બ્રિટન : ‘હું મુર્ખ હતો,’ એ બનાવટી લગ્ન જેમાં યુવતી સાથે સંબંધ બાંધવા જતા પુરુષે ગુમાવ્યા 1 કરોડ 85 લાખ રૂપિયા

- લેેખક, જોન ફિશર
- પદ, બીબીસી ક્યિવ સંવાદદાતા
બ્રિટનની એક સખાવતી સંસ્થાના કર્મચારીની સગાઈ યુક્રેનની એક યુવતી સાથે થઈ ત્યારે તેમણે વિચાર્યું હતું કે તેઓ તેમનાં ભાવિ પત્ની સાથે યુક્રેનના ઓડેસા નગરમાં આનંદભર્યાં જીવનનો પાયો નાખી રહ્યા છે, પરંતુ તેમની આ ધારણા ખોટી હતી.
જેમ્સની કાર વિલા ઓટ્રાડા ખાતે આવીને ઊભી રહી. બાવન વર્ષના એ બ્રિટિશ સખાવતી કર્મચારી તે ક્ષણની મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા.
યુક્રેનના બ્લૅક સીના કિનારે આવેલી રેસ્ટોરાંની બહાર રાહ જોઈ રહેલા જેમ્સ તેમની વાગ્દતા ઈરિનાને મળવા ઉત્સુક હતા.
ઈરિના તેમનાથી 20 વર્ષ નાનાં હતાં, મોહક વ્યક્તિત્વ ધરાવતાં હતાં અને તેણે હમણાં જ બ્લોન્ડ સ્ટાઈલમાં વાળ સેટ કરાવ્યા હતા.
સુંદર વસ્ત્રોમાં સજ્જ ઈરિનાનાં માતા-પિતા અને 60 આમંત્રિત મહેમાનો પણ નજીકમાં જ હતાં. જેમ્સ મોટરકારમાંથી ઊતર્યા એટલે તેમની રાહ જોઈ રહેલા લોકોના ટોળાએ તાળીઓ વગાડી.
એ 2017નો જુલાઈ મહિનો હતો અને ઓડેસામાં આકરા ઉનાળાની શરૂઆતના દિવસો હતા. વિલા ઓટ્રાડાની અગાસી પર ટેબલ્સ મૂકવામાં આવ્યાં હતાં.

થોડી ક્ષણો પછી જેમ્સ અને ઈરિનાએ તેમનાં લગ્નની પ્રતિજ્ઞાનું પઠન કર્યું હતું.
આ ક્ષણો આનંદમય હોવી જોઈતી હતી, પણ વાસ્તવમાં એવું કશું બન્યું ન હતું. મધરાત સુધીમાં તો જેમ્સ હૉસ્પિટલના ખાટલે પડ્યા હતા. માદક સામગ્રીયુક્ત પીણું પીવાને કારણે તેઓ માંદા પડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનાં લગ્ન થઈ ગયાં હતાં પરંતુ તેઓ જેને પ્રેમ કરતા હતા એ યુવતી સાથે નહીં, પરંતુ તેમની વેડિંગ પ્લાનર સાથે.
આ સ્ટોરી, એક બ્રિટિશ પુરુષે તેની જીવનભરની બચત ઉપરાંત તેમનું આત્મગૌરવ કઈ રીતે ગૂમાવ્યું તેની તેમજ યુક્રેનની ન્યાય વ્યવસ્થાએ તેમની સામે કઈ રીતે અટ્ટહાસ્ય કર્યું તેની છે.
તેમનું સાચું નામ જેમ્સ નથી.
તેઓ એટલા તો મૂંઝવણમાં મુકાયા છે કે તેમણે આ કથા બ્રિટનમાં તેમના પરિવારજનો સહિતની એકેય વ્યક્તિને કરી નથી. બીબીસીએ તેમના બૅન્કના દસ્તાવેજો, સત્તાવાર રેકૉર્ડઝ, ટેક્સ્ટ મૅસેજીસ અને આ ઘટનામાં સંડોવાયેલા ઘણા લોકો સાથે વાતચીત કરીને શું થયું હતું તેની ચકાસણી કરી હતી.

શેરલોક હોમ્સ?

સેન્ટ્રલ ઓડેસાની લાન્ઝેરોનિવસ્કા સ્ટ્રીટની ફૂટપાથની એક બાજુએ આવેલા મકાનના દરવાજે મોંમાં પાઈપ અને માથા પર ટોપી પહેરેલા એક માણસનું ચિત્ર જોવા મળે છે. અમે ખાનગી તપાસકર્તા રોબર્ટ પાપિન્યનની ઑફિસે પહોંચી છીએ.
અંદર એક ભૂતપૂર્વ પોલીસ કર્મચારી સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને બેઠા છે. તેમના માથાના વાળ કાળા રંગની ડાય વડે રંગેલા હોય એવું લાગે છે.
તેમની ઑફિસમાં બધું બ્રાન્ડેડ છે. લખવા માટે શેરલોક હોમ્સ નોટપેડ છે, શેરલોક હોમ્સ બિઝનેસ કાર્ડ છે અને તેમના ફોનનો રિંગટોન પણ શેરલોક હોમ્સની ભૂતપૂર્વ સોવિયેત સંઘની ટીવી સીરિયલની થીમ ટ્યૂન છે. (ભૂતપૂર્વ સોવિયેત વિશ્વના ઘણા લોકો દલીલ મુજબ, એ સીરિયલ શ્રેષ્ઠ છે)
જોકે, રોબર્ટ પાપિન્યનની કાર્યપદ્ધતિ અને બેકર સ્ટ્રીટ પરના પેલા કાલ્પનિક હીરોની કાર્યપદ્ધતિ વચ્ચે ખાસ કોઈ સંબંધ દેખાતો નથી.
રોબર્ટ પાપિન્યન હસતાં-હસતાં કહે છે કે "અમે પોલીસની સાથે મળીને કામ કરતા નથી. અમે મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. પૈસા ગેરકાયદે લેવામાં આવ્યા હતા. તેથી એ પૈસા પાછા મેળવવા માટે અમારે પણ ગેરકાયદે પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે."

ઓડેસામાંની રોબર્ટ પાપિન્યનની ઑફિસથી થોડેક જ દૂર ડેરિબાસોવ્સ્કાયા સ્ટ્રીટ આવેલી છે. એ શહેરમાં મનોરંજનનું કેન્દ્ર છે. ત્યાં સંખ્યાબંધ રેસ્ટોરાં અને બાર્સ આવેલાં છે.
એ વિસ્તારમાં સાંજે આંટો મારો તો પશ્ચિમના દેશોના પુરુષો તેમનાથી વયમાં ઘણી નાની યુક્રેનની યુવતીઓ સાથે રેસ્ટોરાંમાં ડીનર કરતા જોવા મળે. તેમની બાજુની ખુરશીઓ પર મોંઘીદાટ ડિઝાઈનર ગિફ્ટ્સ ભરેલી બૅગ પણ અચૂક જોવા મળે.
યુક્રેન યુરોપના સૌથી ગરીબ દેશો પૈકીનો એક દેશ છે. યુક્રેનમાં સરેરાશ માસિક વેતનનું પ્રમાણ આશરે 350 ડૉલર છે.
યુક્રેનમાં "ડેટિંગ" એજન્સી ધમધમી રહી છે. તે બહુઆયામી છે. તેમાં પે-પર-મેઇલ પ્રકારની ઈ-મેઇલ સર્વિસથી માંડીને વ્યક્તિગત મુલાકાતની "રોમાન્સ ટૂર્સ"નો સમાવેશ થાય છે, જેમાં પશ્ચિમના દેશોના પુરુષો તેમની સંભવિત યુક્રેનિયન "પત્નીઓ" સાથે મુલાકાત માટે હજ્જારો ડૉલર્સનો ખર્ચ કરે છે.
જોકે, જેમ્સ કહે છે કે તેઓ પ્રેમની શોધમાં ઓડેસા ગયા ન હતા.
પૂર્વ યુક્રેનના સંઘર્ષમય પ્રદેશમાંથી ભાગતાં બાળકોને આધાર આપવાના હેતુસરનો નવો પ્રોજેક્ટ શરૂ કરવા એક મિત્રએ 2015માં બ્રિટનમાં રહેતા જેમ્સની મદદ માગી હતી. યુરોપના બીજા ક્રમના સૌથી મોટા દેશમાં થોડા સમય પહેલાં જ ક્રાન્તિ થઈ હતી અને રશિયાએ બળવાખોરોને ટેકો આપીને તેનો પ્રતિભાવ આપ્યો હતો.

પરદેશમાં કામ કરવાનો અનુભવ જેમ્સ માટે નવો હતો, પણ તેમણે જુલિયા નામની ભાષાંતરકર્તા યુવતીની મદદ વડે એ કામમાં ઝંપલાવ્યું હતું. ઓડેસામાંના સેવાકાર્ય અને બ્રિટનમાંની પોતાની ફૂલ-ટાઈમ જોબ વચ્ચે સંતુલન સાધીને જેમ્સ અનેક મહિનાઓ સુધી યુક્રેન અને બ્રિટન વચ્ચે આવ-જા કરતા રહ્યા હતા.
એ દરમિયાન એક શિયાળામાં ભારે બરફવર્ષાને કારણે ઓડેસામાંનું કામ સદંતર થંભી ગયું હતું. ખાસ કશું કામ કરવાનું ન હતું. તેથી જુલિયાએ તેની એક બહેનપણી સાથે સ્નેહસંબંધ વિકસાવવાનું સૂચન જેમ્સને કર્યું હતું.
જેમ્સ કહે છે કે "એ યુવતીએ તેનાં અગાઉનાં બે લગ્ન બાબતે અને તે યુક્રેનના કોઈ પુરુષને ફરી શા માટે પરણવા નથી ઈચ્છતી એ મને પહેલી જ મુલાકાતમાં જણાવી દીધું હતું."
જેમ્સ અને પેલી યુવતીની વય વચ્ચે 20 વર્ષનો ફરક હતો, પણ જેમ્સ કહે છે કે બન્ને એકમેકની રાહ જોતા હોય એવા ઉમળકાથી સંબંધ બંધાઈ ગયો હતો. બન્ને જણાએ કેટલીક સાંજ સાથે પસાર કરીને ઓડેસાની નાઈટલાઈફનો આનંદ માણ્યો હતો.
જેમ્સને ઈરિના સાથે મજા પડતી હતી, પણ તેઓ બન્ને ક્યારેય એકલાં મળ્યાં ન હતા. ઈરિના ઓછામાં ઓછું અંગ્રેજી બોલતી હતી, જ્યારે જેમ્સ રશિયન કે યુક્રેનિયન ભાષા બોલતા ન હતા. તેથી ઓડેસામાં ડેટિંગના કિસ્સાઓમાં બને છે તેમ જુલિયા બન્ને વચ્ચે દુભાષિયા તરીકે કામ કરતી હતી અને તેને એ કામ કરવા માટે રોજના દોઢસો ડોલર ચૂકવવામાં આવતા હતા.
જેમ્સ કહે છે કે "જે કહેવામાં આવ્યું હોય તેનો કોઈ ત્રીજી જ વ્યક્તિ પુનરોચ્ચાર કરે એ થોડું વિચિત્ર લાગતું હતું, પણ મારી અને ઈરિના વચ્ચે કેમેસ્ટ્રી જામી ગઈ હતી."
તેનાથી વિપરીત રીતે જેમ્સ અને ઈરિના અલગ હોય ત્યારે તેમની વચ્ચે આસાનીથી કમ્યુનિકેશન થતું હતું. તેઓ વાઈબર નામની મૅસેજિંગ ઍપ વડે એકમેકની સાથે ફ્લર્ટિંગ કરતા હતા. વાઈબરમાં ટ્રાન્સલેશનની સુવિધા છે.
ઈરિનાએ જેમ્સને મોકલેલા એક મૅસેજમાં લખ્યું હતું કે "તમે મને ખરેખર પરિકથા જેવો અનુભવ આપ્યો છે. એ માટે તમારો ખૂબ જ આભાર...મને તારામાં ભરોસો છે. આ ખુશી મને માત્ર તું જ આપી શકે. આઈ લવ યુ."
એ પછીના છ મહિનામાં જેમ્સ ઓડેસા જતા ત્યારે તેઓ અને ઈરિના અનેકવાર મળ્યાં હતાં. તેમણે મોંઘીદાટ રેસ્ટોરાંમાં સાથે ઘણી વખત ભોજન કર્યું હતું અને ઓપેરા હાઉસ ખાતે સંગાથે અનેક સાંજ પસાર કરી હતી.
અલબત, તેમની વચ્ચેની આત્મિયતા મર્યાદિત હતી. તેમણે એકમેકને ચૂંબન પણ કર્યું ન હતું. ટ્રાન્સલેટર જુલિયા હંમેશાં તેમની સાથે રહેતી અને ઈરિનાએ જેમ્સને જણાવી દીધું હતું કે તે લગ્ન પહેલાં સેક્સમાં માનતી નથી.
જેમ્સ કહે છે કે "મેં વિચારેલું કે આ તો ઊંચા નૈતિક ધોરણની વાત છે. ઈરિનાનો ઉછેર ખરેખર સારી રીતે કરવામાં આવ્યો હતો."

ઈરિના સાથે સગાઈ

ઇમેજ સ્રોત, Getty Images
લગ્નના રિસેપ્શનના આઠ મહિના પહેલાં જેમ્સ અને ઈરિનાએ વિલા ઓટ્રાડા ખાતે ઍન્ગેજમેન્ટ પાર્ટી યોજી હતી. તે પ્રસંગના વીડિયોમાં જેમ્સ અને ઈરિના ડાન્સફ્લોર પર હળવે હળવે ડાન્સ કરતાં જોવા મળે છે. જેમ્સ અક્કડ લાગે છે, જ્યારે ઈરિના ચહેરા પર સ્મિત સાથે કૅમેરા ભણી વેવ કરતી દેખાય છે.
અમેરિકન ગાયિકા વ્હિટની હ્યુસ્ટને ગાયેલું પ્રેમગીત "કૂડ આઈ હેવ ધીસ કિસ ફોરેવર" ઓરડામાં ગૂંજે છે ત્યારે આકાશમાંથી ઝળહળાટ થયો હોય એવું લાગે છે. આ નવેમ્બર-2016નો, તેમની પહેલી મુલાકાતના 11 મહિના પછીનો પ્રસંગ હતો.
જુલિયા અને ઈરિના તરફથી કેટલાક નક્કર સંકેતો પછી જેમ્સે ઈરિના સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમ્સના કહેવા મુજબ, તેઓ ઈરિનાના પ્રેમમાં પડી ગયા હતા, પણ ઈરિનાની લાગણી બાબતે તેઓ કોઈ ભ્રમમાં ન હતા.
જેમ્સ કહે છે કે "પોતે યુક્રેનમાં ફસાયેલી હોય એવું ઈરિનાને લાગતું હતું."
"ઈરિના દેખીતી રીતે બુદ્ધિશાળી હતી અને યુક્રેન બહાર નીકળીને સારા ભવિષ્યનું નિર્માણ કરવા ઈચ્છતી હતી. અમારી વચ્ચેનો સંબંધ, પારસ્પરિક હિતનો સંબંધ હતો."
એ મહિલા જેમની કામુકતાના કરોડો યુવાનો દીવાના હતા
ઈરિનાને ઇંગ્લિશ શીખવાડવા માટેના વર્ગોની ફી પણ જેમ્સ ચૂકવતા થયા હતા. તેનાથી ઈરિનાના જેમ્સ સાથે બ્રિટન જવાનો માર્ગ મોકળો થશે, એવી આશા હતી, પરંતુ એલચી કચેરીના અધિકારીઓ સાથેની વાતચીત બાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે ઈરિનાને બ્રિટન લઈ જવાના માર્ગમાં અનેક સત્તાવાર અંતરાય સર્જાશે.
જેમ્સ કહે છે કે "એ પ્રક્રિયા અનેક વર્ષો સુધી ચાલવાની હતી."
તેથી જેમ્સે યુક્રેનમાં સ્થાયી થવાનો અને ઈરિના સાથે નવું જીવન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમ્સે બ્રિટનમાંની તેમની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું અને પોતાનું મકાન વેંચી નાખ્યું હતું. ઈરિનાના પ્રોત્સાહન સાથે તેમણે ઓડેસામાં સાથે રહેવા માટે મકાન શોધવાનું શરૂ કરી દીધું હતું.
જેમ્સ કહે છે કે "મકાનની ખરીદી અપેક્ષિત હતી, કારણ કે તેનાથી અમારા સંબંધને એક પ્રકારનું સ્થાયિત્વ મળવાનું હતું. બ્રિટનમાંના મારા દોસ્તો માનતા હતા કે મેં મોટો નિર્ણય લીધો છે, પણ મારું ભવિષ્ય ઊજળું હશે એ વિચારથી તેઓ રાજી હતા."
વાસ્તવમાં આ જેમ્સની સમસ્યાઓની શરૂઆત હતી.
એપાર્ટમેન્ટની ખરીદી

બ્રિટનથી યુક્રેનમાં નાણાં ટ્રાન્સફર કરવાનું ક્યારેય આસાન નથી હોતું. યુક્રેન યુરોપના સૌથી વધુ ભ્રષ્ટ દેશો પૈકીનો એક દેશ છે અને તેમાં અનેક હાઈ પ્રોફાઈલ બૅન્કિંગ કૌભાંડો થયાં છે. મની લૉન્ડરિંગ સંબંધી કાયદાઓનો અર્થ એ કે મર્યાદિત પ્રમાણમાં જ નાણાં ટ્રાન્સફર કરી શકાય. મોટા પ્રમાણમાં નાણાં ટ્રાન્સફર કરો તો તેના પ્રત્યે તરત જ ધ્યાન આકર્ષિત થાય.
તેથી જેમ્સના "એપાર્ટમેન્ટ"ના બે લાખ ડૉલર્સ યુક્રેનમાં ટ્રાન્સફર કરવા માટે ઈરિનાએ અસાધારણ માર્ગ સૂચવ્યો ત્યારે જેમ્સને બહુ આશ્ચર્ય થયું ન હતું.
નાણાં ઈરિનાના પર્સનલ અકાઉન્ટમાં જમા કરાવવાને બદલે જેમ્સને સૂચવવામાં આવ્યું હતું કે તેમણે એ નાણાં ઈરિનાની દોસ્ત અને વેડિંગ પ્લાનર ક્રિસ્ટિનાની કંપનીના અકાઉન્ટમાં જમા કરાવવા જોઈએ.
કેટલીક શંકા હોવા છતાં જેમ્સે એ નાણાં ક્રિસ્ટિનાને મોકલી આપ્યાં હતાં. નાણાં યુક્રેનમાં આવ્યાં ત્યારથી પરિસ્થિતિએ વાસ્તવિક વળાંક લીધો હતો.
ઈરિનાએ જેમ્સને જણાવ્યું હતું કે તેઓ ક્રિસ્ટિના સાથે કાયદેસર લગ્ન કરશે તો જ બૅન્ક તેમના પૈસા છૂટા કરશે.
તે ઔપચારિકતા રજિસ્ટ્રી ઑફિસમાં માત્ર 10 મિનિટમાં પૂરી થઈ જશે અને પછીની તારીખે છૂટાછેડા પણ લઈ શકાશે, એવું પણ ઈરિનાએ જેમ્સને જણાવ્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જેમ્સ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. લગ્નને થોડા દિવસ જ બાકી હતા ત્યારે ઈરિનાએ જેમ્સને ધમકી આપી હતી કે બેન્કમાંથી પૈસા છૂટા નહીં થાય અને રહેવા માટે પોતાના ઘરની વ્યવસ્થા નહીં થાય તો એ લગ્ન નહીં કરે.
ઈરિનાએ જેમ્સને વાઈબર મારફત મોકલેલા એક મૅસેજમાં જણાવ્યું હતું કે "મારી હાલત બહું ખરાબ છે. મારા સગાં -સંબંધી મને વેશ્યા ગણે એવું તમે ઈચ્છો છો."
જેમ્સ કહે છે, "તેના પરિવારજનો સહિતના 60 લોકો લગ્નમાં આવશે એવું મને જણાવવામાં આવ્યું હતું. હું લગ્ન માટે આગળ નહીં વધું અને ઈરિનાને નિરાશ કરીશ તો એ બધા લોકો મને મારીને અધમૂઓ કરી નાખશે, એવી ધમકી પણ આપવામાં આવી હતી."
"મને એમ પણ કહેવામાં આવ્યું હતું કે ક્રિસ્ટિનાને છૂટાછેડા આપવાનું અને પછી ઈરિનાને પરણવાનું આસાન નહીં હોય."
તેથી વાગ્દતા ઈરિના આપેલા પ્રોત્સાહનને પગલે જેમ્સે 2017ની 10 જુલાઈએ વેડિંગ પ્લાનર ક્રિસ્ટિના સ્તાખોવા સાથે લગ્ન કર્યાં હતાં.
જેમ્સ કહે છે કે "ઈરિના ઉછળકૂદ કરી રહી હતી. એ બહુ જ ખુશ હતી."
સદભાગ્યે જેમ્સના નાણાં બૅન્કે છૂટા કર્યાં. એ જ બપોરે ક્રિસ્ટિના અને ઈરિનાએ જેમ્સને જણાવ્યું હતું કે એ બે લાખ ડૉલર્સ તેમણે એક એપાર્ટમેન્ટ ખરીદવા માટે વાપરી નાખ્યા છે. જેમ્સને પછી ખબર પડી હતી કે ક્રિસ્ટિના અને ઈરિનાએ જે જગ્યા ખરીદી હતી તેની વાસ્તવિક કિંમત માત્ર 60,000 ડૉલર્સ હતી. વળી તે એપાર્ટમેન્ટની માલિકી જેમ્સની એકલાની નહીં, પણ તેની કાયદેસરની પત્ની ક્રિસ્ટિના સાથે સહિયારી હતી.
જેમ્સ કહે છે કે "હું એટલો બેવકૂફ હતો."

લગ્નનું રિસેપ્શન

ક્રિસ્ટિનાને પરણ્યાના એક દિવસ પછી જેમ્સ ઈરિના સાથેનાં તેમનાં લગ્નના વિલા ઓટ્રાડા ખાતે યોજાયેલા રિસેપ્શનમાં પહોંચ્યા હતા. જેમ્સનો પ્લાન કાયદા અનુસારની તમામ કાર્યવાહી પૂર્ણ કરવા ઉપરાંત ક્રિસ્ટિનાથી છૂટાછેડા લઈને ઈરિના સાથે કાયદેસર લગ્ન કરવાનો હતો.
અગાઉની માફક આ વખતે પણ બધો ખર્ચ જેમ્સે જ ચૂકવ્યો હતો.
યુરોપના ધારાધોરણો મુજબ યુક્રેન સસ્તો દેશ છે, પણ ક્રિસ્ટિનાએ લગ્નનું 20,000 ડૉલરનું અધધ કહેવાય તેવું આઈટમાઈઝ્ડ બિલ આપ્યું હતું.
જેમ્સને હવે સમજાયું છે કે લગ્નના એ રિસેપ્શન બધું જ એક કૌભાંડ હતું.
દરેક ચીજના ઊંચા દામ લગાવવામાં આવ્યા હતા. રિસેપ્શનમાં આવેલા 60 મહેમાનોને સમારંભમાં હાજર રહેવા માટે નાણાં ચૂકવવામાં આવ્યાં હતાં. જેમની ઓળખ ઈરિનાનાં માતા તરીકે આપવામાં આવી હતી એ વાસ્તવમાં ટ્રાન્સલેટર જુલિયાની મમ્મી હતાં. એ રિસેપ્શનમાં કદાચ જેમ્સ એકમાત્ર વ્યક્તિ એવા હતા જે માનતા હતા કે જે થઈ રહ્યું છે એ બધું વાસ્તવ છે.
જેમ્સને એ તબક્કા સુધી ખબર ન હતી કે તેની વાગ્દતા પરણેલી છે. બીબીસીએ સત્તાવાર રેકૉર્ડ્ઝની ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તે આંદ્રી સાયકોવને ઑગસ્ટ 2015માં પરણી હતી. જેમ્સ સાથેની મુલાકાતના ત્રણ જ મહિના પહેલાં.
વેડિંગ પ્લાનર ક્રિસ્ટિના પરણેલી હતી અને તેના પતિનું નામ ડેનીસ હતું, પણ ડેનીસ છેતરપીંડીના આ ખેલમાં સામેલ થવા તૈયાર હતો. સત્તાવાર રેકૉર્ડ્ઝ દર્શાવે છે કે જેમ્સ સાથે પરણવાના દસ્તાવેજો પર સહી કરવાના ત્રણ સપ્તાહ પહેલાં ક્રિસ્ટિનાએ ડેનીસને છૂટાછેડા આપ્યા હતા. જેમ્સને છેતરવાનો કાંડ પૂરો થયા પછી ક્રિસ્ટિનાએ ડેનીસ સાથે ફરી લગ્ન કરી લીધાં હતાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
લગ્નના રિસેપ્શન પછી જેમ્સ અને ઈરિનાની સુહાગરાત પહેલાં આકરું પગલું લેવામાં આવ્યું હતું. જેમ્સ માને છે કે ઈરિનાની કહેવાતી મમ્મીએ તેને માદક પદાર્થ ભેળવેલું પીણું પીવડાવ્યું હતું.
"એ મારાં ડ્રિન્ક્સ સાથે રમત રમતાં હતાં અને તેમાં માદક પદાર્થ ભેળવવામાં આવ્યો હતો તેની મને ખાતરી છે. એ પીધા પછી હું એકદમ ધ્રુજવા લાગ્યો હતો અને લોકો મને બહાર લઈ ગયા હતા."
જેમ્સની સુહાગરાત હૉસ્પિટલમાં પસાર થઈ હતી. ઈરિનાએ તેની સાથે જવાનો ઈનકાર કર્યો હતો અને બીજા દિવસે જેમ્સ પર આક્ષેપ કર્યો હતો કે તેમણે ચિકાર દારુ પીને તેના (ઇરિનાના) સગાંઓ સામે તેને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી હતી.
એ પછીના થોડા સપ્તાહ સુધી, પોતે હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને જેમ્સ હૉસ્પિટલમાં તેની ખબર ન આવે એવું જણાવીને ઈરિનાએ જેમ્સથી દૂર રહી હતી.
ઈરિનાએ જેમ્સને વાઈબર મારફત મોકલેલા મૅસેજમાં જણાવ્યું હતું કે "હું હૉસ્પિટલમાં છું અને તમે હૉસ્પિટલમાં મારી ખબર કાઢવા આવી શકશો નહીં, કારણ કે તમે મારા પતિ નથી. તમારા પાસપોર્ટમાં તમારી પત્નીનું નામ ક્રિસ્ટિના છે. હું મારી મમ્મી સાથે જ રહીશ."

તેમ છતાં જેમ્સે ઈરિનાના સારવાર ખર્ચ માટે 12,000 ડૉલર્સ ટ્રાન્સફર કર્યા હતા.
પાગલપણાનો આખરે અંત આવ્યો હતો. યુક્રેનવાસી એક દોસ્તે દરમિયાનગીરી કરી હતી અને જેમ્સને જણાવ્યું હતું કે જે એપાર્ટમેન્ટની કિંમત બે લાખ ડૉલર્સ ગણાવવામાં આવી છે તેનું વાસ્તવિક મૂલ્ય માત્ર 63,000 ડૉલર્સ, એટલે કે ચૂકવવામાં આવેલી કિંમત કરતાં 1,40,000 ડૉલર્સ ઓછું છે.
જેમ્સને આખરે સમજાયું હતું કે બન્ને યુવતીઓએ તેની સાથે અઢી લાખ ડૉલર્સની એટલે કે તેની જીવનભરની બચતના બે-તૃતિયાંશ હિસ્સાની છેતરપીંડી કરી છે.
જેમ્સ કહે છે કે "મને જોરદાર આઘાત લાગ્યો હતો. આ બધા લોકોએ એવું વર્તન કર્યું હતું અને પોતે ખોટું કરી રહ્યા હોવાનો વિચાર સુદ્ધાં કર્યો ન હતો. આ બધું માનવીય સમજની બહારનું છે."
સત્તાવાર ટ્રાન્સલેટર તાત્યાનાએ છેતરપીંડી પછી જેમ્સને તાળો મેળવવામાં મદદ કરી હતી.
તાત્યાના કહે છે કે "ઓડેસામાં લોકો સાથે થતી છેતરપીંડીની કથાઓ અમે દર વર્ષે સાંભળીએ છીએ, પરંતુ આ દૂર્ઘટનાનું સ્તર અલગ જ છે."

ન્યાય ન મળ્યો

આઘાતની ગર્તામાં સરી પડવાનું જેમ્સ કોઈક રીતે ટાળી શક્યા હતા. તેમણે તેમની શક્તિ પોતાના પૈસા પાછા મેળવવા પર અને ન્યાય મેળવવા પર કેન્દ્રીત કરી હતી.
જેમ્સ કહે છે કે "મેં પૈસા ટ્રાન્સફર કર્યા તેના બૅન્ક દસ્તાવેજો મારી પાસે હતા અને અમારી વચ્ચે વાઈબર પર થયેલી મૅસેજની આપ-લે પણ હતી. મને આશા હતી કે ગૂંચ ઉકેલાઈ જશે."
વાસ્તવમાં જેમ્સે યુક્રેનની ન્યાય વ્યવસ્થામાંની ખામીઓના પાઠ ભણવાના હતા.
જેમ્સ તેમની સાથે જે થયું હતું તેની રજૂઆત, તેમણે એકઠા કરેલા પુરાવા સાથે ઓડેસા પોલીસ સમક્ષ ચાર વખત રજૂઆત કરી હતી.
જેમ્સ કહે છે કે "પોલીસે દર વખતે મારી હાંસી ઉડાવી હતી."
યુક્રેનનું પોલીસ દળ અને ખાસ કરીને ઓડેસાનું પોલીસ દળ ગુનાખોરી સામે લડવાની બાબતમાં ભ્રષ્ટ પ્રતિષ્ઠા ધરાવે છે. જેમ્સ સાથે લગ્નના નામે કરવામાં આવેલી છેતરપીંડી જેવાં કૌભાંડ તો ઓડેલા પોલીસની અગ્રતા યાદીમાં સૌથી નીચલા ક્રમે છે.
જેમ્સના વકીલ અન્ના કોઝેર્ગા કહે છે કે "અહીંની પોલીસે કંઈ કર્યું જ ન હોય એવા સંખ્યાબંધ કેસીસ છે. પગલાં લેવા માટે આપણે પોલીસને સતત કહેતા રહેવું પડે છે."
પોલીસ પગલાં લે એટલા માટે તેમને લાંચ આપવી પડે છે, પણ જેમ્સે લાંચ આપવાનો સતત ઈનકાર કર્યો હતો.

ઈરિના અને ક્રિસ્ટિનાની પૂછપરછ કરવામાં આવી હતી, પણ જેમ્સે દસ્તાવેજો રજૂ કર્યા અને અન્ના કોઝેર્ગાએ રજૂઆત કરી હોવા છતાં ઈરિના અને ક્રિસ્ટિના પર કોઈ આરોપ મૂકવામાં આવ્યા ન હતા.
અમે ઓડેસા પોલીસનો સંપર્ક કર્યો હતો, પણ જેમ્સના કેસ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો તેમણે ઈનકાર કર્યો હતો.
આ કેસમાં એટલી જ પ્રગતિ થઈ છે કે જેમ્સના ક્રિસ્ટિના સાથેના લગ્ન બોગસ હોવાનું સ્વીકારવામાં આવ્યું છે અને જેમ્સને 63,000 ડૉલરના એપાર્ટમેન્ટના એકમાત્ર માલિક જાહેર કરવામાં આવ્યા છે.
કોવિડ-19 મહામારીના અંત પછી એપાર્ટમેન્ટની કિંમતમાં વધારો થશે એવી આશામાં જેમ્સે તેનું વેચાણ કર્યું નથી, પણ વેચાણ થશે ત્યારેય તેમને, તેમણે તેના માટે જે બે લાખ ડૉલર્સ ચૂકવ્યા હતા એટલા નાણાં તો મળવાના જ નથી.

જબરો ખેલ

પોલીસને આ કેસમાં જરાય રસ નથી ત્યારે જેમ્સ ઓડેસાના બિનપરંપરાગત શેરલોક હોમ્સ રોબર્ટ પાપિન્યન પર મોટો મદાર રાખીને બેઠા છે.
જેમ્સ કહે છે કે "અમે પોલીસ અને બીજી તમામ યંત્રણા મારફત ન્યાય મેળવવાના પ્રયાસ કર્યા છે. સીધી રીતે ન્યાય ન મળે ત્યારે, કમનસીબે, રમત રમવી પડે છે."
આ રમત એટલે તપાસકર્તાને ફી તરીકે 3,000 ડૉલર્સ ઉપરાંત જો નાણાં પાછાં મળે તો તેના 30 ટકા કમિશન તરીકે ચૂકવવાના.
રોબર્ટ પાપિન્યનની રીતરસમ અજાણી નથી. તેમણે અમારી સમક્ષ કબુલ્યું હતું કે એક સાધન તરીકે તેઓ ધમકીનો પણ ઉપયોગ કરે છે.
અમે તેમની ઑફિસની મુલાકાત લીધી ત્યારે ત્રણ ખડતલ પુરુષો તેમની ઑફિસના દરવાજે બેઠા હતા. રોબર્ટ પાપિન્યન માને છે કે આ કૌભાંડમાં સ્ત્રીઓ ચાલકબળ છે, પણ તેઓ એ સ્ત્રીઓ સાથે તેમના પતિઓ મારફત વાત કરી રહ્યા છે.
રોબર્ટ પાપિન્યન તેમના સંપર્કની માહિતી આપે છે અને અમે તેમના સુધી પહોંચીએ છીએ. ક્રિસ્ટિનાના બે વખતના પતિ ડેનીસે, જે કાર તેમનો સતત પીછો કરી રહી છે એ કારના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. ડેનીસે ફરિયાદ કરી હતી કે રોબર્ટ પાપિન્યનના માણસો બળજબરીથી પૈસા પડાવે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ઈરિનાના પતિ એન્ડ્રીયે એવો પ્રત્યુતર આપ્યો હતો કે કંઈક ગડબડ થઈ હશે. તેઓ અમારી વાત તેમનાં પત્ની સુધી પહોંચાડશે. ઈરિનાએ અમારો સંપર્ક ક્યારેય કર્યો નથી, પણ તેનું ડેટિંગ પ્રોફાઈલ આજે પણ ઑનલાઈન હોવાનું અમે શોધી કાઢ્યું હતું. તેમાં ઈરિનાએ પોતાની ઓળખ ત્યક્તા બેબીસીટર તરીકે આપી છે અને એવું વચન આપ્યું છે કે "મારું હૃદય એક પુરુષ માટે, માત્ર એક જ પુરુષ માટે છે."
બ્રિટનથી જેમ્સ હવે ઈરિનાને બદલે રોબર્ટ પાપિન્યનને ટ્રાન્સલેટેડ મૅસેજીસ વાઈબર મારફત મોકલે છે. જેમ્સને આશા છે કે તેમને થોડા વધુ પૈસા પાછા મળશે.
રોબર્ટ પાપિન્યને લેટેસ્ટ વાઈબર મૅસેજમાં જણાવ્યું છે કે "મારા માણસો ઓડેસા નજીકના ચેર્નોમોર્સ્ક શહેરમાં બે સપ્તાહ પહેલાં ગયા હતા."
"અમને ઈરિના તેના ઘર નજીક જોવા મળી હતી. નાણાંની ચૂકવણી માટે અમે તેને 20 જૂન સુધીનો સમય આપ્યો છે."
જેમ્સે તેની આશા જીવંત રાખવા માટે ઘણું સહન કર્યું છે. તેમને સખાવતી સંસ્થામાં નોકરી મળી ગઈ છે અને તેઓ જીવનમાં આગળ વધવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તેમની ઓળખ છૂપી રાખે છે તેનું કારણ એ છે કે તેમના નોકરીદાતાઓ સાવધ થઈ જાય એવું તેઓ ઈચ્છતા નથી. તેમની સાથે અઢી લાખ ડૉલરની છેતરપીંડી કરવામાં આવી છે એવું જાહેર થાય એ સારું નહીં.
"મારી સાથે શું થયું હતું તેની વાત મેં મારા પરિવારને પણ કરી નથી. હું તેમને દુઃખી કરવા ઈચ્છતો નથી."
આ સ્ટોરી વાંચીને "જેમ્સ કેવા મૂર્ખ છે," એવું કોઈ કહે તો તેમને તમે શું કહેશો, એવા સવાલના જવાબમાં જેમ્સ કહે છે કે "તેઓ સાચા હશે."
જેમ્સના જણાવ્યા મુજબ, યુક્રેનમાં રોમાન્સ કરવા માટે લલચાતા અન્ય લોકોને ચેતવણી આપવા માટે તેમણે તેમની કથા બીબીસીને જણાવવાનો નિર્ણય કર્યો હતો.
રાહતની એક વાત એ છે કે બ્રિટનના વિદેશ વિભાગે જેમ્સના પીડાદાયક અનુભવને ધ્યાનમાં લઈને યુક્રેન માટેની ટ્રાવેલ એડવાઈસમાં ફેરફાર કર્યો છે.
વિદેશ વિભાગના વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે "લગ્નના નામે છેતરપીંડીની અને વિદેશી નાગરિકો પાસેથી નાણાં પડાવવાની ઘટનાઓ બને છે. તમે આવા કૌભાંડનો ભોગ બનશો તો તમારા નાણાં પાછા મળવાની શક્યતા, કમનસીબે, બહુ ઓછી છે."

શું છે રોમાન્સ ફ્રોડ?

એક્શન ફ્રોડના જણાવ્યા અનુસાર, રોમાન્સ કૌભાંડમાં ગુનેગારો પહેલાં તેમના સંભવિત શિકારનો વિશ્વાસ હાંસલ કરે છે અને તેઓ સાચી રિલેશનશીપમાં હોવાની ખાતરી કરાવે છે.
પછી તેમની પાસેથી પૈસા પડાવે છે. આવા ગુનેગારોની વિનતી લાગણીપ્રચૂર હોઈ શકે છે. ઈમરજન્સી તબીબી સારવાર માટે કે પરદેશ રહેતા સંભવિત શિકારને મળવા જવાના પ્રવાસ ખર્ચ માટે પોતાને પૈસાની જરૂર છે એવો દાવો ગુનેગારો કરતા હોય છે.
કૌભાંડકર્તાઓ તેમના સંભવિત શિકાર સાથે લાંબો સમય સબંધ બાંધીને તેમનો વિશ્વાસ જીતતા હોય છે.
કોઈની સાથે થોડા સમય પહેલાં જ ઑનલાઈન મુલાકાત થઈ હોય તો પૈસા મોકલવાની તેમની વિનતી પર ધ્યાન આપવું નહીં.
આવા કિસ્સામાં તમારા પરિવારજનો અથવા દોસ્તોની સલાહ લેવી.
પ્રોફાઈલ ફોટોગ્રાફ્સ ભળતા જ હોવાની શક્યતા છે. ફોટોગ્રાફ્સની ખરાઈ કરવા માટે રીવર્સ ઈમેજ સર્ચનો ઉપયોગ કરવો.
તમે રોમાન્સ કૌભાંડનો ભોગ બન્યા હો તો તેમાં મૂંઝાવા જેવું કંઈ નથી, કારણ કે આવા કૌભાંડમાં બીજા ઘણા લોકો ફસાયેલા છે. તમારી બૅન્કનો તત્કાળ સંપર્ક કરો અને કૌભાંડની જાણકારી બૅન્કને આપો.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












