બાંગ્લાદેશમાં ઇસ્કૉન મંદિર પર હુમલો, એક શ્રદ્ધાળુનું મૃત્યુ

બાંગ્લાદેશ એક ઇસ્કૉન મંદિરમાં ભીડે તોડફોડ કરી છે અને આ ઘટનામાં એક શ્રદ્ધાળુંનું મૃત્યું થયું છે. ગુરુવાર પછીની હિંસામાં થયેલું આ પાંચમું મૃત્યુ છે.

અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’એ આ સમાચારને પહેલા પાને છાપ્યા છે.

અખબારના રિપોર્ટ અનુસાર, ભારતે કહ્યું છે કે ‘સમન્વિત’ અને ‘યોજનાબદ્ધ’ રીતે કરવામાં આવી રહેલા હુમલાથી સાંપ્રદાયિક તણાવ વધારવામાં આવી રહ્યો છે.

અખબાર અનુસાર, ભારત સરકાર એ વાતથી ચિંતિત છે કે બાંગ્લાદેશ સતત વધતી ઘટનાઓ રોકવા અથવા નિયંત્રિત કરવામાં અસમર્થ છે જ્યારે દેશના અડધાથી વધુ પ્રશાસનિક જિલ્લામાં અર્ધસૈનિક દળની ટુકડીઓનો ચુસ્ત બંદોબસ્ત છે.

નોઆખાલીના ઇસ્કૉન મંદિરમાં આ હુમલાથી ત્યાંનો હિંદુ સમુદાય ડરમાં છે અને તેને કારણે રસ્તા પર પ્રદર્શનો થઈ રહ્યા છે.

અખબારના સૂત્રો અનુસાર બાંગ્લાદેશમાં બે સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક હિંસા ભડકાવવા પાછળ ઇસ્લામી ચરમપંથી સમૂહોની ભાગીદારીની આશંકા છે. જેની તપાસ ચાલુ છે.

ઇસ્કૉન મંદિર પાસે તળાવમાંથી મૃતહેદ મળ્યો

ઇસ્કૉન મૅનેજમેન્ટે ઘટના વિશે ટ્વીટ કરીને તોડફોડ બાદની તસવીર મૂકી હતી અને લખ્યું, “નોઆખાલી, બાંગ્લાદેશમાં ઇસ્કૉન મંદિર અને શ્રદ્ધાળુઓ પર હિંસક હુમલો કરાયો હતો. મંદિરને ઘણું નકસાન થયું છે અને એક શ્રદ્ધાળુની હાલત ધણી જ ગંભીર છે.”

બાદમાં શનિવારે સાંજે ટ્વીટ કરાયું, “પારંથ દાસ ઉત્સાહથી ભરેલા શ્રદ્ધાળુ હતા, જેમને શનિવારે 200 લોકોની ભીડે મારી નાખ્યા. તેમનો મૃતદેહ મંદિર પાસે એક તળાવ પાસેથી મળી આવ્યો.”

ઇસ્કૉન મંદિરના પ્રશાસને કહ્યું, “ અમે બાંગ્લાદેશની સરકારને તમામ હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ષડયંત્રકારીઓને સજા આપવા કહ્યું છે.”

બાંગ્લાદેશ પ્રશાસને રાષ્ટ્રીય સ્તર પર સુરક્ષાને લઈને રેડ ઍલર્ટની જાહેરાત કરી છે. જ્યારે અધિકારીઓએ કહ્યું કે શરુઆતી તપાસમાં લઘુમતી હિંદુ સમુદાયે દુર્ગાપૂજા ઉત્સવ પર હિંસાના ષડયંત્રકર્તાઓ વિરુદ્ધ મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે.

અર્ધસૈનિક દળ બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીસીબી) ને અન્ય વધુ જિલ્લાઓમાં તહેનાત કરાયા છે. હવે તે બાંગ્લાદેશના 64માંથી 34 પ્રશાસનિક જિલ્લામાં તહેનાત છે.

અપરાધ વિરોધી દળ રૅપિડ ઍક્શન બટાલિયન (આરએબી)એ કહ્યું કે ગત ત્રણ દિવસોમાં જે હિંસા થઈ છે તેના મુખ્ય ષડયંત્રકર્તાઓની ધરપકડ થઈ શકે છે.

ગૃહમંત્રી અસદ-ઉઝ-જમાં ખાન કમાલે પત્રકારોને કહ્યું, “અમને આશા છે કે એક બે દિવસમાં તપાસમાં પ્રગતિ થશે.”

આરએબીના કર્નલ કે. એમ. આઝાદે કહ્યું, “આ હિંસા આંતર-ધાર્મિક સદભાવ વિરુદ્ધ એક કાવતરાનો ભાગ લાગે છે અને કાવતરું કરનારાઓ આ પ્રકારની ભૂતકાળની ઘટનાઓમાં પણ સામેલ રહ્યા છે.”

તેમણે કહ્યું, “અમે કડક કાયદાકીય પગલાંની તૈયારી કરી રહ્યા છે અને કેટલાક લોકોને જલદી જ પકડીશું.”

ચિંતાજનક વાત એ પણ છે કે કોમિલ્લા જિલ્લામાં હિંદુ મંદિરો અને દુર્ગાપૂજા પંડાલો પર હુમલા બાદ વડાં પ્રધાન શેખ હસીને કડક ચેતવણી આપી હતી પરંતુ તેના કેટલાક કલાકો બાદ આ હિંસાની ઘટના થઈ ગઈ.

તેમણે કહ્યું હતું, “કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવશે. એ મહત્ત્વનું નથી કે તે કયા ધર્મ સાથે સંબંધ રાખે છે. તેમને શોધી કાઢવામાં આવશે અને સજા કરવામાં આવશે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો