પાકિસ્તાન જઈને કેમ ભણી રહ્યા છે કાશ્મીરી વિદ્યાર્થીઓ?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, શ્રીનગરથી, બીબીસી ગુજરાતી માટે
દર વર્ષે જમ્મુ-કાશ્મીરના ડઝનબંધ વિદ્યાર્થીઓ પાકિસ્તાનની કૉલેજોમાં પ્રવેશ મેળવે છે, જેમાં મેડિકલ તથા એંજિનિયરિંગ જેવા અભ્યાસક્રમોનો પણ સમાવેશ થાય છે.
ગત બે દાયકા દરમિયાન સેંકડો વિદ્યાર્થીઓએ આવી રીતે પાકિસ્તાનની કૉલેજોમાં ઉચ્ચ અભ્યાસ માટે ઍડમિશન લીધાં છે. હાલમાં પણ લગભગ 350 વિદ્યાર્થી પાકિસ્તાનની કૉલેજોમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે.
નામ ન જાહેર કરવાની શરતે એક કાશ્મીરીએ આ વાત બીબીસીને જણાવી. તેમની પુત્રી પાકિસ્તાનના પંજાબ પ્રાંતની મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરે છે. તેમણે જણાવ્યું કે અનેક કાશ્મીરી યુવક-યુવતીઓ અન્ય અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓ શા માટે પાકિસ્તાનની કૉલેજોને પસંદ કરે છે, તે અંગે પૂછતાં તેમણે કહ્યું, "પહેલાં લોકો માનતા કે જો બાળકોને તબીબી અભ્યાસ માટે બહાર મોકલવા હોય તો રશિયા કે અન્ય કોઈ દેશમાં મોકલવા જોઈએ. પરંતુ હવે તેઓ પાકિસ્તાન મોકલે છે અને તેમાં ખોટું પણ શું છે?"

'પાકિસ્તાનમાં ભણતર સસ્તું'

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
તેમણે કહ્યું, "જે કૉલેજમાં મારી દીકરીને ઍડમિશન મળ્યું છે, તે ત્યાંની શ્રેષ્ઠ કૉલેજોની યાદીમાં ત્રીજાક્રમે છે."
"માતાપિતાની ઇચ્છા હોય કે તેમના સંતાન સારી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણે. એટલે મને મારો નિર્ણય યોગ્ય લાગ્યો. વિશેષ કરીને દીકરીની બાબતમાં માતાપિતા ઇચ્છે છે કે તેઓ સફળ થાય."
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "અન્ય દેશોની સરખામણીએ પાકિસ્તાનમાં ભણતર સસ્તું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું કે તેમની પુત્રીનું ઍડમિશન SAARC (સાઉથ એશિયન ઍસોસિયેશન ફૉર રિજનલ કૉર્પોરેશન)ના ક્વોટા હેઠળ થયું છે. જેમાં સૅમેસ્ટરદીઠ માત્ર રૂ. 36 હજારની જ ફી ચૂકવવી પડે છે.
પાકિસ્તાનમાં અભ્યાસ કરી રહેલા અન્ય એક વિદ્યાર્થીના ભાઈ પોતાની ઓળખ છતી નથી કરવા માગતા, તેમણે કહ્યું કે તેઓ પણ ભણવા માટે પાકિસ્તાન જવા માગે છે.
તેમણે કહ્યું, "લોકોને લાગે છે કે જો સંતાનો પાકિસ્તાનમાં ભણતા હોય, તો જાણે કે ઘરે જ ભણતા હોય છે."
તેમણે કહ્યું, "પાકિસ્તાની કૉલેજો ભારત જ નહીં, પરંતુ બીજા અનેક દેશ કરતાં સસ્તી છે. ત્યાં બૅઝિક ફી બહુ ઓછી છે અને તે મુસ્લિમ દેશ છે."
"તેઓ કાશ્મીરીઓને બહારના નથી સમજતા. આથી, ત્યાં ભણવા જતાં કાશ્મીરી વિદ્યાર્થીઓ અસલામતીની ભાવના નથી અનુભવતા."

કાશ્મીરી વિદ્યાર્થીઓ માટે ક્વૉટા

ઇમેજ સ્રોત, BILAL BAHADUR
ગત બે દયાકાથી પાકિસ્તાનની સરકાર જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને તબીબી તથા એંજિનિયરિંગ જેવા વ્યવસાયિક અભ્યાસક્રમોમાં ખાસ ક્વૉટા આપે છે.
આ વિદ્યાર્થીઓનને મુખ્યત્વે વિદેશી વિદ્યાર્થી તરીકે શિક્ષણ મંત્રાલય મારફત અરજી કરનાર વિદ્યાર્થી તથા સ્કૉલરશિપ હેઠળ પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થી એમ બે શ્રેણીમાં વેચવામાં આવે છે.
તાજેતરમાં જ મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ (MCI) જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થીઓ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની મેડિકલ કૉલેજમાંથી ડિગ્રી મેળવશે, તેમને માન્ય રાખવામાં નહીં આવે.
પોતાની જાહેર નોટિસમાં કાઉન્સિલે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે તથા પાકિસ્તાને તેના કેટલાક વિસ્તાર ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો છે. આથી, એ વિસ્તારમાંથી મેળવવામાં આવેલી કોઈપણ ડિગ્રી ભારતમાં માન્ય નહીં રહે.
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાંથી અભ્યાસ કરનાર કોઈપણ વિદ્યાર્થીને મેડિકલ કાઉન્સિલ ઍક્ટ હેઠળ માન્યતા આપવામાં નહીં આવે.
પાકિસ્તાનમાં તબીબી અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું, "બાળકોને અભ્યાસાર્થે પાકિસ્તાન મોકલવાનો ક્રમ વર્ષ 2002થી શરૂ થયો હતો. જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓની પહેલી બૅચ વર્ષ 2003માં પાકિસ્તાન ગઈ હતી અને તે આજપર્યંત ચાલુ છે."
ફેબ્રુઆરી-2020માં પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે 1600 કાશ્મીરી વિદ્યાર્થીઓને પાકિસ્તાનની યુનિવર્સિટીઓમાં સ્કૉલરશિપ આપવાની જાહેરાત કરી હતી.

સ્કૉલરશિપ વિવાદ બાદ ગિલાનીનું રાજીનામું

ઇમેજ સ્રોત, AFP
તાજેતરમાં કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની (હુર્રિયત રિયત કૉન્ફરન્સના પૂર્વ ચૅરમૅન)એ પોતાના રાજીનામાની જાહેરાત કરી, ત્યારે પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.
પોતાના પત્રમાં ગિલાનીએ હુર્રિયત સાથેનો છેડો ફાડવાની જાહેરાત કરી હતી, સાથે જ તેમણે મુઝ્ઝફરાબાદ ચૅપ્ટર ઉપર ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ પણ મૂક્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગિલાનીને તેમની તપાસમાં માલૂમ પડ્યું હતું કે કાશ્મીરી વિદ્યાર્થીઓ માટેની મેડિકલની બેઠકોમાં કેટલીક ખામીઓ હતી. એવી પણ ચર્ચા હતી કે આ સીટોને વેચવામાં આવી હતી.
એવું માનવામાં આવે છે કે કાશ્મીરના ભાગલાવાદી નેતા પાકિસ્તાનમાં ઍડમિશન માટે વિદ્યાર્થીઓને ભલામણ-પત્ર લખી આપતા.
હુર્રિયત કૉન્ફરન્સના એક સક્રિય કાર્યકર્તાએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું : "એ ખરું કે સૈયદ અલી શાહ ગિલાની તથા મૌલવી ઉમર ફારુખ એમ બંને જૂથના નેતા કાશ્મીરી વિદ્યાર્થીઓને પાકિસ્તાનમાં પ્રવેશ મળે તે માટે ભલામણપત્ર લખી આપતા હતા."
"કેટલાંક વર્ષ પહેલાં સુધી હુર્રિયતમાં સાત કાર્યકારી સભ્ય હતા. એ દરેક ચાર-ચાર વિદ્યાર્થીને પ્રવેશ માટે ભલામણપત્ર લખી આપતા હતા."
પાર્ટીના અન્ય એક બળવાખોર સભ્યે જણાવ્યું કે ભારતીય સુરક્ષાબળો સાથે અથડામણમાં માર્યા ગયેલા કાશ્મીરીઓના સગા-સંબંધીને આ પત્ર આપવામાં આવતા.

સરકારની નજર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કેટલાક રિપોર્ટ મુજબ, અભ્યાસ માટે પાકિસ્તાન જનાર વિદ્યાર્થીઓ ભારતીય સુરક્ષા એજન્સીના રડાર ઉપર રહે છે.
તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે કેટલાક વિદ્યાર્થીને પોલીસે સમન આપીને બોલાવ્યા હતા અને તેમને ઍડમિશન તથા રસના વિષય સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી હતી.
બીબીસી સ્વતંત્ર રીતે આ અહેવાલોની પુષ્ટિ નથી કરતું.
બીબીસીએ આ મુદ્દે કાશ્મીર ઝોનના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (આઈજીપી) વિજય કુમાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી ન હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












