You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન : હિંદુ કિશોરને 'અલ્લા હો અકબર' બોલવાની ફરજ પડાઈ, વીડિયો વાઇરલ
- લેેખક, રિયાઝ સુહૈલ
- પદ, બીબીસી ઉર્દૂ, કરાચી
પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં થારના રણમાં એક શખ્સ એક કિશોરના ખમીસનો કૉલર પકડીને તેની પાસે 'અલ્લા હો અકબર' બોલવાની ફરજ પાડતો જોઈ શકાય છે.
શખ્સના બન્ને હાથ કિશોરના ગળાની નજીક છે અને સતત બૂમો પાડતો તેને 'અલ્લા હો અકબર' બોલવાનું કહી રહ્યો છે. ડરી ગયેલો કિશોર દબાયેલા અવાજમાં 'અલ્લા હો અકબર' કહેતો નજરે પડે છે.
આ શખ્સ કિશોરને તેના ભગવાન વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલવા દબાણ કરે છે. એ બાદ એ શખ્સ હિંદુ દેવીદેવતાઓ વિરુદ્ધ અપમાનજનક વાતો કરી, કિશોરને એવું બોલવા કહે છે.
વીડિયોમાં જોવા મળી રહેલો શખ્સ એવું પણ કહી રહ્યો છે કે હિંદુઓએ પાકિસ્તાનને મેલું કરી નાખ્યું છે.
વાઇરલ વીડિયોમાં બન્ને હાથ જોડીને માફી માગી રહેલો હિંદુ કિશોર ભયથી થરથરતો જોઈ શકાય છે.
પોલીસે ધરપકડ કરી
સિંધ સરકારે વાઇરલ થયેલા આ વીડિયો પર સંજ્ઞાન લીધું છે અને સરકારી પ્રવક્તા મુર્તઝા વહાબે કિશોરને હેરાન કરનારા શખ્સની ધરપકડની જાહેરાત કરી છે.
તેના વિરુદ્ધ મીઠી પોલીસ સ્ટેશનમાં ઈશનિંદાના કાયદા અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
આરોપી અબ્દુલ સલામ દાઉદનું કહેવું છે કે લાગણીવશ થઈને તેણે ભૂલ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધરપકડ બાદ પત્રકારોના સવાલનો જવાબ આપતાં આરોપીએ પહેલાં તો વીડિયો બનાવવાનો ઇન્કાર કર્યો અને બાદમાં કિશોર પર અપમાનજનક શબ્દો બોલવાનો આરોપ લગાવ્યો.
જ્યારે દાઉદને પૂછવામાં આવ્યું કે વીડિયોમાં તો કિશોર સતત માફી માગતો જોવા મળે છે, ત્યારે તેણે પોતાને લાગણીશીલ વ્યક્તિ ગણાવી ભૂલનો સ્વીકાર કર્યો.
આરોપીએ માફી માગી
પોતાના આ કરતૂત બદલ દાઉદે હિંદુ સમુદાયની માફી માગી છે.
સિંધ પ્રાંતના ઊર્જામંત્રી ઇમ્તિયાઝ શેખે જણાવ્યું છે કે અબ્દુલ સલામ દાઉદ 'થાર કૉલ કંપની'માં ડ્રાઇવર તરીકે કામ કરે છે. કંપની ચાઇનીઝ કંપની 'સિનો સિંધ' સાથે મળીને થારના રણમાં કોલસાનો પાવરપ્લાન્ટ સ્થાપી રહી છે.
સિંધ પ્રાંતના મુખ્ય મંત્રીના માનવધિકાર બાબતોના સલાહકાર વીરજી કોહલીએ બીબીસી ઉર્દૂને જણાવ્યું કે અબ્દુલ સલામ કંપનીમાં આઉટસૉર્સ્ડ કર્મચારી છે અને ગત ત્રણ દિવસથી ગેરહાજર છે.
જોકે, પોતાની ફેસબુક પ્રોફાઇલમાં દાઉદ પોતાને થાર કૉલ ફિલ્ડનો કર્મચારી ગણાવે છે. એટલું જ નહીં, પોતે પ્રિસ્ટન યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ હોવાનું પણ દર્શાવે છે.
જોકે, વીરજી કોહલી અનુસાર દાઉદ કંપનીનો કર્મચારી નથી અને થર્ડ પાર્ટી થકી તેને કામ મળ્યું હતું.
બીજી તરફ 'સિંધ રિસૉર્સિઝ કંપની'ના પ્રવક્તા અમાનુલ્લાહ જુનેજોએ બીબીસીને જણાવ્યું કે દાઉદ કંપનીની ભાડાની કાર ચલાવતો હતો પણ 15 દિવસ પહેલાં જ તેને કાઢી મૂકવામાં આવ્યો છે.
પ્રવક્તાએ જણાવ્યું, "અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ અને આ કૃત્યની નિંદા કરીએ છીએ. કંપની તપાસમાં તમામ સહયોગ કરવા તૈયાર છે."
આ મામલે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ પણ ટ્વીટ કરીને ઘટનાની નિંદા કરી છે.
તેમણે લખ્યું, "થરપારકરમાં એક હિંદુ કિશોરના ઉત્પીડનવાળા વીડિયો પર મેં સંજ્ઞાન લીધું છે. આઈજી સિંધને ઉત્પીડન કરનારાની પુષ્ટિ કરવા અને ધરપકડ કરવા કહ્યું છે. પાકિસ્તાને આપણા બંધારણમાં લઘુમતીઓની સુરક્ષા હંમેશાં સુનિશ્ચિત કરી છે અને આગળ પણ કરશે."
તેમણ ઉમેર્યું, "ઇસ્લામ લઘુમતીઓનું રક્ષણ કરે છે. આપણું બંધારણ સમાન અધિકાર, સ્વતંત્રતા અને સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. આ દેશમાં આપણા કાયદાઓનું આ રીતે ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કોઈએ કઈ રીતે કર્યો? સિંધ પોલીસે આરોપી અબ્દુલ સલામ દાઉદની ધરપકડ કરી લીધી છે."
"આપણા સમાજે સતર્ક રહેવું જોઈએ. દેશને બદનામ કરવા માટે આ પ્રકારની છૂટીછવાઈ ઘટનાઓનો ઉપયોગ કરવામાં આવે છે. હું આની નિંદા કરું છું અને તમામ નાગરિકોને વિશ્વાસ અપાવું છું કે આપણે રિયાસત-એ-મદીનામાં આવું ન થવા દઈ શકીએ અને થવા પણ નહીં દઈએ."
વાઇરલ વીડિયોમાં જોવા મળતા 14 વર્ષના કિશોરના પડોશી કૉમરેડ ધુમો ભીલે બીબીસી ઉર્દૂને જણાવ્યું કે કિશોરના પિતા ટ્રેક્ટર ચલાવે છે અને ઘટના ઘટી ત્યારે કામ પર ગયા હતા.
ભીલે જણાવ્યું કે આ ઘટના એક મહિના પહેલાં ઘટી હતી.
સોશિયલ મીડિયા પર આરોપીની ધરપકડની માગ
તેમણે કહ્યું, "પીડિત કિશોર રસ્તા પર મોટરસાઇકલ ચલાવતી વખતે હૉર્ન મારી રહ્યો હતો. અબ્દુલ સલામ દાઉદ વીગો ગાડી ચલાવી રહ્યો હતો. હૉર્નનો અવાજ સાંભળીને તેને ગુસ્સો આવ્યો અને ગાડીને રોકીને તેણે કિશોર સાથે એ બધું કર્યું."
ભીલે એ પણ કહ્યું કે કિશોર એક સ્થાનિક દુકાનદારને ત્યાં કામ કરે છે.
તેમણે કહ્યું, "તે મોટરસાઇકલ પર ખાવાપીવાની સામગ્રી મોકલે છે. મોટરસાઇકલ પણ દુકાનદારની છે."
ભીલના જણાવ્યા અનુસાર પીડિત કિશોરનો પરિવાર ગરીબ અને અભણ છે, એટલે ભયને પગલે એ લોકોએ આ ઘટના અંગે કોઈને વાત નહોતી કરી. વીડિયો પણ સોશિયલ મીડિયા પર દાઉદે જાતે જ પોસ્ટ કર્યો હતો.
આ દરમિયાન પાકિસ્તાના ટ્વિટર પર "arrestabdulsalamdawood" ઘણા સમય સુધી ટૉપ ટ્રૅન્ડ રહ્યો.
જોકે, સોશિયલ મીડિયા પર મળી રહેલા આ સમર્થન અંગે પીડિતના પરિવારને હજુ સુધી જાણ નથી.
નોંધનીય છે કે તાજેતરની વસતીગણતરી અનુસાર સિંધ પ્રાંતના થરપારકરની વસ્તી 15 લાખની આસપાસ છે અને અડધોઅડધ હિંદુ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો