એ વ્યક્તિની કહાણી, જેમણે બામિયન બુદ્ધની પ્રતિમા તોડવામાં મદદ કરી

મિર્ઝા હુસેન
    • લેેખક, નસીર બેહઝાદ અને દાઉદ કારિઝદહ
    • પદ, બીબીસી અફઘાન

મહિનાઓ બાદ અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચે પ્રથમ ઔપચારિક શાંતિવાર્તા શનિવાર શરૂ થઈ ગઈ.

આ શાંતિવાર્તાનો ઉદ્દેશ બે દાયકાથી ચાલી રહેલા એ યુદ્ધને ખતમ કરવાનો છે, જેણે હજારો લોકોના જીવ લીધા છે.

અખાતના દેશ કતારમાં આ શાંતિવાર્તા ચાલી રહી છે. અમેરિકન વિદેશમંત્રી માઇક પૉમ્પિયોએ બન્ને પક્ષો વચ્ચે થઈ રહેલી આ બેઠકને 'ઐતિહાસિક' ગણાવી છે.

તેઓ આ વાર્તાના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા માટે કતારની રાજધાની દોહા પહોંચ્યા છે.

ભારતના વિદેશમંત્રી જયશંકર પણ ઓનલાઇન માધ્યમ થકી આ કાર્યક્રમમાં ભાગ લેશે.

ભારતીય વિદેશમંત્રાલયે જણાવ્યું છે કે મંત્રાલયના સંયુક્ત સચિવ જે.પી. સિંહ દોહા પહોંચી ગયા છે. તેઓ આ ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય પ્રતિનિધિ તરીકે હાજર રહેશે.

અહીં એ વાત મહત્ત્વપૂર્ણ છે કે બે દાયકા પહેલાં તાલિબાનને અફઘાનિસ્તાનથીમાંથી હઠાવવા માટે અમેરિકા અને અન્ય દેશોએ યુદ્ધ શરૂ કર્યું હતું.

તાલિબાન અફઘાનિસ્તાનનું ઇસ્લામિકરણ ઇચ્છતું હતું અને એ નીતિના ભાગરૂપે જ બામિયાનની વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધપ્રતિમા તોડી પાડવામાં આવી હતી.

મિર્ઝા હુસેન માત્ર 26 વર્ષના હતા જ્યારે તાલિબાનના કમાન્ડરોએ તેમને તેમના જ વિસ્તાર બામિયાનમાં આવેલી જાણીતી બુદ્ધની પ્રતિમાને બૉમ્બથી ઉડાવી દેવા આદેશ આપ્યો હતો.

એક સમયે દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ રહી ચૂકેલી બુદ્ધની પ્રતિમાનો વિનાશ કરવામાં આવ્યો હતો જેણે દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી હતી.

બુદ્ધની પ્રતિમા 14 વર્ષ પહેલાં તોડી પડાઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી અફઘાનિસ્તાનમાં ઘણાં પરિવર્તન આવ્યાં છે. પણ મિર્ઝા હુસેનના મગજમાં હજુ જૂની યાદો તાજી છે.

તેઓ કહે છે, "પહેલા તેમણે ટૅન્ક અને તોપોથી બુદ્ધની પ્રતિમા પર હુમલો કર્યો. પરંતુ જ્યારે તેની કોઈ અસર ન થઈ, તો તેમણે વિસ્ફોટકથી તેને ઉડાવવાનું નક્કી કર્યું."

આ કામ માટે તેમની સાથે અન્ય લોકોને પણ જોતરવામાં આવ્યા હતા, જેમને તાલિબાને બંધક બનાવ્યા હતા.

બામિયાન શહેરના અન્ય લોકોની જેમ મિર્ઝા હુસેન પણ એક શિયા મુસ્લિમ છે અને તેથી તેમને સુન્ની તાલિબાનીઓ દ્વારા દુશ્મન અને કાફરની નજરે જોવામાં આવતા હતા.

તાલિબાને આ ડુંગરાળ વિસ્તાર પર મે 1999માં કબજો મેળવ્યો હતો અને તેના માટે લાંબી લડાઈ પણ ચાલી હતી. અહીંના સ્થાનિકો કાં તો ભાગી ગયા હતા કાં તો બંધક બનાવી લેવાયા હતા.

line

લાકડી પર બૉમ્બ

બામિયાન

ઇમેજ સ્રોત, Getty Images

મિર્ઝા હુસેન કહે છે, "હું 25 કેદીઓમાંથી એક હતો. ત્યાં કોઈ નાગરિક નહોતા. શહેરમાં બધા જ તાલિબાની લડાકુઓ હતા. તેમણે અમને પસંદ કર્યા હતા કેમ કે ત્યાં બીજું કોઈ નહોતું. અમે કેદીઓ હતા અને અમારી સાથે ખૂબ જ ખરાબ વ્યવ્હાર થતો હતો.'

બામિયાનની ખીણ સામે ઊભા રહીને મિર્ઝા હુસેન કહે છે તાલિબાનીઓ પ્રતિમા તોડવા માટે વિસ્ફોટકો અને હથિયારો લઈને આવ્યા હતા.

તેઓ કહે છે, 'તાલિબાનીઓ ટ્રકના માધ્યમથી વિસ્ફોટકો લાવ્યા હતા. પછી અમે તેમને હાથેથી ઉપાડીને પ્રતિમા સુધી લઈ ગયા. મોટા બૉમ્બને અમે લાકડી સાથે બાંધીને લઈ જતા હતા.'

2001ની વસંત ઋતુ અને ઠંડી હવાઓને યાદ કરતાં તેઓ કહે છે કે એ લોકોને ગમે તે સમયે વિસ્ફોટ કે તો તાલિબાનીઓના હાથે મૃત્યુ માટે તૈયાર રહેતા હતા.

તેઓ કહે છે, "મને યાદ છે કે એક વ્યક્તિ પગે ચાલી શકતી નહોતી એટલે વિસ્ફોટક ઉપાડી શકે એમ નહોતી. તાલિબાનીઓએ તેમને ત્યાં જ ગોળી મારી દીધી હતી અને બીજા કેદીને મૃતદેહને નાશ કરવા સોંપી દીધો હતો.'

બામિયાન બુદ્ધ

  • છઠ્ઠી સદીમાં જ્યારે બામિયાન પવિત્ર સ્થળ હતું ત્યારે પ્રતિમા બનાવવામાં આવી હતી.
  • 629 ADમાં ચાઇનીઝ પ્રવાસી ઝુઆંગઝેંગે બામિયાનને તેમનું સેન્ટર ગણાવ્યું હતું જ્યાં હજારો સાધુઓ આવ્યા હતા.
  • સૌથી ઊંચી પ્રતિમાઓ 55 મિટર અને 37 મિટરની હતી
  • માર્ચ 2001માં તેને તોડી પડાઈ હતી.

ઘટનાને યાદ કરતા મિર્ઝા હુસેન કહે છે, "જ્યારે મોટો ધમાકો થયો, બુદ્ધની પ્રતિમાની સામેનો વિસ્તાર ધુમાડા અને આગમાં લપેટાઈ ગયો હતો. હવામાં માત્ર ગન પાવડરની ગંધ આવી રહી હતી."

જોકે, આ ધમાકામાં માત્ર બુદ્ધની મોટી પ્રતિમાના પગ જ નાશ પામ્યા હતા.

line

તાલિબાન દ્વારા ઉજવણી

બામિયાન

ઇમેજ સ્રોત, Getty Images

આ ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા થઈ હતી પણ તેનાથી તાલિબાનને કોઈ ફેર નહોતો પડ્યો.

તે બાદ વધારે બૉમ્બ લાવવામાં આવ્યા હતા જે સાબુ જેવા દેખાતા હતા અને સ્પર્શવાથી લોટ જેવા લાગતા હતા.

મિર્ઝા હુસેન કહે છે, "ત્યાર પછી તેઓ બુદ્ધની પ્રતિમાનો પૂર્ણ વિનાશ કરવા માટે દરરોજ બેથી ત્રણ વિસ્ફોટ કરતા હતા."

"અમે પ્રતિમામાં કાણું પાડ્યું અને તેની અંદર બૉમ્બ મુક્યો. અમારી પાસે પૂરતાં અને યોગ્ય સાધન નહોતા. આખી પ્રક્રિયાને 25 દિવસ લાગ્યા હતા."

લોકોને રોટલી અને થોડા ભાત જ ખાવા માટે અપાતા હતા.

મિર્ઝા હુસેન કહે છે કે તેમની પાસે માત્ર એક જ જોડી કપડાં હતાં જે તેઓ રોજ પહેરતા હતા અને કડકડતી ઠંડીથી બચવા તેમની પાસે માત્ર નાનો ધાબળો હતો.

જ્યારે અંતે આખી પ્રતિમાઓ તૂટી ગઈ ત્યારે તાલિબાને ઉજવણી કરી હતી.

તેઓ કહે છે, "તાલિબાનીઓ હવામાં ફાયરિંગ કરતા હતા. નાચતા હતા અને ઉજવણી કરવા માટે તેઓ નવ ગાયને કુરબાની કરવા માટે લાવ્યા હતા."

line

'કોઈ વિકલ્પ નહીં'

બામિયાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આજે મિર્ઝા હુસેન બામિયાનમાં વાહન રિપેર કરે છે.

તેઓ કહે છે કે હવે તેઓ શહેરમાં સુરક્ષિત અનુભવે છે અને આશા રાખે છે કે સરકાર તેમજ વિદેશી ફંડની મદદથી બુદ્ધની પ્રતિમાઓ ફરી બનાવવામાં આવશે.

પ્રતિમા તોડવામાં તેમની પોતાની ભૂમિકા હોવાથી આજે તેઓ માત્ર અફસોસ કરી શકે તેમ છે.

તેઓ કહે છે, "એ સમયે મને ખૂબ અફસોસ થયો. આજે પણ અફસોસ થાય છે અને હંમેશાં રહેશે. પરંતુ હું ના કહી શકું તેમ નહોતો. મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. જો ના કહ્યું હોત તો તેઓ મને મારી નાખ્યો હોત."

હાલ તો એવું લાગતું નથી કે નજીકના ભવિષ્યમાં ફરી પ્રતિમાઓ ઊભી થઈ શકશે.

વર્ષોથી એક પ્રતિમા બનાવવી કે તે જગ્યાએ ઘટનાની યાદમાં જેમ છે તેમ જ છોડવી તેના પર ચર્ચાઓ ચાલી રહી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો