જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ : દુનિયાનું સૌથી મોટું સ્પેસ ટેલિસ્કોપ મિશન રવાના થયું

    • લેેખક, જોનાથન એમોસ
    • પદ, વિજ્ઞાન સંવાદદાતા

દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુઆનાના કૌરૂથી ઇતિહાસના અત્યાર સુધીના સૌથી મોટા ટેલિસ્કોપને લૉન્ચ કરી દેવાયું છે.

10 અબજ ડૉલરના ખર્ચે બનેલું આ જેમ્સ વેબ વિશાળ ટેલિસ્કોપને યુરોપિયન સ્પેસ એજન્સીના એરિયન રૉકેટથી લૉન્ચ કરાયું છે.

આ પ્રોજેક્ટને ડિઝાઇન કરવામાં અને નિર્માણમાં 30 વર્ષ લાગ્યાં છે અને તેને 21મી સદીના ભવ્યાતિભવ્ય વૈજ્ઞાનિક સાહસો પૈકીનું એક ગણવામાં આવે છે.

આ ટેલિસ્કોપનું ધ્યેય બ્રહ્માંડમાં ચમકી રહેલા પ્રથમ તારા અને આકાશગંગાની તસવીરો ખેંચવાનો પ્રયાસ કરવાનું છે.

આ દૂરબીનમાં એવું પણ સામર્થ્ય છે કે તે દૂરના ગ્રહોની સપાટી પર જીવનની હાજરીનો સંકેત આપી શકે તેવા વાયુઓ શોધખોળ કરી શકે.

દૂરબીનનો વિષુવવૃત્તીય કૌરો સ્પેસપૉર્ટ પરથી ઉડાનનો સમય 09 : 20 સ્થાનિક સમય (12:20 GMT) છે.

અપેક્ષા ઊંચી છે અને સાથે-સાથે ઉત્તેજનાનું સ્તર પણ એટલું જ છે.

અવકાશમાં જવા માટે દૂરબીનને પ્રથમ 27 મિનિટની ઉડાન દરમિયાન પર ટકી રહેવું પડશે, કેમ કે તે સમય નિયંત્રિત વિસ્ફોટનો હોય છે.

તે પછી દૂરબીનને કેટલીક જટિલ ડિપ્લૉયમેન્ટ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે, જે તમામ ખામીરહિત રીતે પૂર્ણ થવી જરૂરી છે અન્યથા વેધશાળા પૂર્ણ રીતે કામ કરી શકશે નહીં.

યુએસ સ્પેસ એજન્સીના ઍડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને જણાવ્યું હતું કે 'જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ એ એક અસાધારણ મિશન છે.'

"જ્યારે આપણે મોટાં સપનાં જોઈએ ત્યારે કેવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ તેનું તે એક આગવું ઉદાહરણ છે. આપણે એ તો જાણીએ જ છીએ કે આ પ્રોજેક્ટ ઘણો જોખમી છે. જોકે તમારે ભારે પુરસ્કાર જોઈતો હોય તો તમારે મોટું જોખમ ખેડવું જ રહ્યું."

જેમ્સ વેબ ટેલિસ્કોપનું નામ અપોલો મૂન પ્રોગ્રામના ઘડવૈયા જેમ્સ વેબ પરથી રાખવામાં આવ્યું છે અને યુએસ, યુરોપ અને કૅનેડાની અવકાશ એજન્સીઓ આ પ્રોજેક્ટના ભાગીદારો તેના વૈજ્ઞાનિક મહત્ત્વને ઓછું નથી આંકતા.

આ દૂરબીનનું મિશન અવકાશની ભ્રમણકક્ષામાં 31 વર્ષની કામગીરી બાદ નિવૃત્તિને આરે આવેલા હબલ સ્પેસ ટેલિસ્કોપનો આગળનો વિકલ્પ પૂરું પાડવાનું છે.

બ્રહ્માંડમાં જેમ્સ વેબ દૂરબીન વધુ ઊંડાણપૂર્વક દૃષ્ટિ ફેંકશે અને તેના પરિણામે આપણે વધુ પાછળના સમયનો અભ્યાસ કરી શકીશું.

જેમ્સ વેબ ક્યાં જશે?

આ દૂરબીનની નવીન સુવિધાઓમાં સૌથી મહત્ત્વની સુવિધા તેનો 6.5 મિટર પહોળો ગોલ્ડન મિરર છે.

તેની અદ્ભુત પ્રતિબિંબિત સપાટી, ચાર અતિસંવેદનશીલ સાધનો સાથે જોડાયેલી છે જે દૂરબીનને સૌથી પ્રાચીન તારાઓના પ્રકાશને શોધવા માટે સક્ષમ બનાવશે. સૈદ્ધાંતિક રીતે આ તારાઓ 13.5 અબજ વર્ષો પહેલાંથી સળગી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

નોબેલ પુરસ્કાર વિજેતા નાસાના સિનિયર પ્રોજેક્ટ વિજ્ઞાની જ્હોન માથેરે જણાવ્યું હતું કે, "તેઓ માત્ર નાના લાલ ટપકાં દેખાશે."

જ્હોન માથેરે બીબીસી ન્યૂઝને કહ્યું, "આપણે માનીએ છીએ કે બિગ બૅંગ પછી 10 કરોડ વર્ષ પહેલાં તારાઓ અથવા આકાશગંગાઓ અથવા બ્લૅક હોલ બન્યાં હોવાં જોઈએ. તે સમયના બહુ બધા તારા જોવા નહીં મળે પરંતુ જો તે ત્યાં હશે તો વેબ ટેલિસ્કોપ તેમને જોઈ શકે છે, એ માટે આપણે નસીબદાર છીએ."

સૌથી પ્રાચીન તારાઓ માત્ર કુતૂહલ નથી, પરંતુ એનાથી વિશેષ છે. આ તારાઓએ પ્રથમ ભારે રાસાયણિક તત્ત્વો છોડીને બ્રહ્માંડના બીજારોપણની પ્રક્રિયા શરૂ કરી હતી.

આપણાં હાડકાંમાં કેલ્શિયમ, આપણા ડીએનએમાં ફોસ્ફરસ અને આપણા લોહીમાં આયર્ન - આ બધાં તત્ત્વો પરમાણુ પ્રક્રિયાઓમાંથી "પેદા" થયા હતા અને તેમણે જ તારાઓ પ્રકાશ આપ્યો છે અને શક્તિશાળી વિસ્ફોટોમાં તેમના અસ્તિત્વને સમાવી લીધું છે.

આ અર્થમાં, જેમ્સ વેબ દૂરબીન આપણા મૂળને ખોદીને બહાર લાવશે.

નાસાના ડેપ્યુટી પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ ડૉ. એમ્બર સ્ટ્રૉઘે કહ્યું, "સામાન્ય રીતે ખગોળશાસ્ત્ર વિશેની મને ગમતી બાબત એ છે કે તેમાં આપણા મોટા પ્રશ્નોના જવાબો સમાયેલા છે. જેમ કે આપણે ક્યાંથી આવ્યા છીએ? આપણે અહીં કેવી રીતે આવ્યા? શું આપણે એકલા છીએ? આ પ્રશ્નો માત્ર અર્વાચીન વિજ્ઞાનના પ્રશ્નો જ નથી, તે એવા પ્રશ્નો છે જે દરેક માનવીના હૃદયમાંથી ઊઠે છે."

શનિવારની ભ્રમણકક્ષાની ફ્લાઇટમાં વ્યવસાય જગતની સૌથી વધુ ભરોસાપાત્ર રૉકેટને ઉપયોગમાં લેવામાં આવ્યું છે. એરિયાને-5 સફળતાનો રેકર્ડ 98 ટકા કરતાં વધારે છે. તે છેલ્લે 2002 માં સાવ નિષ્ફળ ગયું હતું.

-2 ટકા થી ઓછા દરમાં આવા એકદમ જોખમી વાહન સાથે સંકળાયેલા અનિવાર્ય જોખમોનો સમાવેશ થાય છે.

સ્વાભાવિક રીતે જ તેના પર લોકોનું ધ્યાન જશે. રૉકેટ બાબતમાં 100 ટકા ગૅરંટી હોતી નથી પરંતુ એમ કહી શકાય કે આ મિશનમાં સલામતીની જે સૂક્ષ્મ સ્તરે કાળજી લેવાઈ છે તેટલી જૂજ Ariane મિશનમાં લેવાઈ છે.

ઇજનેરોએ વાહનની કામગીરીના દરેક પાસાની સમીક્ષા કરી છે. બધા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે.

એરિયાને કૌરોથી પૂર્વમાં ઍટલાન્ટિકની ઉપરથી આફ્રિકા તરફ જશે.

જેમ્સ વેબ દૂરબીન અવકાશમાં પહોંચી જાય અને સલામત રીતે પહોંચી જાય તેની પુષ્ટિ કરતું સિગ્નલ કેન્યાના માલિંદીમાં ગ્રાઉન્ડ એન્ટેના દ્વારા લેવામાં આવશે.

આ ટેલિસ્કોપ પૃથ્વીથી 15 લાખ કિલોમિટર દૂર તેના આયોજિત નિરીક્ષણ સ્ટેશન સુધી પહોંચતા સુધીમાં એક મહિનાની લાંબી મુસાફરી કરશે.

શું આ ખગોળશાસ્ત્રનો સૌથી મોટો જુગાર છે?

વિજ્ઞાન એડિટર રેબેકા મોરાલીનું વિશ્લેષણ મુજબ આ ટેલિસ્કોપને અવકાશમાં લઈ જવાનું સરળ નથી.

વર્ષોના વિલંબ અને અબજો ડૉલરના ખર્ચ પછી તે તૈયાર થયું છે.

અધવચ્ચે પ્રોજેક્ટને રદ કરવા માટે ચર્ચાઓ થઈ હતી. પરંતુ વૈજ્ઞાનિકો અડગ રહ્યા. અને હવે રૉકેટની ટોચ પર બેઠેલું, અત્યાર સુધીનું સૌથી મોટું, સૌથી જટિલ અને સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ અવકાશમાં જવા માટે તૈયાર છે.

પ્રક્ષેપણ પછીની ઘડીઓ ખગોળશાસ્ત્રીઓને વધુ નર્વસ બનાવે છે. અવકાશમાં ટેનિસના મેદાન જેવડા ટેલિસ્કોપને અનફોલ્ડ કરવું એ અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ પ્રયાસ છે.

300 પૉઇન્ટ પૈકી એકેયમાં જો નાની અમથી પણ ખામી રહી ગઈ તો ઑપરેશન નિષ્ફળ થઈ શકે છે અને ખેલ ખતમ થઈ શકે છે. જોકે જેમ જોખમ મોટું તેમ પુરસ્કાર પણ મોટો મળશે.

જેમ્સ વેબ દૂરબીન પરિવર્તનશીલ હશે, તે આપણને કૉસ્મિક ઇતિહાસના દરેક તબક્કાના અદભુત નવાં દૃશ્યો પૂરાં પાડશે અને તેની મદદથી આપણને માનવ સભ્યતાના સૌથી મોટા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદ મળશે.

એ પ્રશ્નો જેવા કે બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ, અને શું આપણે તેમાં એકલા છીએ? જો જેમ્સ વેબ દૂરબીન તે કરી શકે તો આપણો જુગાર સફળ થયો ગણાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો