You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Aukus: ફ્રાન્સે અમેરિકા અને ઑસ્ટ્રેલિયાથી પોતાના રાજદૂતોને પાછા કેમ બોલાવ્યા?
ફ્રાન્સે જાહેરાત કરી છે કે તેઓ વિચારવિમર્શ કરવા માટે અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવી રહ્યું છે.
આ નિર્ણયને આ સુરક્ષાકરારના વિરોધના રૂપમાં જોવામાં આવે છે, જેમાં બ્રિટન પણ સામેલ છે.
ફ્રાન્સના વિદેશમંત્રીએ કહ્યું કે સ્થિતિની 'અસાધારણ ગંભીરતા' જોતાં આ 'અસાધારણ નિર્ણય' યોગ્ય છે.
હાલમાં જ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને બ્રિટને એક કરાર કર્યો હતો, જેને ઑકસ કહેવાય છે. તેમાં ઑસ્ટ્રેલિયાને પરમાણુ ઊર્જાથી સબમરીન બનાવવાની તકનીક અપાશે.
આ નિર્ણય બાદ ફ્રાન્સ બહુ હતાશ છે, કેમ કે તેનો ઑસ્ટ્રેલિયા સાથે કરેલો અબજો ડૉલરનો કરાર ખતમ થઈ ગયો છે.
આ કરારને દક્ષિણ ચીન સાગરમાં ચીનના વધતા દબદબાને સમાપ્ત કરવાની દિશામાં એક ડગલું ગણાવાઈ રહ્યો છે.
બુધવારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસને તેની જાહેરાત કરી હતી.
ફ્રાન્સને આ ગઠબંધનની જાણકારી તેના સાર્વજનિક થતાં અગાઉ થોડા કલાકો પહેલાં જ અપાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફ્રાન્સના વિદેશમંત્રી જ્યાં ઈવરે દ્રિયાંએ શુક્રવારે રાતે નિવેદન જાહેર કર્યું, જેમાં કહેવાયું કે રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રોનના નિવેદન પર રાજદૂતોને પાછા બોલાવાયા છે.
અમેરિકાએ શું કહ્યું?
વ્હાઇટ હાઉસના એક અધિકારીનું કહેવું છે કે બાઇડન પ્રશાસને આ પગલા પર ખેદ વ્યક્ત કર્યો છે અને મતભેદોને ઉકેલવા માટે આગામી દિવસોમાં ફ્રાન્સ સાથે વાતચીત કરાશે.
વૉશિંગ્ટનમાં ઑસ્ટ્રેલિયાના વિદેશમંત્રી મરીસ પેને કહ્યું કે તેઓ ફ્રાન્સની 'નિરાશા'ને સમજે છે અને તેમણે આશા વ્યક્ત કરી છે કે તેઓ ફ્રાન્સને એ સમજાવશે કે 'દ્વિપક્ષીય સંબંધને અમે મહત્ત્વ આપીએ છીએ.'
મિત્રરાષ્ટ્રો વચ્ચે રાજદૂતોને પાછા બોલાવવા બહુ અસામાન્ય છે અને એ માનવામાં આવે છે કે ફ્રાન્સ પહેલી વાર બંને દેશોથી પોતાના રાજદૂતોને પાછા બોલાવ્યા છે.
ફ્રાન્સ કેમ નારાજ છે?
વૉશિંગ્ટનમાં ફ્રાન્સના રાજદૂતોએ પહેલાં જ અમેરિકા-ફ્રાન્સના સંબંધો પર શુક્રવારે એક પ્રસ્તાવિક ઉત્સવને રદ કરી દીધો હતો.
ત્રણ દેશ વચ્ચે થયેલા આ કરાર બાદ ઑસ્ટ્રેલિયા દુનિયામાં એવો ચોથો દેશ બની જશે, જેની પાસે પરમાણુ સબમરીન હશે. આ કરાર હેઠળ ઑસ્ટ્રેલિયાની સાથે સાયબરક્ષમતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ અને અન્ય સમૃદ્ધી તકનીકની ભાગીદારી કરાશે.
આ જાહેરાત બાદ ઑસ્ટ્રેલિયાનો ફ્રાન્સ સાથેનો 37 અબજ ડૉલરનો સોદો સમાપ્ત થઈ ગયો છે.
2016માં થયેલા આ સોદા હેઠળ ફ્રાન્સ ઑસ્ટ્રેલિયા માટે 12 પારંપરિક સબમરીન બનાવત.
બીજી તરફ ચીને આરોપ લગાવ્યો કે ત્રણ દેશોનો આ સોદો 'શીતયુદ્ધની માનસિકતા'થી કરાયો છે.
શું કહે છે વિશેષજ્ઞો?
વિદેશ મંત્રાલયના સંવાદદાતા બારબરા પ્લેટ અશર કહે છે કે ઑસ્ટ્રેલિયાના આ પગલા બાદ ફ્રાન્સને કંઈ નજરે ચડતું નથી, આ તેના માટે એક આર્થિક ઝટકો છે.
"પરંતુ ફ્રાન્સ અધિકારી એટલા માટે નારાજ છે કે તેમને આ કરાર અંગેની જાણ તેને સાર્વજનિક કર્યો તેના થોડા કલાકો પહેલાં જ કરાઈ હતી. તેમનું કહેવું છે કે બ્રિટન સમેત ત્રણ દેશોનો નવો સુરક્ષા કરાર તેમના માટે ચોંકાવનારો હતો."
"ફ્રાન્સ રાજદૂતોને પાછા બોલાવવાનો નિર્ણય અભૂતપૂર્વ છે. જેમ કે વ્હાઇટ હાઉસે પણ માન્યું છે કે આ દેશ અમેરિકાનો 'સૌથી જૂનો સહયોગી' છે. તેમનું કહેવું છે કે વૉશિંગ્ટન મતભેદોને ઉકેલવા માટે આગામી દિવસોમાં ફ્રાન્સ સાથે વાતચીત કરશે."
"આ રાષ્ટ્રપતિ બાઇડનને શરમમાં મૂકનારો છે, કેમ કે હાલમાં જ તેમણે વાયદો કર્યો હતો કે તે પોતાના સહયોગીઓ સાથે મળીને કામ કરશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો