રશિયાનો સાથ હોવા છતાં અફઘાનિસ્તાનમાં ભારત એકલું પડી જશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) જૂથની મેજબાની કરી રહ્યા છે.

આ સમિટ વર્ચ્યુઅલી થઈ રહી છે અને તેમાં આ દેશોના રાષ્ટ્રધ્યક્ષ પણ સામેલ છે. એટલે કે શી જિનપિંગથી માંડીને પુતિન પણ.

આ દરમિયાન અફઘાનિસ્તાન ભારત માટે એક નવો પડકાર બનીને સામે આવ્યું છે અને રશિયા-ચીન આ મુદ્દે એક સાથે છે.

17 સપ્ટેમ્બરના રોજ SCO એટલે કે શંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઇઝેશનની બેઠક છે. ભારત તેનું પણ સ્થાયી સભ્ય છે. ભારત સિવાય ચીન, રશિયા અને પાકિસ્તાન સહિત અન્ય ચાર દેશો પણ છે. ત્યાં પણ અફઘાનિસ્તાન અને તાલિબાન મહત્ત્વપૂર્ણ મુદ્દો રહેશે.

SCOમાં ભારતને બાદ કરતાં તમામ સભ્ય રાષ્ટ્રો અફઘાનિસ્તાનમાં ભારતની સરકાર મામલે એક છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, SCOમાં ભારતને બાદ કરતાં તમામ સભ્યરાષ્ટ્રો અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર મામલે એક છે

અહીં તો સ્થિતિ વધુ વિપરીત છે. બ્રિક્સમાં તો ભારતને બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની મદદ મળી શકે છે, પરંતુ SCOમાં ભારતને બાદ કરતાં તમામ દેશ અફઘાનિસ્તાન અને તાલિબાનના મુદ્દે ચીન, રશિયા અને પાકિસ્તાન તરફી વલણ ધરાવે છે. કહેવાઈ રહ્યું છે કે ભારત આ મંચ પર એકલું પડી શકે છે.

ચીનના અંગ્રેજી દૈનિક ગ્લોબલ ટાઇમ્સને ત્યાંની સત્તાધારી કૉમ્યુનિસ્ટ પાર્ટીનું મુખપત્ર કહેવાય છે.

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, "ભારતને બાદ કરતાં શાંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ના તમામ સભ્ય દેશો તાલિબાનના મુદ્દે એક સાથે છે. SCOની બેઠક 17 સપ્ટેમ્બરના રોજ તાજિકિસ્તાનના પાટનગર દુશાંબેમાં થવાની છે. ચીન અને રશિયા અન્ય મહત્ત્વના દેશ તાજિકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન અને પાકિસ્તાન સાથે અફઘાનિસ્તાન મામલે સમન્વય સાધી રહ્યા છે. પાકિસ્તાન અફઘાન તાલિબાનની અત્યંત નિકટ છે. તાલિબાને પોતે જણાવ્યું છે કે તેઓ ચીનના બેલ્ટ રોડ પ્રોજેક્ટમાં સામેલ થવા માગે છે."

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, "પરંતુ સૌથી શરમજનક સ્થિતિ ભારત માટે છે. વિદેશનીતિમાં વિપરીત નિર્ણયો લેવાના કારણે સર્જાયેલ નવી પરિસ્થિતિ ભારત માટે મુશ્કેલ સાબિત થઈ રહી છે. નવી દિલ્હી કદાચ પાકિસ્તાની તાલિબાનનું સમર્થન કરી શકે છે."

SCOના આઠ સ્થાયી સભ્યો છે. તેમાં ચીન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન સામેલ છે. ગ્લોબલ ટાઇમ્સ પ્રમાણે અફઘાનિસ્તાન મામલે ભારતને બાદ કરતાં અન્ય તમામ દેશો એક સાથે છે.

line

ચીને કર્યું સ્વાગત

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વચગાળાની સરકારનું ચીને સ્વાગત કર્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં તાલિબાનની વચગાળાની સરકારનું ચીને સ્વાગત કર્યું છે

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વચગાળાની સરકારનું ચીને સ્વાગત કર્યું છે.

ચીને વચગાળાની સરકારની ઘોષણાને અફઘાનિસ્તાનમાં મહત્ત્વપૂર્ણ પગલું ગણાવતાં કહ્યું કે પાછલાં ત્રણ અઠવાડિયાંથી ચાલી રહેલ અરાજકતાનો અંત આવ્યો છે.

ચીનનું તાલિબાનને લઈને વલણ વધુ નરમ બન્યું છે. આ પહેલાં ચીન તાલિબાનની સરકારને સમાવેશી બનાવવાના મહત્ત્વને રેખાંકિત કરી રહ્યું હતું. કહેવાઈ રહ્યું હતું કે ચીન જલદી જ તાલિબાનની વચગાળાની સરકારને માન્યતા આપી શકે છે.

ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિનને પુછાયું કે, "તેઓ મંગળવારે અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા વચગાળાની સરકારની જાહેરાતને કેવી રીતે જુએ છે? આ સરકારમાં ઘણા પ્રતિબંધિત ઉગ્રવાદીઓ પણ છે, કોઈ લઘુમતિ નથી અને કોઈ મહિલા પણ સામેલ નથી. શું ચીન આવી સરકારને માન્યતા આપશે?"

આ સવાલના જવાબમાં ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "અફઘાનિસ્તાનમાં ચીનનું દૂતાવાસ સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. અમે નવી અફઘાન સરકાર અને તેમના નેતાઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ."

ચીનના વિદેશમંત્રાલયે કહ્યું કે, "અમને આશા છે કે અફઘાનિસ્તાનની નવી સરકાર તમામ સમૂહોની મહત્ત્વાકાંક્ષાઓને જગ્યા આપશે અને સાથે જ સામાન્ય અફઘાન નાગરિકો સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયની અપેક્ષાઓ પર ખરી ઊતરશે. અફઘાન તાલિબાને ભારપૂર્વક કહ્યું છે કે તેમની સરકાર અફઘાન નાગરિકોના હિત માટે કામ કરશે."

line

ચીનનું નરમ વલણ

ભારત જે સંસ્થાનો સ્થાયી સભ્ય છે ભારતને બાદ કરતાં તેના તમામ સભ્ય દેશો અફઘાનિસ્તાનમાં તાલિબાન મામલે એક છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એસસીઓ: ભારત જેમાં સ્થાયી સભ્ય છે તેમાં ભારતને બાદ કરતાં તેના તમામ સભ્ય દેશો અફઘાનિસ્તાનમાં તાલિબાન મામલે એક છે

આ પહેલાં ચીને કહ્યું હતું કે તેઓ કાબુલમાં સરકાર બની ગયા બાદ તાલિબાનને માન્યતા આપવા અંગે વિચાર કરશે. ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા અફઘાનિસ્તાનની નવી સરકારનું સ્વાગત કરતાં કહે છે કે પાછલાં ત્રણ અઠવાડિયાંથી જારી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે.

તેમણે કહ્યું કે નવી સરકાર હવે અફઘાનિસ્તાનમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિને પાટે લાવે અને યુદ્ધગ્રસ્ત દેશના નિર્માણમાં લાગી જાય.

વાંગે કહ્યું કે, "અફઘાન મુદ્દે ચીનનું વલણ શરૂઆતથી જ એકસમાન જળવાઈ રહ્યું છે. અમે હંમેશાં અફઘાનિસ્તાનનાં સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને એકતાનું સન્માન કર્યું છે. અમે ક્યારેય હસ્તક્ષેપની નીતિ નથી અપનાવી. અમે અફઘાન જનતા સાથે ઊભા છીએ. અફઘાનિસ્તાનના લોકો જે રસ્તો સ્વીકારશે અમે તેમનો સાથ આપીશું."

ચીન, રશિયા અને પાકિસ્તાન હાલનાં અઠવાડિયાંમાં અફઘાન મુદ્દે ઘણાં સક્રિય રહ્યાં છે. વાંગે કહ્યું કે પાંચ સપ્ટેમ્બરના રોજ ચીને પાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, તાજિકિસ્તાન અને તુર્કમેનિસ્તાનના વિશેષ પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી.

આ બેઠકની અધ્યક્ષતા પાકિસ્તાને કરી હતી. વાંગે કહ્યું કે આ બેઠકમાં મુખ્યત્વે અફઘાનિસ્તાન સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ચીને કહ્યું કે અફઘાનિસ્તાન સાથે પાડોશી દેશોના સંબંધો કેવા હોય એ અંગે પણ વાત થઈ હતી.

line

ચીને કરી મદદ

ચીને અફઘાનિસ્તાન તાત્કાલિક 3.96 કરોડ ડૉલરની કીમતનું અનાજ, ઠંડીથી બચવા માટેનો સામાન્, વૅક્સિન અને દવા આપવાની જાહેરાત કરી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીને અફઘાનિસ્તાન તાત્કાલિક 3.96 કરોડ ડૉલરની કિંમતનું અનાજ, ઠંડીથી બચવા માટેનો સામાન્, વૅક્સિન અને દવા આપવાની જાહેરાત કરી છે

ચીને અફઘાનિસ્તાનને તાત્કાલિક 3.96 કરોડ ડૉલરની કિંમતનું અનાજ, ઠંડીથી બચવા માટેનો સામાન્, વૅક્સિન અને દવા આપવાની જાહેરાત કરી છે. બુધવારે ચીનના વિદેશમંત્રી વાંગ યીએ પાકિસ્તાન, ઈરાન, તાજિકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનના વિદેશમંત્રીઓ સાથે બેઠકમાં અફઘાનિસ્તાનને 30 લાખ વૅક્સિન ડોઝ આપવાની જાહેરાત કરી હતી.

કહેવાઈ રહ્યું છે કે અમેરિકા પરત ફર્યા બાદ અફઘાનિસ્તાન પર હવે ચીનનું પ્રભુત્વ વધશે અને પાકિસ્તાન પણ મહત્ત્વપૂર્ણ ખેલાડી બનીને સામે આવશે. અમેરિકાના પરત ફર્યા બાદ ભારત પર પણ તેની સીધી અસર પડશે તેવું કહેવાઈ રહ્યુ છે. અફઘાનિસ્તાનમાં ભારતની હાજરી ચીન અને પાકિસ્તાન સામે નગણ્ય રહેશે.

તાલિબાનમાં સરકારની જાહેરાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે, "તાલિબાન સાથે ચીન વાસ્તવિક સમસ્યા છે. ચીન તાલિબાન સાથે એક વ્યવસ્થા જાળવવાની કોશિશ કરવા જઈ રહ્યું છે. હું આ વાતને લઈને સંપૂર્ણપણે આશ્વવસ્ત છું. પાકિસ્તાન, રશિયા, ઈરાન તમામ પોતાની રણનીતિ પર કામ કરી રહ્યાં છે."

અમેરિકાએ તાલિબાનની અફઘાનિસ્તાનના રિઝર્વ ફંડ સુધીની પહોંચ રોકી દીધી છે. પરંતુ કહેવાઈ રહ્યું હતું કે ચીનની મદદના કારણે તાલિબાનને આના કારણે વધુ પરેશાની નહીં થાય. હવે ચીને તાલિબાનને મદદ પૂરી પાડવાની જાહેરાત કરી દીધી છે.

ચીન સિવાય વધુ એક તાકાત રશિયા તાલિબાનને લઈને સક્રિય છે. કહેવાઈ રહ્યું છે કે રશિયા પણ આ વિસ્તારમાંથી અમેરિકાને ખદેડી મૂકવા માટે તાલિબાનની મદદ કરશે.

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે ચીન તાલિબાનને લઈને અત્યંત ગંભીર છે અને તેમનું આગામી પગલું ત્યાં આંતરિક સરકારને માન્યતા આપવાનું હોઈ શકે છે. અલ-જઝીરાએ પોતાના રિપોર્ટમાં સૂત્રો આધારે જણાવ્યું હતું કે તુર્કી, ચીન, રશિયા, ઈરાન, પાકિસ્તાન અને કતારને તાલિબાને સરકારની જાહેરાતના પ્રસંગે આમંત્રિત કર્યાં હતાં.

(કૉપી - રજનીશકુમાર)

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો