You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
2021 : તસવીરોમાં જુઓ આ વર્ષની મહત્ત્વની ઘટનાઓ
- લેેખક, કૅલી ગ્રોવિયર
- પદ, .
આ વર્ષની દુનિયાભરમાં લેવાયેલી સૌથી ધ્યાનાકર્ષક તસવીરોમાંથી પસંદ કરીને 15 અહીં રજૂ કરવામાં આવી છે, જેમાં યુએસ કૅપિટોલ ખાતે થયેલાં તોફાનો અને કાબુલમાં લેવાયેલી વિમાનની તસવીરનો સમાવેશ થાય છે.
કૅલી ગ્રોવિયર કહે છે કે આ તસવીરો કલાના નમૂના માફક છે.
COP26 પરિષદમાં વક્તવ્ય, તુવાલુ, નવેમ્બર 2021
તુવાલુના વિદેશમંત્રી સિમોન કોફેએ ગ્લાસગો ખાતે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની ક્લાઇમેટ વિશેની કૉન્ફરન્સ માટેનું વક્તવ્ય દરિયાનાં પાણીમાં ઊભા રહીને ભાષણ આપ્યું હતું.
આ રીતે તેમણે દરિયાની વધતી સપાટીને કારણે પોતાના દેશ જેવા નીચી સપાટીએ આવેલાં ટાપુ રાષ્ટ્રો સામે કેવો ખતરો છે તેના તરફ દુનિયાનું ધ્યાન દોર્યું હતું. કોફેએ કહ્યું, "આપણી આસપાસ દરિયાનું પાણી વધતું જાય ત્યારે આપણે થંભીને ઊભા રહી જવાના નથી."
પાણી વચ્ચે ઊભા રહીને તેમણે સંકટ વિશે વાત કરી તેના કારણે સૌને એ દૃશ્યો તાદૃશ થયાં જેમાં દરિયાનાં ઊછળતાં મોજાંને કારણે જોખમમાં આવી ગયેલી પ્રજાની વિમાસણ દેખાઈ રહી હોય.
જેન અસેલજિનનું પેઇન્ટિંગ ધ બીચ ઑફ ધ સેન્ટ એન્થની ડાઇક પણ યાદ આવી જાય. એમસ્ટરડેમ નજીક 5 માર્ચ 1651માં ભયાનક દરિયાઈ ભરતીને કારણે આખો કિનારો નાશ પામ્યા હતો તેના વિશેનું આ ચિત્ર હતું.
કોટા એઝાવાએ 2011માં કમ્પ્યૂટરની મદદથી ધ ફ્લડ ચિત્ર બનાવ્યું હતું, જેમાં અમેરિકાના દક્ષિણમાં ઊંચા ભરતીનાં મોજાંમાં ડૂબી રહેલાં ઘરોની અખબારી તસવીરોનો ઉપયોગ કરાયો હતો.
શિલ્પ, ઇટાલી, 2021
નવેમ્બરમાં એક રમૂજી તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી, જે ઇટાલીના ટિબેરિયસ વિલામાં બનેલી પ્રથમ સદીની એક પ્રતીમા પરથી તૈયાર થઈ હતી. હાલના યુગમાં કોવિડ ટેસ્ટ માટે નમૂનો લેવામાં આવે તે દર્શાવવા માટે તેના પરથી આ રમૂજી શિલ્પ તૈયાર કરાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓડિસિયસની ટુકડીને સાયક્લોપ્સ પોલિફેમસે એક ગુફામાં પૂરી દીધી હતી. દંતકથા અનુસાર ઓડિસિયસે આખરે વાઇનથી પોલિફેમસને લલચાવ્યા અને પછી ભાલાથી તેમની આંખ ફોડી નાખી. જેમણે લેટરલ ફ્લૉ ટેસ્ટ કર્યો હશે અને થોડું વધારે ઊંડે સુધી તપાસ માટેની સળી જતી રહે ત્યારે શું થાય તેની આ મજાક હતી.
અમેરિકાના વાયુદળનું વિમાન, કાબુલ ઍરપૉર્ટ, ઑગસ્ટ 2021
15 ઑગસ્ટે તાલિબાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઘૂસી ગયું હતું અને સત્તા કબજે કરી લીધી હતી. તે વખતે કાબુલ ઍરપૉર્ટ પરથી રવાના થઈ રહેલું છેલ્લું વિમાન હતું અમેરિકાના વાયુદળનું, જે કતાર જઈ રહ્યું હતું.
કાબુલમાંથી નાસી જવા માટે ઘણા લોકો માટે આ જાણે આખરી વિમાન બની રહ્યું હતું. તેના કારણે C-17 ગ્લૉબમાસ્ટર થ્રી પ્લેનમાં ખીચોખીચ માણસો ભરી દેવાયા હતા.
આ નાટકીય તસવીરે દુનિયાને ચોંકાવી હતી અને 2021ના વર્ષની આ સૌથી નાટકીય તસવીર બની રહી. (અંદાજે 640થી 830 પુખ્ત અને બાળકો આ રીતે વિમાનમાં ખડકાયા હોય તેવી) આ તસવીર કૅનેડાના વર્તમાન કલાકાર ટિમોથી શ્માલ્ઝના એક શિલ્પ સાથે મળતી આવી છે.
તેમણે 20 ફૂટ ઊંચી તાંબાની બોટ બનાવી હતી, જેમાં નિરાશ્રિતો ખીચોખીચ ખડકાયા હોય. સપ્ટેમ્બર 2019માં વેટિકનમાં વર્લ્ડ ડે ઑફ માઇગ્રન્ટ્સ એન્ડ રેફ્યુજીઝમાં શિલ્પ ખુલ્લું મુકાયું હતું.
અવકાશયાત્રીઓ, ઇઝરાયલ, 2021
મંગળયાત્રા માટેના મિશનની ટ્રેનિંગ માટે ઇઝરાયલના નેગેવ રણમાં રેમન ક્રેટર પાસેથી ચાલતા પસાર થઈ રહેલા બે અવકાશયાત્રીઓની તસવીર.
વિશ્વનું સૌથી મોટું મખ્તેશ (ઉલ્કાને કારણે અથવા જવાળામુખીને કારણે સર્જાયેલું નહીં, પણ ઘસારાને કારણે સર્જાયેલા વિશાળ ખાડા જેવું) હૃદય આકારનું બનેલું છે.
ઑસ્ટ્રિયા, જર્મની, નેધરલૅન્ડ્ઝ, પોર્ટુગલ અને સ્પેનના છ અવકાશયાત્રીઓ અહીં તાલીમ લે છે. તેમને સ્પેસસૂટ પહેરીને જ આ ઉજ્જડ જગ્યાએ ફરવાનું હોય છે, જેથી મંગળ પર કેવી દશામાં રહેવું પડે તેનો અંદાજ આવે.
આ રીતે પૃથ્વી પર મંગળ જેવી સ્થિતિ દર્શાવતી તસવીરથી દુનિયાના લોકોની કલ્પનાની ક્ષિતિજો વધુ વ્યાપક બની હતી, કદાચ એવી જ કલ્પના ફ્રેન્ચ આંવા ગ્રાં આર્ટિસ્ટ યીવ તાંગીએ કરી હતી.
સ્કોટલૅન્ડના દેખાવકારો, નવેમ્બર 2021
નવેમ્બરમાં ગ્લાસગોમાં COP26 સંયુક્ત રાષ્ટ્રસંઘની ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સ યોજાઈ હતી, ત્યારે ઓશન રિબેલિયન ગ્રૂપના કાર્યકરોએ સ્કોટલૅન્ડના ગ્રેન્જમાઉથના પેટ્રોકેમિકલ પ્લાન્ટ અને રિફાઇનરી સામે વિરોધમાં પ્રદર્શન કર્યાં હતાં.
ઑઇલ હેડ્સ એવા નામે પોતાને ઓળખાવીને પ્લાસ્ટિકના જગમાંથી માસ્ક બનાવીને દેખાવકારોએ પહેર્યા હતા અને આવા મોઢામાંથી બહુ નાટકીય રીતે તેલ બહાર ફેંક્યું હતું. સાથે જ નકલી નોટો વેરી હતી.
રોકાણકારો અને રાજકારણીઓ 2030 સુધીમાં જંગલોને ઘટતાં અટકાવવા માટેના વાયદા કરે છે, પણ તેના પર બહુ ધીમે કામ કરે છે તેના વિરોધમાં આ રીતે દેખાવો કરાયા હતા.
મનુષ્ય પર્યાવરણને નુકસાન કરી રહ્યો છે તેનું નિરૂપણ કરતાં ચિત્રો જેટલી જ આ તસવીર ભાવનાત્મક રીતે અસરકારક બની હતી. જાપાનના ચિત્રકાર નોરિયુકી હેરાગુચીએ 1970ના દાયકામાં આ પ્રકારનાં ચિત્રો બનાવ્યાં હતાં અને 2006માં એઈ વેઈવેઈએ પણ ઑઈલ સ્પીલ્સ નામે ચિત્ર બનાવ્યું હતું.
ડાઇવર, ચીન, જાન્યુઆરી 2021
ચીનના લાયોનિંગ પ્રાંતના શેન્યાંગમાં આવેલું સરોવર બરફ બનીને થીજી ગયું હોય ત્યારે તેમાં ડૂબકી મારવામાં આવે છે. આવી જ એક મહિલા ડૂબકી મારી રહી હતી ત્યારે હવામાં જ તેઓ સ્થિર થઈ ગયાં હોય તેવી તસવીર લેવાઈ હતી.
ચારે બાજુ સફેદ બરફ વચ્ચે ડૂબકી મારી રહેલી રંગબેરંગી પોશાકમાં સજ્જ યુવતીની તસવીર જાણે કોઈ પક્ષી હવામાં ઊતરી રહ્યું હોય તેવું પણ લાગે. આવું જ પોતે કર્યું હતું તેવો દાવો ફ્રેન્ચ ચિત્રકાર ઇવ ક્લેઇને કર્યો હતો.
બારીમાંથી આ રીતે પોતે શેરીમાં કૂદ્યા હતા એમ તેમણે કહ્યું હતું. આ ચીની યુવતીની જેમ જ હવામાં અધ્ધર હોય ત્યારે જ બરાબર તસવીર લેવાય તે માટે ક્લેઇને બે ફોટોગ્રાફરને પણ રાખ્યા હતા.
બાળકી, ગાઝા, મે 2021
2014 પછી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના સૌથી લોહિયાળ ઘર્ષણમાં (હમાસે રૉકેટમારો કર્યો તેના બદલામાં) ઇઝરાયલે હવાઈ હુમલા કર્યા.
24 મેના આ હુમલામાં ગાઝાના બેઇત હેનોન નામના ગામમાં એક મકાન નાશ પામ્યું. પોતાના તૂટી પડેલા મકાનના કાટમાળમાં રહેલી આ છોકરીની તસવીર કોઈને પણ હચમચાવી દે તેવી હતી.
આના પરથી બ્રિટનના ચિત્રકાર પૌલા રેગોનું 2003નું વૉર નામનું પેઇન્ટિંગ યાદ આવી જાય. ઇરાકના યુદ્ધ વખતે આવી જ રીતે એક કિશોરીની તસવીર અખબારોમાં પ્રગટ થઈ હતી તેના આધારે જ પૌલાએ આ ચિત્ર બનાવ્યું હતું.
સરોવર, સર્બિયા, 2021
સર્બિયાના પશ્ચિમ બાલ્કન વિસ્તારના પ્રીબોજ શહેરની નજીક આવેલી લીમ નદીમાં એકઠો થયેલો કચરો પ્રદૂષણની ગંભીર સ્થિતિ દર્શાવે છે.
કચરો એકઠા કરવાની વ્યવસ્થા પડી ભાંગી એટલે લોકો ગેરકાયદે રીતે કચરો ઠાલવી જાય. દરમિયાન ભારે પૂર આવ્યું એટલે બધો જ કચરો એક જગ્યાએ એકઠો થઈ ગયો અને દર્શાવી ગયો કે સમસ્યા કેટલી વિશાળ છે.
કુદરતે સર્જેલી સુંદરતા વચ્ચે માનવનિર્મિત કુરૂપતા વિરોધાભાસ ઊભો કરે છે, જેના પરથી વર્તમાન યુગના ક્યૂબાના ચિત્રકાર ટોમાસ સાન્ચેઝનું એક ચિત્ર યાદ આવી જાય છે. તેમણે 1994માં 'કેલવેરીના દક્ષિણમાં' એવા નામે પેઇન્ટિંગ બનાવ્યું હતું.
યેરૂસલેમમાં ઈસુ ખ્રિસ્તને ફાંસી અપાઈ એ સ્થળને નવી દૃષ્ટિએ કલાકારે નિરૂપ્યું હતું. સંસારના ભંગાર વચ્ચે અધ્યાત્મની યાત્રા કરવાની રહે છે એવો કંઈક સંદેશ ચિત્રકાર આપવા માગતા હશે.
છોકરો, ઇન્ડોનેશિયા, 2021
ઇન્ડોનેશિયાના ડેપોક શહેરની શેરીમાં ફરતા આઠ વર્ષના છોકરાની તસવીર પરથી ખ્યાલ આવે છે કે તેનું આખું શરીર ઝેરી મેટાલિક રંગે રંગાઈ ગયું છે.
તેના શરીર જોઈને લાગે જ નહીં કે છોકરો હશે, પણ એવું લાગે કે જાણે કોઈ શિલ્પ છે. મનુસિયા સિલ્વર (ચાંદીના માણસ) તરીકે ઓળખાતી જાતિનો આ છોકરો છે, જેનું નામ આલ્ડી છે. લોકો દયા ખાઇને ભીખ આપે એટલા માટે તે લોકો આવા રંગે પોતાના શરીરને રંગે છે.
શહેરના ગીચ ટ્રાફિક વચ્ચે ભીખ માગનારો આ છોકરો કોઈ રોબો જેવો પણ લાગે. સ્કોટીશ કલાકાર એડુઆર્ડો પાઓલોત્ઝીએ 1971માં વંડર બોય એવા નામે કલાનો નમૂનો તૈયાર કર્યો હતો.
તેમાં એક બાળક પોતાના રમકડાના રોબો સાથે ઓતપ્રોત થઈ જાય છે એવી કલ્પના કરેલી હતી. આલ્ડીની ઉંમર પણ રમકડાં સાથે રમવાની છે, પણ તેણે રમત ખાતર નહીં, પણ ભીખ માગવા માટે આવું રૂપ ધારણ કરવું પડે છે તે કરુણા જન્માવે છે.
કૅપિટોલ ખાતે તોફાનો, અમેરિકા, જાન્યુઆરી 2021
ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ 6 જાન્યુઆરીએ કૅપિટોલ હિલ ખાતે હુમલો કર્યો અને પોલીસ સાથે બાખડી પડ્યા તેનાં દૃશ્યો દુનિયાને ચોંકાવી ગયાં હતાં. જો બાઇડનને પ્રમુખ તરીકે જાહેર કરવા માટેની પ્રક્રિયાના વિરોધમાં ટ્રમ્પ સમર્થકો સંસદમાં ઘૂસી ગયા હતા.
આ રીતે અમેરિકામાં રાજકીય નેતાના સમર્થકો સામસામે આવી જાય તેવી કલ્પના પણ કોઈને નહોતી. આ તસવીર લેવાઈ તેમાં ફ્રેમની બહાર કૅમેરામેનની પાછળ જ સેન્ડસ્ટોનની બનેલું એક ભીંતચિત્ર છે, જે 18મી સદીના ઇટાલિયન શિલ્પકાર એનરિકો કોસિસીએ બનાવેલું છે.
નેટિવ અમેરિકન સાથે હાથોહાથની લડાઈ કરી રહેલા ડેનિયલ બૂન નામના સૈનિકનું એ શિલ્પ છે. નીચે પગ તળે બીજા કચડાયેલા પડેલા દર્શાવાયેલા છે. આ રીતે જૂથો વચ્ચેની લડાઈની ક્રૂરતા વ્યક્ત થાય છે.
એવર ગીવન માલવાહક જહાજ, ઇજિપ્ત, માર્ચ 2021
વિશાળકાય માલવાહક જહાજ એવર ગીવન ઇજિપ્તની સુએઝ કૅનાલમાં ફસાઈ ગયું ત્યારે માત્ર નહેરનો ટ્રાફિક નહીં, પણ જગત આખું થંભી ગયું.
ચીનથી નેધરલૅન્ડ જઈ રહેલું એવર ગીવન 20,000 શિપિંગ કન્ટેનરથી લદાયેલું હતું, જે 23 માર્ચના રોજ તેનો આગળનો મોરો પૂર્વ બાજુની રેતાળ જમીનમાં ખૂંપી ગયો અને ત્રાસું થઈ ગયું.
આ કદાવર જહાજને છૂટું કરવા માટે રેતી દૂર કરવાની કોશિશ કરી રહેલું મશીન કેટલું બચ્ચું લાગતું હતું તેની મજાક પણ સોશિયલ મીડિયાના જગતમાં થઈ. આના કારણે ફારસ પેદા કરનારી ડેવિડ વિરુદ્ધ ગોલિયેથ પ્રકારની લડાઈનું એક ઇલસ્ટ્રેશન યાદ આવી ગયું.
15મી સદીમાં ટેમ્પરા અને ગોલ્ડથી બનેલું આ ચિત્ર કોઈ અજાણ્યા ફ્લેમિશ ચિત્રકારે બુક ઑફ અવર્સમાં દોર્યું હતું, જે "ધ માસ્ટર ઑફ ધ ડ્રેસ્ડન પ્રેયર બુક" તરીકે જાણીતું થયું છે.
છોકરો, કેન્યા, 2021
નવેમ્બરમાં એન્વાયરન્મેન્ટલ ફોટોગ્રાફર ઑફ ધ યર 2021ની સ્પર્ધાના વિજેતાઓ જાહેર થયા. તેમાં ફેસ માસ્ક અને રેસ્પિટેટર સાથેના કેન્યાના આ છોકરાની તસવીરને ક્લાઇમેટ ઍક્શન કૅટગરીમાં પ્રથમ સ્થાન મળ્યું હતું.
માસ્ક સાથે જોડાયેલી નળી વળી એક કૂંડા સાથે જોડેલી છે, જાણે તે કૂંડું ઑક્સિજનની ટેન્ક હોય. કેન્યાના નૈરોબીમાં પર્યાવરણની સમસ્યાને ઉજાગર કરતી આ તસવીર કેવિન ઓચિયેંગે ઓન્યાંગોએ પાડી હતી, જેનું નામ હતું ધ લાસ્ટ બ્રેથ.
આ તસવીર પરથી ભૂતકાળમાં આ પ્રકારનું દૃશ્ય ખડું કરીને કલાના નમૂનાએ કેવી રીતે સમસ્યાઓ ઉજાગર હતી તે પણ યાદ આવી જાય. 18મી સદીમાં ડર્બીના જોસેફ રાઇટ નામના કલાકારે એક્સ્પેરિમેન્ટ ઇન ધ ઍર પંપ નામનું માસ્ટરપીસ સર્જ્યું હતું.
ઑક્સિજનની શોધ થઈ તે પછી કલાકારે આ ચિત્ર દોર્યું હતું. એ જ રીતે ઇટાલિયન આર્ટિસ્ટ પિએરો મેન્ઝોનીએ 1960માં આર્ટિસ્ટ્સ બ્રેથ નામે એક કલ્પના કરી હતી, જેમાં પોતે રેડ બલૂનમાં પોતાના શ્વાસને કાયમ માટે સંઘરી રાખવાનો પ્રયત્ન કરતો જણાય છે. ("હું ફુગ્ગો ફૂલાવું છું ત્યારે મારા આત્માને તેમાં ભરું છે, જેથી તે શાશ્વત બની જાય," એવું એક વાર તેમણે કહેલું.)
જોકે ફુગ્ગો આખરે ફૂટી જવાનું અને એવી જ કરુણ વાસ્તવિકતા કેન્યાના આ બાળકની તસવીરમાં દેખાય છે.
પેઇન્ટિંગ, ફ્રાન્સ, ઑક્ટોબર 2021
ઑક્ટોબર મહિનામાં ફ્રાન્સના બૉઅડો શહેરમાં સેઇન્ટ એન્ડ્રે કેથેડ્રલમાં આગ પ્રતિરોધક કામગીરી માટેની મોક ડ્રિલ યોજાઈ હતી.
તે વખતે ફાયર ફાઇટર વિભાગના લોકોએ ત્યાંના કલાના એક કિમતી નમૂનાસમા વિશાળ ચિત્રને ફાયરપ્રૂફ બ્લેન્કેટથી ઢાંકવાની કામગીરી કરી તે વખતની આ તસવીર છે. આ તસવીર પોતે પણ કલાનો નમૂનો બની ગઈ છે.
જે ચિત્રને ઢાંકવામાં આવી રહ્યું છે તે 17મી સદીનું ફ્લેમિશ માસ્ટર ચિત્રકાર જેકોબ જોર્ડનર્સનું છે, જેમાં ઇસુને વધસ્તંભ પર ચડાવાયા તે વખતનું નિરૂપણ છે. વિનેગર લગાડેલા ગાભાને લાકડી પર લગાવીને ઈસુને ચાંપવામાં આવે છે.
ચિત્રને ઢાંકવા માટે બંને બાજુ સીડી લગાવાઈ તે જાણે સમગ્ર ચિત્રનો ભાગ બની ગઈ હોય તેવી લાગે છે. ભૂતકાળમાં સીડીને ધ્યાનમાં રાખીને બનેલા કલાના નમૂના પણ યાદ આવી જાય.
તેમાં એક છે લેડર ઑફ ડિવાઇન એસેન્ટ (12મી સદીનું પ્રસિદ્ધ ચિત્ર માઉન્ટ સિનાઇના સેઇન્ટ કેથેરાઇન્સ મોનાસ્ટરીમાં આવેલું છે), જેમાં પાદરીઓ જીઝસ તરફ સીડી ચડી રહ્યા છે. વર્તમાન યુગના ફ્રેન્ચ-અમેરિકન કલાકાર લૂઈ બોજવાંએ ધ લેડર્સ નામે ચિત્રો દોર્યાં છે.
બાળકો, ઇથિયોપિયા, જુલાઈ 2021
ઇથિયોપિયાના ગોન્ડર શહેર નજીકના ડબાત ગામ પાસે એરિટેરિયન નિરાશ્રિતો માટે તૈયાર થઈ રહેલી છાવણી પાસે એક વૃક્ષ નીચે ઊભેલાં બાળકોની આ તસવીર જુલાઈમાં લેવાઈ હતી.
આસપાસના ધુમ્મસ અને રહસ્યભર્યા વાતાવરણની વચ્ચે ઝાડ જાણે માથે છાપરું બનીને ઊભું છે. રહસ્યમય વિશ્વનું ચિત્ર આમાં પ્રગટ થઈ રહ્યું છે.
ટ્રીઝ ઑફ લાઇફ એવી થીમ પર અનેક ચિત્રકારોએ પોતાની પીંછી ચલાવી છે. પ્રાચીન ઉરાટ્રિયન કલાકારો માટે વૃક્ષ એક ધાર્મિક પ્રતીક હતું.
વિયેનાના ગુસ્તાવ ક્લિમ્ટે પોતાના ટ્રી ઑફ લાઇફમાં વૃક્ષોની ડાળીઓને પ્રતીકાત્મક રીતે વર્તુળાકારે ઉપર જતી દર્શાવી છે, જે અનંત તરફની યાત્રા પણ દર્શાવે છે.
આરોગ્યવિભાગના કર્મચારીઓ, ભારત, ઑક્ટોબર 2021
ભારતમાં કોરોના રસીના એકસો કરોડ ડોઝ પૂરા થયા ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે ચાર નર્સોએ આ રીતે એક પાછળ એક ઊભા રહીને પોતાની ચતુર્ભૂજ તસવીર પડાવી હતી.
બેંગલુરુની રામૈયા હૉસ્પિટલના સ્ટાફની આ તસવીર દુષ્ટોનો નાશ કરનારી દુર્ગા માતાની યાદ અપાવી દે. દુર્ગા માતાના ચાર હાથમાં જુદાં જુદાં શસ્ત્રો હોય, જ્યારે અહીં નર્સોના હાથમાં રસી અને ઇન્જેક્શનો હતાં.
ભારતમાં દુર્ગા ઉત્સવ દરમિયાન દેવીને વિવિધ સ્વરૂપે દર્શાવાય છે. ગયા વર્ષે ઑક્ટોબર 2020માં કોરોના સંકટને ધ્યાનમાં રાખીને જ છ ફૂટની દુર્ગા માતાની મૂર્તિ પણ સંજીવ બસક નામના કલાકારે બનાવી હતી.
તેમણે ફેંકી દેવાયેલા ઇન્જેક્શન વાઇલ્સ અને વપરાયેલી દવાઓની સ્ટ્રીપ વગેરેનો ઉપયોગ કરીને મૂર્તિ પર સજાવટ કરી હતી. આ મૂર્તિની તસવીર તે વખતે ભારતમાં વાઇરલ થઈ હતી. રોગચાળાના પ્રકોપને દૈવી આશીર્વાદથી પહોંચી વળાશે એવી આશા બસકની મૂર્તિ વ્યક્ત કરતી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો