાનું અને મૃત્યુનું જોખમ ઓછું

એ વાતના પુરાવા મળી રહ્યા છે કે આ વૅરિયન્ટથી સંક્રમિત દર્દી માટે હૉસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઓછું છે. દક્ષિણ આફ્રિકા જ્યાં સૌપ્રથમ આ વૅરિયન્ટ મળી આવ્યો હતો, ત્યાંથી મળી આવતા ડેટાના વિશ્લેષણથી સમજી શકાય છે કે અન્ય વૅરિયન્ટથી સંક્રમિત લોકો કરતાં એ જ સમય દરમિયાન ઓમિક્રૉનથી સંક્રમિત લોકોના હૉસ્પિટલમાં દાખલ થવાનો ખતરો ઓછો છે.

હૉસ્પિટલમાં દાખલ થયા પછી પણ ઓમિક્રૉનથી સંક્રમિત લોકોને ડેલ્ટાથી સંક્રમિત દર્દીઓ કરતાં ગંભીર રીતે બીમાર થવાનું જોખમ ઓછું છે.

આની પાછળ એક કારણ એ પણ હોઈ શકે કે મોટી વસતીમાં રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ વધ્યું છે.

એ દેશો જ્યાં ઓમિક્રૉન સંક્રમણના કેસ અને આઈસીયુમાં દાખલ થનાર અને કોવિડ-19થી મૃત્યુ પામનાર લોકોના આંકડા અલગ નોંધવામાં આવી રહ્યા છે તેમાં પણ આ જોઈ શકાય છે.

જોકે હજી એ કહેવું મુશ્કેલ છે કે નવો વૅરિયન્ટ ઓછો ખતરનાક છે કે પછી આ બધું લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધવા (પહેલાંનું સંક્રમણ અને રસીકરણ)નું પરિણામ છે કે પછી આ બંને કારણો જ સાચાં છે.

દક્ષિણ આફ્રિકામાં હૉસ્પિટલમાં દાખલ થવાનો દર 65 ટકા નીચો છે, જ્યારે સ્કૉટલૅન્ડમાં 60 ટકા અને ઇંગ્લૅન્ડમાં હૉસ્પિટલમાં દાખલ કરવાનો દર 40 ટકા નીચો રહ્યો છે.

ઇમ્પિરિયલ કૉલેજ લંડનમાં એક તાજા રિપોર્ટમાં એક નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે એ લોકો જે ઓમિક્રૉનથી સંક્રમિત થાય છે તેમને ડેલ્ટા વૅરિયનટથી સંક્રમિત લોકોની સરખામણીમાં હૉસ્પિટલમાં દાખલ કરવા પડે તેની શક્યતા ઓછી છે.

યુકે હૅલ્થ સેફ્ટી એજન્સીએ વૅરિયન્ટ માટેના રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટમાં ડેલ્ટા વૅરિયન્ટની સરખામણીમાં ઓમિક્રૉનથી સંક્રમિત થવા પર હૉસ્પિટલમાં દાખલ થવાને મૉડરેટ રિલેટિવ રિસ્ક એટલે કે મધ્યમ સ્તરનું જોખમ ગણાવ્યું છે. (જોકે આ રિપોર્ટમાં એ વાત પણ સ્વીકાર કરવામાં આવી છે કે હૉસ્પિટલમાં રહેવાનો સમયગાળો અને મૃત્યુ વિશે હજી કોઈ ડેટા નથી.)

2. કેટલાક દેશોમાં કેસ ઘટ્યા છે

નૉર્વે, હૉલૅન્ડ, બેલ્જિયમ, જર્મની, દક્ષિણ આફ્રિકા અથવા ઑસ્ટ્રેલિયામાં સંક્રમણના કેસની સંખ્યા ઘટવા લાગી છે.

એવું શક્ય છે કે કેટલાક દેશોમાં ઓમિક્રૉન અને ડેલ્ટાની મિશ્રિત અસર થઈ હોય. કેટલાક દેશોમાં ઘણાં અઠવાડિયાંથી પ્રતિબંધો લદાયેલા હતા.

પરંતુ જો દક્ષિણ આફ્રિકા તરફ નજર કરીએ તો ઓમિક્રૉનની અસર દેખાતી હતી, કેસ વિસ્ફોટક રીતે વધ્યા હતા અને હવે કેસમાં ઘટાડો પણ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે.

આ સૌથી સારા સમાચાર છે. જોકે હૉસ્પિટલમાં દર્દીના દાખલ થવાની શક્યતા ઓછી ગણાવાય છે પરંતુ જો ખૂબ ઝડપથી કેસમાં ઉછાળો આવે અને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે તો આ આરોગ્યતંત્ર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે કેસમાં ઘટાડો થવો એ ખૂબ સારા સમાચાર છે.

3. રસી ઓમિક્રૉન સામે રક્ષણ આપે છે

કોરોનાની રસીના બે ડોઝ લઈ ચૂકેલા લોકો, ભલે પછી તેમને સંક્રમણની સામે મળતા રક્ષણમાં થોડો ઘટાડો થયો હોય, તેઓ હૉસ્પિટલમાં દાખલ થવાથી બચી શકે છે.

કારણ કે મોટા ભાગની રસીઓ સેલ્યુલર રિસ્પૉન્સ (કોષ સ્તરે પ્રત્યુત્તર) આપે છે જેની પર આ વૅરિયન્ટની અસર થતી નથી. એવા પણ ડેટા છે કે મૅસેન્જર આરએનએ વૅક્સિનના ત્રીજા ડોઝથી વૅરિયન્ટની અસરને ઘટાડવામાં મદદ મળી શકે છે.

આ ઉપરાંત સાર્સ-કોવ-2 અને ઓમિક્રૉન સહિત તેના બધા વૅરિયન્ટ્સની સામે નવી યુનિવર્સલ વૅક્સિન્સ વિકસિત કરવામાં આવી રહી છે.

4. ઓમિક્રૉન સામે અસરકારક દવાઓ છે

સાયન્સ મૅગેઝિનના કવર પર એક દવા પૅક્સલૉવિડ રજૂ કરવામાં આવી જે નવી ઓરલ ઍન્ટી વાઇરલ, વાઇરલ પ્રોટીઝ ઇન્હિબિટર છે જેમાં કોવિડ-19થી ગંભીર રીતે બીમાર થવાના ખતરાને 90 ટકા સુધી ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. આ ઍન્ટીવાઇરલને એફડીએ દ્વારા મંજૂરી અપાઈ છે.

પૅક્સલૉવિડ સાર્સ કોવ-2ના અનેક પ્રોટીઝમાંથી એકનું ઇન્હિબિટર છે જેને 3 સીએલ કહેવાય છે. એક અન્ય ઇન્હિબિટર રિટોનાવિર જે એચઆઈવીની સારવારમાં વપરાય છે તેની સાથે સારવારમાં પૅક્સલૉવિડનો ઉપયોગ થાય છે.

પૅક્સલૉવિડ જેને ટાર્ગેટ કરે છે તેવા ઓમિક્રૉન વૅરિયન્ટના પ્રોટીન્સમાં મ્યુટેશન ન થયું હોવાને કારણે તેની શક્યતા ઘણી વધારે છે કે આ દવા નવા વૅરિયન્ટ પર પણ એટલી જ અસરકારક રહેશે. ફાઇઝર કંપનીના ઇનવિટ્રો ટેસ્ટના પરિણામમાં તો આવો જ સંકેત મળે છે.

આ ઉપરાંત જીએસકેની મોનોક્લોનલ ઍન્ટીબૉડી સોટ્રોવિમૅપ પણ ઓમિક્રૉન સામે અસરકારક દેખાય છે.

આ એક ઍન્ટીબૉડી છે જે સાર્સ-કોવ-1 (એ વાઇરસ જે સાર્સ માટે જવાબદાર છે)ના ખાસ ભાગ (એપિટોપ) સાથે સંકળાય છે, અને એપિટોપને ઉચ્ચ રક્ષણ આપવાનો સંકેત આપે છે. જેથી નવા વૅરિયન્ટમાં પ્રતિરોધક ક્ષમતા વધવી મુશ્કેલ બને છે.

રેમડેસિવિર, એક વાઇરલ આરએનએ પૉલીમેરેસ ઇન્હિબિટર અન્ય ઍન્ટીવાઇરલ છે જેનાથી પ્લેસિબોની સરખામણીમાં હૉસ્પિટલમાં દાખલ ન થયા હોય તેવા દર્દીઓમાં હૉસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુ પામવાનો ખતરો 87 ટકા સુધી ઘટ્યો હતો.

જિલેડે, રેમડેસિવિર બનાવનાર કંપની ઓમિક્રૉનના જિનેટિક ડેટાની સમીક્ષા કરી છે અને જાણવા મળ્યું કે આ વૅરિયન્ટમાં એવા મ્યુટેશન નથી જે દવાના ટાર્ગેટ પર અસર કરે એટલે તેવી શક્યતા ખૂબ વધારે છે કે આ ઍન્ટી વાઇરલ દવા ઓમિક્રૉન વૅરિયન્ટ સામે અસરકારક થશે.

સાર્સ-કોવ-2ના બધા વૅરિસન્ટ્સ સામે રેમડેસિવિર પ્રભાવી થઈ છે જેમાં આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને એપ્સિલૉન પણ સામેલ છે.

5. ઓમિક્રૉનની ફેફસાંના કોષ પર ઓછી અસર

કોષના મૉડેલ્સ તથા હૅમસ્ટર્સમાં જોવા મળ્યું છે કે ઓમિક્રૉન વૅરિયન્ટ ફેફસાંના સેલ્સ પર ઓછી અસર કરે છે.

માનુષ્યો સંબંધિત ડેટા હજી ઉપલબ્ધ નથી પરંતુ કેટલીક પ્રારંભિક શોધમાં એવા સંકેત મળ્યા છે કે ઓમિક્રૉન વૅરિયન્ટ ફેફસાંના સેલ્સમાં ઝડપથી વધે છે જે એ વાતનો સંકેત હોઈ શકે છે કે તે ઓછો ખતરનાક છે (જોકે હજી એ ચકાસવું પડશે કે બીજાં અંગોમાં તેની શું અસર છે).

પરિસ્થિતિ હજી નાજુક છે, ખાસ કરીને જે રીતે કેસ વધી રહ્યા છે અને તેનાથી આરોગ્યતંત્ર પર ભાર વધ્યો છે. જો પહેલાં સોમાંથી એક કેસમાં દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવા પડતા હતા તો હવે વૅક્સિનને કારણે એક હજારમાંથી એક દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે.

પરંતુ જો કેસ એકદમ ઝડપથી વધ્યા અને હૉસ્પિટલમાં દાખલ કરવાનો દર પણ વધ્યો તો આરોગ્યતંત્ર પર તેની અસર થશે, જે આપણે પહેલાં પણ જોયું છે. એટલે આપણે ખૂબ સાવધાન રહેવું પડશે.

જો કે, હજી આ સમાચાર પ્રારંભિક છે પરંતુ એ સારા સમાચાર જરૂર છે કે આપણે નવા વર્ષની શરૂઆત આશા સાથે કરી શકીએ.

2020નું વર્ષ વાઇરસનું વર્ષ હતું, 2021 મૅસેન્જર આરએનએ વૅક્સિન્સનું અને આશા રાખીએ કે 2022 મહામારીના અંતની શરૂઆતનું હશે.

*ઇગ્નાસિયો લૉપેઝ-ગોની સ્પેનની યુનિવર્સિટી ઑફ નવાર્રાના માઇક્રોબાયોલૉજીના પ્રોફેસર છે.

મૂળ લેખ તમે ધ કૉન્વર્સેશનમાં વાંચી શકો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો