ભુતાન-ચીન વચ્ચેના મહત્ત્વના કરાર અંગે ચીનનું મીડિયા શું કહી રહ્યું છે?

ચીન અને ભુતાન વચ્ચે ગુરુવારે ઘણાં વર્ષોથી ચાલી રહેલા સરહદ વિવાદને ઉકેલવા માટે એક 'થ્રી-સ્ટેપ રોડમૅપ'ના સમજૂતી કરાર(MoU) પર હસ્તાક્ષર થયા છે. આ કરારને ભારત માટે ખૂબ ચિંતાજનક બાબત કહેવામાં આવી રહી છે.

બીજી તરફ ચીનનું મીડિયા આને એક મોટી સફળતા ગણાવી રહ્યું છે. ભુતાન અને ચીને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ગુરુવારે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ચીનના સહાયક વિદેશ મંત્રી વૂ જાંગખાઓએ ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહ્યું છે કે MoU 'સરહદ સીમાંકન પર વાટાઘાટોની ગતિને વેગ આપવા અને બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવામાં મદદ કરવા માટે અર્થપૂર્ણ ભાગીદારી નિભાવશે.'

આ નિવેદનમાં ભુતાનના વિદેશ મંત્રીનું પણ નિવેદન સામેલ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે ભુતાન 'MoU લાગુ કરવા માટે ચીન સાથે કામ કરશે અને દ્વીપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.'

ભુતાનના વિદેશ મંત્રીએ પણ આ કરાર બાબતે એક પ્રેસ રિલીઝ જારી કરી છે. પરંતુ બંને પક્ષોએ આ વાતચીતને લઈને કોઈ રોડમૅપ જારી કર્યો નથી કે તેઓ શું ચર્ચા કરશે.

જો કે, ચીનનું સરકારી મીડિયા આ MoUને સરહદી વાતચીતમાં પહેલી મોટી 'સફળતા' ગણાવી રહ્યું છે. ચીન અને ભુતાન વચ્ચે 1984થી અત્યાર સુધી 20થી વધારે રાઉન્ડની વાતચીત થઈ છે.

ભારત માટે આ ચિંતાની વાત એટલે કહેવામાં આવી રહી છે કેમ કે ચાર વર્ષ પહેલા ડોકલામ ટ્રાઈ-જંક્શન પર ચીન-ભારત અને ભુતાન સામસામે આવી ગયા હતા.

હવે ચીનનું સરકારી મીડિયા આ કરારની પ્રશંસા કરતા કહી રહ્યું છે કે આની 'ભારતના કારણે પેદા થયેલી મડાગાંઠ તૂટશે.'

શું કહી રહ્યું છે ચીનનું મીડિયા?

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ભારતનું નામ લેતા શીર્ષક લખ્યું છે કે, ચીન-ભુતાન સરહદ વાટાઘાટો પર MoU-'ભારતના કારણે પેદા થયેલી મડાગાંઠ તૂટશે, રાજદ્વારી સંબંધોનો માર્ગ મજબૂત કરશે.'

આ લેખમાં વિવિધ વિશ્લેષકોને ટાંકીને જણાવાયું છે કે આ સમજૂતી કરારનું ઐતિહાસિક મહત્ત્વ છે, જે બંને પક્ષોના સંયુક્ત પ્રયાસ અને સહયોગનું પરિણામ છે.

ગ્લોબલ ટાઇમ્સ નિષ્ણાતોને ટાંકીને લખે છે કે '2017માં ડોકલામમાં સરહદી ગતિરોધ સમયે જે થયું તેવું હવે કરવાની ભારત પાસેથી ખૂબ ઓછી સંભાવનાઓ અથવા કારણ છે કેમ કે અહીંયા ચીન અને ભુતાન વચ્ચે હવે મહત્ત્વપૂર્ણ સુધાર થયા છે. પરંતુ ભુતાન અને ચીન વચ્ચે વાતચીત હવે મહત્ત્વપૂર્ણ સ્તર પર પહોંચશે તો (ભારત) તેમાં અવરોધ ઊભો કરી શકે છે.'

સાઉથ ઇસ્ટ એશિયા અને ઓસિયાનિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઑફ કન્ટેમ્પરરી ઇન્ટરનેશનલ રિલેશન્સ રિસર્ચ એકેડમી ઑફ ચાઇનામાં સાઉથ એશિયાના ડેપ્યુટી ડિરેક્ટર વાંગ શીડા અખબારને કહે છે કે આ MoU 'એક સિદ્ધિ છે અને મડાગાંઠ તોડવામાં મદદ કરશે.'

તેઓ કહે છે કે, 'સરહદનો મુદ્દો ચીન અને ભુતાન માટે ખૂબ ખાસ છે. કારણ કે તેનો સંબંધ ફક્ત ભુતાન સાથે જ નહીં પરંતુ તે ભારત-ચીન સંબંધો પર પણ નકારાત્મક અસર કરે છે.'

ડોકલામ અને ભારત-ભુતાન સંબંધોનો પણ ઉલ્લેખ

ચીનના ગ્લોબલ ટાઇમ્સ અખબારે ભુતાન પર ભારતની નિકટતા વિશે પણ વિગતવાર લખ્યું છે અને સાથે જ ડોકલામમાં ગતિરોધ પેદા કરવા માટે ભારતને જવાબદાર ગણાવ્યું છે.

અખબાર લખે છે કે ભુતાન તે બે દેશોમાંનો એક છે, જેનો જમીની સરહદ વિવાદ આજ સુધી ચીન સાથે ઉકેલાયો નથી અને ભુતાન હંમેશાથી ભારતના પ્રભાવમાં રહ્યું છે.

ગ્લોબલ ટાઇમ્સના અન્ય એક લેખમાં લખવામાં આવ્યું છે કે 'ભુતાનના ચીન સાથે રાજદ્વારી સંબંધ નથી અને ના તો તેના કોઈ પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સદસ્ય સાથે રાજદ્વારી સંબંધ સ્થાપિત છે.

આ ખૂબ વિચિત્ર છે અને આ ફક્ત ભારતના કારણે છે જે લાંબા સમયથી ભુતાનને નિયંત્રિત કરી રહ્યું છે અને તેનો તેની પર પ્રભાવ છે, તેને (ભારતે) વિદેશ સંબંધ સ્થાપિત કરવાથી રોકી રાખ્યું છે.'

ચાઇના ઇન્સ્ટિટ્યુટ ઑફ કન્ટેમ્પરરી ઇન્ટરનેશલ રિલેશન્સમાં ઇન્સ્ટિટ્યુટ ઑફ સાઉથ એશિયન સ્ટડીઝના આસિસ્ટન્ટ પ્રોફેસર વાંગ સે અખબારને કહે છે કે, 'ચીન અને ભુતાન વચ્ચે સરહદના મુદ્દે વાચચીતમાં વિલંબ ફક્ત ભારતના કારણે થતો રહ્યો છે.'

"છેલ્લા તબક્કાની વાતચીત દરમિયાન બંને પક્ષો કેટલાક મુદ્દા પર એકમત થવા માટે સંમત હતા પરંતુ ભારતને લાગે છે કે આનાથી તેના હિતને નુકસાન પહોંચશે, ખાસ કરીને ચીન-ભુતાન સરહદ પર પશ્ચિમ સેક્શનમાં. ભારતને લાગે છે કે આનાથી તેના સિલિગુડી કૉરિડૉર પર જોખમ ઊભુ થશે."

ભારતને શેનો ડર છે?

ભુતાન ચીન સાથે 400 કિલોમીટરથી વધારે લાંબી સરહદ ધરાવે છે અને બંને દેશોએ વિવાદને ઉકેલવા માટે વર્ષ 1984થી અત્યાર સુધી 20થી વધારે રાઉન્ડની સરહદી મંત્રણા કરી છે.

જે બે વિસ્તારને લઈને ચીન અને ભુતાન વચ્ચે વધારે વિવાદ છે. તેમાંથી એક ભારત-ચીન-ભુતાન ટ્રાઇજંક્શન પાસે 269 વર્ગ કિલોમીટરનો વિસ્તાર અને બીજો ભુતાનના ઉત્તરમાં 495 વર્ગ કિલોમીટરનો જકારલુંગ અને પાસમલુંગ ઘાટીઓનો વિસ્તાર છે.

ચીન ભુતાનને 495 વર્ગ કિલોમીટરવાળો વિસ્તાર આપી તેના બદલામાં 269 વર્ગ કિલોમીટરનો વિસ્તાર લેવા માગે છે. ચીન જે વિસ્તાર માગી રહ્યો છે, તે ભારતના સિલિગુડી કૉરિડૉરની નજીક છે.

સિલિગુડી કૉરિડૉર, જેને ચિકન્સ નેક પણ કહેવામાં આવે છે, તે ભારત માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે કેમ કે પૂર્વોત્તર રાજ્યો સુધી પહોંચવા માટે ભારતનો મુખ્ય રસ્તો છે અને જો ચીન સિલિગુડી કૉરિડૉરની નજીક આવે તો તે ભારત માટે ગંભીર ચિંતાનો વિષય હશે. કેમ કે તે પૂર્વોત્તર રાજ્યોમાં જોડાણ માટે ખતરો બની શકે છે.

ચીન અને ભુતાન વચ્ચે 'થ્રી-સ્ટેપ રોડમૅપ'ને લઈને શું સમજૂતી થઈ છે તેની કોઈ માહિતી સાર્વજનિક નથી પરંતુ વાંગ સે ગ્લોબલ પોસ્ટ અખબારને કહે છે કે 'આ રોડપૅમ ચીન-ભારત સરહદ વાતચીતના સિદ્ધાંતો અનુરૂપ જ હશે.'

તેનો અર્થ છે કે પહેલા બંને વચ્ચે સરહદ નિર્ધારણના મૂળભૂત રાજકીય સિદ્ધાંતોને સ્થાપિત કરવામાં આવશે, તેના બાદ ખાસ વિવાદોનું સમાધાન કરવામાં આવશે, કરાર પર હસ્તાક્ષર થશે અને નવી સરહદ નક્કી કરી દેવામાં આવશે.

2017માં ડોકલામ વિવાદ બાદ ચીને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ભારત-ચીન-ભુતાન ટ્રાઇજંક્શન પર મોજૂદ ડોકલામ પઠારમાં પોતાની ઉપસ્થિતિને મજબૂત કરી છે.

ભારત અને ભુતાનના વિરોધ છતાં ચીને ડોકલામ પઠારમાં રસ્તાનું નિર્માણ કર્યું છે અને ગયા વર્ષે ચીની મીડિયાએ ભુતાન અને ચીન વચ્ચે વિવાદિત ડોકલામના વિસ્તારમાં નવા બનાવેલા ગામોની તસવીર શૅર કરી હતી.

જ્યારે સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ અખબારને સિંગુઆ યુનિવર્સિટીના ચિએન ફાંગે કહ્યું કે, આ સમજૂતી હેઠળ 'પહેલાં એક ફ્રેમવર્ક બનાવવામાં આવશે, આમાં ખાસ-ખાસ વિવાદિત મુદ્દાઓને એકબીજાના નક્શા સાથે ચર્ચા માટે મૂકવામાં આવશે અને ત્યારબાદ તેના સમાધાનનો તબક્કો હશે.'

ભારતે અત્યાર સુધી આ સમજૂતી પર કોઈ વિસ્તૃત પ્રતિક્રિયા આપી નથી.

જો કે આ સમજૂતી પર ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, "અમે આજે ભુતાન અને ચીન વચ્ચે સમજૂતી કરાર(MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાની વાત નોંધી છે. તમે જાણો છો કે ભુતાન અને ચીન 1984થી સરહદ મુદ્દે વાતચીત કરી રહ્યા છે. ભારત પણ આ રીતે ચીન સાથે સરહદ મુદ્દે વાતચીત કરી રહ્યું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો