You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ ડાયનાસોરનો જન્મ થવાનો જ હતો પણ...
ડાયનાસોર વિશે જાણવાની દરેકને ઉત્સુકતા હોય છે. એક સમયે વિશ્વનાં સૌથી મોટાં જીવો પૈકીનાં એક એવા ડાયનાસોર વિશે માનવજાતને આવનારા સમયમાં વધુ માહિતી મળી શકે છે.
વૈજ્ઞાનિકોને ડાયનાસોરનું એવું ઈંડું મળ્યું છે, જેમાં ભ્રૂણનો સંપૂર્ણ વિકાસ થઈ ગયો હતો અને તે ઈંડું તોડીને બહાર નીકળવાની પ્રક્રિયામાં હતું. મરઘીનાં ઈંડાંને તોડીને બચ્ચાઓ બહાર આવે છે, એવું જ ડાયનાસોરનું છે.
ડાયનાસોરનું આ ઈંડું દક્ષિણ ચીનના ગાન્ઝોઉમાં મળી આવ્યું હતું અને સંશોધકોનો અંદાજ છે કે ભ્રૂણ ઓછામાં ઓછું 66 મિલિયન વર્ષ જૂનું હોઈ શકે છે.
આ ભ્રૂણ દાંત વગરના થેરોપોડ ડાયનાસોરનું અથવા ઓવિરાપ્ટોરોસોરનું હોવાનું માનવામાં આવે છે. આ ભ્રૂણને બેબી યેંગલિયાંગ નામ આપવામાં આવ્યું છે.
સંશોધક ડૉ. ફિઓન વાયસમ મા કહે છે કે સંશોધકોને અત્યાર સુધીમાં મળી આવેલાં ડાયનાસોરનાં તમામ ભ્રૂણ પૈકી આ સૌથી શ્રેષ્ઠ છે.
આ ભ્રૂણની મદદથી સંશોધકોને ડાયનાસોર અને આજનાં પક્ષીઓ વચ્ચેની કડી સમજવામાં મદદ મળે છે, એટલા માટે પણ આ સંશોધન વધુ મહત્ત્વનું છે.
ડાયનાસોર ભ્રૂણના અવશેષો વળાંકવાળી સ્થિતિમાં છે, જેને ટકીંગ કહેવામાં આવે છે.
આવી સ્થિતિ અને વર્તન પક્ષીઓમાં પણ જોવા મળે છે. પક્ષીઓનાં બચ્ચાં ઈંડાંમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યાં હોય, તેવા સમયે તે પણ આવી સ્થિતિમાં હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ભ્રૂણ ઈંડાંમાંથી બહાર આવવાની તૈયારીમાં હતું'
સંશોધક ડૉ. ફિઓમે સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું છે એ પ્રમાણે, "આ ભ્રૂણ સૂચવે છે કે આધુનિક પક્ષીઓની વર્તમાનની વર્તણૂક પહેલાં તેમનાં પૂર્વજ એવાં ડાયનાસોરમાં વિકસિત થઈ હતી."
ઓવિરાપ્ટોરોસોરસનો અર્થ થાય છે, ઈંડાંની ચોરી કરતી ગરોળી.
ઓવિરાપ્ટોરોસોરસ પીંછાવાળાં ડાયનાસોર હતાં. તેઓ હાલના એશિયા અને ઉત્તર અમેરિકાના પ્રદેશોમાં રહેતાં હતાં.
જીવાશ્મ વિજ્ઞાની પ્રોફેસર સ્ટીવ બ્રુસેટ પણ ચીનમાં મળેલાં આ અશ્મિલની સંશોધન ટીમના સભ્ય છે.
આ સંદર્ભમાં તેમણે એક ટ્વીટ કર્યું છે. તેઓ લખે છે કે, "આ અત્યાર સુધીનાં સૌથી આશ્ચર્યજનક ડાયનાસોરના અવશેષો પૈકી એક છે."
તેમના મતે, આ કંઈક એવું હતું જે તેમણે પહેલાં ક્યારેય જોયું ન હતું. આ ભ્રૂણ ઈંડાંમાંથી બહાર આવવાની તૈયારીમાં હતું.
ચીનમાં જોવા મળતા બેબી યેંગલિયાંગની લંબાઈ 10.6 ઈંચ હોય છે. આ ઈંડું પહેલી વાર વર્ષ 2000માં જોવા મળ્યું હતું, પરંતુ તેને 10 વર્ષ માટે સ્ટોરેજમાં રાખી મૂકવામાં આવ્યું હતું.
જ્યારે મ્યુઝિયમમાં બાંધકામ શરૂ થયું અને જૂના અવશેષોની તારવણી કરવામાં આવી રહી હતી, ત્યારે સંશોધકોનું ધ્યાન આ ઈંડાં તરફ ગયું. સંશોધકોને શંકા ગઈ કે આ ઈંડાંની અંદર ભ્રૂણ હોઈ શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો