You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનના PM ઇમરાન ખાને વડા પ્રધાનનું નિવાસસ્થાન ભાડે આપવા મૂક્યું? - ફૅક્ટ ચૅક
- લેેખક, શુમાઈલા જાફરી
- પદ, બીબીસી ન્યૂઝ, ઇસ્લામાબાદ
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે અને આવક ઊભી કરવા માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનું સત્તાવાર નિવાસસ્થાન ભાડે આપવા મુકાયું છે - આવા અહેવાલો તાજેતરમાં જ ભારતીય મીડિયામાં જોવા મળ્યા છે. આ સમાચાર સાચા હતા કે ખોટા?
શું હતા સમાચાર?
આ સમાચાર પાકિસ્તાનની અંગ્રેજી વૅબસાઇટ "સમા ન્યૂઝ"માં પ્રગટ થયા છે તેવી રીતે સ્રોત દર્શાવાયો હતો.
આ અહેવાલને ટાંકીને ભારતનાં અખબારોમાં દાવો કરાયો કે અર્થતંત્રની કફોડી સ્થિતિને કારણે પાકિસ્તાને 'બહુ શરમજનક રીતે' વડા પ્રધાનનું નિવાસસ્થાન ભાડે આપવા માટે કાઢ્યું છે.
અહેવાલોમાં એવો દાવો પણ કરાયો કે કેન્દ્રીય કૅબિનેટે વડા પ્રધાનના નિવાસસ્થાનનો ઉપયોગ કૉમ્યુનિટી સેન્ટર તરીકે કરવા માટે મંજૂરી આપી છે. મનોરંજન કાર્યક્રમો, તહેવારોની ઉજવણી, ફેશન શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જગ્યા ભાડે અપાશે અને તેના માટે બે સમિતિ બેસાડવામાં આવી છે, જેથી પીએમ હાઉસની ગરિમા અને શિસ્ત આ કાર્યક્રમો દરમિયાન જળવાઈ રહે.
એક ન્યૂઝ વૅબસાઇટે એવી ટીપ્પણી કરી કે "ઇમરાન ખાન વડા પ્રધાન તરીકે અનેક વાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા છે, પરંતુ આ કદાચ તેમના માટે સૌથી મોટી શરમની વાત છે."
અન્ય પ્રકાશનોમાં પણ બહુ ચટાકેદાર મથાળાં મારવામાં આવ્યાં હતાં:
"કંગાળ સ્થિતિમાં મુકાયેલા પાકિસ્તાને વડા પ્રધાનનું નિવાસસ્થાન ભાડે આપવા કાઢ્યું"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પાયમાલ થયેલું પાકિસ્તાન, ભેંસોની લિલામી પછી હવે પીએમ ઇમરાન ખાનના સત્તાવાર નિવાસસ્થાનને ભાડે આપી કરશે કમાણી"
"બરબાદ પાકિસ્તાનના વડા પ્રધાનનું નિવાસસ્થાન પણ અપાશે ભાડે"
ખરેખર શું થયું હતું?
વડા પ્રધાનના કાર્યાલયના સ્રોતોએ બીબીસીને જણાવ્યું કે હાલની એક બેઠકમાં આવી એક દરખાસ્ત ચર્ચા માટે આવી હતી ખરી, પરંતુ તેને મંજૂરી મળી નહોતી કે દરખાસ્તને આગળ વધારવા માટે કોઈ સમિતિ બેસાડવામાં આવી નથી.
સ્રોતોના જણાવ્યા અનુસાર આ દરખાસ્ત વિશે અલગઅલગ અભિપ્રાયો હતા.
વડા પ્રધાન ઇમરાન ખાન પોતે આટલી વિશાળ ઇમારતનો કોઈ ઉપયોગ થઈ શકે તો એ કરવાના મતના હતા. ઇમરાન ખાન પોતે આ મકાનમાં રહેતા નથી.
વડા પ્રધાન બન્યા પછી ઇમરાન ખાને પોતાની માલિકીના ઇસ્લામાબાદમાં આવેલા મકાનમાં જ રહેવાનું પસંદ કર્યું છે.
જોકે આ દરખાસ્તનો વિરોધ કરનારાઓનું કહેવું હતું કે આ સરકારની માલિકીની જગ્યા છે અને સત્તાવાર નિવાસસ્થાન તરીકે તેની એક ઓળખ છે. તેને ભાડે આપવાની વાત પદની ગરિમાથી અને પીએમપદની સુરક્ષાની વિરુદ્ધમાં હશે. આ દરખાસ્ત પર સર્વસંમતિ ના થઈ, તેથી તે પડતી મૂકવામાં આવી હતી.
વડા પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન ઇસ્લામાબાદના હાર્દસમા રેડ ઝોનમાં આવેલું છે અને 1096 વીઘાના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે.
સમાચારની પશ્ચાદ્ભૂમિકા
ઇમરાન ખાન સાદગી અને સરળતાના આગ્રહી માટે પાકિસ્તાનમાં જાણીતા થયા છે. તેમણે ચૂંટણી દરમિયાન વાયદો કર્યો હતો કે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનને યુનિવર્સિટીમાં ફેરવી નાખવામાં આવશે, કેમ કે આ ઇમારત પાછળ "લોકોના પૈસાનો બગાડ" થાય છે.
આ ઇમારત "સામ્રાજ્ય વખતનો બોજ છે" અને "રાજકીય હિતો દ્વારા સરકારી સ્રોતોના દુરુપયોગ" સમાન છે.
વડા પ્રધાન બન્યાના થોડા વખત પછી ઑગસ્ટ 2019માં જ ઇમરાન ખાને મહેલ જેવા પીએમ હાઉસને ખાલી કરી દેવાનો નિર્ણય કર્યો હતો.
"હું સાદગીપૂર્ણ જીવનમાં માનું છું અને હું તમારા પૈસાને બચાવીશ," એમ ઇમરાને કહ્યું હતું.
ચૂંટાયા પછી પ્રથમ વાર રાષ્ટ્રને સંબોધન કરતાં વડા પ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી હતી કે પીએમ હાઉસમાં રહેવાના બદલે તેઓ માત્ર "ત્રણ બેડરૂમના મિલિટરી સેક્રેટરીના નિવાસસ્થાન તરીકે વપરાતા મકાનમાં જ રહેશે."
"મારી ઇચ્છા છે કે પીએમ હાઉસને યુનિવર્સિટીમાં ફેરવી નાખવું. બહુ મોકાના સ્થળે તે છે," એમ તેમણે ઉમેર્યું હતું. બાદમાં તેઓ પોતાની માલિકીના મકાનમાં રહેવા જતા રહ્યા હતા.
વડા પ્રધાન તરીકે તેમણે આ જાહેરાત કરી તેના થોડાં અઠવાડિયાં પછી એક કૅબિનેટ મંત્રીએ પત્રકારપરિષદમાં કહ્યું હતું કે પીએમ હાઉસની જાળવણી માટે વર્ષે 47 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
પ્રધાને જાહેરાત કરી હતી કે પીએમના નિવાસસ્થાનની પાછળ જે જમીન છે ત્યાં વધારાનું બાંધકામ કરીને તેને પાકિસ્તાનની ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટી બનાવી દેવામાં આવશે.
જુલાઈ 2019માં કેન્દ્રીય કૅબિનેટે ઇસ્લામાબાદના માસ્ટર પ્લાનમાં ફેરફારને મંજૂરી આપી હતી, જેથી પીએમ હાઉસ ખાતે યુનિવર્સિટી બનાવી શકાય.
માસ્ટર પ્લાન પ્રમાણે પીએમ હાઉસ આવેલું છે તે રાજધાનીના G-5 સૅક્ટરમાં શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી આપવામાં આવતી નહોતી. આ વિસ્તારમાં માત્ર સરકારી ઇમારતોની જ મંજૂરી અપાતી હતી.
જોકે યુનિવર્સિટી બનાવવા માટેનો પ્રોજેક્ટ હજી સુધી પાર પડી શક્યો નથી.
તેથી હવે પીએમ હાઉસની જગ્યાએ જાહેર કાર્યક્રમો કરવા માટેની દરખાસ્ત પ્રથમ વાર કરવામાં આવી હતી.
કાર, ભેંસ અને ઇમારતોની લિલામી
વડા પ્રધાન તરીકે ઇમરાન ખાને કરકસરનાં પગલાં લીધાં હતાં અને પીએમના સત્તાવાર કાફલામાંથી મોટી સંખ્યામાં બુલેટપ્રૂફ કાર દૂર કરી હતી.
આ કારોની બાદમાં લિલામી કરી નાખવામાં આવી હતી.
આવાં વૈભવી 61 વાહનોની હરાજી કરીને 20 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવાયા હતા.
બાદમાં ઇમરાન ખાને જાહેરાત કરી વડા પ્રધાનના 524ના સ્ટાફમાંથી પણ તેઓ માત્ર બે સહાયકો જ રાખશે.
પીએમ હાઉસ માટે 8 ભેંસ હતી તેને પણ વેચી નાખવામાં આવી અને 25 લાખ રૂપિયા રળી લેવામાં આવ્યા હતા.
ઇમરાન ખાને કરકસરનાં પગલાં માટે ટાસ્કફોર્સ બેસાડી હતી.
પીએમ હાઉસ ઉપરાંત બીજી એવી સરકારી ઇમારતોની યાદી પણ તૈયાર કરાઈ હતી, જેને જાહેર સંસ્થાઓમાં ફેરવી શકાય.
આ યાદીમાં મરી અને રાવલપિંડીમાં આવેલાં પંજાબ હાઉસો, લાહોર અને કરાચીમાં આવેલાં ગવર્નર હાઉસો અને બધા પ્રાંતોના મુખ્ય મંત્રીઓના આવાસોનો સમાવેશ થતો હતો.
જોકે આ યોજના પર પણ ક્યારેય અમલ થઈ શક્યો નથી.
પાકિસ્તાનના અર્થતંત્રને સુધારવાનો પ્રયાસ કે લોકરંજક પ્રચાર?
ઇમરાન ખાને કરકસરનાં પગલાં લીધાં તેના કારણે પીએમ હાઉસના નિભાવનો ખર્ચ ઘટ્યો છે.
વિશ્લેષકો કહે છે કે દેશની ખાડે ગયેલી આર્થિક સ્થિતિ માટે આવા પ્રયાસો આવકાર્ય છે.
જોકે તેમના વિરોધીઓ કહે છે કે ઇમરાન ખાન પાસે અર્થતંત્રને બેઠું કરવાની કોઈ દૃષ્ટિ નથી અને કરકસરની નીતિ એ માત્ર રાજકીય ગતકડાં છે. પોતાની સરકાર અર્થતંત્રને ફરી પાટે ચડાવી શકી નથી તે નિષ્ફળતા ઢાંકવાના આ પ્રયાસો છે.
જનતાને મૂર્ખ બનાવવા માટે આવી જાહેરાતો પીએમ કરે છે એવી ટીકા પણ કેટલાકે કરી છે.
જોકે તેમના પક્ષ તહેરિક-એ-ઇન્સાફના કાર્યકરો આ પગલાંને ઇમરાનની વંચિતો અને અમીરો વચ્ચેની ખાઈ પૂરવાના પ્રયાસો તરીકે ગણાવે છે. તેઓ (વડા પ્રધાન) ન્યાયી સમાજ માટે અને સરકારી નાણાંના વેડફાટને રોકવા માટે કોશિશ કરી રહ્યા છે એમ તેઓ કહે છે.
જોકે સરકારના વડાએ કરકસરનાં પગલાંની જાહેરાત કરી હોય તેવું આ કંઈ પ્રથમ વાર નથી બન્યું.
ભૂતકાળમાં લશ્કરી શાસક જનરલ ઝિયા ઉલ હકે અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પણ કરકસરનાં પગલાંની જાહેરાતો કરી હતી. જોકે આવી જાહેરાતોથી લાંબા ગાળાનો કોઈ ફાયદો થયો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો